ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૭. તમોગુણના બીજા ઈલાજ
9. આળસને જીતવાની એક વાત થઈ. બીજી વાત ઊંઘને જીતવાની છે. ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. સેવા કરીને થાકેલા સાધુસંતોની ઊંઘ એ યોગ જ છે. આવી શાંત અને ગાઢ ઊંઘ મહા ભાગ્યવાનને સાંપડે છે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. ઊંઘનું મહત્વ તેની લંબાઈપહોળાઈમાં નથી. પથારી કેટલી લાંબીપહોળી અને માણસ તેના પર કેટલો વખત રહ્યો એ બીના પર ઊંઘનો આધાર નથી. કૂવો ઊંડો હોય તેમ તેનું પાણી વધારે સ્વચ્છ ને મીઠું હોય છે, તે જ પ્રમાણે ઊંઘ થોડી હોય તો પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. બરાબર મન લગાડીને અર્ધો કલાક કરેલો અભ્યાસ ચંચળવૃત્તિથી કરેલા ત્રણ કલાકના અભ્યાસ કરતાં વધારે ફળ આપનારો નીવડે છે. ઊંઘનું પણ એવું જ છે. લાંબા વખત સુધીની ઊંઘ હિતપરિણામી હોય જ એવું નથી. રોગી ચોવીસ કલાક પથારીમાં પડયો રહે છે. પથારીની અને તેની કાયમની દોસ્તી થયેલી છે. પણ બિચારાની ઊંઘ સાથે દોસ્તી થતી નથી. સાચી ઊંઘ ગાઢ, સ્વપ્નાં વગરની હોય છે. મરણ પછીની નરકની યાતના તો જેવી હોય તેવી ખરી પણ જેને ઊંઘ આવતી નથી, જે માઠાં સ્વપ્નાંથી ઘેરાયેલો રહે છે, તેની નરક યાતનાની શી વાત કરવી ? વેદમાં પેલો ઋષિ ત્રાસીને કહે છે – ‘ परा दुःष्वप्न्यं सुव ’ — ‘ આવી દુષ્ટ ઊંઘ નથી જોઈતી, નથી જોઈતી. ’ ઊંઘ આરામને માટે હોય છે. પણ ઊંઘમાંયે તરેહતરેહનાં સ્વપ્નાં અને વિચાર છાતી પર ચડી બેસે તો આરામ કેવો ને વાત કેવી?
10. ગાઢ ઊંડી ઊંઘ કેવી રીતે મળે? જે ઈલાજ આળસની સામે કહ્યો છે તે જ ઊંઘની સામે યોજવો. દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેત માણસ જાણે મડદું થઈ પડે. ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું. આવી મજાની ઊંઘ આવે તે સારૂ દિવસે આગળથી તૈયારી કરવી જોઈએ. શરીર થાકી જવું જોઈએ. પેલા અંગ્રેજ કવિ શેક્સપિયરે કહ્યું છે કે ‘ રાજાના માથા પર મુગટ છે પણ તેની અંદર ચિંતા છે ! ’ રાજાને ઊંઘ આવતી નથી. તેનું એક કારણ એ છે કે તે શરીર વડે મજૂરી કરતો નથી. જાગતો હોય છે ત્યારે જે ઊંઘે છે તેને ઊંઘને વખતે જાગતા રહેવું પડશે. દિવસે બુદ્ધિ અને શરીર ન વાપરવાં એટલે તે ઊંઘ જ થઈ જાણવી. પછી ઊંઘની વેળાએ બુદ્ધિ વિચાર કરતી રઝળે છે અને શરીરને સાચું નિદ્રાસુખ મળતું નથી. પછી લાંબા વખત સુધી સૂઈ રહેવું પડે છે. જે જીવનમાં પરમ પુરૂષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરૂષાર્થ સંપાદન થશે ક્યારે ? અરધી આવરદા જો ઊંઘમાં જાય તો પછી મેળવવાનું શું રહે ?
11. ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ જે પ્રમાદ તે સહેજે આવે છે. ઊંઘણશી માણસનું ચિત્ત કાબેલ અને સાવધ રહેતું નથી. તેનાથી અનવધાન પેદા થાય છે. ઝાઝી ઊંઘથી આળસ પેદા થાય છે અને આળસને લીધે ભુલકણા થઈ જવાય છે. વિસ્મરણ પરમાર્થનો નાશ કરવાવાળી ચીજ છે. વહેવારમાં પણ વિસ્મરણથી નુકસાન થાય છે. પણ આપણા સમાજમાં વિસ્મરણની ક્રિયા સ્વાભાવિક થઈ ગઈ છે. વિસ્મરણ મોટી ખામી છે એવું કોઈને લાગતું નથી. કોઈને મળવા જવાનું માણસે નક્કી કર્યું હોય અને જતો નથી. અને કોઈ પૂછે તો કહે છે, ‘ અરે ! ભૂલી ગયો ! ’ એવું કહેનારને પોતે કંઈ ખાસ ખોટું કર્યું હોય, કંઈ મોટી ભૂલ કરી હોય એવું લાગતું નથી, અને સાંભળનારને પણ એ જવાબથી સમાધાન થાય છે ! વિસ્મરણની સામે જાણે કોઈ ઈલાજ જ નથી એવી સૌ કોઈની સમજ થઈ ગઈ લાગે છે. પણ આવું બેભાનપણું શું પરમાર્થમાં કે શું દુનિયાદારીના વહેવારમાં, બંને ઠેકાણે નુકસાન કરવાવાળું છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે.
12. વિસ્મરણનું કારણ મનનું આળસ છે. મન જાગ્રત હોય તો તે વીસરી નહીં જાય. આળોટયા કરનારા મનને વિસ્મરણનો રોગ વળગ્યો જ જાણવો. તેથી જ ભગવાન બુદ્ધ હમેશ કહેતા,
‘ पमादो मच्चुनो पदं ’
— વિસ્મરણ એ જ મરણ છે. આ પ્રમાદને જીતવાને માટે આળસ અને ઊંઘને જીતી લો, અંગમહેનત કરો, સતત સાવધ રહો. જે જે કૃતિ કરવાની આવે તે વિચારપૂર્વક કરવાની રાખો. કૃતિ એમ ને એમ, એની મેળે થઈ જાય એ બરાબર નથી; કૃતિની આગળ વિચાર હોય, પાછળ વિચાર હોય. આગળ ને પાછળ બધે વિચારરૂપ પરમેશ્વર ખડો રહેવો જોઈએ. આવી ટેવ કેળવીશું તો જ અનવધાનપણાનો રોગ નાબૂદ થશે. બધા વખતને બરાબર બાંધી રાખો. ક્ષણેક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે બધા તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ.