Posts Tagged With: સરળગીતા

જ્ઞાનવિજ્ઞાન યોગ – સરળગીતા – અધ્યાય ૭ (યોગેશ્વરજી

શ્રી ભગવાન કહે છેઃ

મારામાં આસક્ત થૈ આશ્રય મારો લે,
જાણે મુજને કેમ તે હવે કહું છું તે. ॥૧॥

જ્ઞાન કહું તુજ ને વળી પૂર્ણ કહું વિજ્ઞાન,
જેને જાણી જાણવું રહે નહીં કૈં આન. ॥૨॥

હજારમાં કોઈ કરે સિધ્ધિકાજ પ્રયાસ
કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ.
મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન,
સાંભળ, જો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન. ॥૩॥

પૃથ્વી પાણી તેજ ને વાયુ ચિત્ત આકાશ,
અહંકાર બુધ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ.
બીજી જીવરૂપે રહી મારી પ્રકૃતિ છે,
તેનાથી જગને રચું, ઉત્તમ પ્રકૃતિ તે. ॥૫॥

આ બંને પ્રકૃતિ થકી પ્રાણી સર્વે થાય,
સર્જન તેમ વિનાશનું સ્થાન મને સૌ ગાય.
ઉત્તમ મુજથી કો’ નથી, મારા વિણ કૈં ના,
જગ મુજમાં છે, જેમ આ મણકા દોરામાં.

રૂપનું વર્ણન

પાણીમાં રસ હું થયો, સૂર્યચંદ્રમાં તેજ,
વેદમહીં ઓમકાર છું, પૌરૂષ નરમાં સહેજ.
પૃથ્વીમાં છું ગંધ ને તપ છું તાપસમાં,
જીવન પ્રાણીમાત્રનું, શબ્દ થયો નભમાં.
બીજ સર્વ પ્રાણીતણું મને સદાયે જાણ,
બુધ્ધિ તેમજ વીરતા વીરલોકમાં માન. ॥૧0॥

બળ બનતાં સેવા કરું બળવાનોમાં હું,
અધર્મથી પર કામના જીવમાત્રમાં છું.
સત્વ અને રજ તમ તણાં ઉપજે મુજથી ભાવ,
તે મુજમાં છે, હું નથી તે ભાવોની માંહ્ય.
ત્રણ ગુણવાળી છે કહી મારી જે માયા,
તેનાથી મોહિત થયા રંક અને રાયા.
માયા મારી છે ખરે તરવી આ મુશ્કેલ,
તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ.
મૂઢ મને પામે નહિં, અધમર્થી ભરિયા,
માનવરૂપે તે ફરે તોય જાણ મરિયા. ॥૧૫॥

ચાર જાતના ભક્ત

દુ:ખી તેમ જ જ્ઞાનની ઈચ્છાવાળા લોક,
સંસારી આશાભર્યા, જ્ઞાની તેમ જ કો’ક.
ચાર જાતના માનવી મને ભજે છે તે,
તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે મેં.
મહાન છે બીજા છતાં જ્ઞાની મારો પ્રાણ,
જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ.
ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે,
પ્રભુ પેખે જગમાં બધે, સતં સદુર્લભ તે.
કામનાભર્યા કૈં જનો, નિયમ ઘણાં પાળી,
અન્ય દેવતાને ભજે, સ્વભાવને ધારી. ॥૨૦॥

શ્રદ્ધાપૂર્વક દેવને ભક્ત ભજે છે જે,
તેની શ્રદ્ધા હું કરું દૃઢ દેવમહીં તે.
શ્રધ્ધાપૂર્વક તે પછી તેની ભક્તિ કરે,
મારી દ્વારા કામના-ફળને પ્રાપ્ત કરે.
અલ્પબુદ્ધિ એ ભક્તના ફળનો થાય વિનાશ,
દેવ ભજ્યે દેવો મળે, મને ભજ્યે મુજ પાસ.
અજ્ઞાની મુજ રૂપની મયાર્દા માને,
વિરાટ ઉત્તમ રૂપ ના મારું તે જાણે.
માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ,
મૂઢ ઓળખે ના કદી મારું દિવ્ય સ્વરૂપ. ॥૨૫॥

ભૂત ભાવિ જાણું, વળી વતર્માન જાંણું,
જાણું હું સૌને, મને કોઈ ના જાણ્યું.
વેર ઝેર તૃષ્ણાથકી ભવમાં ભટકે લોક,
જેનાં પાપ ટળી ગયાં, ભજે મને તે કો’ક.
મોત થકી છૂટવા વળી ઘડપણને હરવા,
ભજે શરણ મારું લઈ દુઃખ દૂર કરવા.
દૃઢ નિરધાર કરે અને દ્વંદ્વમુક્ત તે થાય,
પુણ્યવાન તે તો મને જાણી રસમાં ન્હાય.
બ્રહ્મકર્મ અધ્યાત્મ ને અધિભૂત ને અધિયજ્ઞ,
જે જાણે તે થાય છે મારામાં સલંગ્ન. ॥૩૦॥

॥ અધ્યાય સાતમો સમાપ્ત ॥

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, જાણવા જેવું, ભગવદ ગીતા, શિક્ષણ, સાહિત્ય | Tags: , , , , , , | 2 Comments

Create a free website or blog at WordPress.com.