Daily Archives: 31/08/2012

ભારતની અધોગતિનું કારણ – સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં કરેલા કાર્યની પ્રશંસા અર્થે કલકત્તાના ટાઉનહોલમાં, તારીખ પમી સપ્ટેમ્બર, ૧૮૯૪ના રોજ ભરાયેલી સભાના પ્રમુખ રાજા પ્યારીમોહન મુકરજી ઉપર તારીખ ૧૮મી નવેમ્બર ૧૮૯૪ના રોજ લખાયેલ પત્રના અંશ અત્રે પ્રસ્તુત છે. પુરો પત્ર વાંચવા નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.


કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ત્યારે તેનું પરિણામ અંતે અલગ રહેનારને સર્વદા હાનિકારક નીવડ્યું છે.

મારા ખ્યાલ પ્રમાણે ભારતનાં પતન અને અધોગતિનું એક મહાન કારણ પ્રજાની આસપાસ ઊભી કરવામાં આવેલી રૂઢિની દીવાલ છે; વળી આ દીવાલ બીજાના તિરસ્કારના પાયા ઉપર ચણાઈ હતી.

જો ભારત ફરીથી પોતાને ઉન્નત બનાવવા માગતું હોય તો તેણે પોતાનો જૂનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજાઓમાં છૂટે હાથે વહેંચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે તે લેવા તૈયાર રહેવું જોઈએ.

વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા એ મૃત્યું છે; પ્રેમ એ જીવન છે, ધિક્કાર એ મૃત્યું છે.

આપણે દુનિયાની બધી પ્રજાઓ સાથે ભળવું જોઈએ. જેઓ વહેમો અને સ્વાર્થના પોટલાં જેવા છે, અને જેમના જીવનનું એક માત્ર ધ્યેય ગમાણમાંના કુતરા જેવું લાગે છે, તેવા સેંકડોના કરતાં જે દરેક હિંદુ પરદેશમાં મુસાફરીએ જાય છે તે પોતાના દેશને વધુ ફાયદો કરે છે.

રાષ્ટ્રીય જીવનની જે અદભુત ઈમારત પાશ્ચાત્ય પ્રજાઓએ ઊભી કરી છે તે તેમના ચારિત્ર્યના મજબૂત થાંભલાઓને અધારે ઊભી છે; જ્યાં સુધી આપણે તેવા સંખ્યાબંધ ચારિત્ર્યવાન માણસો પેદા ન કરી શકીએ ત્યાં સુધી આ કે તે સત્તા સામે બખાળા કાઢવા નિરર્થક છે.

જે લોકો બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેઓ પોતે સ્વતંત્રતાને લાયક છે ખરા ?

નિરર્થક બખાળા કાઢવામાં આપણી શક્તિઓને વેડફી નાખવાને બદલે, શાંતિથી અને હિંમતથી કામે લાગી જઈએ. હું તો સંપૂર્ણપણે એમ માનું છું કે જે જેને માટે યોગ્ય છે તેને તે મેળવતાં દુનિયાની કોઈ પણ સત્તા રોકી શકે નહીં.

ભૂતકાળ જરૂર મહાન હતો, પણ હું અંતરથી માનું છું કે ભવિષ્ય તેથીયે વધુ ઉજ્જ્વળ બનશે.

ભગવાન શંકર આપણને પવિત્રતા, ધૈર્ય અને ખંતમાં અચળ રાખો.


ભારતની અધોગતિનું કારણ – સ્વામી વિવેકાનંદ


Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.