ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈ:
ન હિ સૂપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા:
ઉદ્યમ દ્વારા જ સફળતા પ્રાપ્ત થાય છે ક્યારેય માત્ર મનોરથ કરવાથી કાર્ય સિદ્ધ થઈ શકે નહિં. સુતેલા સિંહના મુખમાં કોઈ પ્રાણી કદી તેની મેળે આવીને પ્રવેશ કરતું નથી.
શું કારણ વગર કાર્ય સંભવે ખરું? કાર્ય કર્યા વગર સફળતા મળે ખરી? શું Work ની પહેલાં Success હોય? હા હોય, પણ માત્ર Dictionaryમાં. આલ્ફાબેટીકલી ગોઠવણ કરીએ તો અંગ્રેજી Dictionaryમાં Work ની પહેલા Success આવે – પરંતુ જીવનમાં પુરુષાર્થ વગર, કાર્ય કર્યા વગર સફળતા કદી ન મળે. ઘણાં લોકો જાતજાતની કલ્પનાઓ કરતાં હોય છે અને ભાતભાતના સ્વપ્નાઓ જોતાં હોય છે. પરંતુ કલ્પનાઓને મૂર્તીમંત કરવા અને સ્વપ્નાઓને સાકાર કરવા કશો પુરુષાર્થ કરતાં નથી. ઘણાં સમયના અંતે તેમની કલ્પનાઓ હવાઈ કિલા સાબીત થાય છે અને સ્વપ્નાઓ ચકનાચૂર થઈ જાય છે. ત્યારે તેઓ આંસુ સારતા એમ કહે છે કે જીવનમાં કશી મજા આવતી નથી. જો તેમણે પોતાની કલ્પનાઓને મૂર્તિમંત કરવા તથા સ્વપ્નાઓને સાકાર કારવા પુરુષાર્થ કર્યો હોત તો આજે માથે હાથ દઈને રોવા બેસવાનો વારો ન આવ્યો હોત.
બેંજામીન ફ્રેંકલિન તેમની આત્મકથામાં કહે છે કે:
At the working man’s door, hunger looks in but dare not to enter.
કાર્ય કરતી વ્યક્તિ, કોઈને કોઈ પુરુષાર્થમાં જોડાયેલી વ્યક્તિના બારણામાં ભુખ કદાચ ડોકીયું કરી જાય પરંતુ તેના ઘરમાં પ્રવેશવાની હિંમત કરી શકતી નથી.
ઘણાં લોકો તો કાર્યને જ પૂજા માને છે. મારા પિતાજીએ તેમની રુમના દરવાજા પર Work is Worship એવું સૂત્ર ટાંગેલું. તેઓ આજીવન કાર્યરત રહ્યાં અને આનંદપૂર્વક જીવ્યાં.
કોઈ પણ આળસુ માણસ ક્યારેય સફળ ન થઈ શકે. જે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળ થઈ હોય તે જરૂર પુરુષાર્થી રહી જ હોવી જોઈએ. કેટલાંક વિદ્વાનો તો પરિશ્રમને જ પારસમણી કહે છે. ટુંકમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કાર્યરત રહેવું જરૂરી છે. ઘણી વખત જીવનમાં અણધારી વિપત્તિ આવી પડે છે તેવે વખતે પણ ઉદ્યમ જ કામ આવે છે.
વિપદ પડે નવ વલખીએ, વલખે વિપદ ન જાય
વિપદે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપદને ખાય
હવે તમે જ નક્કી કરી કે તમે તરંગી છો કે ઉદ્યમી છો?