Daily Archives: 20/11/2010

વિશ્વ શાંતિ માટે ધ્યાન

કાર્તિકી પૂનમ (વિક્રમ સંવત ૨૦૬૭)

મિત્રો,
આ જગત અનેક પ્રકારના દ્વંદ્વોથી ભરેલું છે. બાળકોને દિવાળી વેકેશન આવતી કાલે પુરુ થશે. અમને થયું કે આખું વેકેશન તો કશે જઈ નથી શકાયું તો બે દિવસ બાળકોને ક્યાંક બહાર લઈ જઈએ તે બહાને અમને પણ થોડો હવાફેર થશે. અમદાવાદમાં મારા મામા અને કવિતાના બહેન બંને રહે છે તેથી થયું કે બંનેને મળાશે અને ખૂબ જ ઝડપથી વિકસી રહેલાં ગુજરાતના અવ્વલ નંબરના શહેરની ઘણાં વખતે મુલાકાત પણ લેવાશે. દર વખતે અમદાવાદમાં કશોક નવો મિજાજ હોય. આ વખતે “ખેલે ગુજરાત” ની શરુઆત માટેનો અમદાવાદનો ઉત્સાહ જોવા મળ્યો. જે શહેરમાં પરિવહન કીફાયતી અને પુરતા પ્રમાણમાં હોય તે શહેરનો વિકાસ ઝડપથી થાય. અમદાવાદની BRTS બસ સેવાથી હું ઘણો પ્રભાવીત થયો.

આજે ભાવનગર પાછા ફરતાં રસ્તામાં વિરામ માટે બસ ઉભી રહી સાંજ ઢળી ચૂકી હતી અને તેમ છતાં પુરે પુરુ અંધારુ નહોતું થયું હજુ પણ સૂર્યનો થોડો ઘણો ઉજાસ સાંજને ખુશનુમા બનાવી રહ્યો હતો (સામાન્ય રીતે ખુશનુમા સવાર અને ઉદાસી તરફ લઈ જતી સાંજ હોય છે). અને અચાનક મારું ધ્યાન સુર્યાસ્તની દિશાની બરાબર વિપરિત દિશામાં ગયું અને જાણે કે પાછો સુર્ય ઉગ્યો હોય તેવો ચન્દ્રમાં પ્રકાશતો હતો. તરત જ મેં તેનો ફોટો પાડ્યો અને કવિતા પાસે તેના વખાણ કરવા લાગ્યો કે અરે કવિ જો તો ખરી આ ચન્દ્ર કેવો શોભે છે! તો કવિતા કહે આજે કારતક મહિનાની પૂનમ છે એટલે કે વિક્રમ સંવત ૨૦૬૭ ની પ્રથમ પૂર્ણિમા. જુદા જુદા લોકો પુનમની ઉજવણી જુદી જુદી રીતે કરતાં હોય છે. કેટલાંક લોકો વિશ્વ શાંતિ માટે દર પૂનમે ધ્યાન કરે છે. તો આપણે પણ શક્ય હોય તો જ્યારે જ્યારે અનુકુળતા હોય ત્યારે મનમાંથી તરંગ વહાવીએ કે:

સર્વે ભવન્તુ સુખિન:
સર્વે સન્તુ નિરામયા:
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
મા કશ્ચિત દુ:ખમાપ્નુયાત ||


[Youtube=http://www.youtube.com/watch?v=YxCj1i5Eydg]


નોંધ: કવિતાના માનવા પ્રમાણે ૨૦ તારીખે પૂનમ હતી પણ ખરેખર પૂનમ ૨૧ તારીખે છે. ટુંકમાં આખું યે જગત મનોમય છે જો તમે માનો કે આજે પૂર્ણિમા છે તો તે તમારા માટે પૂર્ણિમા બની જાય અને જો તમે માનો કે આજે અમાસ છે તો તે તમારા માટે અમાસ બની જાય. ધર્મને સીધો સંબંધ મન સાથે છે – ધારયતિ ઈતિ ધર્મ – એટલે કે મન જેવી ધારણા કરે તેવો માનવી માટે ધર્મ બને છે. જન્મથી અનેક માન્યાતાઓ બાળક પર આરોપવામાં આવે છે અને ત્યાર બાદ તે માન્યતાઓથી બંધાઈને તે પોતાનું જીવન ઘડે છે. પરંતુ પ્રત્યેક બાબતને સમજી ચકાસીને જીવનારો આ પ્રકારની આરોપીત કરેલી માન્યતાઓથી મુક્ત રહીને પોતાનું સ્વતંત્ર જીવન જીવી શકે છે.


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.