Posts Tagged With: શ્રી વાક્યસુધા

શ્રી વાક્યસુધા (૩૦/૪૩) – આદિ શંકરાચાર્ય

કહેલ સમાધિની કર્તવ્યતાના અવધિને સૂચવતા છતા કહેલા સમાધિના પરિપાકથી પ્રાપ્ત થયેલ નિત્યસમાધિને કહે છે :

દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મનિ |
યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય: || ૩૦ ||

શ્લોકાર્થ:
પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી ને દેહાભિમાન ગળી જવાથી તે બ્રહ્મવેત્તાનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમને સમાધિ (બ્રહ્માકાર વૃત્તિઓ) છે.

ટીકા:
સચ્ચિદાનંદરૂપ અદ્વિતીય બ્રહ્મનો દૃઢ સાક્ષાત્કાર થવાથી ને હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ છું, ઈત્યાદિ જ્ઞાનકાલની પૂર્વનાં દેહાભિમાનો ગળી જવાથી તેવા જ્ઞાની પુરુષનું અંત:કરણ નેત્રાદિ ઈંદ્રિયોદ્વારા જે જે પદાર્થમાં જાય છે, તે તે પદાર્થના નામરૂપનો બાધ કરી ત્યાં ત્યાં રહેલા સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મને આકારે તેના અંત:કરણની વૃત્તિ થાય છે.

ગલિતે ની આગળ ને વિજ્ઞાતેની આગળ અવગ્રહ ચિહ્ન વાળું પાઠાંતર સ્વીકારીએ તો આ શ્લોકનો આ પ્રમાણે અર્થ થાય:- દેહાભિમાન નહિ ગળવાથી ને પરમાત્માનો સાક્ષાત્કાર નહિ થવાથી તે અજ્ઞાની પુરુષનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ખેદ ભયાદિ માનસ તાપ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૨૭,૨૮,૨૯/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે બીજા પ્રકારની દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છે :

હ્રદીવ બાહ્યદેશેSપિ યસ્મિન કસ્મિંશ્ચ વસ્તુનિ |
સમાધિરાદ્ય: સન્માત્રે નામરુપે પૃથક સ્થિત: || ૨૭ ||

શ્લોકાર્થ:
હ્રદયમાં થતી દૃશ્યાનુવિદ્ધ સમાધિની પેઠે બાહ્યદેશમાં પણ જે કોઈ વસ્તુમાં સમાધિ તે પ્રથમ સમાધિ છે. આ સમાધિ નામરુપથી પૃથક સન્માત્રમાં રહેલી છે.

ટીકા:
હ્રદયમાં કોઈ પણ નામ રૂપ વાળી પરમ પવિત્ર ને પરમ પૂજ્ય વસ્તુમાં કરવામાં આવતી મનની એકાગ્રતાની પેઠે બહાર સૂર્ય ચંદ્રાદિ કોઈ પણ યોગ્ય વસ્તુમાં મોક્ષ સાધકે પોતાના મનની એકાગ્રતા કરવી તે દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ છે.

આ સમાધિ નામ તથા રૂપ આ બે કલ્પિત અંશોનો પરિત્યાગ કરીને સત્તામાત્ર રૂપ બ્રહ્મમાં રહેલ છે.

કોઈ પ્રતમાં ઉત્તરાર્ધ સમાધિરાદ્ય: સન્માત્રાન્નામરુપપૃથકકૃતિ: (આ પ્રથમ સમાધિ સન્માત્રથી નામ રૂપને પૃથક કરવારૂપ છે) આ પ્રમાણે જોવામાં આવે છે.


હવે બીજા પ્રકારની શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છે :

અખંડૈકરસં વસ્તુ સચ્ચિદાનંદલક્ષણમ |
ઈત્યવિચ્છિન્નચિન્તેયં સમાધિર્મધ્યમો ભવેત || ૨૮ ||

શ્લોકાર્થ:
સચ્ચિદાનંદરૂપ લક્ષણવાળી અખંડ ને એકરસ વસ્તુ છે તેમ અવિચ્છિન્ન ચિંતન રહે તે મધ્યમ સમાધિ છે.

ટીકા:
સત, જ્ઞાન ને પરમાનંદ સ્વરૂપવાળી અપરિચ્છિન્ન ને એકરસ વસ્તુરૂપ બ્રહ્મ છે તેમ સતત ચિંતન રહે, અર્થાત ચિત્ત તે વસ્તુનું નિરૂપણ કરનારા શબ્દોના લક્ષ્યાર્થરૂપ તે વસ્તુને આકારે રહે આ શબ્દાનુવિદ્ધ સવિકલ્પ વા મધ્યમ સમાધિ છે.


હવે બીજા પ્રકારની નિર્વિકલ્પ સમાધિને તથા સમાધિના કર્તવ્યને કહે છે:

સ્તવ્યભાવો રસાસ્વાદાત તૃતીય: પૂર્વવન્મત: |
એતૈ: સમાધિભિ: ષડભિર્નયેત્કાલં નિરન્તરં || ૨૯ ||

શ્લોકાર્થ:
પરમાનંદના અનુભવથી સ્તુતિ કરવા યોગ્ય ભાવવાળી ત્રીજી સમાધિ પૂર્વની પેઠે માનેલ છે. મુમુક્ષુ આ છ સમાધિઓ વડે નિરંતર કાલ ગાળે.

ટીકા:
પરમાનંદરૂપ બ્રહ્મના અનુભવથી સ્તુતિ કરવા યોગ્ય ભાવ વાળી ત્રીજી નિર્વિકલ્પ સમાધિ આગળ છવીશમાં શ્લોકમાં કહેલ નિર્વિકલ્પ સમાધિના જેવી માનેલ છે.
ઉપર જણાવેલ છ પ્રકારની સમાધિમાંથી કોઈ એક સમાધિના અનુષ્ઠાન વડે મોક્ષ સાધક પોતાનો સમય નિરંતર વ્યતીત કરે, અર્થાત એક ક્ષણ પણ પૂર્વોક્ત સમાધિમાંની કોઈ એક સમાધિ વિના તે ન રહે.

કોઈ પ્રતમાં સ્તવ્યભાવ: ને સ્થાને સ્તબ્ધીભાવ: (નિશ્ચલપણારૂપ) એવો પાઠ જોવામાં આવે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૨૩,૨૪,૨૫,૨૬/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે અંતર ને બહાર બ્રહ્મમાં કરવા યોગ્ય સમાધિને બે પ્રકારે વિભાગ પાડીને સાત શ્લોકો વડે પ્રતિપાદન કરે છે. તેમાં પ્રથમ ચાર શ્લોકો વડે હ્રદયાકાશના આલંબન વાળા સમાધિના ભેદોને કહે છે :

સવિકલ્પોSવિકલ્પશ્ચ સમાધિર્દ્વિવિધો હૃદિ |
દૃશ્યશબ્દાનુવિદ્ધેન સવિકલ્પ: પુનર્દ્વિધા || ૨૩ ||

શ્લોકાર્થ:
હ્રદયમાં બે પ્રકારે સમાધિ છે, સવિકલ્પ ને નિર્વિકલ્પ. પુન: દૃશ્યાનુવિદ્ધ ને શબ્દાનુવિદ્ધ તેમ સવિકલ્પ સમાધિ બે પ્રકારની છે.

ટીકા:
હ્રદયાકાશમાં સ્થિત બ્રહ્મમાં બે પ્રકારે સમાધિ થાય છે, એક સવિકલ્પ ને બીજી નિર્વિકલ્પ.

જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયરૂપ વિકલ્પોનો સારી રીતે વિલય થયા વિના અખંડ સચ્ચિદાનંદસ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા તે સવિકલ્પ સમાધિ કહેવાય છે.

જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયરૂપ વિકલ્પોનો સારી રીતે વિલય થઈને અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપમાં જે ચિત્તની એકાગ્રતા તે નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે.

તેમાં સવિકલ્પ સમાધિના બે પ્રકાર છે : ૧. દૃશ્યાનુવિદ્ધ ને ૨. શબ્દાનુવિદ્ધ.


હવે દૃશ્યાનુવિદ્ધ સમાધિનું સ્વરૂપ કહે છે:

કામાદ્યાશ્ચિત્તગા દૃશ્યાસ્તત્સાક્ષિત્વેન ચેતનમ |
ધ્યાયેદૃશ્યાનુવિદ્ધોSયં સમાધિ: સવિકલ્પક: || ૨૪ ||

શ્લોકાર્થ:
કામ આદિ ચિત્તમાં રહેલું દૃશ્ય છે, તેના સાક્ષીપણા વડે ચેતનનું ધ્યાન કરે. આ દૃશ્યાનુવિદ્ધ સવિક્લ્પ સમાધિ છે.

ટીકા:
દૃશ્ય હોવાથી ને ચિત્તની પેઠે આવિર્ભાવ તિરોભાવ રૂપ ધર્મવાળી હોવાથી કામ ક્રોધાદિ વૃત્તિઓ ચિત્તની જ છે.

વળી જાગ્રતમાં ને સ્વપ્નમાં જ્યારે ચિત્ત હોય ત્યારે તે વૃત્તિઓ હોય છે, ને સુષુપ્તિમાં ચિત્તનો અભાવ હોવાથી તે વૃત્તિઓ હોતી નથી, તેથી પણ સિદ્ધ થાય છે કે કામ ક્રોધાદિ વૃત્તિઓ ચિત્તની જ છે, આત્માની નથી.

આમ હોવાથી તેના સાક્ષિપણા વડે ભેદ પામીને પ્રતીત થતા સ્વપ્રકાશ ચિદાત્માનું ધ્યાન કરે.

આવી રીતે દૃશ્યથી ભિન્ન સાક્ષિનું ધ્યાન કરવું આ દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહેવાય છે.


એવી રીતે સ્થૂલ (દૃશ્યાનુવિદ્ધ) સવિકલ્પ સમાધિને કહીને હવે સૂક્ષ્મ (શબ્દાનુવિદ્ધ) સવિકલ્પ સમાધિને કહે છે :

અસંગ: સચ્ચિદાનન્દ: સ્વપ્રભો દ્વૈતવર્જિત: |
અસ્મીતિ શબ્દવિદ્ધોSયં સમાધિ: સવિકલ્પક: | ૨૫ ||

શ્લોકાર્થ:
અસંગ, સચ્ચિદાનંદ, સ્વપ્રકાશ ને દ્વૈત રહિત હું છું, એવા શબ્દ વડે વિંધાયેલ આ સવિકલ્પ સમાધિ છે.

ટીકા:
કામ ક્રોધાદિ વૃત્તિઓવાળા ચિત્તના સંગથી રહિત, અસત, જડ ને દુ:ખના સંસર્ગથી રહિત સર્વદા જ્ઞાન સ્વભાવયુક્ત ને સમગ્ર દ્વૈતના અવભાસથી રહિત જે અંતરાત્મા છે તે હું છું આવી રીતના શબ્દ વડે બ્રહ્મમાં એકાગ્ર કરેલા ચિત્તની સ્થિતિ આ શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહેવાય છે.


એવી રીતે યત્નથી ક્રમપૂર્વક થતી બે સમાધિને કહીને હવે પછી પોતાની મેળે થનાર નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ કરે છે:

સ્વાનુભૂતિરસાવેશાદદૃશ્યશબ્દાનુપેક્ષિતુ: |
નિર્વિકલ્પ: સમાધિ: સ્યાન્નિર્વાતસ્થલદીપવત || ૨૬ ||

શ્લોકાર્થ:
સ્વાનુભવરૂપ આનંદમાં પ્રવેશ થવાથી દૃશ્યની ને શબ્દની ઉપેક્ષા કરનારાનું ચિત્ત ગતિવાળા વાયુથી રહિત સ્થળમાંના દીવાની પેઠે અચલ રહે તે નિર્વિકલ્પ સમાધિ છે.

ટીકા:
સચ્ચિદાનંદરૂપ પરમાત્મામાં ચિત્તની એકાકારતા થવાથી આગળ કહેલા દૃશ્યનો ને શબ્દનો અનાદર કરનારા મોક્ષ સાધકનું ચિત્ત ગતિવાળા પવનથી રહિત સ્થાનમાં રહેલા દીવાની પેઠે બ્રહ્મમાં અચલ રહે તે – ચિત્તની તે અવસ્થા – નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૨૨/૪૩) – આદિ શંકરાચાર્ય

પૂર્વોક્ત બ્રહ્મમાં મોક્ષસાધકે પોતાના મનની એકાગ્રતા કરવી જોઈએ તેમ જણાવે છે :

ઉપેક્ષ્ય નામરુપે દ્વે સચ્ચિદાનન્દવસ્તુનિ |
સમાધિં સર્વદા કુર્યાત હ્રદયે વાSથવા બહિ: || ૨૨ ||

શ્લોકાર્થ:
નામ ને રૂપ એ બેની ઉપેક્ષા કરીને સચ્ચિદાનંદરૂપ વસ્તુમાં, હ્રદયમાં અથવા બહાર સર્વદા ચિત્તને એકાગ્ર કરે.

ટીકા:
વાચ્યના (શક્તિવૃત્તિ વડે જણાતા પદાર્થના) અંશરૂપ નામ ને રૂપ એ બેના મિથ્યાપણાનો દૃઢ નિશ્ચય કરીને લક્ષ્યરૂપ (લક્ષણા વડે જણાતા અર્થરૂપ) સત, ચિત ને આનંદ એ ત્રણે અંશરૂપ અખંડ એકરસ બ્રહ્મમાં મોક્ષ સાધક પોતાના ચિત્તને એકાગ્ર કરે. તે મોક્ષ સાધક પોતાના ચિત્તને પોતાના અધિકારનો વિચાર કરીને પોતાના હ્રદયાકાશમાં વા બહારના કોઈ પૂજ્યને પરમ પવિત્ર પદાર્થના અધિષ્ઠાનમાં પોતાના ચિત્તને એકાગ્ર કરે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૨૦,૨૧/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે તત્પદ અને ત્વંપદના એકપણાને કહેવાને તત્પદના તથા ત્વંપદના વાચ્યાર્થને તથા લક્ષ્યાર્થને ક્રમપૂર્વક બે શ્લોકો વડે જણાવે છે :

અસ્તિ ભાતિ પ્રિયં રુપં નામ ચેત્યંશપંચકમ |
આદ્યં ત્રયં બ્રહ્મરુપં જગદ્રૂપં તતો દ્વયમ || ૨૦ ||

શ્લોકાર્થ:
છે, સ્ફૂરે છે, પ્રિય, રૂપ ને નામ આ પાંચ અંશવાળું જગત છે. પ્રથમના ત્રણ બ્રહ્મરૂપ છે, ને પછીના બે સંસારરૂપ છે.

ટીકા:
સત્તા (છે), સ્ફૂર્તિ (પ્રતીત થાય છે), સુખરૂપતા, રૂપ ને નામ આ પાંચ અંશોવાળું આ જગત છે.
અર્થાત
આ જગતમાંના પ્રત્યેક પદાર્થમાં એ પાંચ અંશો હોય છે;

જેમ કે ઘડો છે,
ઘડો પ્રતીત થાય છે,
ઘડો પ્રિય છે,
ઘડો મોટા પેટવાળો ને સાંકડા મોઢાવાળો છે,
ને તેનું ઘડો એવું નામ છે.

આ પાંચ અંશોમાંથી છે, પ્રતીત થાય છે, ને પ્રિય છે, આ ત્રણ અંશો સર્વ પ્રાણિપદાર્થમાં સમાન હોવાથી તે બ્રહ્મરૂપ છે,
અને
રૂપ તથા નામ પ્રત્યેકમાં પૃથક પૃથક હોવાથી તે જગદરૂપ છે.


ખવાય્વગ્નિજલોર્વીષુ દેવતિર્યંનરાદિષુ |
અભિન્નાત્સચ્ચિદાનન્દાદ્બિદ્યેતે રુપનામની || ૨૧ ||

શ્લોકાર્થ:
આકાશ, વાયુ, અગ્નિ, જલ ને પૃથિવીમાં તથા દેવ, તિર્યક ને મનુષ્યાદિમાં અભિન્ન સચ્ચિદાનંદથી રૂપ ને નામ ભેદ પામે છે.

ટીકા:
આકાશ, વાયુ, તેજસ, જલ ને પૃથિવી એ પાંચે મહાભૂતોમાં, સર્વ ભૌતિક પદાર્થોમાં તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, પેટે ચાલનારાં પ્રાણીઓ ને જલચરાદિમાં અસ્તિ (છે), ભાતિ (જણાય છે), ને પ્રિયરૂપે રહેલા એક સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મથી પ્રાણીઓનાં ને પદાર્થોનાં રૂપ તથા નામ ભેદ પામે છે.

બ્રહ્મથી ભિન્ન ને તેમાં કલ્પિત તે રૂપ તથા નામ પરસ્પરમાં વ્યભિચારી ને ઈંદ્રિયગ્રાહ્ય હોવાથી મિથ્યા છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૮,૧૯/૪૩) – આદિ શંકરાચાર્ય

એવી રીતે આવરણ શક્તિ પ્રધાન અજ્ઞાનને લીધે આત્માનું સંસારીપણું કહીને હવે વિક્ષેપશક્તિ પ્રધાન અજ્ઞાનને લીધે જ બ્રહ્મનું સંસાર સહિત પણું છે તેમ જણાવે છે :

સર્ગસ્ય બ્રહ્મણસ્તદ્વદ ભેદમાવૃત્ય તિષ્ઠતિ |
યા શક્તિસ્તદ્વશાત બ્રહ્મ વિકૃતત્વેન ભાસતે || ૧૮ ||

શ્લોકાર્થ:
તેમ જે શક્તિ જગતના ને બ્રહ્મના ભેદને ઢાંકીને રહે છે તે શક્તિને લીધે બ્રહ્મ સંસાર સહિત પણા વડે પ્રતીત થાય છે.

ટીકા:
જેમ આવરણ શક્તિ આત્માના વાસ્તવિક સ્વરૂપના તથા અંત:કરણાદિના વિલક્ષણપણાને ઢાંકીને રહે છે તેમ જે વિક્ષેપશક્તિ આ જગતના ને બ્રહ્મના વિલક્ષણપણાને ઢાંકીને રહે છે તે શક્તિના મહિમાથી અસંગી બ્રહ્મ જગતની ઉત્પત્તિના, સ્થિતિના ને પ્રલયના કારણરૂપ હોય તેમ પ્રતીત થાય છે.


પૂર્વોક્ત આવરણ દૂર થવાથી બ્રહ્મના ને જગતના ભેદની પણ નિવૃત્તિ થાય છે તેમ જણાવે છે :

અત્રાપ્યાવૃત્તિનાશે ન વિભાતિ બ્રહ્મસર્ગયો: |
ભેદસ્તતો વિકાર: સ્યાત્સર્ગે ન બ્રહ્મણિ ક્વચિત || ૧૯ ||

શ્લોકાર્થ:
અહીં પણ આવરણનો નાશ થવાથી બ્રહ્મનો ને જગતનો ભેદ પ્રતીત થતો નથી, તેથી બ્રહ્મમાં કદી પણ જગત સંબંધી વિકાર નથી.

ટીકા:
બ્રહ્મને આશરે રહેલી આવરણ શક્તિરૂપ અવિદ્યાની નિવૃત્તિ થવાથી બ્રહ્મ જગતનું કારણ છે, ને આ જગત બ્રહ્મનું કાર્ય છે, એવો ભેદ નિવૃત્ત થાય છે. અવિદ્યાની નિવૃત્તિ થવાથી તે વિક્ષેપની પણ નિવૃત્તિ થાય છે. એવી રીતે આ સંસારરૂપ વિકાર (કાર્ય) અજ્ઞાન વડે કલ્પિત છે, તેથી અસંગ ને અવિકારી બ્રહ્મમાં કદી પણ આ જગત સંબંધી (જગતની ઉત્પતિ ને સ્થિતિરૂપ) વિક્રિયા નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૫,૧૬,૧૭/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે આવરણ શક્તિને તથા તેના કાર્યને જણાવે છે :

અન્તર્દૃગ્દૃશ્યયોર્ભેદં બહિશ્ચ બ્રહ્મસર્ગયો: |
યાSSવૃણોત્યપરા શક્તિ: સા સંસારસ્ય કારણં || ૧૫ ||

શ્લોકાર્થ:
જે બીજી શક્તિ અંતરના દૃષ્ટા ને દૃશ્યના વિલક્ષણપણાને તથા બહારના બ્રહ્મના ને સૃષ્ટિના વિલક્ષણપણાને ઢાંકે છે તે સંસારનું કારણ છે.

ટીકા:
વિક્ષેપથી ભિન્ન માયાની બીજી શક્તિ જે આવરણ નામથી પ્રસિદ્ધ છે તે શરીરની અંતર દૃષ્ટારૂપ આત્માના ને દૃશ્યરૂપ અહંકારાદિના વિલક્ષણપણાને ઢાંકે છે, તથા શરીરની બહારના પરિપૂર્ણ બ્રહ્મના ને પ્રતીત થતા જગતના વિલક્ષણપણાને ઢાંકે છે, તે શક્તિ આ સંસારનું કારણ છે.


હવે સંસારમાં ભ્રમણ કરનારા જીવનું સ્વરૂપ કહે છે :

સાક્ષિણ: પુરતો ભાતિ લિંગ: દેહેન સંયુત: |
ચિત્તિચ્છાયાસમાવેશાજ્જીવ: સ્યાદ્વયાવહારિક: || ૧૬ ||

શ્લોકાર્થ:
સાક્ષીની આગળ સ્થૂલશરીર સહિત જે સૂક્ષ્મશરીર પ્રતીત થાય છે તે ચેતનના આભાસના પ્રવેશથી વ્યવહારિક જીવ છે.

ટીકા:
સર્વની અંતર રહેલા અંતરાત્માની આગળ અંતરાય રહિત સ્થૂલ શરીર સહિત જે અંત:કરણ તથા પ્રાણાદિવાળું સૂક્ષ્મ શરીર પ્રતીત થાય છે તે સૂક્ષ્મ શરીર ચેતનના આભાસના પ્રવેશથી પોતાને કર્તા, ભોક્તા, મનુષ્ય, કાણો તથા બહેરો માનનાર – એવો વ્યવહાર કરનાર જીવ છે.


અનાત્મામાં અધ્યાસવાળા ચિદાત્માના જીવપણાને કહે છે:

અસ્ય જીવત્વમારોપાત્સાક્ષિણ્યપિ ચ ભાસતે |
આવૃત્તૌ તુ વિનષ્ટાયાં ભેદજાતં પ્રયાતિ તત || ૧૭ ||

શ્લોકાર્થ:
આના જીવપણાના આરોપથી સાક્ષીમાં પણ જીવપણું ભાસે છે, પણ આવરણ વિનાશ પામવાથી તે ભેદસમૂહ બાધ પામે છે.

ટીકા:
પૂર્વોક્ત લિંગશરીરના જીવપણાના અધ્યાસથી (ભ્રાંતિથી) સ્થૂલ-સૂક્ષ્મ સંઘાતથી વિલક્ષણ સાક્ષી પણ સ્થૂલસૂક્ષ્મ શરીર રૂપ સંઘાતની સાથેના એકપણની ભ્રાંતિથી સંસારી જીવ જ પ્રતીત થાય છે. એવી રીતે આત્મસ્વરૂપના અજ્ઞાનથી આત્માને બંધન છે. આત્મસ્વરૂપનું અજ્ઞાન નિવૃત્ત થયે લિંગશરીર, જીવ ને સાક્ષી એવા ભેદો બાધ પામે છે. તે ભેદો મિથ્યા છે એવો દૃઢ નિશ્ચય થાય છે. માત્ર એક સાક્ષી વા ચિદાત્મા જ અવશેષ રહે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૪/૪૩) – આદિ શંકરાચાર્ય

બ્રહ્મ આ જગતનું વાસ્તવિક ઉપાદાન કારણ નથી, પણ સત્તાસ્ફુર્તિ આપવા વડે તે આ જગતનું વિવર્તોપાદાનકારણ ગણાય છે તેમ કહે છે:

સૃષ્ટિર્નામ બ્રહ્મરુપે સચ્ચિદાનન્દવસ્તુનિ |
અમ્બુફેનાદિવત્સર્વ નામરુપપ્રસારણં || ૧૪ ||

શ્લોકાર્થ:
સૃષ્ટિ એટલે જલમાં ફીણાદિની પેઠે બ્રહ્મરૂપ સચ્ચિદાનંદ વસ્તુમાં સર્વ નામ રૂપનો વિસ્તાર છે.

ટીકા:
જલમાં જોવામાં આવતાં ફીણ તથા પરપોટા આદિ જલથી ભિન્ન નથી, કેમ કે જલવિના તેમના નિરૂપણ કરવા યોગ્ય સ્વરૂપનો અભાવ છે.

તે જલથી અભિન્ન પણ નથી, કેમ કે તેમની જલથી ભિન્ન પ્રતીતિ થાય છે.

તે જલથી ભિન્નાભિન્ન પણ નથી, કેમ કે ભિન્નનો ને અભિન્નનો પરસ્પર વિરોધ છે.

એવી રીતે જગત પણ સચ્ચિદાનંદરૂપ બ્રહ્મથી ભિન્ન નથી, કેમ કે ચૈતન્ય વિના આ જગતનું સ્વતંત્રપણે નિરુપણ થઈ શકતું નથી.

જગત ચૈતન્યથી અભિન્ન પણ નથી, કેમ કે તે પૃથક પ્રતીત થાય છે, ઈંદ્રિયો વડે અનુભવાય છે, જડ છે, સ્થૂલ છે ને અનેક પ્રકારનું છે.

ભિન્નાભિન્નનો વિરોધ હોવાથી તે બ્રહ્મથી ભિન્નાભિન્ન પણ નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૩/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે તત્પદના અર્થને શોધવાનો પ્રારંભ કરે છે:

શક્તિદ્વયં હિ માયાયા: વિક્ષેપાવૃત્તિરુપકં |
વિક્ષેપશક્તિર્લિંગાદિબ્રહ્માણ્ડાન્તં જગત્સૃજેત || ૧૩ ||

શ્લોકાર્થ:
વિક્ષેપરૂપ અને આવરણરૂપ બે શક્તિ પ્રસિદ્ધ માયાની છે. વિક્ષેપશક્તિ સૂક્ષ્મ શરીરથી માંડીને બ્રહ્માંડપર્યંત જગત રચે છે.

ટીકા:
આ જગતના ઉપાદાનકારણ રૂપ માયાની વા પ્રકૃતિની બે શક્તિઓ છે, એક વિક્ષેપશક્તિ અને બીજી આવરણશક્તિ.

તેમાં વિક્ષેપશક્તિ સત્તર તત્વરૂપ લિંગશરીરથી આરંભીને બ્રહ્માંડ એટલે સમષ્ટિ સ્થૂલ શરીર પર્યંતના જગતને રચે છે.

તાર્કિકોએ માનેલાં પરમાણુઓ કે સાંખ્યયોગવાળાએ માનેલું પ્રધાન આ જગતનું ઉપાદાનકારણ નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૨/૪૩) – આદિ શંકરાચાર્ય

મનોહંકૃત્યુપાદાનં લિંગમેકં જડાત્મકં |
અવસ્થાત્રયમન્વેતિ જાયતે મ્રિયતેSપિ વા || ૧૨ ||

શ્લોકાર્થ:
મનનું અને અહંકારનું ઉપાદાન જડરૂપ એક લિંગશરીર છે. તે ત્રણે અવસ્થાને અનુસરે છે. તે લિંગ શરીર કારણ શરીરમાંથી ઉપજે છે, ને કારણ શરીરમાં લીન થાય છે.

ટીકા:
મન અને અહંકાર એ બંને જડરૂપ એક લિંગશરીરમાં-વ્યષ્ટિ-સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં રહેલાં છે. મનુષ્યાદિનું લિંગ શરીર જાગ્રત,સ્વપ્ન ને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાને પામે છે. ક્યારેક મૂર્ચ્છાવસ્થાને પણ પામે છે. તે લિંગ શરીર અવિદ્યાના અંશરૂપ કારણ શરીરમાંથી ઉપજે છે, ને સુષુપ્તિમાં કારણ શરીરમાં લીન થાય છે.

એવી રીતે ત્વંપદનો અર્થ, સર્વ અવસ્થાઓના સાક્ષિપણાથી અવસ્થાઓથી ને અંત:કરણથી વિલક્ષણ, અવિકારી ને નિત્ય પ્રત્યગાત્મા છે તેમ નક્કી કર્યું.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

Blog at WordPress.com.