મિત્રો,
આપ સહુ જાણો છો કે હાલ હું સત્યના પ્રયોગોની વાંચનયાત્રાએ નીકળ્યો છું. આ યાત્રાએ પ્રથમ વખત નીકળ્યો છું તેથી યાત્રા વધારે આનંદપ્રદ અને હવે શું થશે તે જાણવાની ઈંતેજારી સાથે આગળ ધપી રહી છે. પ્રસંગોપાત આપ પણ તેમાં જોડાઈ શકો છો.
સત્યના પ્રયોગો કુલ પાંચ ભાગમાં વહેંચાયેલી છે.
પ્રથમ ભાગ – ૨૫ પ્રકરણ
બીજો ભાગ – ૨૯ પ્રકરણ
ત્રીજો ભાગ – ૨૩ પ્રકરણ
ચોથો ભાગ – ૪૭ પ્રકરણ
પાંચમો ભાગ – ૪૩ પ્રકરણ
કુલ ૧૬૭ પ્રકરણ. તેમાં પ્રસ્તાવના અને પૂર્ણાહુતિ ઉમેરતા કુલ ૧૬૯ પ્રકરણ થશે.
આમેય મારે તો બ્લોગયાત્રા અને વાંચનયાત્રા સાથો સાથ ચાલશે. રોજ એક પોસ્ટ લખાશે અને કાલે શું લખું કે જેથી લોકો વાહ વાહ કરે કે અચંબિત થઈ જાય કે મોમાં આંગળા નાખી જાય કે Like પર આવીને ક્લિકનો વરસાદ કરી દે કે પ્રતિભાવોથી બ્લોગફળીયું છલકાવી દે તેવા વિચારવાયુથી મુક્ત રહી શકાશે.
આ પોસ્ટનું શિર્ષક જોયું. યજ્ઞકાર્ય અને આહુતિ? સત્યના પ્રયોગો તો આખે આખું વિકિસ્ત્રોત પર ઉપલબ્ધ છે જ્યારે અહીં તો ત્યાંથી તેનો થોડો ભાગ કોપી કરીને પેસ્ટ કરવામાં આવે છે. તેમાં વળી યજ્ઞ અને આહુતિ શેના?
તો કહેવાનું મન થાય કે યજ્ઞ કાર્ય અહીં લખવાનું નહીં પણ વાંચવાનું થઈ રહ્યું છે. આહુતિ કોઈ દેવતાને રીઝવવા માટે નહીં પણ મારા મસ્તિષ્કમાં સદવિચારોનું બીજારોપણ કરવારુપ આહુતિ અપાઈ રહી છે. ઉતાવળે અને અકરાંતીયાની જેમ વાંચેલું ઘણું બધું સાહિત્ય એટલું મદદરુપ નથી થતું જેટલું સમજીને વાંચ્યા પછી થોડુંયે પચાવવામાં આવ્યું હોય.
આ યાત્રામાં જોડાવા સહયાત્રીઓને આમંત્રણ છે. મોહનમાંથી મહાત્મા બનેલા માનવીની ભારોભાર સત્યકથા વાંચનારને કશુંક તો હકારાત્મક જરુર પ્રદાન કરશે.
નોંધ: મારા શારીરીક અને માનસીક સ્વાસ્થ્યને અનુલક્ષીને મેં બ્લોગ-જગતનું મારું વાંચન મર્યાદિત કર્યું છે. ક્યારેક અને મરજિયાતપણે થોડા લેખ વાંચું છું. કશુંક સારુ લાગે તો ગ્રહણ કરુ છું અને બાકીનું ફેંકી દઉ છું. આ વાંચનયાત્રા દરમ્યાન લીધેલ એક નીયમ તેવો છે કે કોઈનીયે પોસ્ટ પર Like ન કરવું કે કોઈનાયે બ્લોગ પર પ્રતિભાવ ન આપવા. જો કે કેટલાંક મિત્રોના પસંદગીના લેખ હું અચૂક વાંચું છું તે વાંચવાનો પુરતો પ્રયાસ કરવામાં આવશે 🙂