શું તમને લાગે છે કે તમે લક્ષ્યવિહિન છો? તો આ વીડીયો જરુર જુઓ
Posts Tagged With: લક્ષ્ય
લક્ષ્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૮)
મીત્રો,
ગાંધીજી અને મારી વચ્ચે કોઈ સામ્યતા નથી. માત્ર એક બાબતમાં હું તેમનાથી ચડીયાતો છું – અને તે છે મારા ગરબડીયા અક્ષર.
હું નાનો હતો ત્યારે નોટબુકના પ્રથમ પાને ગરબડીયા અક્ષરે પ્રથમ બે ચરણ આ પ્રમાણે લખતો.
વૃક્ષ વીનાની વેલડી, ચંદ્ર વીનાની રાત;
ભણતર વીનાની જીંદગી, થઈ જશે બરબાદ.
વિદ્યાર્થી જીવનનું જો કોઈ લક્ષ્ય પુછે તો આંખો ખુલ્લી રાખીને એક શબ્દમાં જવાબ આપી શકાય – વિદ્યા. વિદ્યા પ્રાપ્તિ માટે વૈદિક સંસ્કૃતિના ઉપાસકો હંમેશા સરસ્વતી માની ઉપાસના કરતા આવ્યા છે. મારા અભ્યાસના ટેબલ સામે સરસ્વતી માની હંમેશા છબી રહેતી અને અભ્યાસ શરુ કરતા પહેલા હું આ શ્લોકનું પઠન કરતો.
या कुन्देन्दु- तुषारहार- धवला या शुभ्र- वस्त्रावृता
या वीणावरदण्डमन्डितकरा या श्वेतपद्मासना |
या ब्रह्माच्युत- शंकर- प्रभृतिभिर्देवैः सदा पूजिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ||
જુદા જુદા સમય માટે વૈદિક સંસ્કૃતિએ જુદા જુદા પ્રકારના લક્ષ્ય આપ્યાં છે તેને પુરુષાર્થ પણ કહ્યાં છે. વૈદિક સંસ્કૃતિમાં ક્યાય કશું પ્રારબ્ધ પર છોડી દેવાની વાત નથી દરેક બાબતે પુરુષાર્થ પર ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જીવનને ચાર અવસ્થા અથવા તો આશ્રમમાં વીભાજીત કરીને એક સુ-વ્યવસ્થિત જીવન-વ્યવસ્થાનું નીર્માણ કરવામાં આવેલું.
જેમાં વિદ્યાર્થી અવસ્થામાં ચિત્તને માત્ર અભ્યાસમાં પરોવવાનું જરૂરી બનાવવામાં આવેલ. વિદ્યાભ્યાસ માટે ગુરુકુળો અલગ રખાતા જેથી સંસારની ધાંધલ – ધમાલથી અલગ રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતાં. આ સમય દરમ્યાન સાથે સાથે તેમને શસ્ત્ર અને શાસ્ત્રની તથા શરીરને અને મનને મજબુત બનાવવાની તાલીમ પણ મળતી રહેતી. આમ વિદ્યાર્થી જીવન અથવા તો પ્રથમ આશ્રમ કે જેને બ્રહ્મચર્યાશ્રમ તરીકે પણ ઓળખવામાં આવતો તેમાં માનવ બાળનું લક્ષ્ય વિવિધ વિદ્યાઓ પ્રાપ્ત કરવાનું, શરીર, મન અને બુદ્ધિને વિકસીત કરવાનું રહેતું. તે દરમ્યાન ધર્મ પુરુષાર્થના બીજ પણ રોપાઈ જતાં.
ત્યારબાદ બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ આવતો. તેમાં અભ્યાસ અને બ્રહ્મચર્યથી તેજસ્વી થયેલ વિદ્યાર્થી યોગ્ય કન્યા સાથે વિવાહ સંબધથી જોડાઈને ગૃહસ્થ જીવનની યાત્રાનો આરંભ કરતાં. જીવનનો આનંદ માણવાની સાથે સાથે તેઓ કશોક વ્યવસાય કરીને અર્થ કમાતા અને આમ અર્થ પુરુષાર્થ તથા ગૃહસ્થાશ્રમ એકબીજા સાથે તાલ મીલાવીને જીવનને હર્યું ભર્યું બનાવતાં. આ સમયે ગૃહસ્થો નવા નવા હુન્નરો વિકસાવવાનું અને સાથે સાથે માતા પીતા બનીને સંતાનોને કેળવણી આપવાનું તેમ દ્વિવિધ કામગીરી સારી રીતે બજાવતા. ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ધર્મ દ્વારા અર્થ ઉપાર્જન કરીને કામ પુરુષાર્થ દ્વારા સંસારના આનંદો માણવાનું અને સાથે સાથે જવાબદારીઓ નીભાવતા જવાનું રહેતું.
ત્યારબાદ જીવનના સર્વ આનંદોનો અનુભવ લીધા પછી વયની પાકટતાએ તેઓ ગૃહનો ભાર સંતાનોને સોંપીને વધુને વધુ સમય પ્રકૃતિના સાનિધ્યમાં ગાળતાં. આ સમયે તેઓ પર્યાવરણની કાળજી લેવા ઉપરાંત પર્યાવરણની તાજગીથી જીવનને સ્વસ્થ રાખતાં. ગૃહમાં પણ સંતાનો સક્ષમ બની જાય એટલે દખલગીરી કરવાને બદલે ગૃહનો ભાર ધીરે ધીરે પોતાના શિરેથી ઉતારીને હળવા બનતાં. જગત અને જગદીશ્વર વીશેની જીજ્ઞાસાનો આરંભ પણ વાનપ્રસ્થાશ્રમ દ્વારા થતો. ધર્મના રસ્તે આગળ વધતા વધતા સમાજ સેવાના કાર્યોમાં પોતાના અનુભવ અને શક્તિનો ઉપયોગ કરતાં. ધીરે ધીરે અર્થથી નિવૃત્ત થતા જઈને ધર્મને વધુ ને વધુ દૃઢ કરતા જતાં. વાનપ્રસ્થાશ્રમ દરમ્યાન જીવનનું લક્ષ્ય પર્યાવરણનું જતન, સમાજોપયોગી કાર્યો અને સાથે સાથે પરમ તત્વ તરફની જિજ્ઞાસા વિકસાવતાં જવાનું રહેતું.
ત્યાર બાદ જીવનના અંતિમ કાળે જીવનના સર્વ પ્રાણીઓ અને પદાર્થોમાંથી પોતાના ચિત્તને પાછું ખેંચી લઈને, સંસારની સર્વ આસક્તિઓને ત્યાગી અહર્નીશ એક માત્ર પરમ તત્વની આરાધનામાં લીન થઈ જતાં. સંન્યાસ આશ્રમ અને મોક્ષ પુરુષાર્થ તે જીવનના અંતીમ ચરણે આચરવાનો પુરુષાર્થ હતો અને અંતીમ ચરણે જીવનું લક્ષ્ય રહેતું અનંત સાથે એકતાર મેળવીને જીવનમુક્તતાની અનુભુતિનો.
અને છેવટે એક દિવસ પરમ ધન્યતાથી પરિતૃપ્ત થયેલ જીવ ચહેરા પર આછેરું સ્મિત છોડીને ચાલ્યો જતો અનંતની યાત્રાએ.
દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. ભીતર રહેલી આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી તે માનવ જીવનનું લક્ષ્ય છે. – સ્વામી વિવેકાનંદ
મનુષ્યજન્મ પ્રાપ્ત કર્યો છતાં જે ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી કરતો તેનો જન્મ જ વૃથા. – શ્રી રામકૃષ્ણ પરમહંસ