Posts Tagged With: પૂર્વજન્મ

ત્રણ ગુણો અને જીવની ગતી

ઈશ્વર રચિત સૃષ્ટિ એટલે કે નિહારિકાઓ, સૂર્યમંડળ, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, પૃથ્વી, સમુદ્ર, પહાડ, વનસ્પતિ, હવા, પાણી, આકાશ, પ્રકાશ આ સઘળું દિવ્ય છે. આ દિવ્ય સૃષ્ટિને માણવા અને જાણવા માટે એકનું એક ચૈતન્ય અનેક જીવ રુપે વિલસી રહ્યું છે. જીવ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજ અને તમ થી ઘેરાયેલો છે. આ ત્રણ ગુણોનું જેટલું પ્રાધાન્ય હોય તેવા પ્રકારનો જીવ બને. તમો ગુણ પ્રધાન હોય તો પશુ, પક્ષી, કીટ, પતંગ, સરિસૃપ વગેરે પ્રકારનો જીવ બને. રજોગુણ પ્રધાન હોય તો મનુષ્યરુપે જન્મ ધારણ કરે. સત્વગુણ પ્રધાન હોય તો ઉર્ધ્વ લોકમાં હોય.

મનુષ્યમાંયે સત્વગુણ પ્રધાન મનુષ્યની પ્રકૃતિ દિવ્ય હોય છે. રજોગુણ પ્રધાન મનુષ્ય વધુ પડતો ઉદ્યમી અને ક્રીયાશીલ હોય છે. જ્યારે તમોગુણ પ્રધાન મનુષ્ય પર પીડામાં રાજી, વ્યસની, ક્રોધી, કામી, જડ અને આળસુ હોય છે.

અંત સમયે જેવો ભાવ લઈને શરીર છુટે તેવા પ્રકારનો પુનર્જન્મ થાય. આખી જીંદગી જેવા કર્મો કર્યા હોય અંત સમયે મોટા ભાગે તેવો ગુણ પ્રધાન બનતો હોય છે. મનુષ્ય મૃત્યું સમયે જે ગુણની પ્રધાનતા ધરાવતો હોય તેવી તેની નવા જન્મે ગતી થતી હોય છે. જો સત્વગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો ઉર્ધ્વ લોકમાં જાય છે. રજો ગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો ફરી પાછો મનુષ્યલોકમાં જન્મે છે. તમો ગુણ પ્રધાન હોય અને મૃત્યું થાય તો પશુ યોનિમાં જાય. અત્યંત નીમ્ન કર્મો કરનારો અધો લોકમાં જાય.

આ જે કાઈ કહ્યું છે તે માત્ર શાસ્ત્રના આધારે કહ્યું છે. મને મારો પૂર્વજન્મ યાદ નથી અને જન્મ પછીના બાળપણના થોડા વર્ષોની સ્મૃતિએ નથી. જો કે એવા મનુષ્યોને મળવાનું સદભાગ્ય થયું છે કે જેમણે પોતાના પૂર્વજન્મ વિશે જાણ્યું હોય. આ ઉપરાંત ઘણાં મહાપુરુષો અને સામાન્ય વ્યક્તિઓના જીવનમાંયે પૂર્વજન્મની સ્મૃતિઓના દાખલા જોવા મળે છે. પૂર્વજન્મ અને પૂનર્જન્મમાં માનવા કે ન માનવાથી કશો ફેર પડે કે ન પડે પણ એટલું તો જાણવું જ જોઈએ કે સત્કાર્ય કરવાથી આ જન્મે સુખ થાય છે. વધુ પડતી ક્રીયાશીલતાથી લોભ અને તૃષ્ણા વધે છે. જ્યારે પ્રમાદ અને આળસથી જડતા અને મૂઢતા વધે છે અને આ લોકમાંયે તેવી વ્યક્તિ ધૃણાસ્પદ બને છે. સત્વગુણીને સમાજમાં આદર મળે છે, રજોગુણીને જાત જાતની પ્રવૃત્તિનો વહીવટ સંભાળવા મળે છે જ્યારે તમોગુણી સમાજ પર બોજારુપ બની જાય છે.

કેટલાંક વિરલા એવા હોય છે કે જેઓ આ ત્રણે ગુણથી મુક્ત થઈ જાય છે તેઓ પોતાના સ્વરુપમાં સ્થિત હોય છે. તેમનું વ્યક્તિત્વ દિવ્ય હોય છે અને તેઓ સ્વનામ ધન્ય હોય છે. તેવી વ્યક્તિઓને લોકો પાસેથી કશુંએ મેળવવાનું હોતું નથી તો પણ તેઓ પોતાના સ્વભાવ અનુસાર જ્યાં સુધી તેમનું શરીર ચાલે છે ત્યાં સુધી લોકહિતાર્થે જીજ્ઞાસુઓને ત્રિગુણાતિત થવા માટે માર્ગ દર્શન આપતાં રહે છે.


નોંધ: આ લેખમાં જોડણી ભૂલો હશે. જો કોઈને સાર્થ જોડણી પ્રમાણે સુધારી આપવાની ઈચ્છા થાય તો આ લેખની કોપી કરીને જોડણી સુધારીને મને atuljaniagantuk@gmail.com પર મોકલી આપવા વિનંતી.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, વાંચન આધારિત, શિક્ષણ | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.