Posts Tagged With: સાઇકિક

શું તમે સાઇકિક છો? (૩) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

એવો કોઈ અનુભવ થયો છે અથવા એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ કે સંત તમારી શારીરિક કે માનસિક સમસ્યા કે વિચારો તેમને જણાવ્યા વગર જ જાણી લે? તમારી ભાવના જાણી લે? તમારી અત્યંત અંતરંગ શારીરિક સ્થિતિ પણ જાણી લે? ડોક્ટર પાસે જઈએ તો પણ કહેવું તો પડે કે પગમાં દુખે છે કે પેટમાં કે માથાંમાં. આ વ્યક્તિ તો એવી હોય કે જે વગર બતાવ્યે જ જાણી લે.

સદ્ભાગ્યે મને સંત-મહાત્માઓ તથા સામાન્ય જીવનમાં પ્રવૃત્ત દેશ-વિદેશના લોકોનો આવો અનુભવ પ્રાપ્ત થયો છે, જે વિષે આગળ ચર્ચા કરીશું. આ એક એવી અતીન્દ્રિય શક્તિ – ESP(Extra Sensory Perception) છે કે વ્યક્તિ બીજી વ્યક્તિના શારીરિક- માનસિક સ્પંદનો તથા વિચારો એ રીતે અનુભવે જાણે તે ખુદ એ જ વ્યક્તિ હોય. આ સાઈકિક શક્તિને કહેવાય ક્લેયરએમ્પૅથી; એ શક્તિ ધરાવનાર વ્યક્તિને કહેવાય ક્લેયરએમ્પૅથ અથવા ફક્ત એમ્પૅથ. ક્લેયરએમ્પૅથ અત્યંત સંવેદનશીલ હોય; કોઈ શારીરિક રીતથી , કોઈ ભાવનાત્મક રીતથી તો કોઈ બંને રીતથી. સંવેદનશીલતા એટલી બધી હોય જાણે કે તેમનામાં બીજી વ્યક્તિનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે.

ક્લેયરએમ્પૅથીની ચોક્કસ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, સામાન્ય સમજણ માટે એમ કહી શકાય કે કલેયરએમ્પૅથી એટલે *એવી ક્ષમતા, એવી સંવેદનશીલતા કે જેને કારણે અન્ય કોઈના પ્રત્યક્ષ સંપર્ક અથવા સંદેશની ગેરહાજરીમાં તેની શારીરિક અનુભૂતિઓ, વિચારો અને લાગણીઓને જાણે પોતાના જ છે તે પ્રમાણે કોઈ પણ જાતના ઉદ્દેશ્ય વગર અનુભવવા.

મનહર ઉધાસજીએ ગાયેલી એક ગઝલના શબ્દો છે “નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે, તમે છો તેના કરતાં પણ વધારે તમને જોયાં છે”. ઉચ્ચ કક્ષા પર પહોંચેલ કલેયરએમ્પૅથ એવું કહી શકે “નયનને બંધ રાખીને મેં જયારે તમને જાણયાં છે, તમે જાણો છો તેના કરતાં પણ વધારે તમને જાણયાં છે”.

મારી સાથે 2૦11માં બનેલી એક ઘટના દ્વારા આ વિષે વધુ સમજીએ. લેખ 43માં ઇંગ્લેન્ડના નોર્ફોકમાં રહેતાં એક ક્લેયરવોયન્ટ મહિલા વિષે ઉલ્લેખ કરેલો જેમણે FB પરનો મારો 2005ના વર્ષનો ફોટો જોઈ, 6 વર્ષ પછી 2011માં મારા ચહેરામાં શું બદલાવ છે તેનું આબેહૂબ વર્ણન કરેલું. હું ત્યારે વડોદરામાં હતો, તે ઇંગ્લેન્ડમાં હતાં, ભૌગોલિક અંતર તેમને નડેલું નહિ. એ થઈ તેમની ક્લેયરવોયન્સ શક્તિ. તેમની જ ક્લેયરએમ્પૅથીની વાત હવે કરીએ.

તે દિવસે અમારી ચેટ આગળ વધી, અચાનક તેમણે પૂછ્યું “જીતુ, તને જઠરના વાલ્વની કોઈ સમસ્યા છે?” મને એવી કોઈ સમસ્યા ન હોવાથી મેં પહેલાં તો ના કહી પરંતુ તરત જ યાદ આવ્યું કે મારા જઠરના વાલ્વની કુદરતી સ્થિતિસ્થાપકતા ઓછી છે, મને 1995માં એસિડ રિફ્લક્સની તકલીફ થઈ હતી, 2 મહિના બહુ જ હેરાન થયો હતો, તે સમયે જામનગર રહેતો હતો, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ પાસે અમદાવાદ આવવું પડ્યું હતું, એન્ડોસ્કોપી કરવી પડેલી (જે ત્યારે નવી સારવાર હતી) અને ત્યાર બાદ એ સમસ્યા હલ થઈ હતી. એ પછી જઠર સંબંધી કોઈ તકલીફ થઈ ન હતી. અહીં આ સન્નારી 16 વર્ષ પછી એટલે કે 2૦11માં પણ મારા શરીરની અંદરની એકદમ બારીક સ્થિતિ એટલાં અંતરેથી ઇંગ્લેન્ડમાં અનુભવતાં હતાં – એવી સ્થિતિ કે જે હું ખુદ પણ ભૂલી ચુક્યો હતો.

ક્લેયરએમ્પૅથી અત્યારના યુગમાં વ્યાપક પ્રમાણમાં વિકસિત થવા લાગી છે. આપણે ત્યાં આ વિષે જાગૃતિ ઓછી છે. અમેરિકામાં તો ‘અમેરિકન એમ્પૅથ એસોસિએશન’ નામની વિધિસર સ્થપાયેલી સંસ્થા છે જે એમ્પૅથ તરીકે લાઇસન્સ પણ આપે છે (ચિત્ર મૂકેલું છે), અનેક આનુસંગિક કર્યો કરે છે, એમ્પૅથને લાયક કાર્ય અપાવવામાં મદદ પણ કરે છે, એમ્પૅથનું Employment Exchange! તમામ શક્યતાઓ છે કે આપણામાંથી અનેક લોકો થોડી-ઘણી માત્રામાં આ પ્રકારની શક્તિ ધરાવતા હશે કારણ કે 2017, 2018 દરમ્યાન આ અંગેની મારી FB પોસ્ટ બાદ ઘણા લોકોએ પોતાના આ પ્રકારના અનુભવો જણાવેલ. માટે પહેલાં એમ્પૅથની લાક્ષિણકતાઓ સમજીએ.

1. સંવેદનશીલતા ખૂબ વધુ હોય, બીજાનાં સ્પંદનો તરત જ ઉઠાવી લે, ખાસ કરીને વિરુદ્ધ લિંગની વ્યક્તિનાં. કોઈ વખત આ માત્રા એટલી વધી જાય કે એક જ દેહમાં વ્યક્તિ પુરુષ અને સ્ત્રી બંને તરીકે જીવતી થઈ જાય. વિરુદ્ધ લિંગની વ્યક્તિની અત્યંત આંતરિક શારીરિક બાબતો અને માનસિક લાગણીઓનો પણ તેમને અનુભવ થાય. એવું કહી શકાય કે આવી વ્યક્તિમાં પુરુષ અને સ્ત્રીનું સહઅસ્તિત્વ બહુ સ્પષ્ટ રૂપે અનુભવાય, જાણે શરીરના બે ભાગ થઈ ગયા હોય, એક પુરુષનો અને એક સ્ત્રીનો. ધ્યાન દરમ્યાન પણ તેમને આવા અનુભવ થઈ શકે અને સંપૂર્ણ જાગૃત અવસ્થામાં પણ. આ ક્ષમતાને કારણે આવી વ્યક્તિને વિરુદ્ધ લિંગની વ્યક્તિના શરીર અને લાગણીનો બહુ ઊંડો ખ્યાલ આવી શકે, જો કે તેઓ ભાગ્યે જ આ અનુભવો કોઈ પાસે વ્યક્ત કરે કારણ કે જેને આવા અનુભવ ન હોય તે વ્યક્તિ તો આવી વાત કરનાર વ્યક્તિને પાગલમાં જ ખપાવી દે ને !

જે બ્રિટિશ સન્નારીની વાત આગળ થઈ છે તેમને મેં એક ધ્યાન સૂચવેલું. તેમણે પોતાનો અનુભવ અતિ વિસ્તારથી મને લખેલો જેમાંથી અમુક ભાગ અહીં મુકું છું જેથી આ બંને લિંગનાં સહઅસ્તિત્વ વિષે વધુ ખ્યાલ આવે. તેમણે લખેલું: “my head suddenly felt ‘wet’, like water or some liquid had been poured over me, although it only reached to the level of my ears, with a feeling of air rushing through my ears. My face felt like it was beginning to change, contort, (shape shift) then my upper torso became male, a man’s chest, although lower half remained me/female. This sensation faded and i was left with swirling colours of purples, green, white & gold again.”

2 આવી વ્યક્તિ સારી શ્રોતા હોય.

3. લોકો પોતાની અંતરંગ વાતો તેમની પાસે બેઝિઝક વ્યક્ત કરતા હોય.

4. ખોરાકની ઊર્જાનો પણ આવી વ્યક્તિને ખ્યાલ આવે. 3 પ્રકારની ઊર્જાનું મિશ્રણ ખોરાકમાં હોય – અન્નની, રસોઈ બનાવનારની અને પીરસનારની. અત્યંત સ્વાદિષ્ટ ખોરાક બનેલો હોય પરંતુ ઊર્જામાં તકલીફ હોય તો આવી વ્યક્તિને એ ખોરાક પસંદ ન આવે.

5. આવી વ્યક્તિને ખોરાકનો સ્વાદ અથવા ઉષ્ણતામાન, જેમ કે ચા કે આઇસ્ક્રીમનું ગરમી/ઠંડી, મરચાંની તીખાશ વિગેરે ગળા સિવાયના અન્ય ભાગો જેમ કે કપાળ, કાન, ચહેરા પર કોઈ જગ્યાએ અને માથાંનાં તાળવાંમાં અનુભવાય.

5. જે કામમાં તેમને આનંદ ન આવતો હોય તેનું ગમે તેટલું આર્થિક વળતર મળતું હોય, તેમને એમ જ લાગતું હોય કે જિંદગીનો સમય વેડફાઈ રહ્યો છે.

6. મોલ, થીએટર, શોપિંગ સેન્ટર જેવી જગ્યાઓ જ્યાં બહુ જ લોકો એકઠા થતાં હોય તેવી જગ્યા એમ્પૅથને પસંદ પડે નહિ કારણ કે વિવિધ લોકોના વિવિધ પ્રકારના સ્પંદનો એક સાથે તે અનુભવે.

7. તેઓ કલાપ્રેમી હોય.

8. જે વ્યક્તિનાં સ્પંદનો કેચ થઈ ગયા હોય તે વ્યક્તિ જેવું જ વર્તન કોઈ વખત એમ્પૅથનું થઈ જાય, ભલે પછી પોતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધનું હોય. મારી નજર સામે બનેલ એક પ્રસંગ દ્વારા આ વાત સમજીએ. હું અને મારા એક એમ્પૅથ મિત્ર સહકુટુંબ પેકેજ ટૂરમાં ચારધામ યાત્રા પર નીકળ્યા. પેકેજ ટૂરમાં બાકીના લોકો દિલ્હીથી જૉડાવાના હતાં. એક મોટી સંસ્થાના યુનિયન લીડર અને તેમના પત્ની દિલ્હી સ્ટેશન પર મળ્યા. લડાયક નેતાના તમામ ગુણ તે ભાઇશ્રીમાં હતા જે શરૂઆતમાં 15 મિનિટમાં જ ટૂર મેનેજર સાથે થયેલા તેમના સંવાદોથી ખ્યાલ આવી ગયો. મારા એમ્પૅથ મિત્ર એકદમ શાંત સ્વભાવના છે. બોલ્યા કે આ લોકો સાથે આખી ટૂર કેમ નીકળશે, દરેક વસ્તુમાં વાંધા પાડવાનો સ્વભાવ હોય તેમ લાગે છે. દિલ્હી હોટેલમાં ટૂર મેનેજર અમને લઈ ગયો. સાંજે ટૂરની બસ ઉપાડી. અચાનક જ થોડા કલાકો બાદ ટૂર મેનેજર સાથે મારા એમ્પૅથ મિત્રને બોલાચાલી થઈ ગઈ, સમગ્ર ટૂર દરમ્યાન કોઈ ને કોઈ મુદ્દા પર ચાલુ રહી, તેમનો અસંતોષ અનેક બાબતો પર ચાલુ રહ્યો જયારે પેલા યુનિયન નેતા સમગ્ર ટૂર દરમ્યાન એકદમ શાંત રહ્યા. પરત આવતી વખતે અમે હરિદ્વાર વધુ રોકાવાના હતા, ટૂર બસ અને અન્ય યાત્રીઓ રવાના થઈ ગયા, અમે એકલા પડ્યા અને અચાનક મારા એ મિત્ર એકદમ શાંત થઈ ગયા જે તેમનો મૂળભૂત સ્વભાવ હતો. ત્યાર બાદ એમણે મને એ વાત કહી કે તેમના અંકુશમાં ન હોય તે રીતે તેમને ગુસ્સો આવતો હતો અને જેવા પેલા નેતાથી જૂદા પડ્યા એટલે ફરી પાછા એમના મૂળ સ્વભાવમાં આવી ગયા. બીજા લોકોની ભાવના કે સ્વભાવ કામચલાઉ રીતે એમ્પૅથમાં ટ્રાન્સફર થઈ જાય તેનો આ ઉત્તમ દાખલો છે.

9. એમ્પૅથનો ઝુકાવ એનર્જી હીલિંગ, વૈકલ્પિક સારવાર પદ્ધતિ, મેટાફિઝિક્લ વિષયો વિગેરે તરફ હોય. કોઈ પણ અલૌકિક ઘટનાઓ તેમને આકર્ષે. કોઈ પણ વસ્તુનું આશ્ચર્ય તેમને ભાગ્યે જ થાય કારણ કે કહેવાતા બુદ્ધિના સીમાડાઓ તેમને નડે નહિ, દુનિયા જેને ચમત્કાર અથવા અશક્ય કહે તેવી વાતનો પણ એમ્પૅથ સીધે-સીધો છેદ ઉડાડી દે નહિ.

10. આવા લોકોમાં સર્જનત્મકતા જોવા મળે; ગાયન, નૃત્ય, અદાકારી, ચિત્રકામ, લેખનકાર્ય કે અન્ય કોઈ પણ રીતે તેમની સર્જનાત્મકતા બહાર આવેલી હોય, તેમની કલ્પના શક્તિ પણ તીવ્ર હોય.

11. કુદરત સાથે પ્રેમ હોય, કુદરતના ખોળે તેઓ ખીલી ઉઠે.

12. ‘મી ટાઈમ’ એટલે કે અમુક સમયનું એકાંત તેમને માટે અત્યંત આવશ્યક હોય.

13. હિંસા, કરૂણ દ્રશ્યો વિગેરે TV પર જોવા પણ તેમને માટે તકલીફદાયક હોય.

14. અનેક પ્રકારની માહિતી અને જ્ઞાન મેળવવાની તેમની કોશિશ હોય. પરિણામે ‘Information Overload’ જેવી સ્થિતિમાં પણ પહોંચી જાય.

15. તેમના પોતાના મૂળ સ્વભાવ કરતાં ક્યારે કોની ભાવનાઓ અને વિચારો તેમણે કેચ કરેલા છે તે મુજબ તેમનું વર્તન રહે. પરિણામે બીજા લોકોને એમ્પૅથ ધૂની લાગે, મૂડી લાગે. કોઈ વખત અતિ શાંત તો કોઈ વખત અતિ વાચાળ જણાય.

16. કોઈ પણ જાતની બિમ્બાઢાળ દિનચર્યા, સામાજિક કે કાયદાના બંધનમાં રહેવું વિગેરે તેમને આંતરિક રીતે પસંદ પડે નહિ, મુક્ત પંખીની જેમ વિચરવું વધુ પસંદ આવે.

17. બીજી વ્યક્તિઓ તેમને મળવા આવે તે લાંબા સમય સુધી જાય નહિ અથવા ફોન કરે તો લાંબો સમય છોડે નહિ. ઊર્જાના ઓટોમેટિક આદાનપ્રદાનને કારણે સામેની વ્યક્તિને બને તેટલો આ સંપર્ક લંબાવવાની ઈચ્છા રહે. એમ્પૅથનું શરીર કુદરતી રીતે જ હીલિંગ કરતું રહે.

જો એમ લાગતું હોય કે આવા થોડાં-ઘણાં લક્ષણો તો પોતાનાંમાં છે, તો ચોક્કસ તે વ્યક્તિ પણ નાની-મોટી એમ્પૅથ છે અથવા ભવિષ્યમાં બનશે એમ કહી શકાય. આવી વ્યક્તિએ પોતાની સાથે બનતી વિશિષ્ટ ઘટનાઓની નોંધ રાખવી જરૂરી. એ સાથે જ ખુદ ફરતી સંરક્ષણ. દીવાલ ઉભી કરવી અત્યંત જરૂરી. અન્યથા વિવિધ લોકોનાં કુદરતી રીતે જ તેમના તરફ ખેંચાઈ જતાં શારીરિક સ્પંદનો અને લાગણીઓ તકલીફ ઉભી કરી શકે. માટે જ ક્લેયરએમ્પૅથને ‘સાઈકિક સ્પોન્જ’ પણ કહેવામાં આવે જે ગમે ત્યાંથી કચરો ખેંચી લે.

ક્લેયરએમ્પૅથની અન્ય લાક્ષણિકતાઓ, પ્રકારો, તેણે શું સાવચેતી રાખવી જોઈએ, કઈ રીતે તેમની કુદરતી ભેટનો ઉપયોગ પોતાના તથા અન્યોના લાભાર્થે થઈ શકે વિગેરે હવે પછીના લેખમાં જોઈશું.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

શું તમે સાઇકિક છો? (૨) – જીતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં લેખ ક્રમાંક 1 માં શું ચર્ચા થઈ તે યાદ કરીએ. એ સમજ્યા કે ‘સાઈકિક’ એટલે શું? આ સંદર્ભમાં ફેલાયેલી થોડી ભ્રામક માન્યતાઓ વિષે વાત કરી. એ જોયું કે કોઈ ને કોઈ પ્રકારની સાઈકિક શક્તિઓ થોડા-ઘણા અંશે દરેકમાં રહેલી હોય છે. આ શક્તિઓમાંથી મુખ્ય પ્રકારોના નામ જાણ્યાં. હવે આ પ્રકારોને વિગતથી સમજીશું.

ક્લેયરવોયન્સ:

આ પ્રકાર સમજવો સહેલો પડશે કારણ કે મહાભારતના પાત્ર સંજયનો દાખલો લગભગ તમામ વ્યક્તિને ખ્યાલ હશે. સંજય કુરુક્ષેત્રના મેદાન પર હાજર ન હોવા છતાં ત્યાં બનતી ઘટનાઓનું વર્ણન ધૃતરાષ્ટ્રને કરે છે કારણ કે તે ક્લેયરવોયન્ટ છે.  5 ઈંદ્રિયોમાંથી એક છે આંખ જેના થકી દરેક મનુષ્ય અમુક અંતર સુધી જોઈ શકે. આંખ બંધ હોય તો પણ જોઈ શકે અથવા દૂરના અંતરનાં, ભવિષ્યનાં કે ભૂતકાળનાં દ્રશ્યો પણ જોઈ શકીએ તેવી શક્તિને કહેવાય ‘ક્લેયરવોયન્સ’ (Clairvoyance). અને એવી વ્યક્તિને કહેવાય ‘ક્લેયરવોયન્ટ’. આજ્ઞાચક્ર એટલે કે ત્રીજું નેત્ર જયારે એક હદ સુધી વિકાસ પામેલું હોય ત્યારે આ શક્ય બને. ઉદાહરણથી સમજીએ.

લેખ ૧ માં સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલા અને તેનાv 2008માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘End of Days’ વિષે ઉલ્લેખ કરેલો, જેમાં કોરોના 2020માં દુનિયાભરમાં ફેલાશે તેના વિષે સચોટ આગાહી કરેલી. એ સિવાયની પણ ઘણી આગાહીઓ તે પુસ્તકમાં છે. આ પ્રમાણે ભવિષ્ય જોઈ શકવું તે પણ કલેયરવોયન્સ કહેવાય. કોઈ ચલચિત્ર – મુવી ચાલતું હોય તે રીતે આ પ્રકારના લોકોને ભવિષ્યની ઘટનાઓ દેખાય છે. નોસ્ત્રાદેમસના નામથી કોઈ અજાણ નથી જેની મોટા ભાગની આગાહીઓ સાચી પડી છે. તેની પણ ભવિષ્ય જોઈ શકવાની શક્તિને ક્લેયરવોયન્સ કહેવાય.

 નજીકના જ ભૂતકાળની એક અતિ પ્રખ્યાત કલેયરવોયન્ટv હતી બલ્ગેરિયાની બેબા વેન્ગા (Baba Vanga). 12 વર્ષની ઉંમરે તેણે આંખો ગુમાવી દીધી અને ત્યાર બાદ એની અતીન્દ્રિય શક્તિઓ વાળી આંખ ખુલી ગઈ. 1995માં 85 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું તે પહેલાં તેણે જે આગાહીઓ કરેલી છે તે આંખ પહોળી થઈ જાય તે હદે સાચી પડેલી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો એટેક, ત્રાસવાદી જૂથ ISISનો ઉદ્ભવ, તેનું ચોક્કસ સ્થાન એટલે કે સીરિયા, અમેરિકામાં 44માં પ્રમુખ તરીકે અશ્વેત વ્યક્તિ (ઓબામા), સીરિયામાં ગેસ એટેક, 2000ના વર્ષમાં રસિયન સબમરીન ક્રુક્સનું દરિયામાં ડૂબી જવું, યુરોપની પડતી વિગેરે અનેક સચોટ આગાહીઓ તેણે વર્ષો પહેલાં કરેલી. કોરોના વિષે પણ તેણે આગાહી કરેલી જ હતી. કોરોનાની દવાની શોધ રસિયામાં થશે તે તેની બીજી આગાહી છે. અમેરિકાના પ્રમુખનું સ્વાસ્થ્ય 2020 દરમ્યાન કથળશે અને રસિયાના પ્રમુખ પર આ જ વર્ષ દરમ્યાન ખૂની હુમલો થશે તેવી પણ તેની આગાહી છે. તેની ખતરનાક આગાહી એ છે કે ત્રાસવાદીઓ 2025 સુધીમાં સંપૂર્ણ યુરોપ પર કબ્જો જમાવી દેશે, શરૂઆત રોમથી થશે. તેની આગાહીઓમાંથી 85% અત્યાર સુધીમાં સાચી પડી છે. આશા કરીએ કે અહીં જે ખોફનાક આગાહીઓ વર્ણવી છે તે બાકીની 15%માં હોય.

એવું જાણવા મળ્યું હશે કે આજકાલ બાળકોની શક્તિ વિકસાવવા માટે અમુક ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આવા બાળકો આંખ પર પટ્ટી બાંધેલી હોવા છતાં વાંચી શકે છે, દૂરથી કોઈ વસ્તુ બતાવીએ તો તે વસ્તુ શું છે તે ચોક્કસ કહી શકે છે વિગેરે. આ એક પ્રકારે કલેયરવોયન્સ થયું.

 મારી સાથે બનેલી એક ઘટના આ વાત વધુ સારી રીતે સમજાવી શકશે. વર્ષ 2011માં હું FB પર થોડો એક્ટિવ થયો. મારો 2005નો એક ફોટો મારા DP તરીકે મેં રાખેલો. એ સમયે ઈંગ્લેન્ડમાં નોર્ફોક નામનાં સ્થળે રહેતાં એક બ્રિટિશ સન્નારી સાથે મારી મૈત્રી થઈ. બંનેની રુચિ સમાન વિષયોમાં હતી. પરિણામે લગભગ નિયમિત રીતે ચેટ થવા લાગી. અચાનક તેનું ધ્યાન મારા DP પર પડ્યું. એ સાથે જ તે ચમક્યા, મને કહે ‘જીતુ, મને ફોટોમાં કોઈ બીજી વ્યક્તિ દેખાય છે, મને જે વ્યક્તિ દેખાય છે તેને તો ફ્રેન્ચ કટ દાઢી છે જયારે ફોટોમાં તો ક્લીન શેઈવ વાળી વ્યક્તિ છે.” આ સાથે જ તેણે મારા ચહેરાનું સંપૂર્ણ વર્ણન કરી દીધું, DP તરીકે જે ફોટો રાખેલો તેમાં દાઢી વધારેલી ન હતી જયારે 2011 દરમ્યાન આ ચેટ સમયે ફ્રેન્ચ કટ બિયર્ડ રાખતો હતો. તે સિવાય પણ એ 6 વર્ષના સમયગાળામાં ચહેરામાં થોડો બદલાવ થયેલો. સંતોની ક્લેયરવોયન્સ શક્તિનો અનુભવ તો મને ઘણો હતો. સામાન્ય જીવન જીવતી વ્યક્તિ સાથેનો મારો આ પહેલો અનુભવ ત્યારે હતો.

કોઈ ક્લેયરવોયન્ટની શક્તિ એ પ્રકારે વિકાસ પામેલી હોય કે આત્માઓ અથવા એલિયન્સ પણ તેમને દેખાતા હોય. મારી એક ઇન્ડોનેશિયન મિત્ર (જે થોડા સમય પહેલાં જ મૃત્યુ પામી) આ પ્રકારની શક્તિઓ ધરાવતી હતી. તે અત્યંત પ્રખ્યાત હિલર હતી. તેની પાસે યુરોપના દેશોમાંથી પણ લોકો હીલિંગ માટે આવતા. 12 વર્ષની ઉંમર સુધી તે ફ્રાન્સમાં હતી. તે 7 વર્ષની થઈ ત્યાં સુધી 2 બ્લોન્ડ (સોનેરી વાળ વાળાં) બાળકો તેને દેખાતાં જે તેની સાથે જ રહેતાં, રમતાં અને તેનાં કૂકીઝ પણ ખાઈ જતાં. બીજા કોઈને આ બાળકો દેખાતાં નહિ. મારી આ મિત્રને સૌથી પહેલાં 3 વર્ષની ઉંમરે ખ્યાલ આવ્યો કે તેને જે દેખાય છે તે બધાને દેખાતું નથી. તેનું હાલમાં મૃત્યુ થયું ત્યાં સુધી તેનાં ઘરમાં એલિયન પ્રકારના આત્માઓ દેખાતા અને ફોટોમાં પણ આવી જતા. આ આલ્બમ જોવા ખાસ સૂચન છે. https://www.facebook.com/photo.php?fbid=10156076507940945&set=gm.1001688776683569&type=1&theater

ફોટો પરથી ક્લેયરવોયન્સ:

આ પ્રકારના સાઈકિક કોઈ ફોટો જોઈ તે વ્યક્તિ વિષે માહિતી મેળવી શકે છે. વિદેશોમાં આ પ્રકારના સાઈકિક રિડિંગ બહુ જ જોવા મળે છે. સાઈકિક રિડિંગ ત્યાં વ્યવસાય તરીકે લઈ શકાય છે, સાઈકિકની ઓફિસ પર જઈ કન્સલ્ટેશન મેળવવાનું હોય છે, વિડિઓ અથવા ફોન પર કન્સલ્ટેશન થઈ શકે છે. ભારતમાં જે રીતે જ્યોતિષી પાસે જઈ તેની સલાહ લઈ શકાય છે તે રીતે સાઈકિક રિડિંગ કોઈ કરતું હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. અલબત્ત, અનેક ભારતીય સંતો-મહાત્માઓ આ પ્રકારની શક્તિ ધરાવતા હોય છે. અન્ય કોઈ પાસે આવી શક્તિઓ હોય તે લોકો સામાન્ય રીતે બહાર આવવાનું પસંદ કરતા નથી, કદાચ ભય લાગતો હશે કે લોકો તેમની તરફ કોઈ જુદી દ્રષ્ટિથી જોશે (કારણ કે આ વિષય અંગે અનેક ભ્રમણાઓ છે જે લેખ 42માં ચર્ચા કરેલ છે).

સાંકેતિક કલેયરવોયન્સ:

કોઈ કલેયરવોયન્ટ એ પ્રકારના હોય કે જેમને ધુમાડા દ્વારા, કોઈ ખાસ ચિહ્નો દ્વારા, પ્રકાશના લિસોટા દ્વારા – એમ વિવિધ રીતે દૂરના દ્રશ્યો દેખાતા હોય છે. જયારે સામાન્ય મનુષ્યને ફક્ત ધુમાડો દેખાતો હોય ત્યારે કોઈ કલેયરવોયન્ટને તેમાંથી કોઈ ભવિષ્યની ઘટનાનો અણસાર આવી ગયો હોય તેવું બની શકે.

ઓરા જોવાની શક્તિ:

શરીરમાંથી નીકળતાં વિદ્યુત તરંગોને કારણે બનતી આભા એટલે ‘ઓરા’ જે નરી આંખે ન જોઈ શકાય પણ જેનો ફોટો કિર્લિઅન કેમેરાથી લઈ શકાય, જેના પરથી વ્યક્તિના સ્વભાવ વિષે, સ્વાસ્થ્ય વિષે, તેની વિશિષ્ટ ક્ષમતા વિગેરે વિષે ઘણો ખ્યાલ આવી જાય. લેખમાળાની શરૂઆતમાં આ વિષે વિસ્તૃત ચર્ચા કરેલી છે. કોઈ વ્યક્તિ નરી આંખે ઓરા જોઈ શકે તો તે વ્યક્તિ પણ એક પ્રકારે ક્લેયરવોયન્ટ કહેવાય.

પ્રશ્ન એ ઉઠે કે શું મારામાં થોડે-ઘણે અંશે પણ આવી શક્તિઓ હશે?

નીચેના પ્રશ્નોના જવાબ પ્રામાણિક રીતે ખુદ પાસેથી મેળવવાના રહ્યા. શક્ય છે કે આવી શક્તિઓ હોઈ શકે. આવી અન્ય ઘટનાઓ પણ હોઈ શકે.

1) એમ બને છે કે કોઈ કુટુંબી/મિત્રના લગ્ન વિષે ચોક્કસ સમયની ધારણા, જ્યોતિષનો સહારો લીધા વગર, તમે કરી હોય તે સાચી પડે?

2) તમારી નજીકની વ્યક્તિને કોઈ અકસ્માત થાય એ જ સમયે તમારા શરીરમાં કોઈ જુદા જ પ્રકારની સંવેદના ઉઠે?

3) કોઈ સંવાદો તમારી સમક્ષ થતા હોય તેવું લાગે, ખરેખર ન થયા હોય અને ત્યાર બાદ અમુક સમય પછી એ જ પ્રકારના સંવાદોના તમે સાક્ષી બનો છો?

4) કોઈ મકાન તમને ધ્યાનમાં કે સ્વપ્નમાં કે કોઈ પણ રીતે દેખાય અને અમુક સમય પછી તે જ મકાન તમારું રહેણાંક બને?

5) વારંવાર એમ બને કે કોઈ પણ સ્પર્ધા કે મેચનું પરિણામ એ પ્રમાણે જ આવે કે જે તમારા મનમાં પહેલેથી જ આવી ગયું હોય?

ક્લેયરવોયન્સ વિષયની થોડી ભ્રમણાઓ જોઈએ.

1) સાઈકિક અને કલેયરવોયન્ટ બંને સમાન છે.

ના, દરેક ક્લેયરવોયન્ટ સાઈકિક છે પરંતુ દરેક સાઈકિક કલેયરવોયન્ટ હોય તેવું જરૂરી નથી.

2) ભવિષ્ય અંગે જે દ્રષ્ટિ છે તે, એટલે કે વિઝન, હંમેશા સ્પષ્ટ હોય.

ના. તે સંકેત દ્વારા હોઈ શકે. નોસ્ત્રાદેમસની આગાહીઓ તો એવી વસ્તુઓ વિષે છે કે તે સમયમાં જે-તે વસ્તુનું અસ્તિત્વ જ ન હતું.

3) ક્લેયરવોયન્ટ સામેની વ્યક્તિના વિચારો વાંચી શકે.

ના. આવશ્યક નથી કે તેમ જ હોય. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે.

4) જે દ્રશ્યો કલેયરવોયન્ટને દેખાય તે ભવિષ્યના જ હોય:

ના, ભૂતકાળના પણ હોઈ શકે. માટે જ અમેરિકા જેવા દેશોમાં સાઈકિક ડિટેક્ટિવનો ખ્યાલ ઉદ્ભવ્યો છે. જે કેઈસ પોલીસ ડિપાર્ટમેન્ટ સુલઝાવી ન શકે તેવા કેઈસ સાઈકિક ડિટેક્ટિવને આપવામાં આવે, જે ક્લેયરવોયન્ટ હોય અને પરિણામે પોતાની શક્તિઓ દ્વારા જે તે સમયની ભૂતકાળની પરિસ્થિતિનું દ્રશ્ય તેનાં માનસપટ પર લાવે, પોલીસને વર્ણવે અને તે પરથી પોલીસ તે કેઈસ સુલઝાવે.

5) ક્લેયરવોયન્ટ ધારે ત્યારે તેને બધું જ દેખાય.

ના. તેની શક્તિઓ આકસ્મિક હોઈ શકે, કોઈક વાર જ આ શક્તિનો લાભ તેને મળે તેમ બની શકે, ધ્યાન દરમ્યાન જ આ શક્તિઓ બહાર આવે તેમ પણ બની શકે અને ધારે ત્યારે તેનો ઉપયોગ કરી શકે તે પણ શક્ય છે. શક્તિ કેટલી વિકસી છે તેનાં પર આધાર છે.

અંતમાં, જો એમ લાગતું હોય કે મારામાં થોડા-ઘણા અંશે પણ આવી ક્ષમતા છે તો તે ક્ષમતાને વિકસાવવા માટે ‘ધ્યાન’ ઉત્તમોત્તમ માર્ગ છે. તે સિવાયના પણ અનેક માર્ગ છે. યોગ્ય સમયે લેખમાળામાં તેને આવરી લઈશું.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

શું તમે સાઇકિક છો (૧) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614

©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલાનું એક પુસ્તક 2008માં પ્રસિદ્ધ થયેલ જેનું ટાઇટલ હતું ‘‘End of Days’’. તેમાં 2020ના વાયરસ વિષે તેણે કરેલી આગાહી કોરોના કરતાં પણ વધારે વાયરલ થઈ છે. તેણે લખ્યું હતું હતું

“In around 2020, a severe pneumonia-like illness will spread throughout the globe, attacking the lungs and the bronchial tubes and resisting all known treatments. Almost more baffling than the illness itself will be the fact that it will suddenly vanish as quickly as it has arrived, attack again 10 years later, and then disappear completely.”

સ્લિવિઆને તેના જીવન દરમ્યાન જેટલી પ્રસિદ્ધિ નહોતી મળી તે અત્યારે મળી. તે હતી એક ‘સાઈકિક’. તો આ સાઈકિક એટલે શું?

કોઈ વ્યક્તિ કહે “તમે તો સાઈકિક છો.” ખુશ થશો કે ખરાબ લાગશે? પ્રામાણિક જવાબ આપવાનો છે. બીજો જવાબ જાત પાસેથી એ લેવાનો છે કે ‘શું હું સાઈકિક છું?’

રોજબરોજની ભાષામાં કોને માટે આ શબ્દ વાપરીએ છીએ? શું એમ કહેવા માંગીએ છીએ કે તે વ્યક્તિ થોડી ‘ઘનચક્કર’ છે? Crack છે? જો આમ માનતા હોઈએ તો તે સરાસર ભ્રમ છે.

થોડા પ્રશ્નો જાતને પૂછીએ.

 કોઈ વખત એવું બન્યું છે કે ફોનની રિંગ વાગી, તરત ખ્યાલ આવી ગયો કે કોઈ ચોક્કસ વ્યક્તિનો ફોન છે?

 કોઈ વ્યક્તિને યાદ કરીએ, તરત તેનો ફોન આવે તેવું બને છે?

 કોઈ વ્યક્તિ આપણને યાદ કરતી હોય અને તમે તેને ફોન કરો તેમ બને છે?

 ‘Déjà vu’ નો અનુભવ કર્યો છે? મતલબ કોઈ ઘટના બને અથવા સંવાદ થાય ત્યારે એમ લાગે છે છે કે આ ઘટના તો પહેલાં બની ગઈ છે/સંવાદ પહેલાં સાંભળેલ છે?

 નજીકના/દૂરના ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો અહેસાસ પહેલેથી થઈ જાય છે?

 ટેલીપથીના અનુભવો થાય છે?

 કોઈનો સ્પર્શ કરતાં જ તેના વિષે કોઈ માહિતી આકસ્મિક રીતે જ મેળવી લો છો?

 સ્વપ્નમાં જ કોઈ સંદેશ મેળવી લો છો?

 જે જગ્યાએ હો ત્યાં કંઈ અઘટિત બનવાનું હોય તેનો અણસાર આવી જાય છે?

કુટુંબની કોઈ વ્યક્તિ અથવા કોઈ મિત્ર કંઈ તકલીફમાં હોય તેનો ખ્યાલ કુદરતી રીતે જ આવી જાય છે?

મોઢામાંથી અકારણ કોઈ શબ્દો સરી પડે જે તરત જ અથવા ભવિષ્યમાં સાચા પડી જાય તેમ બને છે?

શું તમારામાં હીલિંગ કરવાની ક્ષમતા છે?

બીજાંને ન સંભળાતા હોય તેવા અવાજ કોઈ-કોઈ વાર સાંભળી શકો છો?

એમ બન્યું છે કે કોઈને આપવા ભેટ ખરીદી હોય અને પછી§ ખબર પડે કે જે તે વ્યક્તિને ખરેખર એ જ વસ્તુ ખરીદવાની ઈચ્છા હતી?

યોગ્ય વ્યક્તિ તમારી પાસે યોગ્ય સમયે પહોંચી ગઈ? દા.ત. સંગીત શીખવાની ઈચ્છા થઈ, અચાનક કોઈ સામાજિક પ્રસંગમાં પહોંચ્યા, કોઈ નવી વ્યક્તિની ઓળખાણ થઈ, જાણ થઈ કે તે વ્યક્તિ તો સંગીત શિક્ષક છે.

આ પ્રશ્નોના જવાબ કોઈ પણ જગ્યાએ જો ‘હા’ આવતા હોય તો સમજવાનું કે હું સાઈકિક છું; ઘણી બધી જગ્યાએ જવાબ ‘હા’ હોય, તો વધારે સાઈકિક છું; ઘણા માને છે તેમ ઘનચક્કર કે Crack નહિ, પરંતુ અતીન્દ્રિય શક્તિ ધરાવનાર વ્યક્તિ.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ સાઈકિક હોય. આ વાંચવામાં રસ પડતો હોય તો સમજવાનું કે હું સાઈકિક છું જ, કોઈની સરખામણીમાં મારી સાઈકિક શક્તિ વધુ-ઓછી હોઈ શકે. મારી સાઈકિક શક્તિનો પ્રકાર બીજા કરતાં જુદો હોઈ શકે. કોઈ ઇન્ટયુઈટીવ હોઈ શકે તો કોઈ મહાભારતના સંજયની જેમ દૂરદર્શી એટલે કે કલેયરવોયન્ટ. જયારે કોઈ વ્યક્તિ સાઈકિક હોય તો તેનો મતલબ એ થયો કે તેને પોતાને પણ પૂરો ખ્યાલ ન આવે તે રીતે તેને બ્રહ્માંડમાંથી કંઈ માહિતી/જ્ઞાન મળે છે. આવું જે જ્ઞાન મળે તેની પર વિશ્વાસ રાખવાનો રહ્યો. આ જ્ઞાન મળે તે ‘સારાં’ માટે હોય.

આધ્યાત્મિક જ્ઞાન અને અતીન્દ્રિય શક્તિઓની ગંગોત્રી જ જ્યાંથી ઉદ્ભવી છે તેવા આપણા દેશમાં આ વિષયમાં અત્યારે લોકોને ઓછી માહિતી હોય તેવું લાગે છે. અમેરિકા, કેનેડા જેવા દેશોમાં ‘સાઈકિક રીડિંગ’ હવે સામાન્ય ઘટના છે, લોકો પોતાના પ્રશ્નો માટે મોટી રકમની ફી ચૂકવીને સાઈકિકની સલાહ લે છે, ટેલિફોનિક રીડિંગ પણ થાય છે. આવા *સાઈકિક લોકો સામાન્ય મનુષ્યની જેમ જ પોતાની જિંદગી જીવતા હોય છે જયારે ભારતમાં કોઈની પણ સાઈકિક શક્તિ થોડી પણ વિકસે એટલે તેને મૉટે ભાગે લોકો ચમત્કારનું નામ આપી દે છે અને જે તે વ્યક્તિને સંત તરીકે પ્રસ્થાપિત કરી દે છે, તે વ્યક્તિને માટે સામાન્ય જીવન જીવવું અઘરું પડી જાય છે કારણ કે ‘સંત’ કહીએ તેની પાસેથી જડ થઈ ગયેલી માન્યતાઓને કારણે લોકો અમુક વિશિષ્ટ અપેક્ષા રાખે છે. કદાચ તેથી જ આવા લોકો પોતાની આ પ્રકારની શક્તિ વિષે વાત કરતા નહિ હોય, છુપાવતા હશે જે આ વિષયમાં પ્રવર્તતા શૂન્યાવકાશનું એક મોટું કારણ હોઈ શકે.

બીજું કારણ એ છે કે આપણા ઋષિ-મુનિઓ જે હજારો વર્ષ પહેલાં પણ જાણતા હતા અને હજી થોડી સદીઓ પહેલાં પણ જે જ્ઞાન સામાન્ય હતું તે બધું જ વિદેશીઓના ભૌતિક આક્રમણ અને ત્યાર બાદ આ જ્ઞાનને ભુલાવી દેવાના તેમના વ્યવસ્થિત પ્રયત્નોને કારણે લુપ્ત થઈ ગયું. એક વિચારધારા એવી ઉદ્ભવી કે જે આવી વાત પણ કરે તે પછાત ગણાય, તેની ગણતરી Intellectual તરીકે ન થાય. પરિણામે જે વ્યક્તિને આ વિષયમાં જીજ્ઞાશા હોય કે પોતાની આ શક્તિ વિકસાવવાની ઈચ્છા હોય તે પણ કોઈ સાથે આ વિષયમાં વાત કરતા અચકાય. કોરોનાએ જયારે કાળો કેર મચાવ્યો છે ત્યારે તેની એક ઉજળી બાજુ એ છે કે લોકોને હવે ખ્યાલ આવ્યો કે વૈદિક પ્રથાઓ કેટલી બધી સાચી હતી, કેટલા ઉચ્ચ જ્ઞાનનો પરિપાક હતો એ? IQ કે EQ (Emotional Quotient) તો બરોબર પરંતુ ખરેખર જરૂર છે PQ (Psychic Quotient) જાણવાની, તેને વિકસાવવાની.

કમ સે કમ એટલું જાણીએ.

દરેક વ્યક્તિ સાઈકિક છે.

વ્યક્તિ ધારે તો પોતાની સાઈકિકØ શક્તિઓ વિકસાવી શકે.

સાઈકિક શક્તિઓ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપી શકે.

જેટલી વધુ પ્રેક્ટિસ, તેટલી સાઈકિક શક્તિ વધુ.

આ વિષયમાં અનેક ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે. તેમાંની થોડી જોઈએ.

1) શરૂઆતમાં વાત થઈ તેમ ‘સાઈકિક’ એટલે ‘ઘનચક્કર’. સત્ય શું છે તે આપણે જોયું.

2) અમુક ખાસ વ્યક્તિ જ સાઈકિક હોય:

સત્ય એ છે કે દરેક વ્યક્તિ આવી શક્તિઓ સાથે જ જન્મ લે. ઓશોએ એમના પ્રવચન દરમ્યાન કહેલું કે દરેક બાળક સાઈકિક શક્તિઓ સાથે જન્મ લે છે, યાદ રાખે છે અને એક ઉંમર થતાં જ મોટા ભાગના બાળકો તે શક્તિ ભૂલી જાય છે. આપણું બાળપણ યાદ કરીશું તો કંઈ આવું મળી આવશે કે અજાણતાં જ બોલ્યા હોઈએ અને તે સાચું પડ્યું હોય, કંઈ પ્રેરણા થઈ હોય અને તે મુજબની જ ઘટનાઓ બની હોય વિગેરે. અહીં મારી સાથે જ કોલેજ કાળ દરમ્યાન બનેલી એક સત્ય ઘટના એવી છે કે તે સમયમાં એક તરૂણી પર બળાત્કાર અને ખૂનના કિસ્સાએ સમગ્ર ગુજરાતમાં બહુ જ ચકચાર જગાવેલી. એ તરૂણીની ઓળખ થઈ ન હતી, એક જીપ હું અને મારા મિત્રો ઉભા હતા ત્યાંથી લાઉડસ્પીકર પર જાહેરાત કરતી નીકળી કે આ વિષયમાં કોઈને કંઈ માહિતી હોય તો તે જાણ કરવી. અચાનક જ મારા મોઢે કોઈ એક છોકરીનું નામ આકસ્મિક રીતે આવી ગયું જે મારી નજીક ઉભેલા મિત્રો સિવાય કોઈએ સાંભળ્યું નહિ. 1/2 કલાકમાં જ ખ્યાલ આવ્યો કે તે જ તરૂણીનું ખૂન થયેલું. દાયકાઓ પછી પણ મને એ વિચારતા જ કંપારી છૂટે છે કે પોલીસ કે અન્ય કોઈ એ મારા શબ્દો સાંભળ્યા હોત તો મારું શું થયું હોત ! કઈ રીતે હું સાબિત કરી શક્યો હોત કે મને કોઈ માહિતી ન હતી !

આ પ્રકારની સાઈકિક શક્તિઓ દરેક પાસે હોય, વર્ષો સુધી સુષુપ્ત પડી રહે, સાધના સાથે બહાર આવે અથવા તેને વિકસાવવા માટે ચોક્કસ પ્રયત્નોથી બહાર આવી શકે.

3) સાઈકિક શક્તિઓ હોવી તે ખરાબ વાત છે: 5 ઇન્દ્રિયોથી ન સમજી શકાય તેવી આ શક્તિઓ છે. મનુષ્ય સ્વભાવ છે કે જે ના સમજાય તેને કોઈ ‘અકુદરતી’ કહે, તો કોઈ ડરે. કોઈ એવા પણ હોય કે જે આ વિષય સમજવાની કોશિશ કરે, પોતાની શક્તિઓને ચકાસવાની અને વિકસાવવાની કોશિશ કરે. એક વસ્તુ ગાંઠે બાંધી લેવાની છે કે આ સંપૂર્ણ કુદરતી શક્તિઓ છે, જો આપણે વિકસાવી શકીએ તો તે મનુષ્ય જાતિના વિકાસ તરફનું પગલું હશે.

4) દરેક સાઈકિકની શક્તિઓનો પ્રકાર એક સરખો હોય:

ના જી. દરેક એથ્લેટ અલગ-અલગ રીતે પોતપોતાના ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા હોય તેમ આ શક્તિઓ પણ વિવિધ વ્યક્તિઓમાં જુદી-જુદી રીતે બહાર આવે. આ જ વસ્તુ સંતોને પણ લાગુ પડે. શક્તિઓના પ્રકાર પરની વિસ્તૃત ચર્ચા દરમ્યાન આ મુદ્દાને આવરીશું.

5) સાઈકિક શક્તિઓ ધરાવનાર આપણું બધું જાણી જાય.

પહેલાં વાત થઈ તેમ શક્તિઓનો પ્રકાર અલગ-અલગ હોય. બીજું, સાઈકિક પોતાની શક્તિઓ જાસૂસી કરવા માટે ન વાપરે સિવાય કે તે કાર્ય તેને સોંપાયેલું હોય. વિવિધ દેશોમાં સાઈકિક ડિટેક્ટિવની મદદ પોલીસ ડિપાર્ટમેન્ટ લે છે. અમેરિકા અને નેધરલેન્ડની આવી ડિટેક્ટિવના પરિચયમાં હું છું તેથી વિશ્વાસથી કહી શકું છું. આવી જવાબદારી સોંપાયેલી ન હોય ત્યારે કોઈ સાઈકિક પોતાની શક્તિઓનો ઉપયોગ બીજું કંઈ જાણવા માટે કરે નહિ કારણ કે તેને પોતાના માટે એ થકાવનારું હોય, ડ્રેઇન કરી દેનારું હોય. તેને પોતાની પણ જિંદગી તો હોય ને ! કોઈની પ્રાઇવસીમાં તે દખલ ન કરે, કાર્મિક જવાબદારી ઉભી થાય. જયારે રીડિંગ માટે કોઈ તેની પાસે જાય તેનો મતલબ એ થયો કે જે તે વ્યક્તિની માહિતી મેળવવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.

6) સાઈકિકને બધી ખબર જ હોય.

ભારતના સંદર્ભમાં સંતો માટે આવી ભ્રામક માન્યતા રહે છે, વિદેશમાં સાઈકિક માટે. લોટરીનો નંબર કઢાવવા પણ સંત પાસે લોકો પહોંચી જાય!!! ભવિષ્ય ઘણું બદલતું રહે, બદલી શકાય પણ ખરું, કોઈ સમયે આકાશિક રેકોર્ડ વિષે ચર્ચા કરીશું તો તે વાત આવરી લઈશું. અત્યારે એટલું સમજવું જરૂરી કે ‘કોઈ ને બધી ખબર ન હોય, ઘણી ખબર હોઈ શકે

સાઈકિક શક્તિના અનેક પ્રકાર હોય, કદાચ 50થી પણ વધુ. તેમાંના જે મુખ્ય છે તેની ચર્ચા કરીશું. પહેલાં એ જોઈએ કે તે પ્રકાર ક્યા છે.

1) ક્લેયરવોયન્સ.

2) ક્લેયરએમ્પથી

3) કલેયરઓડિયન્સ

4) ક્લેયરગૅસ્ટન્સ

5) ક્લેયરકોગ્નિઝન્સ

6) ક્લેયરસેન્ટીનન્સ

7) ક્લેયરએલિયન્સ

8) ઓરા રીડિંગ

9) એનર્જી હીલિંગ

10) એસ્ટ્રાલ પ્રોજેકશન

11) ચેનલિંગ

12) પ્રિકોગ્નીશન

13) સાઈકિક સર્જરી

14) સાઈકોમેટ્રી

15) રીટ્રોકોગ્નીશન

16) ટેલિકાઈનેસીસ

17) સ્ક્રાઈંગ

18) ટેલીપથી

19) સાઈકોગ્રાફિ

20) આકાશિક રેકોર્ડ રીડિંગ

આ તમામ પ્રકારો બાદમાં વિગતે સમજીશું. આજે અહીં વિરામ લઈએ.

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.