હજારો માઈલોની મુસાફરી શરુ થાય છે માત્ર એક કદમથી.
સાતત્ય – સાતત્ય કેટલું જરૂરી છે જીવનમાં તે સમજાવવાની કોઈ જરૂર છે ખરી? શ્વાસ અને ઉચ્છવાસ જો સતત ન ચાલે તો? પૃથ્વી જો પોતાની ધરી ફરતે અને સુર્ય ફરતે સતત ન ફરે તો? શરીરની નસ-નાડીઓમાં લોહી સતત ન ધબકે તો? એક વખત વિમાન આકાશમાં ઉડ્યા પછી સતત ન ઉડે તો? આના જવાબો આપવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે જાણીએ છીએ કે જે પ્રક્રીયા સતત ચાલવી જોઈએ તે ન ચાલે તો પ્રણાલી અટકી જાય, વ્યવહાર થંભી જાય, ઉલ્કાપાત સર્જાઈ જાય.
જીવનના દરેક ક્ષેત્રમાં સાતત્ય જરૂરી છે. એક બાળક ભણવા બેસે પછી તેણે નીયમીત ભણવું જોઈએ – નહીં તો ઘર કામ ચડી જાય, પાકી નોટ પુરી કરવાની રહી જાય અને નાનકડું બાળક તણાવ જ તણાવ અનુભવે. વાહન ચાલક ગંતવ્ય સ્થાને પહોંચ્યા પહેલા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઉભો રહે, આમ તેમ ભટક્યા કરે તો તે ગંતવ્ય સ્થાને ક્યારે પહોંચે? ધ્યેય પ્રાપ્તિ માટે તો ચોક્ક્સ દિશા અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડી જ રહેવું પડે. મોટા ભાગના લોકો ઉઠે છે, જાગે છે અને પાછા સુઈ જાય છે. પરંતુ જો જાગત હે સો પાવત હે – જો સોવત હે સો ખોવત હે તે તો આપણે બધા કુદી કુદીને ગાઈએ છીએ અને છતાં ગાનારાઓમાંથી કેટલાયે પ્રાપ્તિ કરી તે યક્ષ પ્રશ્ન તો ઉભો જ રહે છે.
કોઈ એક દાદર ચડવો હોય તો તેના નાના નાના પગથીયાં એક પછી એક ચડતાં જઈએ અને પહોંચી જઈએ આપણે ઉપરના માળે – કુદકો મારીને દાદરો ન ચડી શકાય – એક એક પગથીયું જ ચડવું પડે. તેવી જ રીતે નોકરી કરનારે નીયમીત નોકરીએ જવું જોઈએ, વેપાર કરનારે નીયમીત વેપાર કરવો પડે, અભ્યાસ કરનારે સતત અભ્યાસ કરવો પડે, વૈજ્ઞાનિકે સતત પ્રયોગો કરવા જોઈએ, ડોક્ટરે નીયમીત સારવાર કરવી જોઈએ (કામના સમયે કવિતાઓ રચવા બેસે તે ન ચાલે), લેખકે નીયમીત લેખ લખવા જોઈએ, સોફ્ટવેર કન્સલ્ટન્ટે નીયમીત પોતાના ગ્રાહકોની સંભાળ લેવી જોઈએ (વચ્ચે વચ્ચે બ્લોગિંગ કરવા બેસી જાય તે ન ચાલે), ઓડીટરે નીયમીત ઓડીટ કરવું પડે (વચ્ચે વચ્ચે નૃત્ય કરવા લાગે તે ન ચાલે) . તેવી જ રીતે સફળ બ્લોગરે લગભગ રોજે રોજ પોસ્ટ મુકવી જોઈએ – અથવા તો ચોક્કસ સમયના અંતરે પોસ્ટ નીયમીત રીતે મુકવી જોઈએ. તો જ તે સફળ બ્લોગર થઈ શકે.
પ્રત્યેક ક્ષણે આપણાં જીવનની યાત્રા આગળ ચાલે છે – પરંતું જીવનની આ યાત્રાની સાથે જે સતત પોતાના લક્ષ્ય પ્રત્યે સજાગ છે તેની મંજીલ પર પહોંચવાની શક્યતા પુરે પુરી છે. જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય તેવી રીતે પગલે પગલે પંથ કપાય. મંજીલ ઢુંકડી આવે અને એક દિવસ લક્ષ્ય પર પહોંચી જવાય. સફળતા માટે કોઈ જાદુઈ ચિરાગ નથી, કોઈ લોટરીની ટીકીટ નથી, કોઈ જેક્પોટ નથી, ગુલાબી સ્વપ્નાઓ કદી સફળતા ન અપાવે પણ યોગ્ય પુરુષાર્થ માત્ર મંજીલ સુધી લઈ જાય.
જો મનુષ્યને એટલી ખબર હોય કે મારું લક્ષ્ય શું છે? અને તે પાર કરવાનો રસ્તો ક્યો છે તો પછી હવે તેણે લક્ષ્યની ચિંતા કરવાની બદલે ચાલવા માંડવું જોઈએ અને લક્ષ્ય આપોઆપ વિંધાઈ જશે પણ જે માત્ર લક્ષ્યનું જ ચિંતન કર્યા કરે છે અને પગ પર પગ ચડાવીને કલ્પનાઓમાં, વિચારોમાં, દિવાસ્વપ્નોમાં રાચ્યા કરે છે પણ ચાલતો નથી, પુરુષાર્થ કરતો નથી તે ક્યારેય પોતાના ધ્યેય સુધી પહોંચી શકતો નથી.
એટલે જ સ્વામી વિવેકાનંદે આહ્વાન કર્યું કે – “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો” આ વાત માત્ર આળસુઓ માટે જ નથી કહેવામાં આવી – ઉદ્યમી પણ જો લક્ષ્ય પ્રાપ્તિ સુધી ન મંડ્યો રહે તો ખતા ખાઈ શકે છે.
તો મીત્રો મંજીલ સુધી પહોંચવાના ૩ પગથીયા નોંધી લેશુંને?
૧. લક્ષ્ય નક્કી કરો.
૨. લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો.
૩. ચાલવા માંડો.