શિકાગો, ૩જી માર્ચ ૧૮૯૪ના રોજ લખેલ પત્રના થોડા અંશો અત્રે પ્રસ્તુત છે. સમગ્ર પત્ર વાંચવા પત્રને છેડે આપેલી લિંક પર ક્લિક કરશો.
શ્રદ્ધા એક અજબ અંતદૃષ્ટિ છે અને ઉદ્ધાર તે જ કરી શકે છે; પરંતુ તેમાં ધર્માંધતા ઉત્પન્ન કરીને આગળની પ્રગતિને રોકી દેવાનો ભય છે.
જ્ઞાન બરાબર છે, પરંતુ શુષ્ક તર્કવાદ બની જવાનો પણ ભય છે.
પ્રેમ એક મહાન અને ઉદાત્ત ભાવ છે, પરંતુ તેમાં અર્થહીન ઊર્મિલતામાં લુપ્ત થઈ જવાનો ભય રહેલો છે.
આ બધાનો સમન્વય એ જ જરુરી વસ્તુ છે.
જે કંઈ ઉન્નતિને રૂંધે છે કે અધોગતિ લાવે છે તે જ દુર્ગુણ છે; જે કંઈ ઊંચે ચડવામાં અને બીજા સાથે સુમેળ સાધવામાં મદદરૂપ થાય છે તે જ ગુણ છે.
આપણે માનીએ છીએકે દરેક વ્યક્તિ દિવ્ય છે, ઈશ્વર છે. દરેક આત્મા અજ્ઞાનનાં વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો છે; આત્મા વચ્ચેનો ભેદ આ વાદળોનાં થરોની ઘનતાને લીધે છે. આપણે માનીએ છીએ કે સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ બધા ધર્મોનો પાયો આ છે. અને ભૌતિક, બૌદ્ધિક કે આધ્યાત્મિક ભૂમિકામાં થયેલી માનવ પ્રગતિના સમગ્ર ઈતિહાસનો અર્થ આ છે – ભિન્ન ભિન્ન ભૂમિકામાં એક જ આત્મા પ્રગટ થાય છે.
કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ.
ધર્મ એટલે પૂર્વથી જ માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.
દરેક સામાજિક બાબતમાં માથું મારીને લાખો લોકોને દુ:ખી કરવાનો પુરોહિતોને શો અધિકાર હતો?
તમે ક્ષત્રિયો માંસાહારી છે એમ કહો છો. તેઓ માંસ ખાય કે ન ખાય, પરંતુ હિંદુ ધર્મમાં જે કંઈ ભવ્ય અને સુંદર છે તે બધાંના સર્જક તેઓ હતા. ઉપનિષદો કોણે લખ્યાં? રામ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? બુદ્ધ કોણ હતા? જૈનોના તીર્થંકરો કોણ હતા? જ્યારે જ્યારે ક્ષત્રીઓએ ધર્મનો ઉપદેશ કર્યો છે ત્યારે તેઓએ તે સહુ કોઈને કર્યો છે; અને જ્યારે જ્યારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્યા નથી. ગીતા કે, વ્યાસના સૂત્રો તમે વાંચો, અગર કોઈ પાસે વંચાવો. ગીતામાં તમામ સ્ત્રીપુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખૂલ્લો રખાયો છે, પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ, વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ કરે છે. શું ઈશ્વર તમારા જેવો બીકણ અને મૂર્ખ છે કે તેની દયાની સરિતાનો પ્રવાહ માંસના એક લોચાથી રોકાઈ જાય? જો ઈશ્વર તેવો હોય તો તેની એક કોડીની પણ કિંમત નથી.
નવા આદર્શનો, નવા સિદ્ધાંતનો, નવ જીવનનો ઉપદેશ આપો. કોઈ વ્યક્તિની અગર કોઈ રીતરિવાજની વિરુદ્ધ પ્રચાર કરો નહીં. જ્ઞાતિભેદ અગર બીજા કોઈ સામાજિક દુષણોની તરફેણ કે વિરુદ્ધમાં પ્રચાર કરો નહીં. આ બધાંથી દૂર રહેવાનો જ ઉપદેશ આપો, એટલે બધું આપોઆપ બરાબર થઈ જશે.
મારા બહાદુર, દૃઢ નિશ્ચયી અને પ્રેમાળ આત્માઓ ! તમને સહુને મારા આશીર્વાદ.
આપણે શેમાં માનીએ છીએ – સ્વામી વિવેકાનંદ