રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા (78)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૮. રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા

13. પછી રજોગુણની સામે મોરચો વાળવો. રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે એમ કહેવું જોઈએ. શરીર ખૂબ સૂઈ રહે એટલે પછી તે ચળવળ કરવા માંડે છે. અને ઝાઝી દોડધામ કરનારૂં શરીર આડું પડી સૂઈ રહેવા તાકે છે. તમોગુણમાંથી રજોગુણ આવી જાય છે અને રજોગુણમાંથી તમોગુણ આવી પડે છે. એક હોય ત્યાં બીજો ખરો જ. રોટલી જેમ એક બાજુથી ઝાળ અને બીજી બાજુથી ધગધગતા અંગારની વચ્ચે ઘેરાઈ જાય છે તેમ માણસની આગળ અને પાછળ આ રજસ્તમોગુણ વળગેલા છે. રજોગુણ કહે છે, ‘ આમ આવ, તને તમોગુણ તરફ ઉડાવું. ’ તમોગુણ કહે છે, ‘ મારા તરફ આવ એટલે હું તને રજોગુણ તરફ ફેંકું. ’ આવા આ રજોગુણ ને તમોગુણ એકબીજાને સહાયક થઈને માણસનો નાશ કરે છે. ફૂટબૉલનો જન્મ લાતો ખાવાને સારૂ થયેલો છે, તે જ પ્રમાણે રજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જનામારો નીકળી જાય છે.

14. તરેહતરેહનાં કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. મોટાં મોટાં કામોની પાર વગરની આસક્તિ પણ રજોગુણનું લક્ષણ છે. રજોગુણને લીધે માણસને અપરંપાર કર્મ-સંગ વળગે છે, તેનામાં લોભાત્મક કર્માસક્તિ ઉત્પન્ન થાય છે. પછી વાસના-વિકારોનો વેગ રોક્યો રોકાતો નથી, કાબૂમાં રહેતો નથી. માણસને એમ થયા કરે છે કે અહીંનો ડુંગર ઉપાડી ત્યાં બનાવું અને ત્યાંનો ખાડો ભરી દઉં. તેને એમ થાય છે કે જાણે દરિયામાં માટી નાખીને તેને પૂરી દઉં અને સહારાના રણમાં પાણી છોડી ત્યાં દરિયો બનાવી દઉં. અહીં સુએઝની નહેર ખોદું, ત્યાં પનામાની નહેર કાઢું. આવો એ અહીંથી તહીં કરવાનો ચડસ હોય છે. આ તોડું ને પેલું જોડું. નાનું છોકરૂં ચીંદરડી લે છે, તેને ફાડે છે, તેનું બીજું કંઈક બનાવે છે, તેવું જ આ છે. આને પેલામાં ભેળવ, પેલાને આમાં ભેળવ, પેલું બુડાવી દે, આને ઉડાવી દે; એવા બધા રજોગુણના અનંત ખેલ છે. પંખી આકાશમાં ઊડે છે તો આપણને પણ ઊડતાં આવડવું જોઈએ. માછલી પાણીમાં રહે છે તો આપણે પણ પાણબૂડી, સબમરીન બનાવીને તેમ કરવું જોઈએ. આમ મનખાદેહમાં અવતરવા છતાં રજોગુણીને પંખીઓની અને માછલીઓની બરાબરી કરવામાં કૃતાર્થતા લાગે છે. પરકાયાપ્રવેશના, બીજાં શરીરોનાં કૌતુક અનુભવવાના અને એવા અભળખા તેને આ મનખાદેહમાં રહ્યા રહ્યા સૂઝે છે. કોઈને થાય છે કે મંગળ પર ઊડીને જઈએ ને ત્યાંની વસ્તી કેવી છે તે જોઈ આવીએ. ચિત્ત એકસરખું ભટક્યા કરે છે. શરીરમાં જાણે કે તરેહતરેહની વાસનાનું ભૂત પેસી જાય છે. જે જ્યાં છે ત્યાંનું ત્યાં રહે એ તેનાથી જાણે ખમાતું નથી. ભાંગફોડ જાઈએ. આવો હું માણસ જેવો માણસ જીવતો હોઉં ને આ સૃષ્ટિ છે તેવી ને તેવી રહે એ કેવું ? એમ તેને થાય છે. કોઈ પહેલવાનને ચરબી ચડે છે અને તે ઉતારવાને જેમ તે ક્યાંક ભીંતમાં જ મુક્કા મારે છે, ક્યાંક ઝાડને જ ધક્કા લગાવે છે તેવા રજોગુણના ઉછાળા હોય છે. એવા ઉછાળા આવે છે એટલે માણસ પૃથ્વી ખોદીને થોડા પથરા બહાર કાઢે છે અને તેને હીરા, માણેક એવાં નામો આપે છે. એ ઉછાળો આવતાં તે સમુદ્રમાં ડૂબકી મારે છે, તેને તળિયેથી કચરો ઉપર લાવે છે અને તેને મોતી નામ આપે છે. પણ મોતીને નાકું નથી હોતું. એટલે તે મોતીને વીંધે છે. પણ મોતી પહેરવાં ક્યાં ? એટલે પછી સોની પાસે નાક-કાન પણ વિંધાવે છે. આવું આવું બધું માણસ શાથી કરે છે ? એ બધો રજોગુણનો પ્રભાવ છે.

15. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. રજોગુણને ફળ તાબડતોબ જોઈએ છે. એટલે જરાક સામી હરકત આવી કે લાગલો તે લીધેલો રસ્તો છોડી દે છે. રજોગુણી માણસ આ છોડ, પેલું લે એમ એકસરખી લે-મૂક કર્યા કરે છે. રોજની નવી નવી પસંદગી અને પરિણામે આખરે હાથમાં કશું આવતું નથી.

‘ राजसं चलमध्रुवम् ’

રજોગુણની કૃતિ જ ચળ ને અનિશ્ચિત છે. નાનાં છોકરાં ઘઉં વાવે છે ને તરત ઉખેડીને જોવા માંડે છે. રજોગુણી માણસનું પણ એવું જ હોય છે. ઝપાટાબંધ બધુંયે હાથમાં આવવું જોઈએ. તે અધીરો થઈ જાય છે. તેનામાં સંયમ રહેતો નથી. એક ઠેકાણે પગ બાંધીને રહેવાની વાતની તેને જાણ નથી. અહીં થોડું કામ કર્યું, ત્યાં થોડી બોલબાલા થઈ કે ચાલ્યા બીજી તરફ. આજે મદ્રાસમાં માનપત્ર લીધું, કાલે કલકત્તામાં અને પરમ દિવસે મુંબઈ-નાગપુરમાં લીધું ! જેટલી સુધરાઈઓ હોય તેટલાં માનપત્રો લેવાનો તેને અભળખો થાય છે. માન એટલી એક જ ચીજ તેને દેખાય છે. એક ઠેકાણે પગ બાંધી સ્થિરપણે કામ કરવાની તેને આદત જ હોતી નથી. આથી રજોગુણી માણસની સ્થિતિ બહુ ભયાનક થાય છે.

16. રજોગુણની અસરને લીધે માણસ તરેહતરેહના ધંધામાં માથાં મારે છે. તેને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. ખરૂં જોઈએ તો સ્વધર્માચરણ એટલે બીજાં જાતજાતનાં કર્મોનો ત્યાગ કરવો તે. ગીતામાં કહેલો કર્મયોગ રજોગુણમાંથી છૂટવાનો ઈલાજ છે. રજોગુણમાં બધું જ ચંચળ હોય છે. પર્વતને મથાળે જે પાણી વરસે છે તે જુદી જુદી દિશામાં વહી જાય તો ક્યાંયે રહેતું નથી, બધુંયે નાશ પામે છે. પણ એ બધું પાણી એક જ દિશામાં વહે તો તેની આગળ નદી બને. પેલા પાણીમાં શક્તિ નિર્માણ થાય ને તે દેશને ઉપયોગી થાય. તે જ પ્રમાણે માણસે પોતાની બધી શક્તિ જાતજાતના જુદા જુદા ધંધામાં નાહક વેડફી ન મારતાં, એકઠી કરી એક જ કાર્યમાં સુવ્યવસ્થિત રીતે વાળે તો જ તેને હાથે કંઈક કામ પાર પડે. આથી સ્વધર્મનું મહત્વ છે. સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી જોઈએ. બીજી ચીજો તરફ ધ્યાન જવું જ ન જોઈએ, સ્વધર્મની એ કસોટી છે. કર્મયોગ એટલે પાર વગરનું ઘણું ઘણું કામ નથી. કેવળ ઘણું કામ કરવું એટલે કર્મયોગ નથી. ગીતાનો કર્મયોગ જુદી વસ્તુ છે. ફળ તરફ ધ્યાન ન રાખતાં કેવળ સ્વભાવથીઆવી મળેલો અપરિહાર્ય સ્વધર્મ આચરવો અને તેની મારફતે ચિત્તશુદ્ધિ કરતા રહેવું એ કર્મયોગની ખાસ વિશેષતા છે. બાકી કર્મ કરવાનું તો સૃષ્ટિમાં ચાલ્યા જ કરે છે. કર્મયોગ એટલે એક ખાસ મનોવૃત્તિથી બધું કરવું તે. ખેતરમાં ઘઉં ઓરવા અને મૂઠી ઘઉંના દાણા લઈ જઈ ગમે ત્યાં ફેંકવા એ બે વાતો એકબીજીથી ઘણી જુદી છે. એ બંને વચ્ચે ઘણો ફેર છે. અનાજ વાવવાથી કે ઓરવાથી કેટલું મોટું ફળ મળે છે અને ફેંકી દેવાથી કેવું નુકસાન થાય છે તે આપણે હમેશ જોઈએ છીએ. ગીતા જે કર્મની વાત કહે છે તે ઓરવાના કે વાવવાના કામ જેવું છે. આવા સ્વધર્મરૂપ કર્તવ્યમાં ઘણી શક્તિ છે. તેમાં જેટલી મહેનત-મજૂરી કરીએ તેટલી ઓછી છે. એથી દોડધામને એમાં અવકાશ જ રહેતો નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: