Posts Tagged With: વિવેકબુદ્ધિ

જેવી વિવેકબુદ્ધિ તેવો પુરુષાર્થ

વાંચન – વિચારોનું ઈનપુટ

લેખન – વિચારોનું આઊટપુટ

ચિંતન – કોઈ એક વિષય પર વિશેષ વિચારણા

મનન – ફરી ફરીને તેના તે વિચારને વાગોળવો

નિદિધ્યાસન – ચોક્કસ વિચાર સાથે એકરુપ થઈ જવું

અનુભવ – આપણી સાથે ઘટેલી ઘટના

સમાચાર – અન્ય સ્થળે અન્ય લોકો સાથે ઘટેલી ઘટનાની માહિતિ

માન્યતા – આ પ્રમાણે બનશે કે બને છે તેવી ધારણા

હકિકત – આ પ્રમાણે બન્યુ તેવો અનુભવ

એકનો અનુભવ બીજા માટે માન્યતા છે. કોઈ પણ માન્યતાને સ્વાનુભવ દ્વારા પુષ્ટિ ન મળે ત્યાં સુધી તેને હકિકત કહી ન શકાય.

તેમ છતાં

કેટલાક સંજોગોમાં બીજાના અનુભવને પ્રમાણ માનવામાં ડહાપણ રહેલું છે. જેમ કે અગ્નિને અડવાથી કોઈ દાઝી ગયું છે તે સમાચાર મળ્યાં તેથી માન્યતા બંધાણી કે અગ્નિને અડવાથી દાઝી જવાય. આ માન્યતાને હકિકતમાં બદલવાની જરુર ખરી?

કેટલાક સંજોગોમાં બીજાના અનુભવને હકિકત બનાવવાનો પુરુષાર્થ કરવા જેવો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ ધ્યાન દ્વારા સર્વોચ્ચ આનંદ પ્રાપ્ત કરે છે તો તેનો અનુભવ આપણે માટે માન્યતા છે કે ધ્યાનની પરિપક્વ અવસ્થામાં સર્વોચ્ચ આનંદ મળે છે. જ્યાં સુધી આ માન્યતાને આપણે હકિકતમાં ન બદલીએ ત્યાં સુધી માત્ર માન્યતાથી સર્વોચ્ચ આનંદ ન મળે. જેઓ સર્વોચ્ચ આનંદ મેળવવા ઈચ્છે છે તેમને માટે આ માન્યતાને હકિકતમાં બદલવાનો પુરુષાર્થ આવશ્યક છે.

કહેવાનું તાત્પર્ય તે છે કે કઈ માન્યતાને હકિકતમાં બદલવા માટે પુરુષાર્થ કરવો અને કઈ માન્યતાને હકિકતમાં ન બદલવા પુરુષાર્થ કરવો તેને માટે વિવેકબુદ્ધિની આવશ્યકતા છે.

“જેવી વિવેકબુદ્ધિ તેવો પુરુષાર્થ” શું આવું સુત્ર આપી શકાય?

Categories: ચિંતન | Tags: , , , | 1 Comment

આવશ્યક અને અનાવશ્યક વચ્ચેનો ભેદ પારખી શકનાર આવશ્યકને પ્રાપ્ત કરે છે

સૂત્ર ૧૧ : જેઓ બીનજરુરી ને જરુરી સમજવાની ભૂલ કરે છે તેઓ ગલત વિચારોમાં વસે છે અને ક્યારેય જરુરી છે તેની પાસે પહોંચતા નથી.

સૂત્ર ૧૨ : જેઓ જરુરી ને જરુરી અને બીનજરુરી ને બીનજરુરી સમજે છે તેઓ સાચા વિચારોમાં વસે છે અને જરુરી છે તેની પાસે પહોંચે છે.

અહીં વિવેકબુદ્ધિ કેટલી આવશ્યક છે તે જણાઈ આવે છે. મનુષ્યને સહુથી મોટી ભેટ કોઈ હોય તો તે વિવેકબુદ્ધીની છે. મોટા ભાગના મનુષ્યો બીનજરુરી બાબતોમાં સમય અને શક્તિ વેડફી નાખતા હોય છે. જે લોકો શું જરુરી છે અને શું બીનજરુરી છે તે જાણે છે તેઓ જરુરી બાબતો પ્રાપ્ત કરે છે અને બીનજરૂરી બાબતોથી અળગા રહે છે.

ભગવદ ગીતામાં ૧૮માં અધ્યાયમાં બુદ્ધિના ત્રણ ભેદ કહ્યાં છે.

શું કરવું શું છોડવું, એને જાણે જે,
બંધ મોક્ષ જાણે વળી બુદ્ધિ સાત્વિક તે.

શું કરવું શું છોડવું, તેમ જ ધર્મ અધર્મ,
રાજસ બુદ્ધિ તેહનો જાણે પૂર્ણ ન મર્મ.

માને ધર્મ અધર્મને અજ્ઞાન થકી જે,
ઉલટું સમજે સર્વનું, બુદ્ધિ તામસ તે.

મનુષ્યે જે કોઈ ઉપાયથી થઈ શકે તે રીતે બુદ્ધિને સાત્વિક બનાવવી જોઈએ. અહીં ફરી અઘરો પ્રશ્ન તો છે કે : બુદ્ધિને સાત્વિક કેવી રીતે બનાવવી? કોઈ મદદ કરશો?

Categories: ચિંતન | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.