Daily Archives: 09/03/2011

વચન બધ્ધતા – પ્રેરણા અને પ્રોત્સાહન (૯)


રઘુકુલ રીત સદા ચલી આઈ
પ્રાણ જાય પર વચન ન જાઈ

પહેલાના આપણાં રાજાઓ વચન બધ્ધ હતાં. રઘુકુળ જેવા કુળમાં તો રાજવીઓ વચનને ખાતર પ્રાણની આહુતિ આપતા પણ અચકાતા નહોતાં. સાંપ્રત સમયના રાજકારણીઓને જોઈએ તો વચનોના ઢગલે ઢગલાં અને પાલનના નામે મીંડુ. ચુંટણી ઢંઢેરો જો વંચાવીએ અને પછી જો તેમને પુછવામાં આવે કે ગયા વખતના ઢંઢેરામાં જે તમે ઢોલ નગારા ટીપી ટીપીને વચનો આપ્યા હતાં તેમાંથી તમે કેટલાં પાળ્યા છે? તો લગભગ બધાના મોં એ કાળી મેંશ ચોપડીને ટ્રેનના છાપરે બેસાડીને ગામે ગામ ફેરવવા પડે તેવી હાલત થાય.

જે વચન પાળી ન શકાય તેવા હોય તેવા વચનો આપવા જ ન જોઈએ. કુલટા સ્ત્રી આજીવન પોતાના પતિને વફાદાર રહેશે તેવું વચન આપે તો કોઈ સાચું માને? સિંહ વાઘ જેવા પ્રાણીઓ લાગ મળ્યે શિકાર નહિં કરે તેવું માની શકાય? લોભી વેપારી ગ્રાહક સાથે છેતરપિંડી નહિં કરે તેવું માની શકાય? ભ્રષ્ટ રાજકારણીઓ દેશનું કલ્યાણ કરશે તે શું માની શકાય? શા માટે આપણાં ન્યાયાલયો આટ આટલી સત્તા હોવા છતાં આ વચનભંગ કરનારાઓને કડક માં કડક શિક્ષા નથી કરતાં?

જે લોકો વારે વારે પોતાના વચનો તોડે છે તેનો કોઈ વિશ્વાસ નથી કરતાં. શ્રી રામ એક પત્નિ વ્રતધારી હતાં તો તેઓ આજીવન એક પત્નિવ્રત ધારી જ રહ્યાં. સીતા માતાને વનમાં મોકલ્યાં પછીયે કાઈ તેમણે બીજા લગ્ન નહોતા કર્યા કારણકે તેઓ વચન બદ્ધ હતાં. આજના યુગમાં વચન બધ્ધતાની ખુબ જ આવશ્યકતા છે. કબીરજી પણ કહે છે કે

ઘડી ચડે ઘડી ઉતરે – સો તો પ્રેમ ન હોઈ
અઘટ પ્રેમ જો હ્રદય બસે – પ્રેમ કહાંવે સોઈ

ઘડીક કોઈના માટે હ્રદયમાં તનમનીયા જાગે અને ઘડીકમાં વળી બીજાને મનનો માણીગર બનાવી લે તેવા પ્રેમી કે પ્રેમિકાનો કોણ વિશ્વાસ કરે? એવા લોકો તો લંપટ લોકોના હાથમાં રમકડાં બનવા માટે સર્જાયા હોય છે. સાચો પ્રેમી કે પ્રેમિકા પોતાના પ્રિયપાત્રને આજીવન એકસરખો પ્રેમ કરે છે. ગંગાના નીરમાં વધ ઘટ થાય છે પણ માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમમાં કદીયે ભરતી-ઓટ આવતાં નથી.

આજના યુગમાં પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વ્યવહારમાં વચનબધ્ધતાની આવશ્યકતા છે. અમેરિકા જેવી બેવડી નીતી ન ચાલે કે જે ઉપર ઉપરથી મિત્રતાનો દેખાવ કરે અને અંદરખાનેથી દુશ્મની રાખે. ભીતર જુદુ અને બહાર જુદુ હોય તેને દંભ કહેવાય. દંભથી લોકોને જાજો વખત છેતરીન શકાય. છેવટે પોલ ખુલી જાય. જેવી રીતે કલીરામકા ફટ ગયા ઢોલ અને બીચ બજરીયા ખુલ ગયા પોલ તેવી હાલત થાય. વેપારમાં, સેવામાં, ઉધ્યોગમાં, નોકરીમાં, બધેજ વચન બધ્ધતા જોઈએ. જે માલ કીધો હોય તે જ આપવો જોઈએ. જેટલો પગાર લેતાં હોય તેટલું કામ કરવું જોઈએ, જેટલું કામ લેતા હોય તેટલો પગાર ચૂકવવો જોઈએ, જો રાજનેતા બન્યા હોય તો દેશ સેવા તે જ મુખ્ય ધ્યેય હોવું જોઈએ નહીં કે – વર મરો કે કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરોની જેમ દેશનું કે પ્રજાનું જે થાવુ હોય તે થાય મારું ઘર ભરાય એટલે બસ – તેવી નીતી અને વ્યવહાર ન ચાલે.

ટુંકમાં જીવનના પ્રત્યેક પગલે વચનબધ્ધતા એક આવશ્યક શરત છે – આપણી વિશ્વસનિયતા ટકાવી રાખવા માટેની.

બોલો શું તમે વચન બધ્ધ છો?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.