કસક શબ્દનો અર્થ

મિત્રો,
આજે હું ભગવદ ગો મંડલ માં ’કસક’ શબ્દનો અર્થ જોતો હતો. તેમાં ’કસક’ ના છ અર્થ બતાવ્યા છે.

૧. અભિલાષા, અરમાન
૨. કળતર, શૂળ
૩. જૂનું વેર
૪. દુ:ખ, પીડા
૫. મરડવાથી થતું દુ:ખ
૬. હમદર્દી, સહાનુભૂતિ

પ્રથમ ૫ અર્થ અને છેલ્લાં અર્થ વચ્ચે થોડો વિરોધાભાસ હોય તેવુ લાગ્યું. જો પ્રથમ ૫ દિલમાંથી નીકળી જાય તો રાહત થાય અને છેલ્લી વાત જો દિલમાંથી નીકળી જાય તો માણસ મનુષ્યત્વ ખોઈ બેસે. ઘણાં લોકોની દિલમાંથી ’કસક’ નીકળી જતી હોય છે તે જો પ્રથમ ૫ અર્થના સંદર્ભમાં હોય તો તેમને અભિનંદન અને છેલ્લાં અર્થના સંદર્ભમાં હોય તો તેમને માટે સહાનુભૂતિની લાગણી થયાં વગર ન રહે.

ભગવદ ગો મંડલ પ્રમાણે ’કસક’ નો અર્થ

Categories: સાહિત્ય | Tags: , | 12 Comments

Post navigation

12 thoughts on “કસક શબ્દનો અર્થ

  1. DIPAK DHOLAKIA

    ભગ્વદ્ગોમંડલમાં એની વ્યુત્પત્તિ ’કષ્ટ’માંથી દેખાડી છે અને તમે કહ્યા તે અર્થ આપ્યા છે. કે. કા. શાસ્ત્રીના બૃહદ્‍ ગુજરાતી કોશમાં ક્રિયાપદ ’કસકવું’ છે પણ નામ તરીકે ’કસક’ નથી. આનું કારણ એ કે ગુજરાતીમાં આ શબ્દનો ઉપયોગ જવલ્લે જ થયો હશે જે ભગવદ્ગોમંડલના સંકલન વખતે ધ્યાનમાં આવ્યો હશે પરંતુ બૃહદ્‍ ગુજરાતી કોશના સંકલન વખતે ધ્યાન અહાર રહ્યો છે. આના પરથી આ શબ્દનો ઉપયોગ બહુ થોડા સમય માટે થયો હશે એમ લાગે છે, જે પછી અંધ થઈ ગયો. મૂળ આ શબ્દ મુખ્ય રૂપે ઉર્દુમાં અને હિન્દુસ્તાની (એટલે કે સામાન્ય રીતે બોલાતી હિન્દી)માં છે.
    ભગવદ્ગોમંડલમાં આપેલા અર્થોમાંથી ’કસક’નીસૌથી નજીકનો અર્થ શૂળ કે પીડા છે. ’કસક’ એટલે એક અભાવની લાગણી, કશુંક હોય અને છૂટી ગયું, અથવા કરવાનું બાકી રહી ગયું એવી લાગણી. કાંટો લાગે અને એ નીકળી જાય તે પછી પણ ત્યાં દુખ્યા કરે એના જેવી આ લાગણી છે.
    કે. કા. શાસ્ત્રી ’કસકવું’ ક્રિયાપદ આપે છે એનો અર્થ એ કે એનું ધાતુરૂપ ’કસક’ છે! પરંતુ એનો પણ સ્વતંત્ર ઉલ્લેખ નથી. અહીં તમારી ’કસક’ તો નામ રૂપે છે!

    • મારી કોઈ ’કસક’ નથી – આ તો મેં ભુપેન્દ્રસિંહજી અને અશોકભાઈના પ્રતિભાવોમાં ’કસક’ શબ્દ વાંચેલો તેથી મને તેના વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ.

  2. DIPAK DHOLAKIA

    તમારી ‘કસક’ વિશે મેં માત્ર મશ્કરીમાં લખ્યું હતું. ખોટું લાગ્યું હોય તો માફ કરશો. તમને કઈં પસંદ ન આવે તો મારી કૉમેન્ટ બ્લૉક કરી દેશો તો હું એને તમારો અધિકાર માનીશ. પરંતુ આ વખતે પ્રસિદ્ધ કરી તે માટે આભાર માન્યા વિના પણ ન ચાલે. શબ્દો અને ભાષાની ચર્ચા મને સારી લાગતી હોવાથી લખવાની ઇચ્છા થઈ જતી હોય છે. તમારે બહાને મેં પણ બે ગ્રંથોમાં નજર નાખી; એ પણ મારા જ લાભમાં છે.

    • હું કોઈ પણ બાબતને ગૂંચવી નાખવાને બદલે સ્પષ્ટતા કરવામાં માનુ છું તેથી આપને તરત જ જણાવવું જરુરી લાગ્યું : કારણ કે ’કસક’ એટલે શું તે પણ હું જ્યારે ન જાણતો હોઉ ત્યારે મારી ’ક્સક’ ક્યાંથી હોઈ શકે? મને કશું ખોટું લાગ્યું નથી. આપની જેવા ભાષા વિશારદ પાસેથી ઘણું જાણવા મળે છે.

  3. वो न आये तो होती है कसक सी दिल में,
    वो जो आये तो खलीश और जवाँ होती है..

  4. ભગવદ્ગોમંડળ મુજબ ફારસી મૂળના “ખલિશ” શબ્દના નીચે મુજબ અર્થ મળ્યા છે.

    અફસોસ.
    એક જાતનું માછલું.
    અટકાવવું; તે; બોલાવવું તે.
    ચિંતા.
    દુઃખ.
    શંકા.

    આમાં ચિંતા, દુખ, શંકા, અફસોસ તો સમજાયા. પણ એક જાતનું માછલું પણ હોય છે તે આજે જ જાણ્યું. વળી, અટકાવવું ને બોલાવવું એ પણ નવી વાત છે મારા માટે. (અહી બોલાવવું નો અર્થ કદાચ કોઈ જતું હોય તેને રોકવા પોકારવું તેવો થતો હશે?)

  5. DIPAK DHOLAKIA

    ખલિશ એટલે મીઠું દર્દ. મીઠી ચળ કે ખંજવાળ, ખંજવાળવાથી દર્દ થાય અને મઝા પણ આવે. જૂઓ, કદાચ આ અર્થ શ્રી જયસાહેબે ક્વોટ કરેલા શેરમાં ફિટ થતો જણાય છે.

    • મારે ત્યાં તો કોઈની આવન-જાવન હોતી નથી તેથી મને તો આવો કશો અનુભવ નથી. પણ જેમને ત્યાં આવન-જાવન થતી હોય તેમને આ અર્થ ફિટ થાય છે કે નહીં તે પુછીએ તો ખ્યાલ આવે. છે કોઈ તમારા ધ્યાનમાં કે જેને આ અર્થ જયસાહેબના શેરમાં ફિટ થાય છે કે નહીં તે પુછી શકાય?

  6. મારી દ્રષ્ટીએ તો આ અર્થ મેં ક્વોટ કરેલા શેરમાં બેસે છે. પ્રિયપાત્ર જ્યારે ન હોય ત્યારે એની ગેરહાજરી ખુચે છે, ખટકે છે. અને એ આવે ત્યારે આનંદ તો થાય છે પણ સાથે સાથે જવાનો ડર અને જુદા પડી જવાની બીક પણ લાગે છે. આમ દર્દ ને આનંદ બન્ને સાથે હોય છે..એ ખલિશ.
    જેમ કે,
    વસ્લ કા દિન ઔર કિતના મુખ્તસર,
    દિન ગીને જાતે થે ઇસ દિન કે લિયે..

  7. 🙂
    વસ્લ=મિલન, મુખ્તસર=short (and sweet )

Leave a reply to atuljaniagantuk Cancel reply

Create a free website or blog at WordPress.com.