यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥ ભ.ગી.૬.૨૦ ||
योग के अभ्यास से निरुद्ध चित्त जिस अवस्था में उपराम हो जाता है और जिस अवस्था में परमात्मा के ध्यान से शुद्ध हुई सूक्ष्म बुद्धि द्वारा परमात्मा को साक्षात करता हुआ सच्चिदानन्दघन परमात्मा में ही सन्तुष्ट रहता है॥
યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ ચિત્ત ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં સ્વયં પોતે-પોતાથી પોતે-પોતાનો સાક્ષાત્કાર કરતો પોતે-પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે.
આ શ્લોકની ટીકા શ્રી રામસુખદાસજી પાસેથી જ જાણીએ :
ટીકા – ’યત્રોપરમતે ચિત્તં… પશ્યન્નાત્મનિ તુષ્યતિ’ – ધ્યાનયોગમાં પહેલાં ’મનને કેવળ સ્વરૂપમાં જ જોડવાનું છે’ એ ધારણા કહેવામાં આવે છે. આવી ધારણા થયા પછી સ્વરૂપ સિવાય બીજી કોઈ વૃત્તિ પેદા થઈ પણ જાય, તો તેની ઉપેક્ષા કરીને તેને હઠાવી દેવાથી અને ચિત્તને કેવળ સ્વરૂપમાં જ જોડવાથી જ્યારે મનનો પ્રવાહ કેવળ સ્વરૂપમાં જ લાગી જાય છે, ત્યારે તેને ધ્યાન કહે છે. ધ્યાનને સમયે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય – આ ત્રિપુટી રહે છે અર્થાત સાધક ધ્યાનને સમયે પોતાને ધ્યાતા (ધ્યાન કરવાવાળો) માને છે, સ્વરૂપમાં તદ્રૂપ થવાવાળી વૃત્તિને ધ્યાન માને છે અને સાધ્યરૂપ સ્વરૂપને ધ્યેય માને છે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આ ત્રણેનું અલગ-અલગ જ્ઞાન રહે છે, ત્યાં સુધી તે ’ધ્યાન’ કહેવાય છે. ધ્યાનમાં ધ્યેયનું પ્રાધાન્ય હોવાને કારણે સાધક પહેલાં પોતાનામાં ધ્યાતાપણું ભૂલી જાય છે. પછી ધ્યાનની વૃત્તિ પણ ભૂલી જાય છે. અંતમાં કેવળ ધ્યેય જ જાગ્રત રહે છે એને ’સમાધિ’ કહે છે. આ ’સંપ્રજ્ઞાત-સમાધિ’ થાય છે. આ બેઉ સમાધિઓમાં ભેદ એ છે કે જ્યાં સુધી ધ્યેય, ધ્યેયનું નામ અને નામ-નામીનો સંબંધ – આ ત્રણે ચીજો રહે છે, ત્યાં સુધી તે ’સંપ્રજ્ઞાત સમાધિ’ હોય છે. આને જ ચિત્તની ’એકાગ્ર’ અવસ્થા કહે છે. પરંતુ જ્યારે નામની સ્મૃતિ ન રહીને કેવળ નામી (ધ્યેય) રહી જાય છે, ત્યારે તે ’અસંપ્રજ્ઞાત સમાધિ’ હોય છે. આને જ ચિત્તની ’નિરુદ્ધ’ અવસ્થા કહે છે.
નિરુદ્ધ અવસ્થાની સમાધિ બે પ્રકારની હોય છે – સબીજ અને નિર્બીજ. જેમાં સંસારની સૂક્ષ્મ વાસના રહે છે, તે ’સબીજ સમાધિ’ કહેવાય છે. સૂક્ષ્મ વાસનાને કારણે સબીજ સમાધિમાં સિદ્ધિઓ પ્રગટ થઈ જાય છે. એ સિદ્ધિઓ સાંસારિક દૃષ્ટિએ તો ઐશ્વર્ય છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ (ચેતનતત્વની પ્રાપ્તિમાં) વિઘ્નો છે. ધ્યાનયોગી જ્યારે એ સિદ્ધિઓને નિસ્તત્વ સમજીને તેમનાથી ઉપરામ થઈ જાય છે, ત્યારે તેની ’નિર્બીજ સમાધિ’ થાય છે, જેનો અહીં (આ શ્લોકમાં) ’નિરુદ્ધમ’ પદથી સંકેત કરવામાં આવ્યો છે.
ધ્યાનમાં સંસારના સંબંધથી વિમુખ થતાં એક અદ્વિતીય શાંતિ અને સુખ મળે છે, કે જે સંસારનો સંબંધ રહેતાં કદી નથી મળતું. સંપ્રજ્ઞાત-સમાધિમાં તેનાથી પણ વિલક્ષણ સુખનો અનુભવ થાય છે. આ સંપ્રજ્ઞાત-સમાધિથી પણ અસંપ્રજ્ઞાત-સમાધિમાં વિલક્ષણ સુખ મળે છે. જ્યારે સાધક નિર્બીજ સમાધિમાં પહોંચે છે, ત્યારે તેમાં બહુ જ વિલક્ષણ સુખ કે આનંદની પ્રાપ્તિ છે. યોગનો અભ્યાસ કરતાં-કરતાં ચિત્ત નિરુદ્ધ-અવસ્થા નિર્બીજ સમાધિથી પણ ઉપરામ થઈ જાય છે અર્થાત યોગી, એ નિર્બીજ સમાધિનું પણ સુખ નથી લેતો કે તેના સુખનો ભોક્તા નથી બનતો. તે સમયે તે પોતાના સ્વરૂપમાં પોતાની જાતનો અનુભવ કરતો રહીને પોતાની જાતમાં સંતુષ્ટ થાય છે.
’ઉપરમતે’ પદનું તાત્પર્ય એ છે કે ચિત્તનું સંસાર સાથે તો પ્રયોજન રહ્યું નહિ અને સ્વરૂપને પકડી શકતું નથી. કારણ કે ચિત્ત પ્રકૃતિનું કાર્ય હોવાથી જડ છે અને સ્વરૂપ ચેતન છે. જડ ચિત્ત ચેતન સ્વરૂપને કેવી રીતે પકડી શકે? નથી પકડી શકતું. એટલા માટે તે ઉપરામ થઈ જાય છે. ચિત્ત ઉપરામ થતાં યોગીનો ચિત્ત સાથે સર્વથા સંબંધ-વિચ્છેદ થઈ જાય છે.
’તુષ્યતિ’ કહેવાનું તાત્પર્ય એ છે કે તેના સંતોષનું બીજું કોઈ કિંચિતમાત્ર પણ કારણ નથી રહેતું. કેવળ પોતાનું સ્વરૂપ જ તેના સંતોષનું કારણ રહે છે.
આ શ્લોકનો સાર એ છે કે પોતાના દ્વારા પોતાનામાં જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે. તે તત્વ પોતાની અંદર જેવું છે તેવું છે. કેવળ સંસાર સાથે પોતાનો સંબંધ માનવાને કારણે ચિત્તની વૃત્તિઓ સંસારમાં લાગે છે, જેથી એ તત્વની અનુભૂતિ નથી થતી. જ્યારે ધ્યાનયોગ દ્વારા ચિત્ત સંસારથી ઉપરામ થઈ જાય છે, ત્યારે યોગીનો ચિત્તથી તથા સંસારથી સર્વથા સંબંધ-વિચ્છેદ થઈ જાય છે. સંસારથી સર્વથા સંબંધ-વિચ્છેદ થતાં જ તેને પોતાની જાતમાં જ પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ જાય છે.
વિશેષ વાત: જે તત્વની પ્રાપ્તિ ધ્યાનયોગથી થાય છે તે જ તત્વની પ્રાપ્તિ કર્મયોગથી થાય છે. પરંતુ આ બે સાધનોમાં થોડું અંતર છે. ધ્યાનયોગમાં જ્યારે સાધક્નું ચિત્ત સમાધિના સુખથી પણ ઉપરામ થઈ જાય છે, ત્યારે તે પોતાની મેળે પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ થઈ જાય છે. કર્મયોગમાં જ્યારે સાધક મનમાં રહેલી સઘળી કામનાઓનો સર્વથા ત્યાગ કરી દે છે, ત્યારે તે પોતાની મેળે પોતાના સ્વરૂપમાં સંતુષ્ટ થાય છે (ગીતા ૨/૫૫)
ધ્યાનયોગમાં પોતાના સ્વરૂપમાં મન લાગવાથી જ્યારે મન સ્વરૂપમાં તદાકાર થઈ જાય છે, ત્યારે સમાધિ લાગે છે. તે સમાધિથી પણ જ્યારે મન ઉપરામ થઈ જાય છે, ત્યારે યોગીનો ચિત્ત સાથે સંબંધ-વિચ્છેદ થઈ જાય છે અને તે પોતાની જાતમાં સંતુષ્ટ થઈ જાય છે.
કર્મયોગમાં મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, શરીર વગેરે પદાર્થોનો અને સઘળી ક્રિયાઓનો પ્રવાહ કેવળ બીજાઓના હિતની તરફ થઈ જાય છે, ત્યારે મનમાં રહેલી સઘળી કામનાઓ છૂટી જાય છે. કામનાઓનો ત્યાગ થતાં જ મનથી સંબંધ-વિચ્છેદ થઈ જાય છે અને તે આપોઆપ સંતુષ્ટ થઈ જાય છે.
પરિશિષ્ટ ભાવ : મન આત્મામાં લાગતું નથી, બલ્કે ઉપરામ થઈ જાય છે. કારણ કે મનની જાતિ અલગ છે અને આત્માની જાતિ અલગ છે. મન અપરા પ્રકૃતિ (જડ) છે અને આત્મા પરા પ્રકૃતિ (ચેતન) છે. તેથી આત્મા જ આત્મા સાથે જોડાય છે – ’આત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ.’
પોતે-પોતાનામાં પોતે-પોતાને જોવો એનું તાત્પર્ય છે કે આત્મતત્વ પરસંવેદ્ય (બીજાથી જાણી શકાય તેવો) નથી બલ્કે સ્વસંવેદ્ય છે. મનથી જે ચિંતન કરવામાં આવે છે, તે મનના વિષય (અનાત્મા)નું જ ચિંતન થાય છે, પરમાત્માનું નહીં. બુદ્ધિથી જે નિશ્ચય કરવામાં આવે છે, તે બુદ્ધિના વિષયનો જ નિશ્ચય હોય છે, પરમાત્માનો નહીં. વાણીથી જે વર્ણન કરવામં આવે છે, તે વાણીના વિષયનું જ વર્ણન થાય છે, પરમાત્માનું નહીં. તાત્પર્ય એ છે કે મન, બુદ્ધિ, વાણીથી પ્રકૃતિનાં કાર્ય (અનાત્મા)નું જ ચિંતન, નિશ્ચય અને વર્ણન કરવામાં આવે છે, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ મન-બુદ્ધિ-વાણીથી સર્વથા વિમુખ (સંબંધ-વિચ્છેદ) થવાથી જ થાય છે.
અહીં જે તત્વની પ્રાપ્તિ ધ્યાનયોગથી બતાવવામાં આવી છે, તે જ તત્વની પ્રાપ્તિ બીજા અધ્યાયના પંચાવનના શ્લોકમાં કર્મયોગથી પણ બતાવવામાં આવી છે. ફરક માત્ર એટલો જ છે કે ધ્યાનયોગ કરણ-સાપેક્ષ છે, પરંતુ કર્મયોગ કરણ-નિરપેક્ષ સાધન છે. કરણ-સાપેક્ષ સાધનમાં જડતાથી સંબંધ-વિચ્છેદ થતાં વાર લાગે છે અને એમાં યોગભ્રષ્ટ થવાની સંભાવના રહે છે.