Daily Archives: 12/03/2011

જ્ઞાનં બંધ: – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૨)

જ્ઞાનં બંધ:

શિવસૂત્રમાં જ્ઞાનને બંધનરૂપ કહ્યું છે. સામાન્ય રીતે આપણે જ્ઞાનને શક્તિ કહીએ છીએ – Knowledge is power. અહિં જ્ઞાનને બંધનરૂપ શા માટે કહેવામાં આવ્યું?

આપણે સહુ પાંચ જ્ઞાનેન્દ્રિયો ધરાવીએ છીએ. આ જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી આપણને બાહ્ય પદાર્થોનું જ્ઞાન થાય છે. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આપણને દ્ર્શ્યનું અથવા તો રૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે અંધ છે તેને માટે શું સુંદર? અને શું કુરૂપ? સૂરદાસ રૂપ પાછળ અંધ હતા. એટલા બધાં આસક્ત હતા કે તેમને થયું કે જો મને રૂપની આટલી બધી ઘેલછા લાગેલી રહેશે તો હું ઇશ્વરનું ભજન કેવી રીતે કરી શકીશ? અને કહેવાય છે કે તેમણે પોતાની આંખો ફોડી નાંખી. ત્યારબાદ તેઓ ઇશ્વર ભક્તિમાં એવા તો મગ્ન બની ગયા કે તેમણે એવા એવા ભક્તિ પદો રચ્યા કે જે આજે પણ ભક્તો ભાવવિભોર થઈને ગાય છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન – આપણા ચીત્તમાં એક સંસ્કાર ઉભો કરે છે. જો વિવેકબુધ્ધી ન હોય તો આ જ્ઞાન જે તે સંસ્કાર માં આસક્તિ ઉત્પન્ન કરીને ફરી ફરીને ઇંદ્રિયોના તે વિષય પાછળ મનુષ્યને લોલુપ બનાવે છે અને આવું ઈંદ્રિયજન્ય જ્ઞાન બંધનરૂપ બની જાય છે.

શંકરાચાર્યજી મહારાજ સદાચાર સ્તોત્રમાં કહે છે કે:

જ્ઞાનાજ્ઞાન વિલાસોયં જ્ઞાના જ્ઞાનેન શામ્યતિ
જ્ઞાનાજ્ઞાન પરિત્યજ્ય જ્ઞાનમેવાવશિષ્યતે

આ આખુંયે જગત આપણાં માટે જ્ઞાન અને અજ્ઞાનનો વિલાસ માત્ર છે. આપણે સતત જ્ઞાન અને અજ્ઞાનની વચ્ચે જીવીએ છીએ. બાળક જન્મે છે ત્યારે કોરી પાટી લઈને આવે છે. તે આજુ બાજુ જુવે છે અને આસપાસના મનુષ્યો પાસે જાતજાતની આવડત હોય છે, જ્ઞાન હોય છે તેથી તેને થાય છે કે આ બાબતનું મારામાં અજ્ઞાન છે. પરીણામે તે કૌશલ્ય પ્રાપ્ત કરવા તે મહેનત કર છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવું જ્ઞાન પ્રાપ્ત કરીને તે પોતાને જે તે બાબત્નો જ્ઞાની માને છે. વળી પાછું બીજા કોઈ ક્ષેત્રમાં ડોકીયુ કરે છે અને પોતાને અધૂરો સમજે છે, વળી તેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પાછો પોતાને જ્ઞાની માને છે. આમ સતત જ્ઞાન અને અજ્ઞાનનો વિલાસ ચાલે છે અને અજ્ઞાનનું જ્ઞાનથી શમન કરે છે. વળી પાછું નવું અજ્ઞાન અનુભવે છે વળી પાછું જ્ઞાનથી અજ્ઞાનનું શમન કરે છે.

છેવટે એક તબક્કો એવો આવે છે કે જ્યારે તેને સમજાય છે કે આ બધાં દૂન્યવી જ્ઞાન અને અજ્ઞાનનો કોઈ અંત નથી. આનો કશો છેડો આવે તેમ નથી. ત્યારે તે પોતાને જ્ઞાની કે અજ્ઞાની માનવાનું છોડી દે છે. જ્ઞાન અને અજ્ઞાન બંનેનો મનથી ત્યાગ કરે છે અને તરત જ તે અનુભવે છે કે જ્ઞાન અને અજ્ઞાન બંનેને જાણનારો તે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે.

પ્રત્યેક અનુભવ ચિત્તમાં એક સંસ્કાર છોડતો જાય છે. આ સંસ્કાર ચિત્તમાં આજીવન રહે છે. ફરી જ્યારે તે પ્રકારનો અનુભવ થાય ત્યારે ચિત્તમાં તે સંસ્કાર સ્મૃતિરૂપે બહાર આવે છે. આપણાં ચિત્તને એક સ્મૃતિગ્રંથ જ સમજી લ્યો ને. જ્યારે જ્યારે નવો અનુભવ થાય ત્યારે આપણે ચિત્તમાં તેવા અનુભવને શોધીએ છીએ. જો તેવો અનુભવ મળે તો તેવે વખતે શું બન્યું હતું તે બધું જ ક્ષણાર્ધમાં આપણાં માનસપટ પર આવી જાય છે અને પૂર્વના સંસ્કારોના આધારે નવા અનુભવ સાથે આપણું કામ પાર પાડીએ છીએ. વળી જો નવો જ અનુભવ હોય તો તેને આપણે સંસ્કારરુપે સંગ્રહીએ છીએ. આપણું ચિત્ત એક વિશાળ Storage Device જેવું છે. જેમાં જીવનપર્યંતના અનુભવો સંસ્કારરૂપે સચવાયેલા હોય છે. પૂર્વ જન્મના સંસ્કારો પણ તેમાં હોય છે પરંતુ તેને Disable કર્યા હોવાથી અત્યારે તે આપણાં માનસપટ પર આવી શકતાં નથી. તેમ છતાં યોગીઓ પ્રયત્નથી ઈચ્છે તો તે Access કરી શકે છે.

ટુંકમાં પ્રત્યેક જ્ઞાન આપણાં ચિત્તમાં એક સંસ્કાર સંગ્રહિત કરે છે.

શું આપણે આપણાં ચિત્તમાં સંગ્રહાયેલા અનેકવિધ સંસ્કારોથી વાકેફ છીએ?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.