Posts Tagged With: વિનોબા

પ્રકૃતિની ચિકિત્સા (75)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
પ્રકરણ – ૭૫ – પ્રકૃતિની ચિકિત્સા

1. આજનો ચૌદમો અધ્યાય એક રીતે પાછલા અધ્યાયની પૂર્તિ કરે છે. આત્માને ખરેખર કંઈક કરીને મેળવવાનો છે એવી વાત નથી. આત્મા સ્વયંપૂર્ણ છે. આપણા આત્માની સ્વાભાવિક ઉપર જનારી ગતિ છે. પણ કોઈક ચીજને ભારે વજન બાંધો એટલે તે જેમ નીચે ખેંચાય છે તેમ આ દેહનો ભાર આત્માને નીચે ખેંચે છે. પાછલા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. આ વાત અઘરી હશે, છતાં તેનાથી મળનારૂં ફળ પણ બહુ મોટું છે. આત્માના પગમાં જડાયેલી દેહની બેડી આપણે તોડી શકીએ તો અતિશય આનંદ મળે એમ છે. પછી માણસ દેહનાં દુઃખોથી દુઃખી નહીં થાય. તે સ્વતંત્ર થશે. આ એક દેહરૂપી ચીજને જીતી લીધા પછી માણસ પર કોણ સત્તા ચલાવી શકશે ? જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરો. દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે; તેમનો આત્માની સાથે જરાયે સંબંધ નથી.

2. આ સુખદુઃખ કેટલા પ્રમાણમાં અળગાં કરવાં એનો ખ્યાલ ભગવાન ખ્રિસ્તનો દાખલો લઈ મેં અગાઉ આપ્યો હતો. દેહ તૂટીને પડી જતો હોય તે વખતે પણ અત્યંત શાંત તેમ જ આનંદમય કેમ રહી શકાય તે ઈશુ બતાવે છે. પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ ક બાજુથી વિવેકનું છે તેવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે. ‘विवेकासहित वैराग्याचें बल ’ –વિવેકની સાથે વૈરાગ્યનું બળએમ તુકારામે કહ્યું છે. વિવેક અને વૈરાગ્ય બંને વાત જોઈએ. વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે. આ ચૌદમા અધ્યાયમાં નિગ્રહની દિશા બતાવી છે. હોડી ચલાવવાનું કામ હલેસાં મારનારાઓ કરે છે. પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે. હલેસાં ને સુકાન બંનેની જરૂર છે. તે જ પ્રમાણે દેહનાં સુખદુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ બંનેની જરૂર છે.

3. વૈદ જેમ માણસની પ્રકૃતિ તપાસીને ઉપચાર બતાવે છે તેમ ભગવાને આ ચૌદમા અધ્યાયમાં આખીયે પ્રકૃતિને તપાસીને તેનું પૃથક્કરણ કરી કયા કયા રોગ ઘર કરી ગયા છે તે બતાવ્યું છે. પ્રકૃતિની બરાબર વહેંચણી અહીં કરવામાં આવેલી છે. રાજનિતિ-શાસ્ત્રમાં ભગલા પાડવાનું મોટું સૂત્ર છે. જે શત્રુ સામો હોય તેમાં જો ભાગ પાડી શકાય, તેનામાં ભેદ પાડી શકાય તો તેને ઝટ જમીનદોસ્ત કરી શકાય. ભગવાને અહીં એ જ કરી બતાવ્યું છે. મારી, તમારી, સર્વ જીવોની, બધાંયે ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજો રહેલી છે. આયુર્વેદમાં જેમ વાત, પિત્ત અને કફ છે તેમ અહીં સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં ભરેલા છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો એટલો કે ક્યાંક એકાદ થોડો તો ક્યાંક એકાદ વધારે. આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પાડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણે ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતાં જીતતાં મુખ્ય વસ્તુની પાસે પહોંચવાનું છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ  (76)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૬. તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ

4. ત્યારે, પહેલો તમોગુણ જોઈએ. આજની સમાજ-સ્થિતિમાં તમોગુણની ઘણી બિહામણી અસર જોવાની મળે છે. આ તમોગુણનું મુખ્ય પરિણામ આળસ છે. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણે વાતોને જીતતાં આવડયું એટલે તમોગુણને જીત્યો જાણવો. તમોગુણના આ ત્રણ પ્રકાર પૈકી આળસ એક ઘણી ભયાનક ચીજ છે. સારામાં સારા માણસો પણ આળસને લીધે બગડી જાય છે. સમાજની બધીયે સુખશાંતિને ખેદાનમેદાન કરનારો આ રીપુ છે. નાનાં છોકરાંથી માંડીને ઘરડાં સુધીનાં સૌને એ બગાડે છે. એ શત્રુએ સૌ કોઈને ઘેરી લીધેલાં છે. એ શત્રુ આપણામાં પેસી જવાને ટાંપીને બેસી રહે છે. જરા જેટલી તક મળતાં તે અંદર ઘૂસી જાય છે. જરા બે કોળિયા વધારે ખાધું કે તેણે આળોટવાને આપણને આડા પાડયા જ જાણો. સહેજ વધારે ઊંઘ્યા કે આંખ પરથી આળસ જાણે ટપકતું હોય એવું દેખાય છે. આવું આ આળસ જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી બધું ફોગટ છે. પણ આપણે તો આળસને માટે ઈંતેજાર હોઈએ છીએ. ઝટ ઝટ ઘણું કામ કરી ઘણો પૈસો એક વાર એકઠો કરી લઈએ તો પછી રામ મળે એવી આપણી ઈચ્છા હોય છે. ઘણો પૈસો મેળવવો એટલે આગળના આળસને માટે બંદોબસ્ત કરી રાખવો ! આપણો કંઈક એવો ખ્યાલ બંધાઈ ગયો છે કે ઘડપણમાં આરામ જોઈએ જ. પણ એ સમજણ ખોટી છે. આપણે બરાબર વર્તન રાખીએ તો ઘડપણમાં પણ કામ આપી શકીએ. ઘડપણમાં તો આપણે વધારે અનુભવી હોઈશું એટલે વધારે ઉપયોગી થઈ શકીશું. પણ નહીં, કહે છે કે ત્યારે જ આરામ જોઈએ !

5. આળસને તક ન મળે તેટલા ખાતર આપણે સાવધ રહેવું જોઈએ. નળરાજા કેવડો મોટો રાજા હતો ! પણ પગ ધોતી વખતે જરા તેનું ફણિયું કોરૂં રહી ગયું એટલે કહે છે કલિ ત્યાંથી તેનામાં પેસી ગયો ! નળ રાજા અત્યંત શુદ્ધ હતો, બધી રીતે સ્વચ્છ રહેનારો હતો. પણ તેનુંયે એક અંગ સહેજ કોરૂં રહી ગયું, તેટલું આળસ રહી ગયું, એટલે કલિ જોતજોતામાં અંદર પેઠો. આપણું તો આખુંયે શરીર ખુલ્લું પડેલું છે. આળસને જ્યાંથી અંદર પેસવું હોય ત્યાંથી પેસે. શરીરને આળસ ચડયું એટલે મન અને બુદ્ધિને પણ ચડયું જ જાણો. આજે સમાજની આખીયે ઈમારત આ આળસ પર ઊભી કરવામાં આવેલી છે. એમાંથી પાર વગરનાં, અનંત દુઃખો પેદા થયાં છે. આ આળસ આપણે કાઢી શકીએ તો બધાં નહીં તોયે ઘણાંખરાં દુઃખો તો આપણે જરૂર દૂર કરી શકીએ.

6. હમણાંહમણાં સમાજસુધારાની ચર્ચા સર્વત્ર ચાલે છે. સામાન્યમાં સામાન્ય માણસને પણ ઓછામાં ઓછું આટલું સુખ તો મળવું જ જોઈએ અને તે માટે સમાજરચના કેવી હોવી જોઈએ વગેરે ચર્ચાઓ થાય છે. એક તરફ સંપત્તિના ઢગલાના ઢગલા છે તો બીજી તરફ ગરીબીનાં ઊંડાં ઊંડાં કોતર છે. આ સામાજિક વિષમતા કેમ દૂર થાય ? જરૂર જેટલું બધુંયે સુખ સહેજે મેળવવાનો એક જ ઈલાજ છે અને તે એ કે સૌ કોઈએ આળસ છોડી મહેનત-મજૂરી કરવાને તૈયાર થવું જોઈએ. મુખ્ય દુઃખ આળસને લીધે જ છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. પણ સમાજમાં શું દેખાય છે? એક બાજુથી અંગમહેનત કરવાને વાંકે કાટ ખાઈને નકામા, નિરૂપયોગી થઈ જનારા લોકો દેખાય છે; તવંગર લોકોનાં શરીરના અવયવો પર કાટ ચડતો જાય છે; તેમનાં શરીરો વપરાતાં જ નથી અને બીજી બાજુ એટલું બધું કામ ચાલે છે કે આખું શરીર ઘસાઈ ઘસાઈને ગળી ગયું છે. આખા સમાજમાં શારીરિક શ્રમ, અંગમહેનત ટાળવાની પ્રવૃત્તિ ચાલે છે. થાકીને મરી જવાય એટલી હદ સુધી જે લોકોને કામ, મહેનત-મજૂરી કરવી પડે છે તે બધા પોતાની રાજીખુશીથી એ મહેનત નથી કરતા, ન છૂટકે કરે છે. ડાહ્યા લોકો મહેનત-મજૂરી ટાળવાના કારણો, બહાનાં બતાવે છે. કોઈ કહે છે, ‘શારીરિક મહેનત કરવામાં નાહક વખત શા સારૂ બગાડવો? ’ પણ એ લોકો એવું કદી નથી કહેતા કે, ‘ આ ઊંઘ શા સારૂ અમસ્તી? આ જમવામાં વખત નાહક શા સારૂ બગાડવો? ’ ભૂખ લાગે છે, એટલે આપણે ખાઈએ છીએ. પણ અંગમહેનતનો, મજુરીનો સવાલ સામો આવીને ઊભો રહે છે ત્યારે તરત કહીએ છીએ, ‘ નાહક શારીરિક શ્રમમાં વખત શા સારૂ બગાડવો? શા માટે એ કામ અમારે કરવું? શા સારૂ શરીર ઘસવું? અમે માનસિક કામ કર્યા જ કરીએ છીએ. ’ અરે ભલા માણસ ! માનસિક કામ કરે છે તો અનાજ પણ માનસિક ખા ને ! અને ઊંઘ પણ માનસિક લે ને ! મનોમય ખોરાક અને મનોમય ઊંઘ લેવાની કંઈક યોજના કર ને !

7. સમાજમાં આવી રીતે આ બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. મારા મિત્રે મને કહ્યું, ‘ કેટલાંક માથાં ને કેટલાંક ખોખાં. ’ એક તરફ માત્ર ધડ છે ને બીજી તરફ કેવળ માથું છે. ધડને ફક્ત ઘસાવાનું છે. માથાને માત્ર વિચાર કરવાનું રહે છે. આવા રાહુ ને કેતુ, ધડ ને માથાં એવા બે ભાગ સમાજમાં પડી ગયા છે. પણ સાચેસાચ માત્ર ધડ ને માત્ર માથાં હોત તોયે ઘણું સારૂં થાત. પછી આંધળા-લૂલાને ન્યાયે કંઈક વ્યવસ્થા ઊભી કરી શકાત. આંધળાને પાંગળો રસ્તો દેખાડે અને પાંગળાને આંધળો ખાંધ પર બેસાડીને ચાલે. પણ કેવળ ધડ ને કેવળ માથાંના આવા અલગ અલગ વાડા નથી. દરેક જણને ધડ છે અને માથું પણ છે. રૂંડ-મુંડની, ધડ-માથાંની આ જોડી સર્વત્ર છે. એનું શું કરવું ? માટે દરેક જણે આળસ છોડવું જ જોઈએ.

8. આળસ છોડવું એટલે અંગમહેનત કરવી. આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. આ ઈલાજનો અમલ કરવામાં નહીં આવે તો કુદરત તે માટે સજા કરશે તે ભોગવ્યા વગર છૂટકો થવાનો નથી. રોગોના રૂપમાં અથવા બીજે કોઈ ને કોઈ રૂપે શિક્ષા ભોગવ્યા વિના આરો નથી. શરીર આપણને આપવામાં આવેલું છે એટલે મહેનત પણ આપણે કરવી જ પડશે. શરીર વડે મહેનત-મજુરી કરવામાં જતો વખત ફોગટ જતો નથી. તેનું વળતર મળ્યા વિના રહેતું નથી. તંદુરસ્તી સારામાં સારી રહે છે. અને બુદ્ધિ સતેજ, તીવ્ર તેમ જ શુદ્ધ થાય છે. ઘણા વિચારકોના વિચારમાં પણ તેમના પેટના દુખાવાનું ને માથાના દુખાવાનું પ્રતિબિંબ પડયા વગર રહેતું નથી. વિચાર કરવાવાળા તડકામાં, ખુલ્લી હવામાં, સૃષ્ટિના સાન્નિધ્યમાં મજૂરી કરશે તો તેમના વિચાર પણ તેજસ્વી થશે. શરીરના રોગની જેવી મન પર અસર થાય છે તેવી શરીરની તંદુરસ્તીની પણ થાય છે. આ અનુભવની વાત છે. પાછળથી ક્ષય રોગ લાગુ પડે એટલે પંચગનીમાં ડુંગર પર હવા ખાવા જવું, અથવા સૂર્યનાં કિરણ લેવાના અખતરા કરવા તેના કરતાં આગળથી ચેતીને બહાર કોદાળી લઈ ખોદવું શું ખોટું? બાગમાં ઝાડોને પાણી પાવું શું ખોટું? ઈંધણ માટે લાકડાં ફાડવાં શાં ખોટાં?

Categories: ગીતા પ્રવચનો | Tags: | 1 Comment

તમોગુણના બીજા ઈલાજ (77)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૭. તમોગુણના બીજા ઈલાજ

9. આળસને જીતવાની એક વાત થઈ. બીજી વાત ઊંઘને જીતવાની છે. ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. સેવા કરીને થાકેલા સાધુસંતોની ઊંઘ એ યોગ જ છે. આવી શાંત અને ગાઢ ઊંઘ મહા ભાગ્યવાનને સાંપડે છે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. ઊંઘનું મહત્વ તેની લંબાઈપહોળાઈમાં નથી. પથારી કેટલી લાંબીપહોળી અને માણસ તેના પર કેટલો વખત રહ્યો એ બીના પર ઊંઘનો આધાર નથી. કૂવો ઊંડો હોય તેમ તેનું પાણી વધારે સ્વચ્છ ને મીઠું હોય છે, તે જ પ્રમાણે ઊંઘ થોડી હોય તો પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. બરાબર મન લગાડીને અર્ધો કલાક કરેલો અભ્યાસ ચંચળવૃત્તિથી કરેલા ત્રણ કલાકના અભ્યાસ કરતાં વધારે ફળ આપનારો નીવડે છે. ઊંઘનું પણ એવું જ છે. લાંબા વખત સુધીની ઊંઘ હિતપરિણામી હોય જ એવું નથી. રોગી ચોવીસ કલાક પથારીમાં પડયો રહે છે. પથારીની અને તેની કાયમની દોસ્તી થયેલી છે. પણ બિચારાની ઊંઘ સાથે દોસ્તી થતી નથી. સાચી ઊંઘ ગાઢ, સ્વપ્નાં વગરની હોય છે. મરણ પછીની નરકની યાતના તો જેવી હોય તેવી ખરી પણ જેને ઊંઘ આવતી નથી, જે માઠાં સ્વપ્નાંથી ઘેરાયેલો રહે છે, તેની નરક યાતનાની શી વાત કરવી ? વેદમાં પેલો ઋષિ ત્રાસીને કહે છે – ‘ परा दुःष्वप्न्यं सुव ’ — ‘ આવી દુષ્ટ ઊંઘ નથી જોઈતી, નથી જોઈતી. ’ ઊંઘ આરામને માટે હોય છે. પણ ઊંઘમાંયે તરેહતરેહનાં સ્વપ્નાં અને વિચાર છાતી પર ચડી બેસે તો આરામ કેવો ને વાત કેવી?

10. ગાઢ ઊંડી ઊંઘ કેવી રીતે મળે? જે ઈલાજ આળસની સામે કહ્યો છે તે જ ઊંઘની સામે યોજવો. દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેત માણસ જાણે મડદું થઈ પડે. ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું. આવી મજાની ઊંઘ આવે તે સારૂ દિવસે આગળથી તૈયારી કરવી જોઈએ. શરીર થાકી જવું જોઈએ. પેલા અંગ્રેજ કવિ શેક્સપિયરે કહ્યું છે કે ‘ રાજાના માથા પર મુગટ છે પણ તેની અંદર ચિંતા છે ! ’ રાજાને ઊંઘ આવતી નથી. તેનું એક કારણ એ છે કે તે શરીર વડે મજૂરી કરતો નથી. જાગતો હોય છે ત્યારે જે ઊંઘે છે તેને ઊંઘને વખતે જાગતા રહેવું પડશે. દિવસે બુદ્ધિ અને શરીર ન વાપરવાં એટલે તે ઊંઘ જ થઈ જાણવી. પછી ઊંઘની વેળાએ બુદ્ધિ વિચાર કરતી રઝળે છે અને શરીરને સાચું નિદ્રાસુખ મળતું નથી. પછી લાંબા વખત સુધી સૂઈ રહેવું પડે છે. જે જીવનમાં પરમ પુરૂષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરૂષાર્થ સંપાદન થશે ક્યારે ? અરધી આવરદા જો ઊંઘમાં જાય તો પછી મેળવવાનું શું રહે ?

11. ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ જે પ્રમાદ તે સહેજે આવે છે. ઊંઘણશી માણસનું ચિત્ત કાબેલ અને સાવધ રહેતું નથી. તેનાથી અનવધાન પેદા થાય છે. ઝાઝી ઊંઘથી આળસ પેદા થાય છે અને આળસને લીધે ભુલકણા થઈ જવાય છે. વિસ્મરણ પરમાર્થનો નાશ કરવાવાળી ચીજ છે. વહેવારમાં પણ વિસ્મરણથી નુકસાન થાય છે. પણ આપણા સમાજમાં વિસ્મરણની ક્રિયા સ્વાભાવિક થઈ ગઈ છે. વિસ્મરણ મોટી ખામી છે એવું કોઈને લાગતું નથી. કોઈને મળવા જવાનું માણસે નક્કી કર્યું હોય અને જતો નથી. અને કોઈ પૂછે તો કહે છે, ‘ અરે ! ભૂલી ગયો ! ’ એવું કહેનારને પોતે કંઈ ખાસ ખોટું કર્યું હોય, કંઈ મોટી ભૂલ કરી હોય એવું લાગતું નથી, અને સાંભળનારને પણ એ જવાબથી સમાધાન થાય છે ! વિસ્મરણની સામે જાણે કોઈ ઈલાજ જ નથી એવી સૌ કોઈની સમજ થઈ ગઈ લાગે છે. પણ આવું બેભાનપણું શું પરમાર્થમાં કે શું દુનિયાદારીના વહેવારમાં, બંને ઠેકાણે નુકસાન કરવાવાળું છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે.

12. વિસ્મરણનું કારણ મનનું આળસ છે. મન જાગ્રત હોય તો તે વીસરી નહીં જાય. આળોટયા કરનારા મનને વિસ્મરણનો રોગ વળગ્યો જ જાણવો. તેથી જ ભગવાન બુદ્ધ હમેશ કહેતા,

‘ पमादो मच्चुनो पदं ’

— વિસ્મરણ એ જ મરણ છે. આ પ્રમાદને જીતવાને માટે આળસ અને ઊંઘને જીતી લો, અંગમહેનત કરો, સતત સાવધ રહો. જે જે કૃતિ કરવાની આવે તે વિચારપૂર્વક કરવાની રાખો. કૃતિ એમ ને એમ, એની મેળે થઈ જાય એ બરાબર નથી; કૃતિની આગળ વિચાર હોય, પાછળ વિચાર હોય. આગળ ને પાછળ બધે વિચારરૂપ પરમેશ્વર ખડો રહેવો જોઈએ. આવી ટેવ કેળવીશું તો જ અનવધાનપણાનો રોગ નાબૂદ થશે. બધા વખતને બરાબર બાંધી રાખો. ક્ષણેક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે બધા તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા (78)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર
૭૮. રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા

13. પછી રજોગુણની સામે મોરચો વાળવો. રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે એમ કહેવું જોઈએ. શરીર ખૂબ સૂઈ રહે એટલે પછી તે ચળવળ કરવા માંડે છે. અને ઝાઝી દોડધામ કરનારૂં શરીર આડું પડી સૂઈ રહેવા તાકે છે. તમોગુણમાંથી રજોગુણ આવી જાય છે અને રજોગુણમાંથી તમોગુણ આવી પડે છે. એક હોય ત્યાં બીજો ખરો જ. રોટલી જેમ એક બાજુથી ઝાળ અને બીજી બાજુથી ધગધગતા અંગારની વચ્ચે ઘેરાઈ જાય છે તેમ માણસની આગળ અને પાછળ આ રજસ્તમોગુણ વળગેલા છે. રજોગુણ કહે છે, ‘ આમ આવ, તને તમોગુણ તરફ ઉડાવું. ’ તમોગુણ કહે છે, ‘ મારા તરફ આવ એટલે હું તને રજોગુણ તરફ ફેંકું. ’ આવા આ રજોગુણ ને તમોગુણ એકબીજાને સહાયક થઈને માણસનો નાશ કરે છે. ફૂટબૉલનો જન્મ લાતો ખાવાને સારૂ થયેલો છે, તે જ પ્રમાણે રજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જનામારો નીકળી જાય છે.

14. તરેહતરેહનાં કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. મોટાં મોટાં કામોની પાર વગરની આસક્તિ પણ રજોગુણનું લક્ષણ છે. રજોગુણને લીધે માણસને અપરંપાર કર્મ-સંગ વળગે છે, તેનામાં લોભાત્મક કર્માસક્તિ ઉત્પન્ન થાય છે. પછી વાસના-વિકારોનો વેગ રોક્યો રોકાતો નથી, કાબૂમાં રહેતો નથી. માણસને એમ થયા કરે છે કે અહીંનો ડુંગર ઉપાડી ત્યાં બનાવું અને ત્યાંનો ખાડો ભરી દઉં. તેને એમ થાય છે કે જાણે દરિયામાં માટી નાખીને તેને પૂરી દઉં અને સહારાના રણમાં પાણી છોડી ત્યાં દરિયો બનાવી દઉં. અહીં સુએઝની નહેર ખોદું, ત્યાં પનામાની નહેર કાઢું. આવો એ અહીંથી તહીં કરવાનો ચડસ હોય છે. આ તોડું ને પેલું જોડું. નાનું છોકરૂં ચીંદરડી લે છે, તેને ફાડે છે, તેનું બીજું કંઈક બનાવે છે, તેવું જ આ છે. આને પેલામાં ભેળવ, પેલાને આમાં ભેળવ, પેલું બુડાવી દે, આને ઉડાવી દે; એવા બધા રજોગુણના અનંત ખેલ છે. પંખી આકાશમાં ઊડે છે તો આપણને પણ ઊડતાં આવડવું જોઈએ. માછલી પાણીમાં રહે છે તો આપણે પણ પાણબૂડી, સબમરીન બનાવીને તેમ કરવું જોઈએ. આમ મનખાદેહમાં અવતરવા છતાં રજોગુણીને પંખીઓની અને માછલીઓની બરાબરી કરવામાં કૃતાર્થતા લાગે છે. પરકાયાપ્રવેશના, બીજાં શરીરોનાં કૌતુક અનુભવવાના અને એવા અભળખા તેને આ મનખાદેહમાં રહ્યા રહ્યા સૂઝે છે. કોઈને થાય છે કે મંગળ પર ઊડીને જઈએ ને ત્યાંની વસ્તી કેવી છે તે જોઈ આવીએ. ચિત્ત એકસરખું ભટક્યા કરે છે. શરીરમાં જાણે કે તરેહતરેહની વાસનાનું ભૂત પેસી જાય છે. જે જ્યાં છે ત્યાંનું ત્યાં રહે એ તેનાથી જાણે ખમાતું નથી. ભાંગફોડ જાઈએ. આવો હું માણસ જેવો માણસ જીવતો હોઉં ને આ સૃષ્ટિ છે તેવી ને તેવી રહે એ કેવું ? એમ તેને થાય છે. કોઈ પહેલવાનને ચરબી ચડે છે અને તે ઉતારવાને જેમ તે ક્યાંક ભીંતમાં જ મુક્કા મારે છે, ક્યાંક ઝાડને જ ધક્કા લગાવે છે તેવા રજોગુણના ઉછાળા હોય છે. એવા ઉછાળા આવે છે એટલે માણસ પૃથ્વી ખોદીને થોડા પથરા બહાર કાઢે છે અને તેને હીરા, માણેક એવાં નામો આપે છે. એ ઉછાળો આવતાં તે સમુદ્રમાં ડૂબકી મારે છે, તેને તળિયેથી કચરો ઉપર લાવે છે અને તેને મોતી નામ આપે છે. પણ મોતીને નાકું નથી હોતું. એટલે તે મોતીને વીંધે છે. પણ મોતી પહેરવાં ક્યાં ? એટલે પછી સોની પાસે નાક-કાન પણ વિંધાવે છે. આવું આવું બધું માણસ શાથી કરે છે ? એ બધો રજોગુણનો પ્રભાવ છે.

15. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. રજોગુણને ફળ તાબડતોબ જોઈએ છે. એટલે જરાક સામી હરકત આવી કે લાગલો તે લીધેલો રસ્તો છોડી દે છે. રજોગુણી માણસ આ છોડ, પેલું લે એમ એકસરખી લે-મૂક કર્યા કરે છે. રોજની નવી નવી પસંદગી અને પરિણામે આખરે હાથમાં કશું આવતું નથી.

‘ राजसं चलमध्रुवम् ’

રજોગુણની કૃતિ જ ચળ ને અનિશ્ચિત છે. નાનાં છોકરાં ઘઉં વાવે છે ને તરત ઉખેડીને જોવા માંડે છે. રજોગુણી માણસનું પણ એવું જ હોય છે. ઝપાટાબંધ બધુંયે હાથમાં આવવું જોઈએ. તે અધીરો થઈ જાય છે. તેનામાં સંયમ રહેતો નથી. એક ઠેકાણે પગ બાંધીને રહેવાની વાતની તેને જાણ નથી. અહીં થોડું કામ કર્યું, ત્યાં થોડી બોલબાલા થઈ કે ચાલ્યા બીજી તરફ. આજે મદ્રાસમાં માનપત્ર લીધું, કાલે કલકત્તામાં અને પરમ દિવસે મુંબઈ-નાગપુરમાં લીધું ! જેટલી સુધરાઈઓ હોય તેટલાં માનપત્રો લેવાનો તેને અભળખો થાય છે. માન એટલી એક જ ચીજ તેને દેખાય છે. એક ઠેકાણે પગ બાંધી સ્થિરપણે કામ કરવાની તેને આદત જ હોતી નથી. આથી રજોગુણી માણસની સ્થિતિ બહુ ભયાનક થાય છે.

16. રજોગુણની અસરને લીધે માણસ તરેહતરેહના ધંધામાં માથાં મારે છે. તેને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. ખરૂં જોઈએ તો સ્વધર્માચરણ એટલે બીજાં જાતજાતનાં કર્મોનો ત્યાગ કરવો તે. ગીતામાં કહેલો કર્મયોગ રજોગુણમાંથી છૂટવાનો ઈલાજ છે. રજોગુણમાં બધું જ ચંચળ હોય છે. પર્વતને મથાળે જે પાણી વરસે છે તે જુદી જુદી દિશામાં વહી જાય તો ક્યાંયે રહેતું નથી, બધુંયે નાશ પામે છે. પણ એ બધું પાણી એક જ દિશામાં વહે તો તેની આગળ નદી બને. પેલા પાણીમાં શક્તિ નિર્માણ થાય ને તે દેશને ઉપયોગી થાય. તે જ પ્રમાણે માણસે પોતાની બધી શક્તિ જાતજાતના જુદા જુદા ધંધામાં નાહક વેડફી ન મારતાં, એકઠી કરી એક જ કાર્યમાં સુવ્યવસ્થિત રીતે વાળે તો જ તેને હાથે કંઈક કામ પાર પડે. આથી સ્વધર્મનું મહત્વ છે. સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી જોઈએ. બીજી ચીજો તરફ ધ્યાન જવું જ ન જોઈએ, સ્વધર્મની એ કસોટી છે. કર્મયોગ એટલે પાર વગરનું ઘણું ઘણું કામ નથી. કેવળ ઘણું કામ કરવું એટલે કર્મયોગ નથી. ગીતાનો કર્મયોગ જુદી વસ્તુ છે. ફળ તરફ ધ્યાન ન રાખતાં કેવળ સ્વભાવથીઆવી મળેલો અપરિહાર્ય સ્વધર્મ આચરવો અને તેની મારફતે ચિત્તશુદ્ધિ કરતા રહેવું એ કર્મયોગની ખાસ વિશેષતા છે. બાકી કર્મ કરવાનું તો સૃષ્ટિમાં ચાલ્યા જ કરે છે. કર્મયોગ એટલે એક ખાસ મનોવૃત્તિથી બધું કરવું તે. ખેતરમાં ઘઉં ઓરવા અને મૂઠી ઘઉંના દાણા લઈ જઈ ગમે ત્યાં ફેંકવા એ બે વાતો એકબીજીથી ઘણી જુદી છે. એ બંને વચ્ચે ઘણો ફેર છે. અનાજ વાવવાથી કે ઓરવાથી કેટલું મોટું ફળ મળે છે અને ફેંકી દેવાથી કેવું નુકસાન થાય છે તે આપણે હમેશ જોઈએ છીએ. ગીતા જે કર્મની વાત કહે છે તે ઓરવાના કે વાવવાના કામ જેવું છે. આવા સ્વધર્મરૂપ કર્તવ્યમાં ઘણી શક્તિ છે. તેમાં જેટલી મહેનત-મજૂરી કરીએ તેટલી ઓછી છે. એથી દોડધામને એમાં અવકાશ જ રહેતો નથી.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

પાપાપહારી હરિનામ – (100)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે
પ્રકરણ ૧૦૦ – પાપાપહારી હરિનામ

27. આ બધું તો ખરૂં. પણ એક સવાલ છે. ૐ तत् सत् એ નામ પવિત્ર પુરૂષને પચે. પાપી પુરૂષે કેમ કરવું ? પાપીના મોંમાં શોભે એવું એકાદ નામ છે કે નહીં. ૐ तत् सत् નામમાં એ શક્તિ પણ છે. ઈશ્વરના કોઈ પણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ હોય છે. પાપમાંથી નિષ્પાપતા તરફ તે લઈ જઈ શકે છે. જીવનની આસ્તે આસ્તે શુદ્ધિ કરવી જોઈએ. પરમાત્મા જરૂર મદદ કરશે, તારી નિર્બળતામાં તે હાથ પકડશે.

28. એક બાજુ પુણ્યમય પણ અહંકારી જીવન અને બીજી બાજુ પાપમય પણ નમ્ર જીવન, એ બેમાંથી એકની પસંદગી કરી લે એમ કોઈ કહે તો હું જો કે મોઢેથી બોલી નહીં શકું તોયે અંતઃકરણમાં કહીશ, “ જે પાપને લીધે પરમેશ્વરનું સ્મરણ મને રહેતું હોય તે પાપ મને ભલે મળતું. ” પુણ્યમય જીવનને લીધે પરમેશ્વરની વિસ્મૃતિ થવાની હોય તો જે પાપમય જીવનથી તે યાદ આવે તે જ જીવન લે એમ મારૂં મન કહેશે. આનો અર્થ એવો ન કરશો કે પાપમય જીવનનું હું સમર્થન કરૂં છું. પણ પાપ એટલું પાપ નથી જેટલું પુણ્યનું અભિમાન પાપરૂપ છે.

बहु भितों जाणपणा । आड न यो नारायणा ।।

‘ જાણપણાથી, પુણ્યના ભાનથી હું બહુ ડરૂં છું. રખેને તે ક્યાંક મારી ને નારાયણની વચ્ચે આવે ’ – એમ તુકારામ મહારાજે કહ્યું છે. પેલી મોટાઈ મારે નથી જોઈતી. તેના કરતાં પાપી, દુઃખી હોઉં તોયે સારો.

जाणतें लेंकरूं । माता लागे दूरी धरूं ।।

ભાનવાળાં, જાણકાર થયેલા બાળકને મા દૂર રાખે છે, પણ અજાણ બાળકને મા છાતીએ વળગાડે છે. સ્વવલંબી પુણ્યવાન થવાનું મારે નથી જોઈતું. પરમેશ્વરાલંબી પાપી હોવું એ જ મને પ્રિય છે. પરમાત્માની પવિત્રતા મારા પાપને પહોંચી વળીને વધે તેવી છે. પાપોને ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ. તે ટાળવાનું નહીં બને તો હ્રદય રડશે, મન તરફડશે અને પછી પરમેશ્વરની યાદ આવશે. તે કૌતુક જોતો ઊભો છે. તેને કહો, “ હું પાપી છું અને તેથી તારે બારણે આવ્યો છું. ” પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે કેમકે તે પાપી છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

પાપનો ડર નથી (47)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૭ – પાપનો ડર નથી

29. બધે હરિભાવના રાખવી એ વાત એક વાર ચિત્તમાં બરાબર ઠસી ગયા પછી એકબીજાએ એકબીજાની સાથે કેવી રીતે વર્તવું તેનું બધુંયે નીતિશાસ્ત્ર આપોઆપ સહેજે અંતઃકરણમાં સ્ફુરવા માંડશે. બલ્કે, તેની જરૂર જ નહીં રહે. પછી દોષો દૂર થશે, પાપો નાસી જશે, અને દુરિતોનું અંધારૂં હઠી જશે. તુકારામે કહ્યું છે,

चाल केलासी मोकळा । बोल विठ्ठल वेळोवेळां ।
तुज पाप चि नाहीं ऐसें । नाम धेतां जवलीं वसे ।।

ચાલ, તને છૂટ આપી છે. વારે વારે વિઠ્ઠલનું નામ લે. તારૂં એવું એકે પાપ નથી જે નામ લીધા પછી પાસે ઊભું રહે. ચાલ, પાપ કરવાની તને પૂરી છૂટ છે. તું પાપ કરતો થાકે છે કે પાપોને બાળતાં હરિનામ થાકે છે એ એક વાર જોઈ લઈએ. હરિનામની આગળ ટકી શકે એવું ધીંગું, દાંડ પાપ છે ક્યાં ? करीं तुजसी करवती – તારાથી થાય તેટલાં પાપ કર. તને સદર પરવાનગી છે. નામની અને તારાં પાપની એક વખત કુસ્તી થવા દે. અરે, એ નામમાં આ જન્મનાં તો શું, અનંત જન્મનાં પાપા એક જ ક્ષણમાં બાળીને ખાક કરવાનું સામર્થ્ય છે. ગુફામાં અનંત યુગોથી અંધારૂં ભરેલું હશે તોયે એક દિવાસળી ઘસી કે થયું, તે બધુંયે પળવારમાં હઠી જશે. અંધારાનો પ્રકાશ થઈ જાય છે. પાપો જેટલાં જૂનાં તેટલાં વહેલાં મરે છે. તે મરવાને વાંકે જ જીવી રહેલાં હોય છે. જૂનાં લાકડાંની રાખ થતાં જરાયે વાર લાગતી નથી.

30. રામનામની પાસેપાપ રહી જ શકતું નથી. છોકરાંઓ કહે છે ને કે, ‘ રામ બોલતાંની સાથે ભૂતો ભાગી જાય છે. ’ નાનપણમાં અમે છોકરાઓ સ્મશાનમાં જઈને પાછા આવતા. સ્મશાનમાં જઈ ત્યાં ખૂંટી મારી આવવાની અમે શરતો બકતા. રાતને વખતે સાપસાપોલિયાં હોય, કાંટાઝાંખરાં હોય, બહાર અંધારૂં ઘોર, અને છતાં અમને કશું લાગતું નહીં, ભૂત કદી જોવાનું મળ્યું નહીં. આખરે ભૂત બધાં કલ્પનાનાં જ ને ? તે ક્યાંથી દેખાય ? એક દશ વરસના બાળકમાં રાત્રે મસાણમાં જઈ આવવાનું આ સામર્થ્ય ક્યાંથી આવ્યું ? રામનામથી. તે સામર્થ્ય સત્યરૂપ પરમાત્માનું હતું. પરમેશ્વર પાસે છે એવી ભાવના હોય પછી આખી દુનિયા સામી આવીને ઊભી રહેતાં હરિનો દાસ ડરતો નથી. તેને કયો રાક્ષસ ખાઈ શકશે ? રાક્ષસ બહુ તો તેનું શરીર ખાઈ જશે ને પચાવી શકશે. પણ રાક્ષસને સત્ય પચવાનું નથી. સત્યને પચાવી જઈ શકે એવી શક્તિ જગતમાં કોઈ નથી. ઈસ્વરી નામની સામે પાપ ટકી જ શકતું નથી. તેથી ઈશ્વરને મેળવો, તેની કૃપા મેળવો. બધાંયે કર્મો તેને અર્પણ કરો. તેના થઈને રહો. સર્વ કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જશો એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર થશે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

આખું જીવન હરિમય થઈ શકે (46)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે

20. આપણું રોજનું ઘડીઘડીનું જીવન સાદું દેખાય છે ખરૂં, પણ તે સાદું નથી. તેમાં ઊંડો અર્થ સમાયેલો છે. આખુંયે જીવન એક મહાન યજ્ઞકર્મ છે. તમારી જે ઊંઘ તે પણ એક સમાધિ છે. સર્વ ભોગ ઈશ્વરને અર્પણ કર્યા પછી જે નિદ્રા આપણે લઈએ તે સમાધિ નથી તો બીજું શું છે ? આપણામાં સ્નાન કરતી વખતે પુરૂષસૂક્ત બોલવાનો રિવાજ છે. આ પુરૂષસૂક્તનો સ્નાનની ક્રિયાની સાથે શો સંબંધ છે ? સંબંધ જોશો તો દેખાશે. જેના હજાર હાથ છે, જેની હજાર આંખો છે એવા એ વિરાટ પુરૂષનો મારા નાહવાની સાથે સંબંધ શો ? સંબંધ એ કે તું જે કળશિયો પાણી તારા માથા પર રેડે છે તેમાં હજારો ટીપાં છે. તે ટીપાં તારું માથું ધુએ છે, તને નિષ્પાપ કરે છે. તારા માથા પર ઈશ્વરનો એ આશીર્વાદ ઊતરે છે. પરમેશ્વરના સહસ્ત્ર હાથમાંની સહસ્રધારા જાણે કે તારા પર વરસે છે. પાણીનાં બિંદુને રૂપે ખુદ પરમેશ્વર જાણે કે તારા માથામાંનો મળ દૂર કરે છે. આવી દિવ્ય ભાવના એ સ્નાનમાં રેડો. પછી તે સ્નાન જુદું જ થઈ રહેશે. તે સ્નાનમાં અનંત શક્તિ આવશે.

21. કોઈ પણ કર્મ તે પમેશ્વરનું છે એ ભાવનાથી કરવાથી સાદું સરખું હોય તો પણ પવિત્ર બને છે. આ અનુભવની વાત છે. આપણે ઘેર આવનારો પરમેશ્વર છે એવી ભાવના એક વાર કરી તો જુઓ. સામાન્ય રીતે એકાદ મોટો માણસ ઘેર આવે છે તોયે આપણે કેટલી સાફસૂફી કરીએ છીએ અને કેવી રૂડી રસોઈ બનાવીએ છીએ ? તો પછી આવનારો પરમેશ્વર છે એવી ભાવના કરશો તો બધી ક્રિયાઓમાં કેટલો બધો ફરક પડશે વારૂ ? કબીર કાપડ વણતા. તેમાં તે તલ્લીન થઈ જતા. झीनी झीनी झीनी झीनी बिनी चदरिया એવું ભજન ગાતા ગાતા તે ડોલતા. પરમેશ્વરને ઓઢાડવાને માટે જાણે કે પોતે ચાદર વણે છે. ઋગ્વેદનો ઋષિ કહે છે,

वस्त्रेव भद्रासुकृता

આ મારા સ્તોત્રથી, સુંદર હાથે વણાયેલા વસ્ત્રની માફક હું ઈશ્વરને શણગારૂં છું. કવિ સ્તોત્ર રચે તે ઈશ્વરને સારૂ અને વણકર વસ્ત્ર વણે તે પણ ઈશ્વરને સારૂ. કેવી હ્રદયંગમ કલ્પના છે ! કેટલો હ્રદયને વિશુદ્ધ કરનારો, હ્રદયને ભાવથી ભરી દેનારો વિચાર છે ! આ ભાવના એક વાર જીવનમાં કેળવાય પછી જીવન કેટલું બધું નિર્મળ થઈ જાય ! અંધારામાં વીજળી ચમકતાંની સાથે તે અંધારાનો એક ક્ષણમાં પ્રકાશ બને છે કે ? ના. એક ક્ષણમાં બધું અંતર્બાહ્ય પરિવર્તન થઈ જાય છે. એ જ પ્રમાણે દરેક ક્રિયા ઈશ્વરની સાથે જોડી દેતાંની સાથે જીવનમાં એકદમ અદભૂત શક્તિ આવી વસે છે. પછી હરેક ક્રિયા વિશુદ્ધ થવા માંડશે. જીવનમાં ઉત્સાહનો સંચાર થશે. આજે આપણા જીવનમાં ઉત્સાહ ક્યાં છે ? આપણે મરવાને વાંકે જીવીએ છીએ. ઉત્સાહનો બધે દુકાળ છે. આપણું જીવવું રોતલ, કળાહીન થઈ ગયું છે. પણ બધી ક્રિયાઓ ઈશ્વરની સાથે જોડવાની છે એવો ભાવ મનમાં કેળવો, તમારૂં જીવવું પછી રમણીય અને વંદ્ય થઈ જશે.

22. પરમેશ્વરના એક નામથી જ એકદમ પરિવર્તન થાય છે એ બાબતમાં શંકા ન રાખશો. રામ કહેવાથી શું વળશે એમ કહેશો મા. એક વાર બોલી જુઓ. કલ્પના કરો કે સાંજે કામથી પરવારીને ખેડૂત ઘેર પાછો ફરે છે. રસ્તામાં તેને કોઈ વટેમાર્ગુ મળે છે. ખેડૂત વટેમાર્ગુને કહે છે,

चाल घरा उभा राहें नारायणा

‘ અરે વટેમાર્ગુ ભાઈ, અરે નારાયણ, થોભ, હવે રાત પડવા આવી છે. હે ઈશ્વર, મારે ઘેર ચાલ. ’ એ ખેડૂતના મોંમાંથી આ શબ્દો એક વાર નીકળવા દો તો ખરા. પછી તમારા એ વટેમાર્ગુનું સ્વરૂપ પલટાઈ જાય છે કે નહીં તે જુઓ. તે વટેમાર્ગુ વાટમારૂ હશે તોયે પવિત્ર બનશે. આ ફરક ભાવનાથી પડે છે. જે કંઈ છે તે બધું ભાવનામાં ભરેલું છે. જીવન ભાવનામય છે. વીસ વરસનો એક પારકો છોકરો પોતાને ઘેર આવે છે. તેને બાપ કન્યા આપે છે. તે છોકરો વીસ વરસનો હશે તોયે પચાસ વરસની ઉંમરનો તે દીકરીનો બાપ તેને પગે પડે છે. આ શું છે ? કન્યા અર્પણ કરવાનું એ કાર્ય મૂળમાં જ કેટલું પવિત્ર છે ! તે જેને આપવાની છે તે ઈશ્વર જ લાગે છે. જમાઈની બાબતમાં, વરરાજાની બાબતમાં આ જે ભાવના છે, તે જ વધારે ઊંચી લઈ જાઓ, વધારો.

23. કોઈ કહેશે, આવી આવી ખોટી કલ્પના કરવાનો શો અર્થ ? ખોટીખરી પહેલાં બોલશો નહીં. પહેલાં અભ્યાસ કરો, અનુભવ કરો, અનુભવ લો. પછી ખરૂં ખોટું જણાશે. પેલો વરદેવ પરમાત્મા છે એવી ખાલી શાબ્દિક નહીં પણ સાચી ભાવના તે કન્યાદાનમાં હોય તો પછી કેવો ફેર પડે છે તે દેખાઈ આવશે. આ પવિત્ર ભાવનાથી વસ્તુનું પહેલાંનું રૂપ અને પછીનું રૂપ એ બંને વચ્ચે જમીનઆસમાનનો ફેર પડી જશે. કુપાત્ર સુપાત્ર થશે. દુષ્ટ સુષ્ટ થશે. વાલિયા ભીલનું એવું જ નહોતું થયું ? વીણા પર આંગળી ફરે છે, મોઢે નારાયણ નામ ચાલે છે, અને મારવાને ધસી જાઉં છું તોયે એની શાંતિ ડગતી નથી. ઊલટું પ્રેમભરી આંખોથી જુએ છે. આવો દેખાવ વાલિયાએ પહેલાં કદી જોયો નહોતો. પોતાની કુહાડી જોઈને નાસી જનારાં, અથવા સામો હુમલો કરનારાં એવાં બે જ પ્રકારનાં પ્રાણી વાલિયા ભીલે તે ક્ષણ સુધીમાં જોયાં હતાં. પણ નારદે ન તો સામો હુમલો કર્યો, ન તો તે નાઠા. તે શાંત ઊભા રહ્યા. વાલિયાની કુહાડી અટકી ગઈ. નારદની ભમર સરખી હાલી નહીં. આંખ મીંચાઈ નહીં. મધુરૂં ભજન ચાલ્યા કરતું હતું. નારદે વાલિયાને કહ્યું, ‘ કુહાડી કેમ અટકી પડી ? ’ વાલિયાએ કહ્યું, ‘ તમને શાંત જોઈને. ’ નારદે વાલિયાનું રૂપાંતર કરી નાખ્યું. એ રૂપાંતર ખરૂં કે ખોટું?

24. ખરેખર કોઈ દુષ્ટ છે કે કેમ તેનો નિર્ણય કોણ કરશે ? ખરેખરો દુષ્ટ સામો ઊભો રહ્યો હોય તો પણ તે પરમાત્મા છે એવી ભાવના રાખો. તે દુષ્ટ હશે તોયે સંત બનશે. તો શું ખોટી ખોટી ભાવના રાખવી ? હું પૂછું છું કે તે દુષ્ટ જ છે એની કોને ખબર છે ? ‘ સજ્જન લોકો જાતે સારા હોય છે એટલે તેમને બધું સારૂં દેખાય છે, પણ વાસ્તવિક તેવું હોતું નથી, ’ એમ કેટલાક કહે છે. ત્યારે શું તને જેવું દેખાય છે તે સાચું માનવું ? સૃષ્ટિનું સમ્યક જ્ઞાન મેળવવાનું સાધન જાણે માત્ર દુષ્ટોના હાથમાં જ છે ! સૃષ્ટિ સારી છે પણ તું દુષ્ટ હોવાથી તને તે દુષ્ટ દેખાય છે એમ કેમ ન કહેવાય ? અરે, આ સૃષ્ટિ તો અરિસો છે. તું જેવો હશે તેવો સામેની સૃષ્ટિમાં તારો ઘાટ ઊઠશે. જેવી આપણી દ્રષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ. એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો. સાદી ક્રિયામાં પણ એ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે. ભગવાનને પણ એ જ કહેવું છે,

जें खासी होमिसी देसी जें जें आचरिसी तप ।
जें कांही करिसी कर्म तें करीं मज अर्पण ।।

જે કરે ભોગવે વા જે, જે હોમે દાન જે કરે,
આચરે તપ ને વા જે, કર અર્પણ તે મને.

જે જે કંઈ કરે તે બધુંયે જેવું હોય તેવું ભગવાનને આપી દે.

25. અમારી મા નાનપણમાં એક વાર્તા કહેતી. તે વાર્તા આમ તો ગમ્મતની છે પણ તેમાં રહેલું રહસ્ય બહુ કીમતી છે. એક હતી બાઈ. તેણે નક્કી કર્યું હતું કે જે કંઈ થાય તે કૃષ્ણાર્પણ કરવું. એઠવાડ ઉપર છાણનો ગોળો ફેરવી તે ગોળો બહાર ફેંકી દે ને કૃષ્ણાર્પણ બોલે. તાબડતોબ તે છાણનો ગોળો ત્યાંથી ઊડીને મંદિરમાંની મૂર્તિને મોંએ જઈને ચોંટી જાય. પૂજારી બિચારો મૂર્તિ ઘસીને સાફ કરતો કરતો થાક્યો. પણ કરે શું ? છેવટે તેને ખબર પડી કે આ મહિમા બધો પેલી બાઈનો છે. તે જીવતી હોય ત્યાં સુધી મૂર્તિ સાફ થવાની વાત ખોટી. એક દહાડો બાઈ માંદી પડી. મરણની છેલ્લી ઘડી પાસે આવી. તેણે મરણ પણ કૃષ્ણાર્પણ કર્યું. તે જ ક્ષણે દેવળમાં મૂર્તિના કકડા થઈ ગયા. મૂર્તિ ભાંગીને પડી ગઈ. પછી ઉપરથી બાઈને લઈ જવાને માટે વિમાન આવ્યું. બાઈએ વિમાન પણ કૃષ્ણાર્પણ કર્યું. એટલે વિમાન સીધું મંદિર પર જઈ ધડાકા સાથે અફળાયું ને તેના પણ ફૂરચેફૂરચા ઊડી ગયા. શ્રીકૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીયે કિંમત નથી.

26. વાતનો સાર એટલો કે જે જે સારાં – નરસાં કર્મો હાથથી થાય તે તે ઈશ્વરાર્પણ કરવાથી તે કર્મોમાં કંઈક જુદું જ સામર્થ્ય પેદા થાય છે. જુવારનો પીળાશવાળો ને સહેજ રતાશ પડતો દાણો હોય છે, પણ તેને શેકવાથી કેવી મજાની ધાણી ફૂટે છે ! સફેદ, સ્વચ્છ, આઠ ખૂણાળી, ધોબીને ત્યાંથી ગડી વાળીને આણી હોય તેવી દમામદાર ધાણીને પેલા અસલ દાણાની પાસે મૂકી જુઓ વારૂ. કેટલો ફેર ! પણ તે દાણાની જ એ ધાણી છે એમાં કંઈ શંકા છે કે ? આ ફરક એક અગ્નિને લીધે પડયો. તેવી જ રીતે એ કઠણ દાણાને ઘંટીમાં ઓરી દળો એટલે તેનો મજાનો નરમ લોટ થશે. અગ્નિની આંચથી ધાણી બની, ઘંટીના સંપર્કથી નરમ લોટ થયો. એ જ પ્રમાણે આપણી નાની નાની ક્રિયાઓ પર હરિસ્મરણનો સંસ્કાર કરો એટલે તે ક્રિયા અપૂર્વ બની રહેશે. ભાવનાથી ક્રિયાની કિંમત વધે છે. પેલું નકામા જેવું જાસવંતી નું ફૂલ, પેલો બીલીનો પાલો, પેલી તુળસીના છોડની મંજરી, અને પેલી દરોઈ, એ બધાંને નજીવાં માનશો નહીં.

तुका म्हणे चवी आलें । जें का मिश्रित विठ्ठलें

તુકારામ કહે છે કે જે કંઈ વિઠ્ઠલ સાથે ભળ્યું તેમાં સ્વાદ પેઠો જાણવો. દરેક વાતમાં પરમાત્માને ભેળવો અને પછી અનુભવ લો. આ વિઠ્ઠલના જેવો બીજો કોઈ મસાલો છે ખરો કે ? તે દિવ્ય મસાલા કરતાં બીજું વધારે સારૂં શું લાવશો ? ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં નાખ એટલે બધુંયે રૂચિકર અને સુંદર બનશે.

27. રાતે આઠ વાગ્યાના સુમારે દેવળમાં આરતી થાય છે. ચારે કોર સુવાસ ફેલાયેલી છે, ધૂપ બળે છે, દીવા કરેલા છે, અને દેવની આરતી ઉતારાય છે, એ વખતે ખરેખર આપણે પરમાત્માને જોઈએ છીએ એવી ભાવના થાય છે. ભગવાન આખો દહાડો જાગ્યા, હવે સૂવાની તૈયારી કરે છે.

आतां स्वामी, सुखें निद्रा करा गोपाळा

હવે હે સ્વામી, હે ગોપાળ, સુખેથી પોઢી જાઓ એમ ભક્તો કહેવા લાગે છે. શંકા કરનારો જીવ પૂછે છે, ‘ ઈશ્વર ક્યાં ઊંઘે છે ? ’ અરે ભાઈ ! દેવને શું નથી ? મૂરખા ! દેવ ઊંઘતો નથી, જાગતો નથી, તો શું પથરો ઊંઘશે ને જાગશે ? અરે, ઈશ્વર જ જાગે છે, ઈશ્વર જ સૂઈ જાય છે, અને ઈશ્વર જ ખાય છે ને પીએ છે. તુલસીદાસજી સવારના પહોરમાં ઈશ્વરને ઉઠાડે છે, તેને વિનંતી કરે છે,

जागिये रघुनाथ कुंवर पंछी बन बोले

હે રઘુનાથકુંવર ઊઠો, વનમાં પંખીઓ બોલવા લાગ્યાં છે. આપણાં ભાઈબહેનોને, નરનારીઓને, રામચંદ્રની મૂર્તિ કલ્પી તેઓ કહે છે, ‘ મારા રામરાજાઓ, ઊઠો હવે.’ કેટલો સુંદર વિચાર છે ! નહીં તો બોર્ડિંગ હોય ત્યાં છોકરાંઓને ઉઠાડતાં ‘ અલ્યા એઈ, ઊઠે છે કે નહીં ? ’ એમ ધમકાવીને પૂછે છે. પ્રાતઃકાળની મંગળ વેળા, અને તે વખતે આવી કઠોર વાણી શોભે ખરી કે ? વિશ્વામિત્રના આશ્રમમાં રામચંદ્ર પોઢયા છે, અને વિશ્વામિત્ર તેમને જગાડે છે. વાલ્મીકિ રામાયણમાં વર્ણન છે કે,

रामेति मधुरां वाणीं विश्वामित्रोडभ्यभाषत ।
उत्तिष्ठ नरशार्दूल पूर्वा संध्या प्रवर्तते ।।

રામ એવી મીઠી વાણી વિશ્વામિત્ર બોલ્યા અને તેમણે કહ્યું, હે નરશાર્દૂલ ઊઠો, સવાર પડી છે. ‘ રામ બેટા, ઊઠો હવે, ’ એવી મીઠી હાક વિશ્વામિત્ર મારે છે. કેવું મીઠું એ કર્મ છે ! અને બોર્ડિંગમાંનું પેલું ઉઠાડવાનું કેટલું કર્કશ ! પેલા ઊંઘતા છોકરાને લાગે છે કે જાણે સાત જનમનો વેરી ઉઠાડવાને માટે આવ્યો છે ! પહેલાં ધીમેથી સાદ પાડો, પછી જરા મોટેથી પાડો. પણ કર્કશતા, કઠોરતા ન હોવી જોઈએ. એ વખતે ન ઊઠે તો ફરીને દશ મિનિટ પછી જાઓ. આજે નહીં ઊઠે તો કાલે ઊઠશે એવી આશા રાખો. તે ઊઠે તેટલા સારૂ મીઠાં ગીત, પરભાતિયાં, શ્લોક, સ્તોત્ર બોલો. ઉઠાડવાની આ એક સાદી ક્રિયા છે પણ તેને કેટલી બધી કાવ્યમય, સહ્રદય તેમ જ સુંદર કરી શકાય એમ છે ! કેમ જાણે ઈશ્વરને જ ઉઠાડવાનો છે, પરમેશ્વરની મૂર્તિને જ આસ્તેથી જગાડવાની છે ! ઊંઘમાંથી માણસને ઉઠાડવાનું પણ એક શાસ્ત્ર છે.

28. બધા વહેવારોમાં આ કલ્પના દાખલ કરો. કેળવણીના શાસ્ત્રમાં તો આ કલ્પનાની ખૂબ જરૂર છે. છોકરાંઓ એટલે પ્રભુની મૂર્તિ. આ દેવોની મારે સેવા કરવાની છે એવી ગુરૂની ભાવના હોવી જોઈએ. પછી તે છોકરાને ‘ જા નીકળ અહીંથી, ઘેર જા, ઊભો રહે એક કલાક, હાથ આગળ ધર, આ ખમીસ કેટલું મેલું છે? અને નાકમાં લીટ કેટલું ભર્યું છે ! ’ એવું એવું કરડાકીથી કહેશે નહીં. છોકરાનું નાક તે આસ્તેથી જાતે સાફ કરશે, તેનાં મેલાં કપડાં ધોશે, ફાટેલાં સાંધી આપશે. અને શિક્ષક એ પ્રમાણે કરશે તો તેની કેટલી બધી અસર થશે ? મારવાથી જરા પણ અસર થાય છે ખરી કે ? બાળકોએ પણ આવી જ દિવ્ય ભાવના ગુરૂ તરફ રાખવી જોઈએ. ગુરૂ આ છોકરાંઓ હરિમૂર્તિ છે ને છોકરાંઓ આ અમારા ગુરૂ હરિમૂર્તિ છે, એવી ભાવના એકબીજાને માટે રાખી પોતપોતાનું વર્તન રાખશે તો વિદ્યા તેજસ્વી થશે. છોકરાં પણ ઈશ્વર અને ગુરૂ પણ ઈશ્વર છે. આ ગુરૂ ખુદ શંકરની મૂર્તિ છે, બોધનું અમૃત આપણે તેમની પાસેથી મેળવીએ છીએ, એમની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ એવી છોકરાંઓની કલ્પના એક વાર થાય તો પછી તે કેવી રીતે વર્તશે ?

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

ખાસ ક્રિયાનો આગ્રહ નથી (45)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૫ – ખાસ ક્રિયાનો આગ્રહ નથી

17. અમુક જ ક્રિયા ઈશ્વરને અર્પણ કરવની છે એવું નથી. કર્મમાત્ર તેને આપી દો. શબરીનાં પેલાં બોર. રામે તેનો સ્વીકાર કર્યો. પરમેશ્વરની પૂજા કરવાને માટે ગુફામાં જઈને બેસવાની જરૂર નથી. જ્યાં જે કર્મ કરતા હો ત્યાં તે ઇશ્વરને અર્પણ કરો. મા બાળકની સંભાળ રાખે છે તે જાણે ઈશ્વરની જ રાખે છે. બાળકને સ્નાન કરાવ્યું તે ઈશ્વરને રૂદ્રાભિષેક કર્યો જાણવો. આ બાળક પરમેશ્વરની કૃપાની બક્ષિસ છે એમ સમજી માએ પરમેસ્વરભાવનાથી બાળકનું જતન કરવું. કૌશલ્યા રામચંદ્રની, જશોદા કૃષ્ણની કેટલા પ્રેમથી ફિકર ને સંભાળ રાખતી એનું વર્ણન કરવામાં શુક, વાલ્મીકિ અને તુલસીદાસ પોતાને ધન્ય માને છે. તેમને તે ક્રિયાનું પાર વગરનું કૌતુક થયા કરે છે. માની એ સેવાની ક્રિયા ઘણી મહાન છે. એ બાળક પરમેશ્વરની મૂર્તિ છે અને એ મૂર્તિની સેવા કરવાની મળે એથી બીજું મોટું ભાગ્ય કયું ? આપણે એકબીજાની સેવામાં એ ભાવના રાખીએ તો આપણાં કર્મોમાં કેટલું બધું પરિવર્તન થઈ જાય? જેને ભાગે જે જે સેવા કરવાની આવે તે ઈશ્વરની સેવા છે એવી ભાવના તેણે રાખતા જવું.

18. ખેડૂત બળદની સેવા કરે છે. એ બળદ શું તુચ્છ છે કે ? ના, નથી. વામદેવે વેદમાં શક્તિરૂપે વિશ્વમાં ફેલાઈ રહેલા જે બળદનું વર્ણન કર્યું છે તે જ બળદ ખેડૂતના બળદમાં પણ છે.

चत्वारि शृंगा त्रयो अस्य पादाः
द्वे शीर्षे सप्त हस्तासो अस्य
त्रिधा बद्धो वृषभो रोरवीति
महो देवो मर्त्यां आ विवेश ।।

જેને ચાર શિંગડાં છે, ત્રણ પગ છે, બે માથાં છે, સાત હાથ છે, ત્રણ ઠેકાણે જે બંધાયેલો છે, જે મહાન તેજસ્વી હોઈ સર્વ મર્ત્ય વસ્તુમાં ભરેલો છે, એવો આ જે ગર્જના કરવાવાળો વિશ્વવ્યાપી બળદ છે તેને જ ખેડૂત પૂજે છે. ટીકાકારોએ આ એક જ ઋચાના પાંચસાત જુદા જુદા અર્થ આપેલા છે. આ બળદ છે જ મૂળમાં વિચિત્ર. આકાશમાં ગાજીને વરસાદ વરસાવનારો જે બળદ છે તે જ બદ મળમૂત્રની વૃષ્ટિ કરી ખેતરને રસાળ કરનારા આ ખેડૂતના બળદમાં છે. આવી મહાન ભાવના રાખી ખેડૂત પોતાના બળદની સેવાચાકરી કરશે તો તે સાદી બળદની સેવા ઈશ્વરને અર્પણ થઈ જાણવી.

19. તે જ પ્રમાણે ઘરમાં જે ગૃહલક્ષ્મી છે તેણે પોતું દઈને રસોડું સ્વચ્છ બનાવ્યું છે, તે રસોડામાં જે ચૂલો સળગી રહ્યો છે તે ચૂલા પર સ્વચ્છ અને સાત્વિક રોટલો શેકાય છે, પોતાના ઘરનાં સૌને એ રસોઈ પુષ્ટિદાયક તેમ જ તુષ્ટિદાયક નીવડો એવી જે ગૃહલક્ષ્મીની ઈચ્છા છે, તે બધુંયે તેનું કર્મ યજ્ઞરૂપ જ છે. તે માએ જાણે કે એ નાનકડો યજ્ઞ પેટાવ્યો છે. પરમેશ્વરને તૃપ્ત કરવાનો છે એવી ભાવના મનમાં રાખી જે રસોઈ થશે તે કેટલી સ્વચ્છ ને પવિત્ર થશે તેનો ખ્યાલ કરો. ગૃહલક્ષ્મીના મનમાં જો આવી મોટી ભાવના હશે તો તે ભાગવતમાંની ઋષિપત્નીને તોલે આવશે. સેવા કરતાં કરતાં આવી કેટલીયે માતાઓનો ઉદ્ધાર થઈ ગયો હશે અને ‘ હું-હું ’ કહીને ગાજનારા મોટા મોટા જ્ઞાનીઓ ને પંડિતો ક્યાંક ખૂણે પડી રહ્યા હશે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

કર્મફળ ઈશ્વરને અર્પણ (44)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૪ – કર્મફળ ઈશ્વરને અર્પણ

12. નવમા અધ્યાયમાં આ જ ખાસ વાત છે. આ અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે કર્મ કરી તેના ફળનો ત્યાગ કરવો તે. કર્મ એવી ખૂબીથી કરો કે ફળની વાસના ચોંટે નહીં. આ વાત અખોડનું ઝાડ રોપવા જેવી છે. અખોડના ઝાડને પચીસ વરસે ફળ આવે છે. રોપનારને ફળ ચાખવાનાં ન મળે તોયે ઝાડ રોપવું ને તેને પ્રેમથી ઉછેરવું. કર્મયોગ એટલે ઝાડ રોપવું ને તેના ફળની અપેક્ષા ન રાખવી તે. ભક્તિયોગ એટલે શું ? ભાવપૂર્વક ઈશ્વર સાથે જોડાવું તેનું નામ ભક્તિયોગ છે. રાજયોગમાં કર્મયોગ અને ભક્તિયોગ એકઠા થઈને ભળી જાય છે. રાજયોગની અનેક લોકોએ અનેક વ્યાખ્યા આપી છે. પણ રાજયોગ એટલે ટૂંકમાં કર્મયોગ ને ભક્તિયોગનું મધુરૂં મિશ્રણ એવી મારી વ્યાખ્યા છે. કર્મ કરવાનું ખરૂં પણ ફળ ફેંકી ન દેતાં તે ઈશ્વરને અર્પણ કરવાનું છે. ફળ ફેંકી દો એમ કહેવામાં ફળનો નિષેધ છે. અર્પણમાં એવું નથી. આ ઘણી સુંદર અવસ્થા છે.. તેમાં અપૂર્વ મીઠાશ છે. ફળનો ત્યાગ કરવાનો અર્થ એવો નથી થતો કે ફળ કોઈ લેનાર નથી. કોઈ ને કોઈ તે ફળ લેશે, કોઈકને પણ તે મળ્યા વગર રહેશે નહીં. પછી જેને એ ફળ મળે તે લાયક છે કે નથી એવા બધા તર્ક ઊઠયા વગર નહીં રહે. કોઈ ભિખારી આવે છે તો તેને જોઈ આપણે તરત કહીએ છીએ, ‘ ખાસો જાડોજબરો છે. ભીખ માગતાં શરમ નથી આવતી ? નીકળ અહીંથી ! ’ તે ભીખ માગે છે એ યોગ્ય છે કે નથી એ આપણે જોવા બેસીએ છીએ. ભિખારી બિચારો શરમાઈ જાય છે. આપણામાં સહાનુભૂતિનો પૂરેપૂરો અભાવ. એ ભીખ માગનારની લાયકાત આપણે કેવી રીતે જાણી શકવાના હતા?

13. નાનપણમાં માને મેં આવી જ શંકા પૂછી હતી. તેણે આપેલો જવાબ હજી મારા કાનમાં ગુંજ્યા કરે છે. મેં માને કહેલું, ‘ આ તો ખાસો સાબૂત હાડકાંનો દેખાય છે. એવાને દાનમાં કંઈ આપીશું તો વ્યસન અને આળસને ખાસું ઉત્તેજન મળશે. ’ ગીતામાંનો ‘ देशे काले च पात्रे च ’ ‘ દેશ, કાળ, ને પાત્ર જોઈ, ’ એ શ્લોક પણ મેં ટાંકી બતાવ્યો. માએ કહ્યું, ‘ જે ભિખારી આવેલો તે પરમેશ્વર પોતે હતો. હવે પાત્રાપાત્રતાનો વિચાર કર. ભગવાન શું અપાત્ર છે ? પાત્રાપાત્રતાનો વિચાર કરવાનો તને ને મને શો અધિકાર છે ? મને લાંબો વિચાર કરવાની જરૂર લાગતી નથી. મારે માટે તે ભગવાન છે ’ માના આ જવાબનો જવાબ હજી મને સૂઝયો નથી. બીજાને ભોજન આપતી વખતે તેની લાયકાત – ગેરલાયકાતનો હું વિચાર કરવા બેસું છું. પણ પોતે કોળિયા ગળે ઉતારીએ છીએ ત્યારે આપણને પોતાને અધિકાર છે કે નહીં તેનો વિચાર કદી મનમાં આવતો નથી. જે આપણે આંગણે આવી ઊભો તેને અપશુકનિયાળ ભિખારી જ શા સારૂ માનવો ? આપણે જેને આપીએ છીએ તે ભગવાન જ છે એવું કેમ ન સમજવું ? રાજયોગ કહે છે, ‘ તારા કર્મનું ફળ કોઈ ને કોઈ તો ચાખનાર જ છે ને ? તો તે ઈશ્વરને જ આપી દે. તેને અર્પણ કર. ’

14. રાજયોગ યોગ્ય સ્થાન બતાવે છે. ફળનો ત્યાગ કરવાનું નિષેધાત્મક કર્મ પણ અહીં નથી અને ભગવાનને અર્પણ કરવાનું હોવાથી પાત્રાપાત્રતાના સવાલનો પણ ઉકેલ આવી જાય છે. ભગવાનને આપેલું દાન સદા સર્વદા શુદ્ધ જ છે. તારા કર્મમાં દોષ હશે તો પણ તેના હાથમાં જતાંવેંત તે પવિત્ર બનશે. આપણે ગમે તેટલા દોષ દૂર કરીએ તોયે આખરે થોડોઘણો દોષ રહી જ જાય છે. છતાં આપણાથી બને તેટલા શુદ્ધ થઈને કર્મ કરવું. બુદ્ધિ ઈશ્વરની આપેલી બક્ષિસ છે. તે જેટલી શુદ્ધ રીતે વાપરી શકાય તેટલી શુદ્ધ રીતે વાપરવાથી આપણી ફરજ છે. તેમ ન કરીએ તો આપણે ગુનેગાર ઠરીએ. તેથી પાત્રાપાત્રવિવેક પણ કરવો જ જોઈએ. ભગવદભાવનાથી તે વિવેક કરવાનું સરળ થાય છે.

15. ફળનો વિનિયોગ ચિત્તશુદ્ધિ કરવાને માટે યોજવો. જે કાર્ય જેવું થાય તેવું ભગવાનને આપી દે. પ્રત્યક્ષ ક્રિયા જેમ જેમ થતી જાય તેમ તેમ ઈશ્વરને અર્પણ કરી મનની પુષ્ટિ મેળવતા જવું જોઈએ. ફળ ફેંકી દેવાનું નથી. તે ઈશ્વરને અર્પણ કરવું. બલકે, મનમાં પેદા થતી વાસના તેમ જ કામક્રોધ વગેરે વિકારો પણ ઈશ્વરને સુપરત કરી છૂટા થઈ જવું.

कामक्रोध आम्हीं वाहिले विठ्ठलीं

કામક્રોધ અમે ઈશ્વરને સુપરત કર્યા છે. અહીં સંયમાગ્નિમાં નાખીને વિકારોને બાળવાફાળવાની વાત જ નથી. તાબડતોબ અર્પણ કરીને છૂટા. કોઈ જાતની માથાફોડ નથી, મારામારી નથી.

रोग जाय दुधें साखरें । तरी निंब कां पियावा

દૂધ ને સાકરથી રોગ મટતો હોય તો કડવો લીમડો શા સારૂ પીવો ?

16. ઈન્દ્રિયો પણ સાધનો છે. તેમને ઈશ્વરને અર્પણ કરો. કહે છે કે કાન કાબૂમાં રહેતા નથી. તો શું સાંભળવાનું જ માંડી વાળવું ? સાંભળ, પણ હરિકથા જ સાંબળવાનું રાખ. કંઈ સાંભળવું જ નહીં એ વાત અઘરી છે. પણ હરિકથા સાંભળવાનો વિષય આપી કાનનો ઉપયોગ કરવાનું વધારે સહેલું, મધુર અને હિતકર છે. રામને તારા કાન સોંપી દે, મોંએથી રામનું નામ લે, ઈન્દ્રિયો કંઈ વેરી નથી. તે સારી છે. તેમનામાં ઘણું સામર્થ્ય છે. હરેક ઇન્દ્રિય ઈશ્વરાર્પણબુદ્ધિથી વાપરવી એ રાજમાર્ગ છે. આ જ રાજયોગ છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

અધિકારભેદની ભાંજગડ નથી (43)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૩ – અધિકારભેદની ભાંજગડ નથી

9. કૃષ્ણના આખા જીવનમાં બાળપણ બહુ મીઠું. બાળકૃષ્ણની ખાસ ઉપાસના છે. તે ગોવાળિયાઓ સાથે ગાયો ચારવા જાય, તેમની સાથે ખાયપીએ ને તેમની સાથે હસેરમે. ગોવાળિયા ઈંદ્રની પૂજા કરવા નીકળ્યા ત્યારે તેણે તેમને કહ્યું, ‘ એ ઈંદ્રને કોણે દીઠો છે ? તેના શા ઉપકાર છે ? આ ગોવર્ધન પર્વત તો સામો પ્રત્યક્ષ દેખાય છે. તેના પર ગાયો ચરે છે. તેમાંથી નદીઓ વહે છે. એની પૂજા કરો. ’ આવું આવું તે શીખવે. જે ગોવાળિયા સાથે તે રમ્યો, જે ગોપીઓ સાથે તે બોલ્યો, જે ગાયવાછરડાંમાં તે રંગોયો, તે સૌને તેણે મોક્ષ મોકળો કરી આપ્યો. અનુભવથી કૃષ્ણ પરમાત્માએ આ સહેલો રસ્તો બતાવેલો છે. નાનપણમાં તેનો ગાય સાથે સંબંધ બંધાયો, મોટપણમાં ઘોડા સાથે. તેની મોરલીનો નાદ સાંભળતાંની સાથે ગાયો ગળગળી થઈ જતી અને કૃષ્ણનો હાથ પીઠ પર ફરતાંની સાથે ઘોડા હણહણી ઊઠતા. તે ગાયો ને તે ઘોડા કેવળ કૃષ્ણમય થઈ જતાં. पापयोनि ગણાતાં એ જાનવરોને પણ જાણે કે મોક્ષ મળી જતો. મોક્ષ પર એકલા માનવોનો હક નથી. પશુપક્ષીઓનો પણ છે એ વાત શ્રીકૃષ્ણે સ્પષ્ટ કરી છે. તેણે જીવનમાં એ વાતનો અનુભવ કર્યો હતો.

10. જે ભગવાનનો તે જ વ્યાસનો અનુભવ હતો. કૃષ્ણ અને વ્યાસ બંને એકરૂપ છે. બંનેના જીવનનો સાર એક જ છે. મોક્ષ વિદ્વતા પર, કર્મકલાપ એટલે કે કર્મના ફેલાવા પર આધાર રાખતો નથી. તેને માટે સાદીભોળી ભક્તિ પણ પૂરતી છે. ભોળી ભાવિક સ્ત્રીઓ ‘ હું ’ ‘ હું ’ કરતા જ્ઞાનીઓને પાછળ પાડી દઈ તેમની આગળ નીકળી ગઈ છે. મન પવિત્ર હોય અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ અઘરો નથી. મહાભારતમાં ‘ જનક-સુલભા-સંવાદ ’ નામે એક પ્રકરણ છે. જનક રાજા જ્ઞાનને સારૂ એક સ્ત્રી પાસે જાય છે એવો પ્રસંગ વ્યાસે ઊભો કર્યો છે. તમારે જોઈએ તો સ્ત્રીઓને વેદનો અધિકાર છે કે નથી એ મુદ્દાની ચર્ચા કર્યા કરો. પણ સુલભા ખુદ જનકને બ્રહ્મવિદ્યા આપે છે. તે એક સામાન્ય સ્ત્રી છે. અને જનક કેવડો મોટો સમ્રાટ ! કેટકેટલી વિદ્યાથી સંપન્ન ! પણ મહાજ્ઞાની જનક પાસે મોક્ષ નહોતો. તે માટે વ્યાસજીએ તેની પાસે સુલભાના ચરણ પકડાવ્યા છે. એવો જ પેલો તુલાધાર વૈશ્ય. પેલો જાજલિ બ્રાહ્મણ તેની પાસે જ્ઞાનને સારૂ જાય છે, તુલાધાર કહે છે, ‘ ત્રાજવાંની દાંડી સીધી રાખવામાં મારૂં બધું જ્ઞાન છે. ’ તેવી જ પેલી વ્યાધની કથા લો. વ્યાધ મૂળમાં કસાઈ, પશુઓને મારી સમાજની સેવા કરતો હતો. એક અહંકારી તપસ્વી બ્રાહ્મણને તેના ગુરૂએ વ્યાધની પાસે જવાને કહ્યું. બ્રાહ્મણને નવાઈ લાગી. કસાઈ તે કેવુંક જ્ઞાન આપવાનો હતો ? બ્રાહ્મણ વ્યાધ પાસે પહોંચ્યો. વ્યાધ શું કરતો હતો ? તે માંસ કાપતો હતો, તેને ધોતો હતો, સાફ કરી વેચવાને ગોઠવતો હતો. તેણે બ્રાહ્મણને કહ્યું, ‘ મારું આ કર્મ જેટલું થઈ શકે તેટલું હું ધર્મમય કરૂં છું. જેટલો રેડાય તેટલો આત્મા આ કર્મમાં રેડી હું આ કર્મ કરૂં છું અને માબાપની સેવા કરૂં છું ’ આવા આ વ્યાધને રૂપે વ્યાસજીએ આદર્શમૂર્તિ ઊભી કરી છે.

11. મહાભારતમાં આ જે સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો એ બધાંની કથાઓ આવે છે તે સર્વ કોઈને માટે મોક્ષ ખુલ્લો છે એ બીના સાફ દેખાય તેટલા સારૂ છે. તે વાર્તાઓમાંનું તત્વ આ નવમા અધ્યાયમાં કહેલું છે. તે વાર્તાઓ પર આ અધ્યાયમાં મહોર મરાઈ. રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે જ પેલા વ્યાધના જીવનમાં છે. તુકારામ મહારાજ અહિંસક હતા, પણ સજન કસાઈએ કસાઈનો ધંધો કરતાં કરતાં મોક્ષ મેળવ્યો તેનું ખૂબ હોંશથી તેમણે વર્ણન કર્યું છે. બીજે એક ઠેકાણે તુકારામે પૂછ્યું છે, ‘ પશુઓને મારનારાઓની હે ઈશ્વર, શી ગતિ થશે ? ’ પણ ‘ सजन कसाया विकुं लागे मांस. ’ – સજન કસાઈને માંસ વેચવા લાગતો એ ચરણ લખીને ભગવાન સજન કસાઈને મદદ કરે છે એવું એમણે વર્ણન કર્યું છે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકરાનારો, નાથને ત્યાં પાણીની કાવડ ભરી આણનારો, દામાજીને ખાતર ઢેડ બનવાવાળો, મહારાષ્ટ્રને પ્રિય જનાબાઈને દળવાખાંડવામાં હાથ દેનારો, એવો એ ભગવાન સજન કસાઈને પણ તેટલા જ પ્રેમથી મદદ કરતો એમ તુકારામ કહે છે. ટૂંકમાં, બધાંને કૃત્યોનો સંબંધ પરમેશ્વરની સાથે જોડવો. કર્મ શુદ્ધ ભાવનાથી કરેલું અને સેવાનું હોય તો તે યજ્ઞરૂપ જ છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Blog at WordPress.com.