Daily Archives: 25/05/2014

ધ્યાનના પ્રયોગો (૨૩)

સંબંધ: ધ્યાનયોગી તત્વથી ચલાયમાન કેમ નથી થતો – એનું કારણ આગળના શ્લોકમાં બતાવે છે.

यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥ ભ.ગી.૬.૨૨ ||

परमात्मा की प्राप्ति रूप जिस लाभ को प्राप्त होकर उसे अधिक दूसरा कुछ भी लाभ नहीं मानता और परमात्मा प्राप्ति रूप जिस अवस्था में स्थित योगी बड़े भारी दुःख से भी चलायमान नहीं होता |

જે લાભ પ્રાપ્ત થતાં એનાથી વધુ બીજો કોઈ અધિક લાભ નથી માનતો, અને જેમાં સ્થિત રહેલો યોગી ઘણા ભારે દુ:ખથી પણ વિચલિત કરી શકાતો નથી.

ટીકા – ’યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તત:’ – મનુષ્યને જે સુખ પ્રાપ્ત છે, તેનાથી અધિક સુખ દેખાતું હોય તો તે તેના લોભમાં આવીને વિચલિત થઈ જાય છે. જેમકે, કોઈને એક કલાકના સો રૂપિયા મળે છે. જો તેટલા જ સમયમાં બીજી જગાએ હજાર રૂપિયા મળતા હોય, તો તે સો રૂપિયાની સ્થિતિથી વિચલિત થઈ જશે અને હજાર રૂપિયાની સ્થિતિમાં ચાલ્યો જશે. નિદ્રા, આળસ અને પ્રમાદનું તામસી સુખ પ્રાપ્ત થવા છતાં પણ જ્યારે વિષયજન્ય સુખ વધારે સારું લાગે છે, તેમાં અધિક સુખ માલૂમ પડે છે, ત્યારે મનુષ્ય તામસ સુખને છોડીને વિષયજન્ય સુખની તરફ દોડીને ચાલ્યો જાય છે. એવી જ રીતે જ્યારે તે વિષયજન્ય સુખથી ઊંચે ચડે છે, ત્યારે તે સાત્વિક સુખને માટે વિચલિત થઈ જાય છે; અને જ્યારે તે સાત્વિક સુખથી પણ ઊંચે ચડે છે ત્યારે તે આત્યંતિક સુખને માટે વિચલિત થઈ જાય છે (ઉદાહરણ તરીકે બુદ્ધ અને મહાવીર). પરંતુ જ્યારે આત્યંતિક સુખ પ્રાપ્ત થઈ જાય છે, તો પછી વિચલિત નથી થતો; કેમકે આત્યંતિક સુખથી વધીને બીજું કોઈ સુખ કે કોઈ લાભ છે જ નહિ. આત્યંતિક સુખમાં સુખની સીમા આવી જાય છે. ધ્યાનયોગીને જ્યારે એવું સુખ મળી જાય, તો પછી તે એ સુખથી વિચલિત થઈ જ કેવી રીતે શકે?

યસ્મિન્સ્થિતો ન દુ:ખેન ગુરુણાપિ વિચાલ્યતે’ – વિચલિત થવાનું બીજું કારણ એ છે કે લાભ તો અધિક થતો હોય, પરંતુ સાથે મહાન દુ:ખ હોય, તો મનુષ્ય તે લાભથી વિચલિત થઈ જાય છે. જેવી રીતે, હજાર રૂપિયા મળતા હોય, પરંતુ સાથે જીવનું પણ જોખમ હોય, તો મનુષ્ય હજાર રૂપિયાથી વિચલિત થઈ જાય છે. એવી જ રીતે મનુષ્ય જે કોઈ સ્થિતિમાં સ્થિત હોય, ત્યાં કોઈ ભયંકર આફત આવી જાય, તો મનુષ્ય તે સ્થિતિને છોદી દે છે. પરંતુ અહીં ભગવાન કહે છે કે આત્યંતિક સુખમાં સ્થિત થતાં યોગીને મોટામાં મોટા દુ:ખથી પણ વિચલિત નથી કરી શકાતો. જેવી રીતે, કોઈ કારણથી તેના શરીરને ફાંસી આપી દેવામાં આવે, શરીરના ટુકડે-ટુકડા કરી દેવામાં આવે, આપસમાં ભિડાતા બે પહાડોની વચમાં શરીર દબાવીને પીસી નાખવામાં આવે, જીવતેજીવ શરીરની ચામડી ઉતારી નાખવામાં આવે, શરીરમાં જાતજાતનાં છિદ્રો પાડવામાં આવે, ઊકળતા તેલમાં શરીર નાખવામાં આવે – આ રીતનાં વધારે મોટાં મહાભયંકર દુ:ખો એકસાથે આવવા છતાં પણ તે વિચલિત નથી થતો.

તેને વિચલિત કેમ નથી કરી શકાતો? કારણ કે જેટલાં પણ દુ:ખો આવે છે, તે બધાં પ્રકૃતિના રાજ્યમાં અર્થાત શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિમાં જ આવે છે, જ્યારે આત્યંતિક સુખ, સ્વરૂપબોધ પ્રકૃતિથી અતીત તત્વ છે. પરંતુ જ્યારે પુરુષ પ્રકૃતિસ્થ થઈ જાય છે અર્થાત શરીરની સાથે તાદાત્મ્ય કરી લે છે, ત્યારે તે પ્રકૃતિજન્ય અનુકૂળ-પ્રતિકુળ પરિસ્થિતિમાં પોતાને સુખી-દુ:ખી માનવા લાગી જય છે (ગીતા -૧૩/૨૧). જ્યારે તે પ્રકૃતિથી સંબંધ-વિચ્છેદ કરીને પોતાના સ્વરૂપભૂત સુખનો અનુભવ કરી લે છે અને તેમાં સ્થિત થઈ જાય છે, પછી પ્રાકૃતિક દુ:ખ તેના સુધી પહોંચી જ નથી શકતું અને તેને સ્પર્શ જ નથી કરી શકતું. એટલા માટે શરીરમાં ગમે તેટલી આપત્તિ આવવા છતાં પણ તેને પોતાની સ્થિતિથી વિચલિત નથી કરી શકાતો.

પરિશિષ્ટ ભાવ: આ શ્લોક બધાં સાધનોની કસોટી છે. કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ વગેરે કોઈ પણ સાધનામાં આ કસોટીએ પોતાને તપાસવો જોઈએ. પોતાની સ્થિતિ સમજવા માટે આ શ્લોક સાધકને બહુ જ ઉપયોગી છે. જીવમાત્રનું ધ્યેય એ જ રહે છે કે મારું દુ:ખ મટી જાય અને સુખ મળી જાય. તેથી આ શ્લોકમાં જણાવેલી સ્થિતિ દરેક સાધકે પ્રાપ્ત કરવી જોઈએ, અન્યથા તેની સાધના પૂરી થઈ નથી. સાધક વચ્ચે અટકી ન જાય, પોતાની અધુરી સ્થિતિને જ પૂરી ન માની લે, તે માટે તેણે આ શ્લોક પોતાની સામે રાખવો જોઈએ.

જેમાં લાભનો તો અંત નથી અને દુ:ખનો લેશ પણ નથી – એવું દુર્લભ પદ દરેક મનુષ્યને પ્રાપ્ત થઈ શકે છે ! પરંતુ તે ભોગ અને સંગ્રહ સાથે તાદાત્મ્ય કરીને અનર્થ કરી લે છે, જેનો કોઈ અંત નથી.

Categories: અધ્યાત્મ / યોગ, ભગવદ ગીતા | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.