નાનો માણસ ભૂલ કરે તો તેને વ્યક્તિગત નુકશાન થાય. કુટુંબનો મોભી ભૂલ કરે તો કુટુંબને નુકશાન થાય. રાષ્ટ્રનો મોભી ભૂલ કરે તો સમગ્ર રાષ્ટ્રને નુકશાન થાય.
રાષ્ટ્રનો મોભી એટલે આપણો નેતા. આપણાં રાષ્ટ્રને નુકશાનીથી બચાવવા અને રાષ્ટનું હિત જળવાય તેવા પ્રયત્નો અને કાર્યો કરી શકે તેવા નેતાઓ જ્યાં સુધી આપણે ન ચૂંટીએ ત્યાં સુધી રાષ્ટ્ર બળવાન ન બની શકે.
આપણાં નેતાઓ આપણામાંથી જ આવે છે. સત્તા મળ્યાં પછી કાં તો તે નીષ્ક્રીય થઈને ભોગ-વિલાસમાં પડી જાય છે અથવા તો મદાંધ બનીને સત્તાના તોરમાં છકી જાય છે. કોઈક ગણ્યાં ગાંઠ્યા રાજનેતાઓ રાષ્ટ્રહિત માટે કાર્યરત બને છે. વધારે રાજનેતાઓ ભ્રષ્ટ અને સ્વાર્થી હોવાથી સારા અને ભદ્ર રાજનેતાઓ ઈચ્છા હોવા છતાં સારું કાર્ય કરી શકતાં નથી.
આવનારા દિવસોમાં આપણે વધુ ને વધુ સારા નેતાઓ શોધવા પડશે. તેમને ચૂંટણી લડવા મોકલવા પડશે અને તેમને જીતાડીને રાજ્યવ્યવસ્થામાં સામેલ કરવા પડશે.
ભ્રષ્ટ નેતાઓને પ્રજા ઈચ્છે ત્યારે પાછા બોલાવી શકે અને તેમની ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેવા કાયદાઓ લાવવા પડશે અને તેનો અમલ શરુ કરાવવો પડશે.
અત્યારે નેતાઓ સમાજને જ્ઞાતિ / ધર્મ / ગરીબી-અમીરી / શિક્ષિત-અશિક્ષિત / સવર્ણ-દલિત અને બીજા અનેક પ્રકારે વિભાજીત કરીને મત મેળવવાનું રાજકારણ ખેલે છે. પોતાની લાયકાતને આધારે નહીં પણ આવા કોઈ પણ મુદ્દાને આગળ ધરીને મત માંગતા ભીખારીઓને સારી રીતે ઓળખીએ અને તેમને જાકારો આપવા અને સાચા કાર્યશીલ નેતાઓને ચૂંટવા માટે પ્રજાએ એકજૂટ થવું પડશે.
પ્રજા સંગઠીત નથી માટે ભ્રષ્ટ / ધૂર્ત / બદમાશ / લુચ્ચા / લફંગાઓ / ગુંડાઓ આપણે માથે છાણાં થાપે રાખે છે અને પ્રજા મુંગા મોઢે સહન કર્યાં કરે છે. શું હવે પછી આવનારી પ્રત્યેક ચૂંટણીમાં આપણે આ ધૂર્ત-દગાબાજોને હાંકી કાઢીને કર્તવ્ય પરાયણ અને પ્રજાહિત માટે કાર્ય કરે તેવા સક્ષમ અને મૂલ્યનિષ્ઠ નેતાઓ ચૂંટવા માટે કટીબદ્ધ થઈ શકશું?