ઉપરોક્ત ગીતની કડી આપણે ઘણી વખત સાંભળી હશે. કોઈને ત્યાં બાળક અવતરે ત્યારે માતા-પિતા બનનાર હર્ષ અનુભવે કે મેરે બાદ ભી ઈસ દુનિયામે જિંદા મેરા નામ રહેગા.
અનાદી કાળથી આપણે જોતા આવ્યાં છીએ કે આ જગતમાં માત્ર આપણે તેમને જ યાદ કરીએ છીએ જેમણે પોતે મહાન કાર્યો કર્યાં હોય. આપણે હંમેશા મોહનદાસને યાદ કરીએ છીએ તેમના જીવન ચરિત્ર વાંચીએ છીએ કરમચંદના કદી નહીં. સ્વામી વિવેકાનંદના વિચારો વાંચીએ છીએ તેમના માતા-પિતાના નહીં. રામકૃષ્ણ પરમહંસનું કથામૃત વાંચીએ છીએ ખુદિરામનું નહીં.
આપણે ત્યાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે. દિન પ્રતિદિન વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. જેટલાં લોકો છે તેમને માટે ય પુરતા અન્ન, પાણી અને આવાસ નથી. તે વખતે લોકો માત્ર પોતાનું નામ પોતાની પછી જીવંત રહે તે માટે વસ્તી વધાર્યા કરે તો તે બેવકુફી ગણાય. હાલની સાંપ્રત પરિસ્થિતિમાં પ્રત્યેક દંપતીને માત્ર એક બાળક હોય તે ઈચ્છનીય ગણાય. વધુમાં વધુ બે બાળકો પણ બેથી વધારે બાળકો હોવા તે રાષ્ટ્રિય અપરાધ ગણવો જોઈએ.
સરેરાશ આયુષ્ય ૬૫ (૬૩.૪) વર્ષ હોય. સરેરાશ લોકો ૨૫ વર્ષે લગ્ન કરતાં હોય અને એક દંપતિને બે બાળકો હોય તો બે વ્યક્તિ ગુજરી જાય તેની સામે આશરે ૪ વ્યક્તિ નવી જન્મે. હવે જો બાળકો બે થી વધારે હોય તો આ ગુણોત્તર વળી પાછો વધી જાય.
દરેક બાળકને ઉછેરવાનો, શિક્ષણનો, લગ્નનો, આવાસનો અને વ્યવસ્થિત જીવનશૈલિમાં ગોઠવવા માટેના જરુરી ખર્ચ કરતાં આપણી માથા દીઠ આવક તો ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં નવા નવા લોકો જન્મ્યાં જ કરે અને તેમને રહેવા માટેની પુરતી વ્યવસ્થા ન હોય તો આંતર કલહ, નીચું જીવન ધોરણ, અપરાધ, કુપોષણ, અવ્યવસ્થા આ બધુ જ સર્જાય. હાલમાં આપણાં દેશમાં વ્યાપી ગયેલી અરાજકતાના મુખ્ય કારણોમાં એક કારણ વસ્તી વધારો છે. આ ઉપરાંત બાંગ્લાદેશ અને અન્ય પાડોશી દેશમાંથી થતી ઘુસણખોરીને લીધે સમસ્યાઓ વધુ વકરે છે. ઘુસણખોરોને અટકાવવાને બદલે તેમને રેશન કાર્ડ અને ભારતીય નાગરીક તરીકેની ઓળખ આપવાનું કાર્ય આપણાં દેશમાં કઈ સરકાર કરી રહી છે તે આપણે સહુ સારી રીતે જાણીએ છીએ.
શું આ દેશનું પ્રત્યેક બાળક ભારતનું સંતાન નથી? આપણો વિચાર માત્ર પોતાના એક કે બે બાળક સુધી જ શા માટે સીમીત રહી જાય છે? એવા દંપતિઓ ન હોઈ શકે કે જે પોતાના સંતાનો ઉત્પન્ન કરવાને બદલે આ દેશના સંતાનોને પોતાના ગણે અને તેમની સેવા માટે કાર્ય કરે.
મધર ટેરેસાને ક્યાં કોઈ બાળકો હતા? દેશના બાળકોને તેમણે પોતાના બાળકો ગણ્યાં. સંતોને ક્યાં બાળકો હોય છે? છતાં તેઓ લોકહિતાર્થે કાર્ય કરતાં કરતાં પોતાનું નામ અમર કરી જ જાય છે ને?
નામ અમર કરવા માટે બાળકોની નહીં સારા કાર્ય કરવાની આવશ્યકતા હોય છે.