આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું?
કેટલી કમાણી કરી, કેટલું છે દેવું?
કાઢી સરવૈયું કોઇ સંતને બતાવજો;
આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો.
મિત્રો,
આજે નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧નો છેલ્લો દિવસ. સહુ વેપારી પોતપોતાના ચોપડાં સરખાં કરવામાં પડ્યાં હશે. વેપારીઓ ખરેખર વ્યવહાર કાઈક કરે અને ચોપડે કાઈક બતાવે. જીવનમાં આપણે પણ એવું જ કરીએ છીએ ને? ચોપડાં ઓડીટ થાય – ઓડીટરો પણ વેપારીની સાથેની મીલીભગતને કારણે આંખો બંધ કરીને ટીક માર્યે રાખે. સ્ક્રુટિની આવે તો તેમાં પણ ઈન્કમટેક્ષ અધિકારી સાથે પતાવટ થાય. પરીણામે લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય અને દેવડીએ દંડાય ચોર મૂઠી જારના.
જિંદગીના ચોપડામાં આવું બધું ચાલતું નથી. ખોટું કામ કરતાં પહેલા સહુથી પહેલો અંતરાત્મા ડંખે. આપણે બધા બીજાનું ઓડીટ કર્યા કરીએ પણ પોતાનું ઓડીટ કદી નહીં પરીણામે આપણો પોતાનો ચોપડો જ ગંદો – ગોબરો અને અટપટા વ્યવહારોની આંટી-ઘુંટી જેવો બની જાય – જેમાંથી નીકળવાનું આપણને જ ન ફાવે.
આજે નાણાંકીય હિસાબોનો ચોપડો સરખો કરવાની સાથે સાથે જરાક જિંદગીના ચોપડામાં પણ નજર કરવાનું ભુલાય નહિં તે જો જો. અને જો જિંદગીના ચોપડામાં ગરબડ લાગતી હોય તો આવતી કાલથી નવું નાણાંકીય વર્ષ શરુ થાય છે તો આજથી જ આગોતરો સંક્લ્પ કરીને ૧લી તારીખથી તો જિંદગીના ચોપડામાં કોઈ ગરબડ નહિં જ કરુ તેવો સંકલ્પ અને શપથ લઈશું ને?