આજે ધમ્મપદના સૂત્રોનો અંગ્રેજી અનુવાદ વાંચી રહ્યો હતો. પ્રથમ બે સૂત્રો વાંચ્યા. વાંચ્યા પછી જો વિચારવામાં ન આવે તો વાંચન શા કામનું?
પ્રથમ સૂત્ર કહે છે કે : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો અશુદ્ધ મન હોય અને બોલવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો જેવી રીતે બળદ સાથે જોડાયેલું ગાડું બળદની પાછળ પાછળ ચાલે છે તેમ દુ:ખ તે માનવીની પાછળ પાછળ ચાલે છે.
બીજું સૂત્ર કહે છે કે : મન દરેક મનોવ્યાપારનું કેન્દ્ર છે. જો શુદ્ધ મન હોય અને બોલવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો જેવી રીતે મનુષ્યની સાથે તેનો પડછાયો હંમેશા સાથે રહે છે તેવી રીતે સુખ તે માનવીની સાથે સાથે રહે છે.
આ સૂત્રો પર વિચાર કરીએ તો જણાઈ આવે છે કે સુખ અને દુ:ખ માટે કોઈ બાહ્ય પરીબળ કારણરુપ નથી. આપણું શુદ્ધ કે અશુદ્ધ મન જવાબદાર છે.
યક્ષ પ્રશ્ન તે છે કે મનને અશુદ્ધ થતાં કેવી રીતે અટકાવવું અને શુદ્ધ કેવી રીતે કરવું? કોઈ આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે મદદ કરશો?