મિત્રો,
ઈસુ ખ્રીસ્ત ઐતહાસીક છે કે કેમ તે ચર્ચાનો વિષય હોઈ શકે પણ ઈસ્વીસનના વર્ષો આપણા રોજીંદા જીવન સાથે વણાઈ ગયેલા હોવાથી તેને વ્યવહારીક સત્ય તરીકે સ્વીકારવા જ રહ્યાં. ઈ.સ.૨૦૧૫નું હર્ષ અને ઉલ્હાસભેર સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. ગયા વર્ષે આપણે સદાચાર સ્તોત્રના ૧૪મા શ્લોક પર વિચાર કરવાનો પ્રયાસ કરેલો. આ વર્ષે સદાચાર સ્તોત્રના ૧૫મા શ્લોક પર વિચાર વિમર્શ આગળ ધપાવીએ.
સદાચાર સ્તોત્ર (શ્લોક: ૧૫)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે યોગીના ભોજનને વા ભોગને વર્ણવે છે:
અતીતાનાગતં કિંચિન્ન સ્મરામિ ન ચિન્તયે |
રાગદ્વેષં વિના પ્રાપ્તં ભુંગ્જામ્યત્ર શુભાશુભમ || ૧૫ ||
શ્લોકાર્થ: હું ભુતકાળનું કાઈ સ્મરણ કરતો નથી, ને ભવિષ્યનું કાઈ ચિંતન કરતો નથી. અહીં પ્રાપ્ત થયેલા શુભાશુભને હું રાગદ્વેષ વિના ભોગવું છું.
ટીકા: આત્માનું નિર્લેપપણું વિચારી હું ભૂતકાળમાં પ્રાપ્ત થયેલા ભોજનનું કે ભોગવેલા ભોગોનું કાંઈ પણ સ્મરણ કરતો નથી, અને ભવિષ્યમાં મળવાના ભોજનનો કે પ્રાપ્ત થવાના વિષયોનો કાંઈ પણ વિચાર કરતો નથી. મારા પ્રારબ્ધ કર્માનુસાર મને અહીં મળેલા ઉત્તમ કે કનિષ્ઠ ભોજનનો વા શબ્દાદિ વિષયોનો રાગદ્વેષ રહિત અંત:કરણ વડે પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ કરવા માટે હું ઉપભોગ કરું છું.