શહીદ દિવસ: વિસ્મૃતિ અને ઉપેક્ષાનું દુર્ભાગ્ય?
આજે ત્રીસમી જાન્યુઆરી છે. દિવ્યભાસ્કરના વાચકોએ તો આ લેખ ગઈ કાલે જ વાંચ્યો હશે તેમને માટે આજે પુનરાવર્તન. કેટલાક એમ માને છે કે તે માત્ર ગાંધીજીની પૂણ્યતિથિ છે, પણ જે દિવસથી તેને ‘શહીદ દિવસ’ તરીકે ઓળખાવાયો છે, તે બ્રિટિશ સામ્રાજ્યની સામે ફાંસી, ગોળી અને આંદામાનની કાળ કોટડીમાં છેલ્લો શ્વાસ લેનારા તમામને યાદ કરવાનો અવસર છે.
૧૮પ૭ના વિપ્લવમાં અઢીથી ત્રણ લાખ નાગરિકોને મોતને ઘાટ ઉતારાયા હતા તે પછી બંગાળમાં અનુશીલન સમિતિ, પંજાબ અને કેનેડામાં ‘ગદર’ પાર્ટી, બર્મામાં સૈનિકી વિદ્રોહ, અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપની આઝાદ સરકાર, લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’, બર્લિનમાં ‘બર્લિન કમિટી’, જર્મનીમાં આઝાદ સરકાર અને પછી શ્યોનાન (સિંગાપોર)થી કોહિમા-ઇમ્ફાલ સુધીની આઝાદ હિન્દ ફોજમાં મોતને ભેટેલા હજારો સૈનિકો, છેવટનો નૌસેના બળવો… આની ગણતરીમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ભગવતીચરણ વોરા અને હિન્દુસ્તાન પ્રજાતાંત્રિક સંઘના યુવકો પણ આવી જાય, તો બીજા અઢી – ત્રણ લાખ ક્રાંતિકારોનાં બલિદાન નોંધાયાં છે.