Posts Tagged With: વેકેશન

વેકેશન, વેકેશન, વેકેશન

મિત્રો,

શાળામાં અત્યારે વેકેશન ચાલે છે. આ વખતે મારે કેરી ખાવાની નથી તેથી બાળકોને મારા ભાગની કેરી પણ ખાવી પડે છે. હવે કેરીઓ પુરતી ખાઈ લીધી છે અને વેકેશન થોડા વખત પછી પુરુ થઈ જશે તો સ્વાભાવિક છે કે બાળકો અને તેના મમ્મીને પણ ક્યાંક ફરવા જવાની ઈચ્છા થાય. તેથી હવે થોડાં દિવસ અમે વેકેશનમાં ફરવા જઈશું. ક્યાં જઈશું તે નક્કી છે – શું કરશું તે નક્કી નથી. સ્થળ અને સમયને અનુસાર કાર્યક્રમ ગોઠવાતો જશે. તો મિત્રો પાછા આવવાની ચોક્કસ તારીખ નક્કી નથી પણ મોડામાં મોડા ૮મી જૂને પાછા ફરવાની ગણતરી છે. આવતી કાલથી ભજનામૃતવાણીમાં અને મધુવનમાં રજા રહેશે. જો કે ભજનામૃતવાણીમાં જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનચરિત્રની પોસ્ટ ૪થી જૂન સુધીની શેડ્યુલ કરી રાખી છે તો અનુકુળતાએ વાંચતા રહેશો. પ્રતિભાવની અપેક્ષા તો ક્યારેય હતી નહિં પણ વાંચતા રહેશો તેવી આશા અસ્થાને નહિં ગણાય.

લ્યો ત્યારે સહુને જય બ્લોગેશ.

Categories: ઉદઘોષણા, પ્રવાસ / હરવું ફરવું | Tags: | 1 Comment

વેકેશન, વરસાદ અને ગરમાગરમ ભજીયા

મિત્રો,
આનંદો.. આજે ભાવનગરમાં મુશળધાર વરસાદ. ઘણાં વખતથી જેની રાહ જોવાથી હતી તે વરસાદ આજે મન મુકીને વરસ્યો. શ્રીમતીજી સુતા હતા, બાળકો આંગણામાં રમતાં હતા અને એકાએક જોરદાર વરસાદ તુટી પડ્યો. બાળકો તો પુછ્યા વગર નહાવા ઉપડી ગયા. મેં શ્રીમતીજીને જગાડ્યા, સફાળા બેઠા થઈને પુછવા લાગ્યા શું થયું? મેં કહ્યું વરસાદ. હું કશું જ સમજુ તે પહેલા તો મારો હાથ પકડીને મને રીતસર બહાર જ ખેંચી ગયા. અને પછી તો અમે શું ભીંજાણા…..

વરસાદ રહી ગયાં પછી હવે ગરમાગરમ ભજીયા અને સાથે ગરમાગરમ ચાની તૈયારી ચાલે છે. અમેરીકાથી તો કદાચ કોઈ અહીં નહીં આવી શકે પણ અમારા સૌરાષ્ટ્રના મિત્રોને આ મીજબાની માટે ભાવભર્યું આમંત્રણ છે.

Categories: Conversations and Dialogues | Tags: , , | Leave a comment

વેકેશન, રવિવાર એન વિક્ટોરીયા પાર્ક

મિત્રો,
આપ સહુ જાણો જ છો કે ગઈકાલે હું મારા સાસરે હતો. બ્લોગ-જગતમાં ઘણાં કડાકા-ભડાકા થયાં, પણ હશે હવે, પરિવર્તન સંસારનો નિયમ છે. આખો દિવસ “અખંડ-આનંદ” અને “જનકલ્યાણ” વાંચ્યા. મારા શ્રીમતીજીને છે’ક સાંજે ઘરકામની જવાબદારી પુર્ણ કર્યા પછી અવકાશ મળ્યો. હું, મારા પત્નિ, આસ્થા, હંસ: અને શ્રેયાંસી (હંસના મામાની દિકરી) ફરવા નીકળ્યા. ક્યાં જવુ? વિચાર થયો કે વિક્ટોરીયા પાર્ક જઈએ, ત્યાં ગયા તો ૮ માં પાંચ, અંધારુ થઈ ગયું હતું. આ તો જંગલ વિસ્તાર તેમાં સાપ-સાપોલીયા પણ હોય, દિવસે તો વાંધો નહીં પણ રાત્રે ન દેખાય તો કદાચ આભડી પણ જાય. અંદર જોયું તો એક દાદા આંટા મારતા હતા, અમને થયું કે લાવને જઈએ આંટો મારવામાં શું હરકત છે? ત્યાંતો દાદા અને બીજા એક ભાઈ બહાર જ આવતા હતા, તેમણે કહ્યું કે ૮ વાગ્યે વિક્ટોરીયા પાર્ક બંધ થઈ જાય છે. અહીં ફરવાનો સમય ૪ થી ૮ નો છે. વેકેશન જ છે ને કાલે વહેલા આવજો. અને પછી અમે ત્યાંથી “અક્ષરવાડી” ગયા. બાળકો રમ્યા અને અમે વાતો કરી. આમ અમારો રવિવાર પૂર્ણ થયો.

Categories: Conversations and Dialogues | Tags: , , | Leave a comment

વેકેશન, ભાવનગર અને પર્યાવરણ

મિત્રો,
ધોરણ ૧૦ નું પરીણામ ધાર્યા કરતા ઘણું ઓછું આવ્યું. હંસ: અને આસ્થાના પરીણામ સારા આવ્યા હતા. અશોકભાઈએ શ્રદ્ધાનું પરીણામ હજુ જણાવ્યું નથી, મને ખાત્રી છે કે સારું જ આવ્યું હશે. ભાવનગરમાં આતાભાઈ ચોકને “નરસિંહ મેહતા” ચોક તરીકે નુત્તન નામાભિધાન કરવામાં આવ્યું છે. અમારા શ્રીમતીજી પીયર ગયા છે (રીસાઈને નહીં હો..) પરંતુ બાળકોને મોસાળ રહેવા મળે તે માટે, મને એકલા એકલા ગમે નહીં એટલે હું પણ સાસરે જઈશ. સાસરે મને સહુથી વધારે અગાશીમાં સુવાનું ગમે. ઠંડો પવન, ઝરમરતા તારલીયા ઈશ્વરની કોઈ ગેબી કચેરીમાં લઈ જાય અને જીભ આપો આપ વિરાટ વિરાટ વદવા લાગે, આંખોની પાંપણ ક્યારે ઢળી જાય તે ખબરે ય ન પડે. સવારમાં પક્ષીઓના કલરવ મંદીરના ઘંટનાદ જેવા લાગે અને સુરજના કીરણો ગલગલીયા કરીને ઉઠાડે અને પ્રભુ સ્મરણ કરતાં કરતાં ધીરેથી આંખો ઉઘાડીએ.

ભાવનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ૧૦૦૮ લીમડાના છોડનું વૃક્ષારોપણ થયું. ધારાસભ્ય શ્રી વિભાવરીબહેનની ગ્રાંટમાંથી કુમળાં છોડને ગાય-બકરાં ખાઈ ન જાય તે માટે પાંજરા બનાવી આપવામાં આવ્યાં છે. એક છોડ મ્યુનિસિપાલિટીએ આપ્યો, બાકીના બે છોડ પાછલા પ્લોટમાં ઉગી ગયા હતાં તે પણ વાવી દીધા. મને થયું કે ખાલી ઘર ઘર ન કરાય, બહારના જગત પ્રત્યે પણ આપણું કર્તવ્ય છે એટલે પછી લીમડા વાવી જ દીધા. આ તો આગલી રાત્રે શેડ્યુલ કરેલી પોસ્ટ છે. આપ જ્યારે વાંચતા હશો ત્યારે હું તો સાસરે લીલા-લહેર કરતો હોઈશ.

Categories: Conversations and Dialogues | Tags: , , | 2 Comments

વેકેશન, પર્યાવરણ અને આનંદ

મિત્રો,
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નીમીત્તે ભાવનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં શ્રી વિભાવરી બહેન દ્વારા વૃક્ષારોપણ માટે વૃક્ષ વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો જેમાં લોકોને કડવો પણ ગુણકારી લીમડાનો છોડ વાવવા માટે આપવામાં આવ્યો. અમારા ઘરની બહાર પણ મ્યુનિસિપાલિટીએ વૃક્ષ વાવવા માટે ચોરસ ખાડો કરી આપ્યો છે. અમે તો અમારા પ્લોટમાં ઘણાં વૃક્ષો વાવ્યા છે અને તેનું સારી રીતે જતન કરીએ છીએ વળી અમારા કાકાએ બહાર એક વિશાળ વડલો અને લીમડો વાવી જ રાખ્યા છે કે જેનો છાંયો વટેમાર્ગુઓ હંમેશા મેળવતા રહે છે, તેથી અમે ઘરની બહાર લીમડો ન વાવ્યો. અમારા પ્લોટમાં અમે આંબાઓ વાવ્યા છે, ત્યાં કોયલ રાણી ટહુકા કરે છે. મોરલાઓ કળા કરે છે. હંસ: અને આસ્થા હિંચકા ખાય છે અને અતુલની કવિતા કીલ્લોલ કરે છે. બોલો આનાથી વધારે સ્વર્ગની બીજી કલ્પના શું હોઈ શકે?


અતુલ... અને કવિતા.. સજોડે... ..

અતુલ... અને કવિતા.. સજોડે.....

Categories: આનંદ | Tags: , , | Leave a comment

વેકેશન અને પ્રવાસ

મિત્રો,
વેકેશનમાં તો હરવું-ફરવું અને આનંદ કરવો, કશો જ ભાર નહીં. આભાર નહી ને ચિતા લેશ લગાર નહીં. ગઈ કાલે અમે ભાવનગરથી ૨૪ કીમી. દુર(નજીક) સિહોર નામના નાનકડા ગામમાં ગયાં હતાં (સહકુટુંબ જ સ્તો વળી). અહીં મારા બાના કાકાના દિકરાની દિકરીના દિકરાની તથા તેના પપ્પાના મોટાભાઈના દિકરાની જનોઈ હતી. સિહોર માં હનુમાનધારા નામનું સુંદર સ્થળ છે, ત્યાં હનુમાનજી તથા શનિદેવના સુંદર મંદિર છે. આ જનોઈ સ્વતંત્ર રીતે આપવામાં આવી હતી. સમૂહ જનોઈ અને સ્વતંત્ર જનોઈ વચ્ચેની સરખામણી અને લાભા-લાભ વીશે વળી કોઈ વખત વિગતે વાત કરશું. આખો દિવસ ખુબ જ આનંદ કર્યો. આજે અમરેલી “શ્રી સવા” નામનું એકાઉન્ટીંગ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા જાઉ છું. બોલો આવવું છે કોઈને ?

આ ફોટો ગઈકાલે જ હંસે પાડેલો છે. કેમેરાની તારીખ હંસે ફેરવી નાખેલ છે. હવે પાછો સમય મળશે ત્યારે સરખી કરીશ.

Categories: Conversations and Dialogues | Tags: | Leave a comment

વેકેશન

મિત્રો,
તા.૧૪/૬/૨૦૧૦ સુધી હું વેકેશનની રજાઓ માણીશ. આ દિવસો દરમ્યાન હું, કવિતા, આસ્થા, હંસ: અને અમારા વહાલસોયા બા – બસ અન્ય કશું જ નહીં. લ્યો ત્યારે બ્લોગ જગતમાં અમે ફરી પાછા ૧૫/૦૬/૨૦૧૦ ના રોજ આવશું.

આવજો.

Categories: ઉદઘોષણા | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.