મારું માનો તો બધું કોરે મેલીને માની સેવામાં જ ડૂબી જજો. બીજી બધી સેવા ઈન્દ્રજાળ કે અફીણગોળી (dope) છે એમ ગણજો. પેગમ્બરે કહ્યું કે તારું સ્વર્ગ તારી માના પગની પાની હેઠળ છુપાયું છે અને આપણા લોકોએ કહ્યું કે મા-બાપની સેવા એ અડસથ તીરથની જાત્રા છે એ અમસ્તું નથી કહ્યું એ તમને જિંદગીને પાછલે પહોરે સમજાશે. પણ તે દિવસે એ સમજણ અલેખે ઠરશે. કારણ તક નહીં રહી હોય. શંકરાચાર્ય જેવા જ્ઞાની અને સંન્યાસીએ સંન્યાસધર્મને નેવે મૂકી માની સેવા કરી તેથી નાતીલાઓએ નિંદા કરી. શંકરાચાર્યે તેમને સંભળાવ્યું કે ‘તમે જખ મારો છો, હું ધર્મ વધારે સમજું કે તમે?’
– સ્વામી આનંદ
(શ્રી મકરન્દ દવે પરના પત્રમાંથી – ‘સ્વામી અને સાંઈ’ ગ્રંથમાંથી સાભાર)