મિત્રો,
શું તમે સજ્જન છો? તે પોસ્ટમાં આપણે સજ્જનમીટર વીશે વાત કરેલી. તેમાં કેવા કેવા પ્રશ્નો અને કેવા કેવા ઉત્તરો આપી શકાય તેને વીશે થોડી પૂર્વભુમિકા બાંધેલી. શ્રી અશોકભાઈએ આમાં વિકલ્પોને ભારાંક આપવાનું સૂચન કર્યું છે. સજ્જનમીટર દરેકે પોત પોતાનું બનાવવાનું છે. મારું સજ્જનમીટર તમને નહીં માપે અને તમારું સજ્જનમીટર મને નહીં માપે. જે વ્યક્તિ જે પ્રકારનું જીવન જીવતા હોય કે કાર્ય પદ્ધતિ ધરાવતા હોય તે પ્રમાણે સજ્જનમીટર બનાવવું જોઈએ.
સજ્જનમીટરમાં બે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ.
૧. કેવી કેવી બાબતોથી ધીક્કાર જન્મતો હોય છે.
૨. કેવી કેવી બાબતોથી વિસંગતતા જન્મતી હોય છે.
જેટલી જેટલી બાબતોએ આપણાં મનમાં ધિક્કાર જન્મતો હોય તેટલી બાબતોને નોંધીને તેના પ્રશ્નો બનાવો આ ઉપરાંત જેટલી જેટલી બાબતે સમાજમાં વિસંગતતા ફેલાતી જણાય તેવા પ્રશ્નો બનાવો.
આ પ્રશ્નોના શક્ય તેટલા વિકલ્પ આપો.
ઉત્તમ અથવા તો આદર્શ વિકલ્પને ૧ અને અન્ય દરેક વિકલ્પને ૦ ગુણ આપો.
૫, ૧૦, ૨૦, ૨૫, ૫૦ કે ૧૦૦ પ્રશ્નો રાખો.
પ્રત્યેક પ્રશ્નને ૧૦૦/પ્રશ્નોની સંખ્યા જેટલો ભારાંક આપો.
કુલ જેટલા ગુણ મળ્યાં હોય તેને ભારાંક વડે ગુણો.
જે જવાબ મળશે તે સજ્જનઆંક થશે.
જેટલા પ્રશ્નમાં ૦ ગુણ મળે તે ગુણ વધારવાનો પ્રયાસ કરવાનો છે.
આ ઉપરાંત નવા નવા પ્રશ્નો સમયાંતરે ઉમેરતા રહો.
સજ્જનમીટરમાં દર અઠવાડીએ સ્વ-મૂલ્યાંકન કરો.
જ્યારે સજ્જનઆંક ૧૦૦ થઈ જાય ત્યારે નવા વધારે જટીલ પ્રશ્નો ઉમેરીને સજ્જનમીટર અપડેટ કરો.
સ્વ-મૂલ્યાંકન કરવાનું હોવાથી પ્રશ્નોના જવાબ પ્રામાણીકતાથી સાચા આપો. તેને લીધે જે તે બાબતે ઉત્પન્ન થતો ધિક્કાર દૂર કરવામાં મદદ મળશે અન્યને જોવાના દૃષ્ટીકોણમાં સુધારો થશે.
જેમ જેમ સજ્જન આંક વધતો જશે તેમ તેમ આપણું મન ઘૃણારહિત થતું જશે અને અન્ય સજીવો પ્રત્યે આત્મિયતા વધતી જશે. આમ અંત:કરણ શુદ્ધ થવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે.
તો બોલો.. ક્યારે તમારું સજ્જનમીટર બનાવો છો?