વૈષ્ણવજન તો તેને રે કહીંયે જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ એટલે વિષ્ણુના જે ભક્ત છે તે. વિષ્ણુ એટલે વ્યાપક. એટલાં વ્યાપક કે જ્યાં જ્યાં તેનો વ્યાપ હોય તે સર્વ તેની વિભૂતિથી વિભૂષિત થઈ જાય. ટુકમાં પ્રકૃતિના સત્વગુણમાં પડતા ચૈતન્યનો પ્રભાવ એટલે વિષ્ણુંની વિભૂતિ. આ સત્વ ગુણના ચાહક, સંવર્ધક, પ્રેરક તે વૈષ્ણવ. આવા લોકો દૈવી સંપત્તિના સંગ્રાહક હોય છે. દૈવી સંપત્તિ વિશે વધુ જાણવા માટે ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય વાંચવો.
આસુરી જન તો તેને રે કહીંયે જે પરને પીડી જાણે રે
અસુ એટલે પ્રાણ. પ્રાણના સુખમાં રમણ કરનાર અસુર. પ્રાણનું સુખ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હદે જઈ શકે એટલે કે અન્યને પીડી શકે, અન્યનું નુકશાન કરી શકે કે અન્યનું અસ્તિત્વ પણ મિટાવી દઈ શકે તે આસુરી જન. આસુરી જન મુખ્યત્વે રજોગુણ પ્રધાન હોય. ખૂબ કાર્ય કરે પણ સર્વ કાર્ય કામ, ક્રોધ અને લોભથી પ્રેરિત હોય. આસુરી જન વિશે વધુ જાણવા માટે ભગવદ્ગીતાનો ૧૬મો અધ્યાય વાંચવો.
તામસ જન તો તેને રે કહીંયે જે સ્વની અધોગતિ નોતરે રે
આવા લોકોની શું વાત કરવી? જેમને અન્યની પીડાની કે અન્યને પીડવાની નહીં પણ આળસ અને પ્રમાદથી સ્વને જ અધોગતિમાં લઈ જવાની ટેવ પડી ગઈ હોય.