Posts Tagged With: શ્રી વાક્યસુધા

શ્રી વાક્યસુધા (૪૩/૪૩) – આદિ શંકરાચાર્ય

એવી રીતે આત્માના ધર્મોના અધ્યારોપનું પ્રતિપાદન કરીને હવે તેના અપવાદના પ્રકારને કહે છે:

પ્રાતિભાસિકજીવસ્ય લયે સ્યુર્વ્યાવહારિકે |
તલ્લયે સચ્ચિદાનન્દા: પર્યવસ્યન્તિ સાક્ષિણિ || ૪૩ ||

ઈતિ શ્રીમત્પરમહંસપતિવ્રાજકાચાર્યશ્રીમચ્છંકરાચાર્યવિરચિતા શ્રીવાક્યસુધા સમ્પૂર્ણા ||

શ્લોકાર્થ:
પ્રાતિભાસિક જીવના સ્વભાવો વ્યવહારિકમાં લય પામે છે, ને તેના સચ્ચિદાનંદસ્વભાવો સાક્ષીમાં અંત પામે છે.

ટીકા:
સ્વપ્નાવસ્થાના પ્રાતિભાસિક જીવના સ્વભાવો જાગ્રદવસ્થાના વ્યાવહારિક જીવમાં લય પામે છે, અને જાગ્રદવસ્થાના વ્યાવહારિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવો સાક્ષિરૂપ જે પારમાર્થિક જીવ તેમાં પર્યવસન પામે છે, એવી રીતે કલ્પિતનો અપવાદ થવાથી અધિષ્ઠાનરૂપ સત જ અવશેષ રહે છે.

તે પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસોના ને પરિવ્રાજકોના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા વાક્યસુધા નામના ગ્રંથરૂપ રત્નની શ્રીનાથશર્મપ્રણીત ભાવાર્થ દીપિકા નામની ટીકા પૂરી થઈ.

નોંધ:
કોઈ પ્રતમાં આ શ્લોકની પૂર્વ નીચેના બે શ્લોકો વધારે જોવામાં આવે છે:

સાક્ષિસ્થા: સચ્ચિદાનન્દા: સમ્બન્ધા વ્યાવહારિકે |
તદદ્વારેણાનુગચ્ચન્તિ તથૈવ પ્રાતિભાસિકે ||
લયે ફેનસ્ય તદ્ધર્મા દ્રવદ્યા: સ્યુસ્તરંગકે |
તસ્યાપિ વિલયે નીરે તિષ્ઠન્ત્યેતે યથા પુરા ||

સાક્ષીમાં રહેલા સત, ચિત ને આનંદરૂપ સ્વભાવો વ્યાવહારિક સંબંધ પામેલા છે, પછી તે દ્વારા પ્રાતિભાસિક જીવમાં તેવી રીતે જ અનુવૃત્તિ પામે છે. જેમ ફીણનો લય થયે તેમાં રહેલા તેના પ્રવાહીપણું વગેરે ધર્મો તરંગમાં સમાય છે, ને તરંગનો પણ જલમાં વિલય થાય છે ત્યારે તે તરંગ ને ફીણ પૂર્વની પેઠે જલરૂપ થઈ જાય છે, તેમ આભાસની નિવૃત્તિ થયે વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવમાં અનુગત થયેલા સત, ચિત ને આનંદરૂપ સ્વભાવો સાક્ષીમાં મળી જાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | 2 Comments

શ્રી વાક્યસુધા (૪૧,૪૨/૪૩) – આદિ શંકરાચાર્ય

તે પારમાર્થિક જીવની અદ્વય બ્રહ્મની સાથેના એકપણાની યોગ્યતાને જણાવે છે:

પારમાર્થિકજીવસ્તુ બ્રહ્મૈકં પારમાર્થિકમ |
પ્રત્યેતિ વીક્ષતે નાન્યદ્વીક્ષતે ત્વનૃતાત્મના || ૪૧ ||

શ્લોકાર્થ:
બ્રહ્મ જ એક પારમાર્થિક છે તેમ પારમાર્થિક જીવ જાણે છે. અન્ય જોતો નથી. જો જુએ છે તો મિથ્યારૂપે જુએ છે.

ટીકા:
બ્રહ્મ જ એક પારમાર્થિક વસ્તુ છે તેમ પારમાર્થિક જીવ અભેદ ભાવે જાણે છે. અન્ય પરિચ્છિન્ન વસ્તુને તે સત્યરૂપે જોતો નથી. જો કદાચિત તે અન્ય પરિચ્છિન્ન પદાર્થને જુએ છે તો મિથ્યારૂપે જુએ છે.

કોઈ પ્રતમાં બ્રહ્મૈકં ને સ્થાને બ્રહ્મૈક્યં તેવો પાઠ છે.


વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવ અવિદ્યા વડે કલ્પિત હોવાથી જડ છે, તેથી તેનું જીવપણું ઘટતું નથી, કેમ કે જીવ તો ચેતન રૂપ છે તેમ શંકા થાય તો તેનું દૃષ્ટાંત વડે નિરાકરણ કરે છે:

માધુર્યદ્રવશૈત્યાદિજલધર્માસ્તરંગકે |
અનુગમ્યાપિ તન્નિષ્ઠે ફેનેSપ્યનુગતા યથા ||

શ્લોકાર્થ:
જેમ મધુરપણું, વહન ને શીતપણું આદિ જલના ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુગત છે, તેમ પારમાર્થિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવ વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવમાં પણ અનુવર્તે છે.

ટીકા:
જેમ મધુરપણું, વહેવું ને શીતલતા આદિ જલના સ્વાભાવિક ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુવર્તે છે, તેમ સાક્ષીમાં રહેલા સચ્ચિદાનંદાદિ સ્વભાવ પણ વ્યાવહારિક તથા પ્રાતિભાસિક જીવમાં અનુવર્તે છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૮/૪૩) – આદિ શંકરાચાર્ય

જીવનું તથા જગતનું પ્રાતિભાસિકપણું કેવી રીતે છે તેમ જાણવાની ઈચ્છા થાય તો તેનું સમાધાન કરે છે:

પ્રતીતિકાલ એવૈતે સ્થિતત્વાત્પ્રાતિભાસિકે |
નહિ સ્વપ્નપ્રબુદ્ધસ્ય પુન: સ્વપ્ને સ્થિતિસ્તયો: || ૩૮ ||

શ્લોકાર્થ:
એ બંને પ્રતીતિકાલમાં જ સ્થિત હોવાથી પ્રાતિભાસક છે. સ્વપ્નમાંથી જાગેલાની પુન: સ્વપ્નમાં સ્થિતિ નથી, તેથી તે બંને નથી.

ટીકા:
એ જીવ તથા જગત પ્રતીતિના સમયમાં જ સ્થિત હોવાથી તે બંને પ્રાતિભાસિક એટલે પ્રતીતિના સમયમાં જ પ્રતીત થનાર કહેવાય છે. સ્વપ્નમાંથી જાગેલા પુરુષની પુન: સ્વપ્નમાં સ્થિતિ થતી નથી, તેથી સ્વપ્નનું જગત ને જીવ એ બંને જાગેલાને પ્રતીત થતાં નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૭/૪૩) – આદિ શંકરાચાર્ય

જીવ ને જગત જો અનાદિ હોય, તો મોક્ષની પહેલાં તેમની નિવૃત્તિ ન થતી હોય, તો શ્રુતિ સ્મૃતિમાં સૃષ્ટિ પ્રલય તથા સુષુપ્તિ જાગ્રત કહ્યાં છે તે શી રીતે સંભવી શકે તેમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે:

ચિદાભાસે સ્થિતા નિદ્રા વિક્ષેપાવૃત્તિરુપિણી |
આવૃત્ય જીવજગતી પૂર્વં નૂત્નેન કલ્પયેત || ૩૭ ||

શ્લોકાર્થ:
આવરણ ને વિક્ષેપવાળી નિદ્રા ચિદાભાસમાં રહેલી છે. તે પ્રથમ જીવ જગતને ઢાંકીને નૂતનરૂપે કલ્પે છે.

ટીકા:
આવરણ સ્વભાવવાળી તથા વિક્ષેપસ્વભાવ વાળી વ્યષ્ટિ-અવિદ્યા ચિદાભાસ એટલે જીવમાં રહેલી છે. તે સુષુપ્તિમાં અને પ્રલયમાં જીવનો તથા જગતનો પોતાની સાથે અભેદ કરે છે, ને પછી જાગ્રતમાં તથા જગતની ઉત્પતિના સમયમાં તે જીવને તથા જગતને નૂતનરૂપે પ્રતીત કરાવે છે, પ્રાતિભાસિક જીવના તથા જગતના વ્યવહારને પ્રવર્તાવે છે.

કોઈ પ્રતમાં ઉત્તરાર્ધનું બીજું ચરણ પૂર્વે નૂત્ને તુ કલ્પયેત (તે પૂર્વનાં વ્યાવહારિક જીવ જગતને ઢાંકીને બીજાં નવીન પ્રાતિભાસિક કલ્પે છે.) એવું જોવામાં આવે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૬/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે જીવના તથા જગતના સ્વરૂપને કહે છે:

જીવો ધીસ્થશ્ચિદાભાસો જગત્સ્યાદ્ભૂતભૌતિકમ |
અનાદિકાલમારભ્ય મોક્ષાત્પૂર્વમિદં દ્વયમ || ૩૬ ||

શ્લોકાર્થ:
બુદ્ધિમાં રહેલો ચિદાભાસ જીવ છે, ને ભૂત ભૌતિક જગત છે. અનાદિકાલથી માંડીને મોક્ષની પૂર્વે આ બંને છે.

ટીકા:
બુદ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ તે અવિદ્યાએ કલ્પેલો જીવ છે, અને આકાશાદિ પાંચ ભૂતો તથા એ ભૂતોમાંથી ઉપજેલાં પ્રાણીઓનાં શરીરો તથા જડ પદાર્થો એ જગત છે. આમાં જીવ ભોક્તા છે, ને જગત ભોગ્ય છે. આ બંને અખંડ બ્રહ્મમાં અવિદ્યાવડે કલ્પિત છે. અનાદિ કાલથી માંડીને અવિદ્યાની નિવૃત્તિરૂપ મોક્ષની પૂર્વે આ જીવ ને જગત પ્રતીત થયા કરે છે, બાધ પામતાં નથી.


નોંધ:
કોઈ પ્રતમાં ૩૬-૩૭ શ્લોક નીચે પ્રમાણે જોવામાં આવે છે:

જીવો ધીસ્થશ્ચિદાભાસો ભવેદ્ભોક્તા હિ કર્મકૃત |
ભોગ્યરુપમિદં સર્વં, જગત્સ્યાદ્ભૂતભૌતિકમ || ૩૬ ||
અનાદિકાલમારભ્ય, મોક્ષાર્પૂર્વમિદં દ્વયમ |
વ્યવહારે સ્થિતં તસ્માદુભયં વ્યાવહારિકમ || ૩૭ ||

બુદ્ધિમાં રહેલો ચિદાભાસ જીવ છે, તે કર્મ કરનારો ને ભોક્તા છે. આ ભૂતો અને ભૂતોના કાર્યરૂપ સર્વ જગત ભોગ્યરૂપ છે. અનાદિકાલથી આરંભીને મોક્ષની પૂર્વ અવસ્થા સુધી આ ભોક્તા ને ભોગ્ય બંને વ્યવહારમાં સ્થિત છે, તેથી તે બંને વ્યાવહારિક છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૫/૪૩) – આદિ શંકરાચાર્ય

તે બેનું મિથ્યાપણું કેવી રીતે છે તેમ જાણવાની ઈચ્છા થાય તો કહે છે:

બ્રહ્મણ્યવસ્થિતા માયા વિક્ષેપાવૃત્તિરુપકા |
આવૃત્યાખણ્ડતાં તસ્મિન્જગજ્જીવૌ પ્રકલ્પયેત || ૩૫ ||

શ્લોકાર્થ:
આવરણ વિક્ષેપવાળી માયા બ્રહ્મને આશરે રહેલી છે. તેના (બ્રહ્મના) અખંડપણાને ઢાંકીને તે માયા તેમાં જગત ને જીવ કલ્પે છે.

ટીકા:
આવરણ તથા વિક્ષેપરૂપ સ્વભાવવાળી માયા સચ્ચિદાનંદરૂપ બ્રહ્મને આશરે રહેલી છે. તે માયા બ્રહ્મમાં રહેલા સ્વાભાવિક અખંડપણાને ઢાંકીને તે બ્રહ્મમાં જગદરૂપ અનેક પ્રકારના ભોગ્યને તથા જીવરૂપ અનેક પ્રકારના ભોક્તાઓને પ્રતીત કરાવે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૪/૪૩) – આદિ શંકરાચાર્ય

તેમાં પહેલો જીવ પારમાર્થિક છે તેમ કહ્યું તેનું કારણ કહે છે:

અવચ્છિન્નસ્ય જીવસ્ય તાદાત્મ્યં બ્રહ્મણા સહ |
તત્વમસ્યાદિવાક્યાનિ જગુર્નેતરજીવયો: || ૩૪ ||

શ્લોકાર્થ:
અવચ્છિન્ન જીવનું બ્રહ્મની સાથે તાદાત્મ્ય ’તે તું છે’ ઈત્યાદિ વાક્યો કહે છે. બીજા બે જીવનું નહિ.

ટીકા:
અંત:કરણરૂપ ઉપાધિ વડે વિભાગ પામેલા જીવના લક્ષ્યાર્થનો આત્માનો બ્રહ્મની સાથે અભેદ જ છે તેમ આ ઉપનિષદના મહાવાક્યો કહે છે.

’તે તું છે’, (તત્વમસિ)
’પ્રજ્ઞાન બ્રહ્મ છે’, (પ્રજ્ઞાનં બ્રહ્મ)
’આ આત્મા બ્રહ્મ છે’, (અયમાત્મા બ્રહ્મ)
’હું બ્રહ્મ છું’ (અહં બ્રહ્માસ્મિ)

ચિદાભાસ ને સ્વપ્નકલ્પિત આ બે જીવો કલ્પિત હોવાથી તેનો બ્રહ્મની સાથે અભેદ છે તેમ મહાવાક્યો કહેતાં નથી.

કોઈ પ્રતમાં પૂર્વાર્ધનું બીજું ચરણ પૂર્ણેન બ્રહ્મણૈકતામ તેમ જોવા મળે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૩/૪૩) – આદિ શંકરાચાર્ય

અવચ્છિન્ન જીવનું પારમાર્થિકપણું કેવી રીતે છે તે કહે છે:

અવચ્છેદ: કલ્પિત: સ્યાદવચ્છેદ્યં તુ વાસ્તવં |
તસ્મિન જીવત્વમારોપાદબ્રહ્મત્વં તુ સ્વભાવત: || ૩૩ ||

શ્લોકાર્થ:
અવચ્છેદ કલ્પિત છે, પણ અવચ્છેદ પામેલ વાસ્તવિક છે, તેમાં જીવપણું આરોપથી છે, પણ બ્રહ્મપણું સ્વભાવથી છે.

ટીકા:
વ્યાપક ચેતનરૂપ બ્રહ્મથી આત્માનો વિભાગ કરનાર સૂક્ષ્મ શરીર તો કલ્પિત છે, પણ જેનો વિભાગ થાય છે તે બ્રહ્મથી અભિન્ન આત્મા તો સત્ય છે.

આરોપથી બ્રહ્મમાં જીવપણું કહેવાય છે, પણ તેનું બ્રહ્મપણું તો સ્વભાવથી છે.

ઘટરૂપ ઉપાધિથી ઘટાકાશ મહાકાશથી ભિન્ન નથી, તેમ અંત:કરણરૂપ ઉપાધિથી આત્મા બ્રહ્મથી ભિન્ન હોય તેમ જણાય છે, પણ વસ્તુતાએ તે બ્રહ્મથી ભિન્ન નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૨/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે જીવના સ્વરૂપનું નિરૂપણ કરે છે:

અવચ્છિન્નશ્ચિદાભાસસ્તૃતીય: સ્વપ્નકલ્પિત: |
વિજ્ઞેયસ્ત્રિવિધો જીવસ્તત્રાદ્ય: પારમાર્થિક: || ૩૨ ||

શ્લોકાર્થ:
અવચ્છિન્ન, ચિદાભાસ ને ત્રીજો સ્વપ્ન કલ્પિત તેમ ત્રણ પ્રકારનો જીવ જાણવો.

ટીકા:

સૂક્ષ્મ શરીરે રોકેલું ચેતન જે પ્રત્યગાત્મા કહેવાય છે તે અવચ્છિન્ન જીવ.

જેમ જલમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તેમ અંત:કરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે તે ચિદાભાસ નામનો જીવ.

હું શરીર છું, હું મનુષ્ય છું, તેમ સ્વપ્નના જેવા સ્થૂલ શરીરની સાથેના અભેદ વડે કલ્પિત જીવ ત્રીજા પ્રકારનો છે.

આ રીતે જીવ ત્રણ પ્રકારનો છે. તે ત્રણે જીવોમાં પહેલો અવચ્છિન્ન જીવ પારમાર્થિક જીવ છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૧/૪૩) – આદિ શંકરાચાર્ય

એ બ્રહ્મ સાક્ષાત્કાર રૂપ સમાધિના ફલને મુંડકોપનિષદના વાક્ય વડે જણાવે છે:

ભિદ્યન્તે હૃદયગ્રન્થિશ્ચિદ્યન્તે સર્વસંશયા: |
ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન્દૃષ્ટે પરાવરે || ૩૧ ||

શ્લોકાર્થ:
તે બ્રહ્મનો સાક્ષાત્કાર થવાથી હૃદયની ગાંઠ ભેદાઈ જાય છે, સર્વ સંશયો છેદાઈ જાય છે, ને કર્મો નાશ પામે છે.

ટીકા:
તે સર્વાત્મક બ્રહ્મનો સ્પષ્ટ અનુભવ થવાથી જ્ઞાનીના આત્માના ને અહંકારના એકપણાની ભ્રાંતિરૂપ હૃદયની ગાંઠ ચીરાઈ જાય છે. આત્માદિને લગતા સર્વે સંશયો છેદાઈ જાય છે.

સર્વ સંચિત કર્મો નાશ પામી જાય છે. ક્રિયમાણ કર્મો સ્પર્શ કરી શકતાં નથી તેમ ચકાર વડે દર્શાવ્યું છે. બ્રહ્મજ્ઞાનીના પ્રારબ્ધ કર્મનો ફલભોગ વડે નાશ થાય છે તેમ સમજવું.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

Blog at WordPress.com.