સંબંધ – પૂર્વશ્લોકમાં ભગવાને સઘળી કામનાઓનો ત્યાગ તેમ જ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાના નિશ્ચયની વાત કહી. હવે કામનાઓનો ત્યાગ અને ઈન્દ્રિયોનો નિગ્રહ કેવી રીતે કરવો – તેનો ઉપાય આગળના શ્લોકમાં બતાવે છે.
शनैः शनैरुपरमेद्बुद्धया धृतिगृहीतया।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥ ભ.ગી.૬.૨૫ ||
क्रम-क्रम से अभ्यास करता हुआ उपरति को प्राप्त हो तथा धैर्ययुक्त बुद्धि द्वारा मन को परमात्मा में स्थित करके परमात्मा के सिवा और कुछ भी चिन्तन न करे॥
ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા સંસારથી ધીરે-ધીરે અભ્યાસ કરતો ઉપરામ થઈ જાય અને મન બુદ્ધિને પરમત્મસ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિત કરીને પછી પરમાત્મા સિવાય બીજા કશાયનું પણ ચિંતન ન કરે.
ટીકા – ’બુદ્ધયા ધૃતિગૃહીતયા’ – સાધન કરતાં – કરતાં પ્રાય: સાધકોને કંટાળો આવે છે અને નિરાશા થાય છે કે ધ્યાન અને ચિંતન કરતાં આટલાં દિવસો થઈ ગયા, પરંતુ તત્વપ્રાપ્તિ ન થઈ, તો હવે શું થવાની છે? કેવી રીતે થશે? આ વાત અંગે ભગવાન ધ્યાનયોગના સાધકને સાવધાન કરે છે કે તેને ધ્યાનયોગનો અભ્યાસ કરતાં સિદ્ધિ પ્રાપ્ત ન થાય, તોપણ કંટાળવું ના જોઈએ, પરંતુ ધૈર્ય રાખવું જોઈએ. જેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત થતાં કે સફળતા મળતાં ધૈર્ય રહે છે, તેવું જ ધૈર્ય વિફળતા મળતાં પણ રહેવું જોઈએ; ભલે વર્ષોનાં વર્ષો વીતી જાય અને શરીર છૂટી જાય તોપણ પરવા નહિ, પરંતુ તત્વને તો પ્રાપ્ત કરવું જ છે. કારણ કે એનાથી ચડિયાતું બીજું કોઈ એવું કામ છે જ નહિ. એટલા માટે તેને સમાપ્ત કરીને આગળ શું કામ કરવાનું છે? જો એનાથી ચડિયાતું કોઈ કામ હોય તો આને છોડો અને તે કામને અત્યારે જ કરો! – આ રીતે બુદ્ધિને વશમાં કરી લેવી અર્થાત બુદ્ધિમાં માન, બડાઈ, આરામ વગેરેને લીધે જે સંસારનું મહત્વ રહ્યું છે, તે મહત્વને હઠાવી દેવું. તાત્પર્ય એ છે કે પૂર્વશ્લોકમાં જે વિષયોનો ત્યાગ કરવાને માટે કહેવામાં આવ્યું છે, એ વિષયોથી ધૈર્યયુક્ત બુદ્ધિથી ઉપરામ થઈ જવું.
’શનૈ: શનૈરુપરમેત’ – ઉપરામ થવામાં ઉતાવળ ન કરવી; પરંતુ ધીરે-ધીરે ઉપેક્ષા કરતાં-કરતાં વિષયોથી ઉદાસીન થઈ જવું અને ઉદાસીન થઈ જતાં તેમનાથી બિલકુલ ઉપરામ થઈ જવું.
કામનાઓનો ત્યાગ અને મનથી ઈન્દ્રિયસમૂહનું સંયમન કર્યા પછી પણ અહીં જે ઉપરામ થવાની વાત બતાવી છે, તેનું તાત્પર્ય એ છે કે કોઈ ત્યાજ્ય વસ્તુનો ત્યાગ કરવા છતાં પણ તે ત્યાજ્ય વસ્તુની સાથે આંશિક દ્વેષનો ભાવ રહી શકે છે. એ દ્વેષભાવને હઠાવવાને માટે અહીં ઉપરામ થવાની વાત કહેવામાં આવી છે. તાત્પર્ય એ છે કે સંકલ્પોની સાથે ન રાગ કરવો કે ન દ્વેષ કરવો; પરંતુ તેમનાથી સર્વથા ઉપરામ થઈ જવું.
અહીં ઉપરામ થવાની વાત એટલા માટે કહેવામાં આવી છે કે પરમાત્મતત્વ મનના કબજામાં નથી આવતું; કેમકે મન પ્રકૃતિનું કાર્ય હોવાથી જ્યારે તે પ્રકૃતિને પણ નથી પકડી શકતું, તો પછી પ્રકૃતિથી અતીત પરમાત્મતત્વને પકડી જ કેવી રીતે શકે? અર્થાત પરમાત્માનું ચિંતન કરતાં કરતાં મન પરમાત્મને પકડી લે, એ તેના હાથની વત નથી. જે પરમાત્માની શક્તિથી મન પોતાનું કાર્ય કરે છે, તે પરમાત્માને મન કેવી રીતે પકડી શકે? – ’યન્મનસા ન મનુતે યેનાહુર્મનો મતમ્’ (કેન. ૧/૫). જેવી રીતે, જે સૂર્યના પ્રકાશથી દીપક, વીજળી વગેરે પ્રકાશિત થાય છે, તે દીપક વગેરે સૂર્યને કેવી રીતે પ્રકાશિત કરી શકે? એવી જ રીતે મન, બુદ્ધિ વગેરેમાં જે કંઈ શક્તિ છે, તે એ પરમાત્માથી જ આવે છે. આથી તે મન, બુદ્ધિ વગેરે તે પરમાત્માને કેવી રીતે પકડી શકે? અર્થાત નથી પકડી શકતાં.
બીજી વાત, સંસારની તરફ ચાલવાથી નીર્ભેળ સુખ મળ્યું જ નથી. કેવળ સુંખાભાસ સાથેનું દુ:ખ જ દુ:ખ મળ્યું છે. આથી સંસારના ચિંતન સાથે પ્રયોજન ના રહ્યું તો હવે શું કરવું? એનાથી ઉપરામ થઈ જવું.
’આત્મસંસ્થં મન: કૃત્વા’ – બધી જગાએ એક સચ્ચિદાનંદ પરમાત્મા જ પરિપૂર્ણ છે. સંકલ્પોમાં પહેલા અને અંતમાં (પછી) તે જ પરમાત્મા છે. સંકલ્પોમાં પણ આધાર અને પ્રકાશરૂપે એક પરમાત્મા જ પરિપૂર્ણ છે. તે સંકલ્પોમાં બીજી કોઈ સત્તા પેદા નથી થઈ; પરંતુ તેઓમાં સત્તારૂપે તે પરમાત્મા જ છે. એવો બુદ્ધિનો દૃઢ નિશ્ચય કે નિર્ણય રહે. મનમાં કોઈ તરંગ પેદા થઈ પણ જાય તો એ તરંગને પરમાત્માનું જ સ્વરૂપ માનવું.
બીજો ભાવ એ છે કે પરમાત્મા સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરે બધામાં પરિપૂર્ણ છે. આ સ્થળ, કાળ વગેરે તો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે; પરંતુ પરમાત્મતત્વ બનતું-બગડતું નથી. તે તો સદા જેવું છે તેવું જ રહે છે. તે પરમાત્મામાં મનને સ્થિર કરીને અર્થાત્ સર્વ જગાએ એક પરમાત્મા જ છે, તે પરમાત્માના સિવાય બીજી કોઈ સત્તા છે જ નહિ – એવો પાકો નિશ્ચય કરીને કંઈ પણ ચિંતન ન કરવું.
’ન કિગ્ચિદપિ ચિન્તયેત્’ – સંસારનું ચિંતન ન કરવું – આ વાત તો પહેલાં જ આવી ગઈ. હવે ’પરમાત્મા સર્વ જગાએ પરિપૂર્ણ છે’ એવું ચિંતન પણ ન કરવું કારણ કે જ્યારે મનને પરમાત્મામાં સ્થાપિત કરી દીધું, તો હવે ચિંતન કરવાથી સવિકલ્પ વૃત્તિ થઈ જશે અર્થાત્ મન સાથે સંબંધ ચાલુ રહેશે, જેથી સંસાર સાથે વિયોગ નહિ થાય. જો ’આપણી આવી સ્થિતિ ચાલુ રહે’ – એવું ચિંતન કરશું, તો પરિચ્છિનતા ચાલુ રહેશે અર્થાત્ ચિત્તની અને ચિંતન કરવાવાળાની સત્તા ચાલુ રહેશે. આથી ’સર્વ જગાએ એક પરમાત્મા જ પરિપૂર્ણ છે’ – એવો દૃઢ નિશ્ચય કર્યા પછી કોઈ પ્રકારનું કિંચિત્માત્ર પણ ચિંતન ન કરવું. આ રીતે ઉપરામ થવાથી સ્વત:સિદ્ધ સ્વરૂપનો અનુભવ થઈ જશે, જેનું વર્ણન પહેલાં બાવીસમા શ્લોકમાં થયું છે.