Daily Archives: 26/03/2009

પ્રકૃતિની ચિકિત્સા (75)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
પ્રકરણ – ૭૫ – પ્રકૃતિની ચિકિત્સા

1. આજનો ચૌદમો અધ્યાય એક રીતે પાછલા અધ્યાયની પૂર્તિ કરે છે. આત્માને ખરેખર કંઈક કરીને મેળવવાનો છે એવી વાત નથી. આત્મા સ્વયંપૂર્ણ છે. આપણા આત્માની સ્વાભાવિક ઉપર જનારી ગતિ છે. પણ કોઈક ચીજને ભારે વજન બાંધો એટલે તે જેમ નીચે ખેંચાય છે તેમ આ દેહનો ભાર આત્માને નીચે ખેંચે છે. પાછલા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. આ વાત અઘરી હશે, છતાં તેનાથી મળનારૂં ફળ પણ બહુ મોટું છે. આત્માના પગમાં જડાયેલી દેહની બેડી આપણે તોડી શકીએ તો અતિશય આનંદ મળે એમ છે. પછી માણસ દેહનાં દુઃખોથી દુઃખી નહીં થાય. તે સ્વતંત્ર થશે. આ એક દેહરૂપી ચીજને જીતી લીધા પછી માણસ પર કોણ સત્તા ચલાવી શકશે ? જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરો. દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે; તેમનો આત્માની સાથે જરાયે સંબંધ નથી.

2. આ સુખદુઃખ કેટલા પ્રમાણમાં અળગાં કરવાં એનો ખ્યાલ ભગવાન ખ્રિસ્તનો દાખલો લઈ મેં અગાઉ આપ્યો હતો. દેહ તૂટીને પડી જતો હોય તે વખતે પણ અત્યંત શાંત તેમ જ આનંદમય કેમ રહી શકાય તે ઈશુ બતાવે છે. પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ ક બાજુથી વિવેકનું છે તેવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે. ‘विवेकासहित वैराग्याचें बल ’ –વિવેકની સાથે વૈરાગ્યનું બળએમ તુકારામે કહ્યું છે. વિવેક અને વૈરાગ્ય બંને વાત જોઈએ. વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે. આ ચૌદમા અધ્યાયમાં નિગ્રહની દિશા બતાવી છે. હોડી ચલાવવાનું કામ હલેસાં મારનારાઓ કરે છે. પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે. હલેસાં ને સુકાન બંનેની જરૂર છે. તે જ પ્રમાણે દેહનાં સુખદુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ બંનેની જરૂર છે.

3. વૈદ જેમ માણસની પ્રકૃતિ તપાસીને ઉપચાર બતાવે છે તેમ ભગવાને આ ચૌદમા અધ્યાયમાં આખીયે પ્રકૃતિને તપાસીને તેનું પૃથક્કરણ કરી કયા કયા રોગ ઘર કરી ગયા છે તે બતાવ્યું છે. પ્રકૃતિની બરાબર વહેંચણી અહીં કરવામાં આવેલી છે. રાજનિતિ-શાસ્ત્રમાં ભગલા પાડવાનું મોટું સૂત્ર છે. જે શત્રુ સામો હોય તેમાં જો ભાગ પાડી શકાય, તેનામાં ભેદ પાડી શકાય તો તેને ઝટ જમીનદોસ્ત કરી શકાય. ભગવાને અહીં એ જ કરી બતાવ્યું છે. મારી, તમારી, સર્વ જીવોની, બધાંયે ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજો રહેલી છે. આયુર્વેદમાં જેમ વાત, પિત્ત અને કફ છે તેમ અહીં સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં ભરેલા છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો એટલો કે ક્યાંક એકાદ થોડો તો ક્યાંક એકાદ વધારે. આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પાડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણે ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતાં જીતતાં મુખ્ય વસ્તુની પાસે પહોંચવાનું છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ  (76)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૬. તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ

4. ત્યારે, પહેલો તમોગુણ જોઈએ. આજની સમાજ-સ્થિતિમાં તમોગુણની ઘણી બિહામણી અસર જોવાની મળે છે. આ તમોગુણનું મુખ્ય પરિણામ આળસ છે. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણે વાતોને જીતતાં આવડયું એટલે તમોગુણને જીત્યો જાણવો. તમોગુણના આ ત્રણ પ્રકાર પૈકી આળસ એક ઘણી ભયાનક ચીજ છે. સારામાં સારા માણસો પણ આળસને લીધે બગડી જાય છે. સમાજની બધીયે સુખશાંતિને ખેદાનમેદાન કરનારો આ રીપુ છે. નાનાં છોકરાંથી માંડીને ઘરડાં સુધીનાં સૌને એ બગાડે છે. એ શત્રુએ સૌ કોઈને ઘેરી લીધેલાં છે. એ શત્રુ આપણામાં પેસી જવાને ટાંપીને બેસી રહે છે. જરા જેટલી તક મળતાં તે અંદર ઘૂસી જાય છે. જરા બે કોળિયા વધારે ખાધું કે તેણે આળોટવાને આપણને આડા પાડયા જ જાણો. સહેજ વધારે ઊંઘ્યા કે આંખ પરથી આળસ જાણે ટપકતું હોય એવું દેખાય છે. આવું આ આળસ જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી બધું ફોગટ છે. પણ આપણે તો આળસને માટે ઈંતેજાર હોઈએ છીએ. ઝટ ઝટ ઘણું કામ કરી ઘણો પૈસો એક વાર એકઠો કરી લઈએ તો પછી રામ મળે એવી આપણી ઈચ્છા હોય છે. ઘણો પૈસો મેળવવો એટલે આગળના આળસને માટે બંદોબસ્ત કરી રાખવો ! આપણો કંઈક એવો ખ્યાલ બંધાઈ ગયો છે કે ઘડપણમાં આરામ જોઈએ જ. પણ એ સમજણ ખોટી છે. આપણે બરાબર વર્તન રાખીએ તો ઘડપણમાં પણ કામ આપી શકીએ. ઘડપણમાં તો આપણે વધારે અનુભવી હોઈશું એટલે વધારે ઉપયોગી થઈ શકીશું. પણ નહીં, કહે છે કે ત્યારે જ આરામ જોઈએ !

5. આળસને તક ન મળે તેટલા ખાતર આપણે સાવધ રહેવું જોઈએ. નળરાજા કેવડો મોટો રાજા હતો ! પણ પગ ધોતી વખતે જરા તેનું ફણિયું કોરૂં રહી ગયું એટલે કહે છે કલિ ત્યાંથી તેનામાં પેસી ગયો ! નળ રાજા અત્યંત શુદ્ધ હતો, બધી રીતે સ્વચ્છ રહેનારો હતો. પણ તેનુંયે એક અંગ સહેજ કોરૂં રહી ગયું, તેટલું આળસ રહી ગયું, એટલે કલિ જોતજોતામાં અંદર પેઠો. આપણું તો આખુંયે શરીર ખુલ્લું પડેલું છે. આળસને જ્યાંથી અંદર પેસવું હોય ત્યાંથી પેસે. શરીરને આળસ ચડયું એટલે મન અને બુદ્ધિને પણ ચડયું જ જાણો. આજે સમાજની આખીયે ઈમારત આ આળસ પર ઊભી કરવામાં આવેલી છે. એમાંથી પાર વગરનાં, અનંત દુઃખો પેદા થયાં છે. આ આળસ આપણે કાઢી શકીએ તો બધાં નહીં તોયે ઘણાંખરાં દુઃખો તો આપણે જરૂર દૂર કરી શકીએ.

6. હમણાંહમણાં સમાજસુધારાની ચર્ચા સર્વત્ર ચાલે છે. સામાન્યમાં સામાન્ય માણસને પણ ઓછામાં ઓછું આટલું સુખ તો મળવું જ જોઈએ અને તે માટે સમાજરચના કેવી હોવી જોઈએ વગેરે ચર્ચાઓ થાય છે. એક તરફ સંપત્તિના ઢગલાના ઢગલા છે તો બીજી તરફ ગરીબીનાં ઊંડાં ઊંડાં કોતર છે. આ સામાજિક વિષમતા કેમ દૂર થાય ? જરૂર જેટલું બધુંયે સુખ સહેજે મેળવવાનો એક જ ઈલાજ છે અને તે એ કે સૌ કોઈએ આળસ છોડી મહેનત-મજૂરી કરવાને તૈયાર થવું જોઈએ. મુખ્ય દુઃખ આળસને લીધે જ છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. પણ સમાજમાં શું દેખાય છે? એક બાજુથી અંગમહેનત કરવાને વાંકે કાટ ખાઈને નકામા, નિરૂપયોગી થઈ જનારા લોકો દેખાય છે; તવંગર લોકોનાં શરીરના અવયવો પર કાટ ચડતો જાય છે; તેમનાં શરીરો વપરાતાં જ નથી અને બીજી બાજુ એટલું બધું કામ ચાલે છે કે આખું શરીર ઘસાઈ ઘસાઈને ગળી ગયું છે. આખા સમાજમાં શારીરિક શ્રમ, અંગમહેનત ટાળવાની પ્રવૃત્તિ ચાલે છે. થાકીને મરી જવાય એટલી હદ સુધી જે લોકોને કામ, મહેનત-મજૂરી કરવી પડે છે તે બધા પોતાની રાજીખુશીથી એ મહેનત નથી કરતા, ન છૂટકે કરે છે. ડાહ્યા લોકો મહેનત-મજૂરી ટાળવાના કારણો, બહાનાં બતાવે છે. કોઈ કહે છે, ‘શારીરિક મહેનત કરવામાં નાહક વખત શા સારૂ બગાડવો? ’ પણ એ લોકો એવું કદી નથી કહેતા કે, ‘ આ ઊંઘ શા સારૂ અમસ્તી? આ જમવામાં વખત નાહક શા સારૂ બગાડવો? ’ ભૂખ લાગે છે, એટલે આપણે ખાઈએ છીએ. પણ અંગમહેનતનો, મજુરીનો સવાલ સામો આવીને ઊભો રહે છે ત્યારે તરત કહીએ છીએ, ‘ નાહક શારીરિક શ્રમમાં વખત શા સારૂ બગાડવો? શા માટે એ કામ અમારે કરવું? શા સારૂ શરીર ઘસવું? અમે માનસિક કામ કર્યા જ કરીએ છીએ. ’ અરે ભલા માણસ ! માનસિક કામ કરે છે તો અનાજ પણ માનસિક ખા ને ! અને ઊંઘ પણ માનસિક લે ને ! મનોમય ખોરાક અને મનોમય ઊંઘ લેવાની કંઈક યોજના કર ને !

7. સમાજમાં આવી રીતે આ બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. મારા મિત્રે મને કહ્યું, ‘ કેટલાંક માથાં ને કેટલાંક ખોખાં. ’ એક તરફ માત્ર ધડ છે ને બીજી તરફ કેવળ માથું છે. ધડને ફક્ત ઘસાવાનું છે. માથાને માત્ર વિચાર કરવાનું રહે છે. આવા રાહુ ને કેતુ, ધડ ને માથાં એવા બે ભાગ સમાજમાં પડી ગયા છે. પણ સાચેસાચ માત્ર ધડ ને માત્ર માથાં હોત તોયે ઘણું સારૂં થાત. પછી આંધળા-લૂલાને ન્યાયે કંઈક વ્યવસ્થા ઊભી કરી શકાત. આંધળાને પાંગળો રસ્તો દેખાડે અને પાંગળાને આંધળો ખાંધ પર બેસાડીને ચાલે. પણ કેવળ ધડ ને કેવળ માથાંના આવા અલગ અલગ વાડા નથી. દરેક જણને ધડ છે અને માથું પણ છે. રૂંડ-મુંડની, ધડ-માથાંની આ જોડી સર્વત્ર છે. એનું શું કરવું ? માટે દરેક જણે આળસ છોડવું જ જોઈએ.

8. આળસ છોડવું એટલે અંગમહેનત કરવી. આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. આ ઈલાજનો અમલ કરવામાં નહીં આવે તો કુદરત તે માટે સજા કરશે તે ભોગવ્યા વગર છૂટકો થવાનો નથી. રોગોના રૂપમાં અથવા બીજે કોઈ ને કોઈ રૂપે શિક્ષા ભોગવ્યા વિના આરો નથી. શરીર આપણને આપવામાં આવેલું છે એટલે મહેનત પણ આપણે કરવી જ પડશે. શરીર વડે મહેનત-મજુરી કરવામાં જતો વખત ફોગટ જતો નથી. તેનું વળતર મળ્યા વિના રહેતું નથી. તંદુરસ્તી સારામાં સારી રહે છે. અને બુદ્ધિ સતેજ, તીવ્ર તેમ જ શુદ્ધ થાય છે. ઘણા વિચારકોના વિચારમાં પણ તેમના પેટના દુખાવાનું ને માથાના દુખાવાનું પ્રતિબિંબ પડયા વગર રહેતું નથી. વિચાર કરવાવાળા તડકામાં, ખુલ્લી હવામાં, સૃષ્ટિના સાન્નિધ્યમાં મજૂરી કરશે તો તેમના વિચાર પણ તેજસ્વી થશે. શરીરના રોગની જેવી મન પર અસર થાય છે તેવી શરીરની તંદુરસ્તીની પણ થાય છે. આ અનુભવની વાત છે. પાછળથી ક્ષય રોગ લાગુ પડે એટલે પંચગનીમાં ડુંગર પર હવા ખાવા જવું, અથવા સૂર્યનાં કિરણ લેવાના અખતરા કરવા તેના કરતાં આગળથી ચેતીને બહાર કોદાળી લઈ ખોદવું શું ખોટું? બાગમાં ઝાડોને પાણી પાવું શું ખોટું? ઈંધણ માટે લાકડાં ફાડવાં શાં ખોટાં?

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

તમોગુણના બીજા ઈલાજ (77)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૭. તમોગુણના બીજા ઈલાજ

9. આળસને જીતવાની એક વાત થઈ. બીજી વાત ઊંઘને જીતવાની છે. ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. સેવા કરીને થાકેલા સાધુસંતોની ઊંઘ એ યોગ જ છે. આવી શાંત અને ગાઢ ઊંઘ મહા ભાગ્યવાનને સાંપડે છે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. ઊંઘનું મહત્વ તેની લંબાઈપહોળાઈમાં નથી. પથારી કેટલી લાંબીપહોળી અને માણસ તેના પર કેટલો વખત રહ્યો એ બીના પર ઊંઘનો આધાર નથી. કૂવો ઊંડો હોય તેમ તેનું પાણી વધારે સ્વચ્છ ને મીઠું હોય છે, તે જ પ્રમાણે ઊંઘ થોડી હોય તો પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. બરાબર મન લગાડીને અર્ધો કલાક કરેલો અભ્યાસ ચંચળવૃત્તિથી કરેલા ત્રણ કલાકના અભ્યાસ કરતાં વધારે ફળ આપનારો નીવડે છે. ઊંઘનું પણ એવું જ છે. લાંબા વખત સુધીની ઊંઘ હિતપરિણામી હોય જ એવું નથી. રોગી ચોવીસ કલાક પથારીમાં પડયો રહે છે. પથારીની અને તેની કાયમની દોસ્તી થયેલી છે. પણ બિચારાની ઊંઘ સાથે દોસ્તી થતી નથી. સાચી ઊંઘ ગાઢ, સ્વપ્નાં વગરની હોય છે. મરણ પછીની નરકની યાતના તો જેવી હોય તેવી ખરી પણ જેને ઊંઘ આવતી નથી, જે માઠાં સ્વપ્નાંથી ઘેરાયેલો રહે છે, તેની નરક યાતનાની શી વાત કરવી ? વેદમાં પેલો ઋષિ ત્રાસીને કહે છે – ‘ परा दुःष्वप्न्यं सुव ’ — ‘ આવી દુષ્ટ ઊંઘ નથી જોઈતી, નથી જોઈતી. ’ ઊંઘ આરામને માટે હોય છે. પણ ઊંઘમાંયે તરેહતરેહનાં સ્વપ્નાં અને વિચાર છાતી પર ચડી બેસે તો આરામ કેવો ને વાત કેવી?

10. ગાઢ ઊંડી ઊંઘ કેવી રીતે મળે? જે ઈલાજ આળસની સામે કહ્યો છે તે જ ઊંઘની સામે યોજવો. દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેત માણસ જાણે મડદું થઈ પડે. ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું. આવી મજાની ઊંઘ આવે તે સારૂ દિવસે આગળથી તૈયારી કરવી જોઈએ. શરીર થાકી જવું જોઈએ. પેલા અંગ્રેજ કવિ શેક્સપિયરે કહ્યું છે કે ‘ રાજાના માથા પર મુગટ છે પણ તેની અંદર ચિંતા છે ! ’ રાજાને ઊંઘ આવતી નથી. તેનું એક કારણ એ છે કે તે શરીર વડે મજૂરી કરતો નથી. જાગતો હોય છે ત્યારે જે ઊંઘે છે તેને ઊંઘને વખતે જાગતા રહેવું પડશે. દિવસે બુદ્ધિ અને શરીર ન વાપરવાં એટલે તે ઊંઘ જ થઈ જાણવી. પછી ઊંઘની વેળાએ બુદ્ધિ વિચાર કરતી રઝળે છે અને શરીરને સાચું નિદ્રાસુખ મળતું નથી. પછી લાંબા વખત સુધી સૂઈ રહેવું પડે છે. જે જીવનમાં પરમ પુરૂષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરૂષાર્થ સંપાદન થશે ક્યારે ? અરધી આવરદા જો ઊંઘમાં જાય તો પછી મેળવવાનું શું રહે ?

11. ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ જે પ્રમાદ તે સહેજે આવે છે. ઊંઘણશી માણસનું ચિત્ત કાબેલ અને સાવધ રહેતું નથી. તેનાથી અનવધાન પેદા થાય છે. ઝાઝી ઊંઘથી આળસ પેદા થાય છે અને આળસને લીધે ભુલકણા થઈ જવાય છે. વિસ્મરણ પરમાર્થનો નાશ કરવાવાળી ચીજ છે. વહેવારમાં પણ વિસ્મરણથી નુકસાન થાય છે. પણ આપણા સમાજમાં વિસ્મરણની ક્રિયા સ્વાભાવિક થઈ ગઈ છે. વિસ્મરણ મોટી ખામી છે એવું કોઈને લાગતું નથી. કોઈને મળવા જવાનું માણસે નક્કી કર્યું હોય અને જતો નથી. અને કોઈ પૂછે તો કહે છે, ‘ અરે ! ભૂલી ગયો ! ’ એવું કહેનારને પોતે કંઈ ખાસ ખોટું કર્યું હોય, કંઈ મોટી ભૂલ કરી હોય એવું લાગતું નથી, અને સાંભળનારને પણ એ જવાબથી સમાધાન થાય છે ! વિસ્મરણની સામે જાણે કોઈ ઈલાજ જ નથી એવી સૌ કોઈની સમજ થઈ ગઈ લાગે છે. પણ આવું બેભાનપણું શું પરમાર્થમાં કે શું દુનિયાદારીના વહેવારમાં, બંને ઠેકાણે નુકસાન કરવાવાળું છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે.

12. વિસ્મરણનું કારણ મનનું આળસ છે. મન જાગ્રત હોય તો તે વીસરી નહીં જાય. આળોટયા કરનારા મનને વિસ્મરણનો રોગ વળગ્યો જ જાણવો. તેથી જ ભગવાન બુદ્ધ હમેશ કહેતા,

‘ पमादो मच्चुनो पदं ’

— વિસ્મરણ એ જ મરણ છે. આ પ્રમાદને જીતવાને માટે આળસ અને ઊંઘને જીતી લો, અંગમહેનત કરો, સતત સાવધ રહો. જે જે કૃતિ કરવાની આવે તે વિચારપૂર્વક કરવાની રાખો. કૃતિ એમ ને એમ, એની મેળે થઈ જાય એ બરાબર નથી; કૃતિની આગળ વિચાર હોય, પાછળ વિચાર હોય. આગળ ને પાછળ બધે વિચારરૂપ પરમેશ્વર ખડો રહેવો જોઈએ. આવી ટેવ કેળવીશું તો જ અનવધાનપણાનો રોગ નાબૂદ થશે. બધા વખતને બરાબર બાંધી રાખો. ક્ષણેક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે બધા તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા (78)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૮. રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા

13. પછી રજોગુણની સામે મોરચો વાળવો. રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે એમ કહેવું જોઈએ. શરીર ખૂબ સૂઈ રહે એટલે પછી તે ચળવળ કરવા માંડે છે. અને ઝાઝી દોડધામ કરનારૂં શરીર આડું પડી સૂઈ રહેવા તાકે છે. તમોગુણમાંથી રજોગુણ આવી જાય છે અને રજોગુણમાંથી તમોગુણ આવી પડે છે. એક હોય ત્યાં બીજો ખરો જ. રોટલી જેમ એક બાજુથી ઝાળ અને બીજી બાજુથી ધગધગતા અંગારની વચ્ચે ઘેરાઈ જાય છે તેમ માણસની આગળ અને પાછળ આ રજસ્તમોગુણ વળગેલા છે. રજોગુણ કહે છે, ‘ આમ આવ, તને તમોગુણ તરફ ઉડાવું. ’ તમોગુણ કહે છે, ‘ મારા તરફ આવ એટલે હું તને રજોગુણ તરફ ફેંકું. ’ આવા આ રજોગુણ ને તમોગુણ એકબીજાને સહાયક થઈને માણસનો નાશ કરે છે. ફૂટબૉલનો જન્મ લાતો ખાવાને સારૂ થયેલો છે, તે જ પ્રમાણે રજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જનામારો નીકળી જાય છે.

14. તરેહતરેહનાં કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. મોટાં મોટાં કામોની પાર વગરની આસક્તિ પણ રજોગુણનું લક્ષણ છે. રજોગુણને લીધે માણસને અપરંપાર કર્મ-સંગ વળગે છે, તેનામાં લોભાત્મક કર્માસક્તિ ઉત્પન્ન થાય છે. પછી વાસના-વિકારોનો વેગ રોક્યો રોકાતો નથી, કાબૂમાં રહેતો નથી. માણસને એમ થયા કરે છે કે અહીંનો ડુંગર ઉપાડી ત્યાં બનાવું અને ત્યાંનો ખાડો ભરી દઉં. તેને એમ થાય છે કે જાણે દરિયામાં માટી નાખીને તેને પૂરી દઉં અને સહારાના રણમાં પાણી છોડી ત્યાં દરિયો બનાવી દઉં. અહીં સુએઝની નહેર ખોદું, ત્યાં પનામાની નહેર કાઢું. આવો એ અહીંથી તહીં કરવાનો ચડસ હોય છે. આ તોડું ને પેલું જોડું. નાનું છોકરૂં ચીંદરડી લે છે, તેને ફાડે છે, તેનું બીજું કંઈક બનાવે છે, તેવું જ આ છે. આને પેલામાં ભેળવ, પેલાને આમાં ભેળવ, પેલું બુડાવી દે, આને ઉડાવી દે; એવા બધા રજોગુણના અનંત ખેલ છે. પંખી આકાશમાં ઊડે છે તો આપણને પણ ઊડતાં આવડવું જોઈએ. માછલી પાણીમાં રહે છે તો આપણે પણ પાણબૂડી, સબમરીન બનાવીને તેમ કરવું જોઈએ. આમ મનખાદેહમાં અવતરવા છતાં રજોગુણીને પંખીઓની અને માછલીઓની બરાબરી કરવામાં કૃતાર્થતા લાગે છે. પરકાયાપ્રવેશના, બીજાં શરીરોનાં કૌતુક અનુભવવાના અને એવા અભળખા તેને આ મનખાદેહમાં રહ્યા રહ્યા સૂઝે છે. કોઈને થાય છે કે મંગળ પર ઊડીને જઈએ ને ત્યાંની વસ્તી કેવી છે તે જોઈ આવીએ. ચિત્ત એકસરખું ભટક્યા કરે છે. શરીરમાં જાણે કે તરેહતરેહની વાસનાનું ભૂત પેસી જાય છે. જે જ્યાં છે ત્યાંનું ત્યાં રહે એ તેનાથી જાણે ખમાતું નથી. ભાંગફોડ જાઈએ. આવો હું માણસ જેવો માણસ જીવતો હોઉં ને આ સૃષ્ટિ છે તેવી ને તેવી રહે એ કેવું ? એમ તેને થાય છે. કોઈ પહેલવાનને ચરબી ચડે છે અને તે ઉતારવાને જેમ તે ક્યાંક ભીંતમાં જ મુક્કા મારે છે, ક્યાંક ઝાડને જ ધક્કા લગાવે છે તેવા રજોગુણના ઉછાળા હોય છે. એવા ઉછાળા આવે છે એટલે માણસ પૃથ્વી ખોદીને થોડા પથરા બહાર કાઢે છે અને તેને હીરા, માણેક એવાં નામો આપે છે. એ ઉછાળો આવતાં તે સમુદ્રમાં ડૂબકી મારે છે, તેને તળિયેથી કચરો ઉપર લાવે છે અને તેને મોતી નામ આપે છે. પણ મોતીને નાકું નથી હોતું. એટલે તે મોતીને વીંધે છે. પણ મોતી પહેરવાં ક્યાં ? એટલે પછી સોની પાસે નાક-કાન પણ વિંધાવે છે. આવું આવું બધું માણસ શાથી કરે છે ? એ બધો રજોગુણનો પ્રભાવ છે.

15. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. રજોગુણને ફળ તાબડતોબ જોઈએ છે. એટલે જરાક સામી હરકત આવી કે લાગલો તે લીધેલો રસ્તો છોડી દે છે. રજોગુણી માણસ આ છોડ, પેલું લે એમ એકસરખી લે-મૂક કર્યા કરે છે. રોજની નવી નવી પસંદગી અને પરિણામે આખરે હાથમાં કશું આવતું નથી.

‘ राजसं चलमध्रुवम् ’

રજોગુણની કૃતિ જ ચળ ને અનિશ્ચિત છે. નાનાં છોકરાં ઘઉં વાવે છે ને તરત ઉખેડીને જોવા માંડે છે. રજોગુણી માણસનું પણ એવું જ હોય છે. ઝપાટાબંધ બધુંયે હાથમાં આવવું જોઈએ. તે અધીરો થઈ જાય છે. તેનામાં સંયમ રહેતો નથી. એક ઠેકાણે પગ બાંધીને રહેવાની વાતની તેને જાણ નથી. અહીં થોડું કામ કર્યું, ત્યાં થોડી બોલબાલા થઈ કે ચાલ્યા બીજી તરફ. આજે મદ્રાસમાં માનપત્ર લીધું, કાલે કલકત્તામાં અને પરમ દિવસે મુંબઈ-નાગપુરમાં લીધું ! જેટલી સુધરાઈઓ હોય તેટલાં માનપત્રો લેવાનો તેને અભળખો થાય છે. માન એટલી એક જ ચીજ તેને દેખાય છે. એક ઠેકાણે પગ બાંધી સ્થિરપણે કામ કરવાની તેને આદત જ હોતી નથી. આથી રજોગુણી માણસની સ્થિતિ બહુ ભયાનક થાય છે.

16. રજોગુણની અસરને લીધે માણસ તરેહતરેહના ધંધામાં માથાં મારે છે. તેને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. ખરૂં જોઈએ તો સ્વધર્માચરણ એટલે બીજાં જાતજાતનાં કર્મોનો ત્યાગ કરવો તે. ગીતામાં કહેલો કર્મયોગ રજોગુણમાંથી છૂટવાનો ઈલાજ છે. રજોગુણમાં બધું જ ચંચળ હોય છે. પર્વતને મથાળે જે પાણી વરસે છે તે જુદી જુદી દિશામાં વહી જાય તો ક્યાંયે રહેતું નથી, બધુંયે નાશ પામે છે. પણ એ બધું પાણી એક જ દિશામાં વહે તો તેની આગળ નદી બને. પેલા પાણીમાં શક્તિ નિર્માણ થાય ને તે દેશને ઉપયોગી થાય. તે જ પ્રમાણે માણસે પોતાની બધી શક્તિ જાતજાતના જુદા જુદા ધંધામાં નાહક વેડફી ન મારતાં, એકઠી કરી એક જ કાર્યમાં સુવ્યવસ્થિત રીતે વાળે તો જ તેને હાથે કંઈક કામ પાર પડે. આથી સ્વધર્મનું મહત્વ છે. સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી જોઈએ. બીજી ચીજો તરફ ધ્યાન જવું જ ન જોઈએ, સ્વધર્મની એ કસોટી છે. કર્મયોગ એટલે પાર વગરનું ઘણું ઘણું કામ નથી. કેવળ ઘણું કામ કરવું એટલે કર્મયોગ નથી. ગીતાનો કર્મયોગ જુદી વસ્તુ છે. ફળ તરફ ધ્યાન ન રાખતાં કેવળ સ્વભાવથીઆવી મળેલો અપરિહાર્ય સ્વધર્મ આચરવો અને તેની મારફતે ચિત્તશુદ્ધિ કરતા રહેવું એ કર્મયોગની ખાસ વિશેષતા છે. બાકી કર્મ કરવાનું તો સૃષ્ટિમાં ચાલ્યા જ કરે છે. કર્મયોગ એટલે એક ખાસ મનોવૃત્તિથી બધું કરવું તે. ખેતરમાં ઘઉં ઓરવા અને મૂઠી ઘઉંના દાણા લઈ જઈ ગમે ત્યાં ફેંકવા એ બે વાતો એકબીજીથી ઘણી જુદી છે. એ બંને વચ્ચે ઘણો ફેર છે. અનાજ વાવવાથી કે ઓરવાથી કેટલું મોટું ફળ મળે છે અને ફેંકી દેવાથી કેવું નુકસાન થાય છે તે આપણે હમેશ જોઈએ છીએ. ગીતા જે કર્મની વાત કહે છે તે ઓરવાના કે વાવવાના કામ જેવું છે. આવા સ્વધર્મરૂપ કર્તવ્યમાં ઘણી શક્તિ છે. તેમાં જેટલી મહેનત-મજૂરી કરીએ તેટલી ઓછી છે. એથી દોડધામને એમાં અવકાશ જ રહેતો નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.