Posts Tagged With: વાર્તાલાપ

દિપકભાઈનો મીતાબહેનને પ્રશ્ન

દિપકભાઈનો પ્રશ્ન

મીતાબહેન,

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે કેટલો ફેર? અંધશ્રદ્ધા પોતે શ્રદ્ધા નથી? અથવા શ્રદ્ધા અંધશ્રદ્ધા નથી? કઈરીતે ભેદ કરવો? એકની શ્રદ્ધા તે બીજાને મન અંધશ્રદ્ધા હોય એવું ન બને? આપણે “અંધશ્રદ્ધાળુઓ”ને ભાંડીએ છીએ ત્યારે આપણી જાતને ઊંચે નથી મૂકતા ને?એ આપણો ઘમંડ નથી ને? એક આદિવાસીની પૂજાની રીત -બકરા, મરઘાનો બલિ ચડાવે એ અંધશ્રદ્ધા અને આપણે મંદિરમાં જઈએ અને મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહીએ એ શ્રદ્ધા? ઘણાયે સવાલો મનમાં ઊઠ્યા કરતા હોય છે, તે જાહેરમાં મૂકું છું.


જ્યાં સુધી માનવ મન અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી પ્રશ્નો ઉઠતાં જ રહેવાના છે. ઘણાં પ્રશ્નોના યોગ્ય ઉકેલ મળે તો જીવનની સમસ્યા હળવી થાય તેથી આવા પ્રશ્નો જાહેરમાં મુકવા જ જોઈએ તેમ હું માનું છું. કોઈ પણ પ્રશ્ન જ્યારે તે જાહેર હોય ત્યારે તેના ઉત્તરો જુદા જુદા હોવાના અને આવા જુદા જુદા ઉત્તરોને આધારે જ આપણે જન-સમૂહનો ક્યાસ કાઢી શકીએ કે સમાજ હાલમાં કેવા પ્રકારના વૈચારિક, સામાજિક કે માનસિક પ્રવાહમાંથી પસાર થઈ રહ્યો છે. ભગવદ ગીતા કહે છે કે એવી કોઈ વ્યક્તિ નથી કે જે કોઈ ને કોઈ પ્રકારની શ્રદ્ધા ન ધરાવતો હોય. વાસ્તવમાં વ્યક્તિની જેવી શ્રદ્ધા હોય તેવો જ તે બનવા લાગતો હોય છે. આપણે ત્યાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ વાદ-વિવાદ ચાલે છે જ્યારે ભગવદ ગીતા શ્રદ્ધાના ત્રણ ભેદ પાડે છે. સાત્વિક, રાજસીક અને તામસીક. આ આખીએ સૃષ્ટિનો વિસ્તાર કપીલ મુનીના સાંખ્ય સિદ્ધાંત પ્રમાણે ત્રીગુણાત્મક પ્રકૃતિમાંથી થયો હોવાથી ઘણી બધી વસ્તુ અને બાબતોમાં આપણને આ ત્રીપુટી દેખાતી હોય છે. જેમાં સત્વ ગુણ ને ઉત્તમ, રજોગુણને મધ્યમ અને તમોગુણને કનિષ્ઠ ગણાવાયો છે.

શ્રીમદ ભગવદગીતાનો ૧૬મો અદ્યાય દૈવાસૂર સંપદ્વિભાગ યોગ છે. તેમાં ત્રણ બાબતોને નરક એટલે કે અધ:પતનના દ્વાર સમાન ગણાવી છે – કામ,ક્રોધ અને લોભ.

કામ, ક્રોધ ને લોભ છે દ્વાર નરકનાં ત્રણ,
નાશ કરી દે આત્મનો, તજી દે લઈ પણ.

અંધારા એ દ્વારથી મુક્ત થાય જે જન,
તે જ કરે કલ્યાણ ને પામે છે ગતિ ધન્ય.

શાસ્ત્રોની વિધિ છોડતાં મનસ્વીપણે જે,
કર્મ કરે, ના તે લભે સિદ્ધિ મુક્તિ સુખ કે.

કર્મમહીં તો શાસ્ત્રને પ્રમાણ તું ગણજે,
શાસ્ત્રાજ્ઞા માની સદા કર્મ બધાં કરજે.

ત્યાર બાદ આ અધ્યાયની સમાપ્તિ થાય છે અને ૧૭મો અધ્યાય શ્રદ્ધાત્રયવિભાગ યોગ શરુ થાય છે. આખે આખો અધ્યાય જ શ્રદ્ધાના ત્રણ પ્રકાર ઉપર જુદો આપવામાં આવ્યો છે કે જે દર્શાવે છે કે આ શ્રદ્ધા વિશે સમજવું કેટલું બધું અગત્યનું છે. હવે અર્જુન પ્રશ્ન કરે છે :-

શાસ્ત્રોની વિધિને મૂકી શ્રદ્ધાથી જ ભજે,
સાત્વિક, વૃત્તિ તેમની, રાજસ તામસ કે ?

તેના પ્રત્ત્યુત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે

સૌની શ્રદ્ધા સહજ તે ત્રણ પ્રકારની હોય,
સાત્વિક, રાજસ, તામસી; સુણ તે કેવી હોય.

હૈયું જેવું હોય છે તેવી શ્રદ્ધા હોય,
શ્રદ્ધામય છે માનવી, શ્રદ્ધા જેવો હોય.

સાત્વિક પૂજે દેવને, રાજસ યક્ષ ભજે,
તમોગુણીજન પ્રેતને પ્રાણી અન્ય ભજે.

શાસ્ત્રોથી ઉલટી કરે ઘોર તપસ્યા જે,
દંભી અભિમાની અને કામી ક્રોધી જે.

આત્મારૂપ રહ્યા મને તે પીડા કરતા,
નિશ્ચય તેનો રાક્ષસી, ફોગટ શ્રમ કરતાં.

આ ઉપરાંત ત્રણ પ્રકારના ખોરાક, યજ્ઞ, તપ અને દાન પણ વર્ણવ્યા છે. જે રસ ધરાવતા લોકોને અભ્યાસ કરવા અનુરોધ છે.

પ્રકૃતિના આ ત્રણ ગુણો વિશે વિશેષ માહિતિ ૧૪માં અધ્યાયમાં છે જેનું નામ ગુણ ત્રય વિભાગ યોગ છે. શ્રીમદ ભગવદ ગીતા નાનો સરખો અને માનવ માત્ર માટેનો ગ્રંથ છે. દિપકભાઈ કહે છે તેમ જ્યારે આ વાત કહેવાયી ત્યારે પૃથ્વીના પટ પર માત્ર માનવો જ હતા. કોઈ હિંદુ, મુસલમાન, ખ્રીસ્તી, પારસી, જૈન, યહુદી, બૌધ વગેરે ધર્મો, સંપ્રદાયો અને તેના અનેવિધ ફાંટાઓ ન હતાં. ત્યારે લડાઈ ધર્મ માટે નહોતી થતી પણ જર, જમીન અને જોરું માટે તો ત્યારેય લડાઈ થયાં કરતી. તેથી જો પૃથ્વીના પટ પરથી સઘળાં ધર્મો નાશ પામે કે એક જ ધર્મ અસ્તિત્વ ધરાવે તો પણ લડાઈ બંધ થઈ જશે તેવું કોઈ પ્રમાણ નથી મળતું – કારણ કે બહારની લડાઈ લડાતાં પહેલાં મનમાં યુદ્ધ શરુ થયેલું હોય છે.

ટૂંકમાં વ્યક્તિનું અંત:કરણ જેવું હોય તેવી તેની શ્રદ્ધા હોય છે – કોઈ વ્યક્તિને તામસી માંથી રાજસી કે સાત્વિક બનાવી દ્યો તો આપોઆપ તેની શ્રદ્ધા ફરી જશે તેવી જ રીતે કોઈને સાત્વિક માંથી રાજસી કે તામસી બનાવી દ્યો તો આપોઆપ તેની શ્રદ્ધા ફરી જશે. તેથી જ તો સંગનો મહિમા છે.

સાર: વ્યક્તિના અંત:કરણમાં જેમ જેમ ફેરફાર થાય તેમ તેમ તેની શ્રદ્ધામાં ફેરફાર થાય છે.


મુળભુત લેખ અને ત્યાં થઈ રહેલી ચર્ચા વાંચવા અહી ક્લિક કરશો


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , | 2 Comments

અહં વીશે વાર્તાલાપ

મિત્રો,
તા.૨૮/૧૨/૨૦૧૦ ની સ્નેહાબહેનની એક નાનકડી પોસ્ટ:

અહં


અહંયુકત બનીને ત્રસ્ત રહેવું એના કરતાં
અહંમુકત બનીને પ્રસન્ન રહેવું વધારે સારું…..

સ્નેહા


તા.૨૯.૧૨.૨૦૧૦ નો મારો પ્રતિભાવ

અહં મુક્ત બનવાનો સહેલામાં સહેલો રસ્તો છે જાતને ઓગાળી દેવી અને જાતને ઓગાળવી એ મુશ્કેલ્માં મુશ્કેલ કામ છે કારણકે તે માટે તો અહંને છોડવો પડે.

જડ પ્રકૃતિ અને ચૈતન્યમય આત્માને જોડતી જો કોઈ ગાંઠ હોય તો તે અહં છે. અહંનું વિસર્જન એટલે કેવળ અસ્તિત્વ અને તો પછી દ્વૈત ન રહે. અબજોમાંથી કોઈક એકાદ અહંમુક્ત બનીને પ્રસન્ન રહી શકતો હશે બાકી તો શેષ સર્વના ભાગ્યમાં અહંયુક્ત બનીને ત્રસ્ત રહેવાનું નીર્માયું હોય છે.

આખુંયે અધ્યાત્મશાસ્ત્ર આ અહંમુક્ત બનવાની પ્રક્રીયા પર જ રચાયું છે. પણ અધ્યાત્મની શું જરૂર છે? ખાવ – પીવો અને જલસા કરો.

– – ચાર્વાકો……………………………………………………………….


5.1.2011 સ્નેહાબહેનનો પ્રતિપ્રશ્ન

ચાર્વાકો તો આમ કહે છે અતુલભાઈ..પણ તમે શું કહો છો એ કહો હવે…


તા.૬.૧.૨૦૧૧
શ્રી સ્નેહાબહેન,

વાસ્તવમાં અહંકાર તે આપણાં સ્વરૂપની આડે આવનાર મુખ્ય પરીબળ છે અને આ અહંકારને વિલિન કરવો એ જ અધ્યાત્મશાસ્ત્રનું ધ્યેય છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કોઈ ને કોઈ રીતે અધ્યાત્મશાસ્ર રચાયા જ કરશે, તેને અમલમાં મુકવાનો પ્રયત્ન થયા કરશે. સામે પક્ષે ભૌતિકવાદીઓ તેનો વિરોધ પણ કરતા રહેશે અને સાથો સાથ અંદરથી તો અધ્યાત્મની આવશ્યકતા પણ સમજતા હશે પણ તેઓ નહીં તો આમના હોય કે નહીં તો તેમના. એટલે કે તેમને ભૌતિક જગતમાંથી સંપૂર્ણ સુખ-શાંતિ પ્રાપ્ત નહીં થાય અને વળી અધ્યાત્મ તરફ વળશે નહીં એટલે સતત અજંપો અનુભવ્યા કરશે.

હવે તમે શું કહો છો સ્નેહા બહેન?


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | 4 Comments

Blog at WordPress.com.