એક સ્ત્રી કેટલી ગભરું હોય છે? નાની બાબતોથી પણ તે ગભરાતી હોય છે પણ જો કોઈ હિંસક પશુ તેના બાળક પર હુમલો કરશે તો? તરત જ તે સ્ત્રી પોતાની બધી બીક છોડીને તે હિંસક પશુનો સામનો કરશે અને પોતાના બાળકને બચાવવા જાનની બાજી ખેલતાં પણ અચકાશે નહિં. આવું કેમ બન્યુ? શું તેને હિંસ્ર પશુનો ભય નથી લાગતો? ભય તો લાગે છે પણ પોતાના બાળક પ્રત્યે તેને પશુના ભય કરતા વધુ પ્રેમ છે અને તે પ્રેમને ખાતર ભયને વિસરી અને હિંમત બતાવે છે.
પ્રાણી માત્રમાં અભીનીવેશ નામનો ક્લેશ રહેલો હોય છે. અભીનીવેશ એટલે પોતાનો ઘાત ન થાય, પોતાનું મૃત્યું ન થાય તેવી અભીલાષા. અને આ અભીનીવેશ તેને ડગલે અને પગલે ભયભીત બનાવે છે. એક વખત જો કોઈ જાણી લે કે પોતે આ દેહથી પર એવું કોઈ તત્વ છે કે જેનો કદી ઘાત ન થઈ શકે – જેનો કદી નાશ ન થઈ શકે તો તે સતત એવી ધારણાથી આ અભીનીવેશ નામના ક્લેશ પર કાબુ મેળવી શકે. ગાંધીજીને દેશ પ્રત્યે, દેશવાસીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને તેથી તે કષ્ટ, પીડા, અપમાન, માર આ બધું સહન કરીને પણ દેશ સેવામાં લાગેલા રહેતા. કોઈ પણ મહાન કાર્ય પાછળ મોટા ભાગે જો કોઈ પ્રેરક બળ હોય તો તે પ્રેમનું હોય છે – લાગણીનું હોય છે.
પ્રેમ તે એક સાહજીક લાગણી છે. તેના અભ્યાસક્રમો નથી હોતા. માતા બાળકને પ્રેમ કરે છે તો તે પ્રેમ કરવાનું કાઈ પાઠશાળામાં શીખવા નથી જતી – તે પોતાની સહજ પ્રકૃતિથી જ બાળકને ચાહે છે. જગતને ચાલતું રાખતું, ધબકતું રાખતું – સતત આગળ ને આગળ ધપાવતું જો કોઈ જબરજસ્ત ચાલક બળ હોય તો તે પ્રેમ છે. સ્વાર્થ, કપટ, મારામારી, દ્વેષ, દગાબાજી આ બધું તો અણસમજણને લીધે આવે છે જ્યારે પ્રેમ તે તો પ્રાણીમાત્રની સ્વાભાવિક વૃત્તિ છે, સહજ પ્રવૃત્તિ છે. જો જીવનમાંથી પ્રેમ કાઢી લ્યો તો પછી આ પૃથ્વી પર જીવવા જેવું બચે છે જ શું? અરે દુષ્ટમાં દુષ્ટ માણસ પણ પોતાના સ્ત્રી અને બાળકોને ચાહે છે અને એટલે તો તે દુષ્ટતા આચરે છે. આમ દુર્જનોની દુર્જનતા કે સજ્જનોની સજ્જનતાના મુળમાં જોઈશું તો પ્રેમ જ હશે.
આવો આ પ્રેમનો આપણા જીવનમાં વિકાસ કરીએ અને ભય, દ્વેષ અને ધિક્કારને ફગાવી દઈએ. આ દોહરો તો સહુ કોઈને યાદ જ હશેને?
પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભયા ન કોઈ
ઢાઈ અક્ષર “પ્રેમ” કા, પઢે સો પંડિત હોઈ
તો ચાલો આપણ સહુ પંડિત બનશું ને?