Posts Tagged With: યોગ્ય દિશા

ક્રોધને યોગ્ય દિશા આપો (વ્હોટ્સએપ પરથી)

એક વકીલે કહેલ હૃદયસ્પર્શી કીસ્સો.

“રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો… ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો., વધેલી દાઢી, મેલા કપડા, ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર અથવા વકીલી ભાષામાં (મુવક્કીલ) આવીને કહેવા લાગ્યા…..,
આ લ્યો બધા પેપર્સ………..

” બધીજ જમીનો ઉપર સ્ટે. લાવવો છે……
હજુ કાંઈ પેપર્સ વગેરે જોઈતા હોય તો કહો,
અને ખર્ચો કેટલો થશે તે પણ કહી દો…

મેં તેમને બેસવાનુ કહ્યું,
તેઓ ખુરશી ઉપર બેઠા.

તેમના બધાજ પેપર્સ તપાસ્યા… તેમની પાસેથી ઘણી માહિતી પણ લીધી.. સમય કલાક-સવા કલાક જેવો થઈ ગયો……

મેં તેમને કહ્યું વડીલ મારે હજુ પણ પેપર્સ ની સ્ટડી કરવી પડશે..
માટે તમે એક કામ કરો, તમે હવે ૪ દીવસ પછી આવો. ત્યારે તમને કહીશ.

૪ દીવસ બાદ તે ભાઈ ફરી આવ્યા..
પહેલા જ જેવો અવતાર, ભાઈ બદલ તેમનો ગુસ્સો હજુ સમાયો ન હતો…..

મે તેમને બેસવાનો ઈશારો કર્યો…

પછી મેં જ બોલવાની શરૂઆત કરી…

“મે તમારા બધાજ પેપર્સ જોયા વાંચ્યા…

તમે બે ભાઈઓ અને એક બહેન,

માં-બાપ ની છત્ર છાયા તમે નાનપણમાં જ ગુમાવી…

તમારૂ શિક્ષણ ૯ મું પાસ

નાનો ભાઈ M.A. B.ed.

તમે ભાઈના શિક્ષણ માટે શાળા છોડી દીધી.

વનમાં પોતડી પહેરીને ઘણો પરિશ્રમ કર્યો.
કૂવાઓ ગાળવા માં પથ્થરો તોડ્યા…
બાપુઓના ખેતરોમાં કાંઈક એકરો શેરડીઓ વાઢી…

પણ ભાઈના શિક્ષણ માટે રૂપિયાની કમી પડવા ના દીધી..

એક વાર બેન ખેતરમાં ઢોર ચરાવતી હતી..
તમારો ભાઈ શાળા માંથી આવ્યો હતો…. અને કેમ કરીને તે ભેંસની પાસેથી પસાર થયો ને ભેંસે શીંગડું મારી દીધું હતું અને તે સંપૂર્ણ શરીરે લોહી-લુહાણ થઈ ગયો ત્યારે તમે તેને બીજા ગામડે ખભા ઉપર નાખીને દવાખાને લઇ ગયા હતા..

ત્યારે તમારી ઉંમર દેખાતી ન હતી….
ફક્ત માયા જ દેખાતી હતી….

હા, સાહેબ માં-બાપ પછી હું જ આમની મા અને હું જ આમનો બાપ… આવીજ મારી ભાવના હતી….

તમારો ભાઈ B.A. માં ગયો તમારું હૃદય ભરી આવ્યું હતું…… અને ફરી તમે તનતોડ ઉત્સાહ થી રાત દીવસ મહેનત કરવા લાગ્યા….

પણ અચાનક તેને કીડની નો દુખાવો શરૂ થઈ ગયો..

દવાખાનામાં દવાઓ કરી,
બહારનુ જે કાંઈ કરવાનુ હતું તે કર્યું….. જે કોઈ કહે તે કર્યું… ઘણી માનતાઓ રાખી…… પણ કાંઈ ફરક ના પડ્યો….. કીડનીમાં ઇન્ફેકશન થઈ ગયું હતું….
અંતે ડોક્ટરે કીડની કઢાવી નાખવાનું કીધું…,

તમે તેને કીડની દાન કરી
ને કહ્યું તને ઓફિસર બનીને ખૂબ ફરવું છે…
નોકરી કરવાની છે….
આપણા મા-બાપનું નામ ઉંચુ કરવાનું છે ભાઈ..
તને મારી કરતા વધારે કીડની ની જરૂર છે….

અમે તો વનવાસી વનમાં રહેનારા માણસો..અમને એક કીડની હોય તો પણ ચાલી જાય…

વકીલ સાહેબ:-
તમે તમારી ઘરવાળીનું પણ ન સાંભળીને કીડની દાન કરી….

ભાઈ M.A માં આવ્યો.
હોસ્ટેલમાં રહેવા ગયો..

વાર-તહેવારે…. ફરાળ, પકવાન વગેરે ટીફીન લઈને દેવા જતા…

ખેતરમાં થતા શીંગુના ઓળા, શેરડી અને કેસર કેરી વગેરે ઘરથી ૨૫કી.મી. દૂરસાઇકલ થી દેવા જતા….
પોતાના મોઢાનો કોળીયો પણ કાઢીને આપી દીધો.

જયારે ભાઈને નોકરી લાગી ત્યારે આખા ગામમાં હોંશે-હોંશે સાકર વહેંચી……

૩ વર્ષ પહેલાં ભાઈના લગ્ન થયા… એટલે એણેજ ગોતીને કર્યા… તમે ફક્ત ત્યાં હાજર હતા…. તો પણ

અભિમાનથી ગજ-ગજ છાતી ફુલાતી સમાતી નહતી……. હાશ….!!!

ભાઈને નોકરી મળી…
ભાઈના લગ્ન થઈ ગયા

હવે તમને અને બાયડી છોકરાવને સુખ ભોગવવાના દીવસો આવશે…

પણ…… પણ….. બધું ઉંધુ થઈ ગયું……….

લગ્ન થયા તે દીવસ થી ભાઈ એકેય વાર મોટા ભાઈના ઘરે ન આવ્યો…

ઘરે બોલાવીયે તો કહેતો આજે બાયડીને જબાન આપી છે… બહાર જવાનું છે.

ઘરમાં કોઈ દીવસ રૂપિયા પણ દેતો નહી….

પૈસાનુ પૂછીયે કે ભાઈ આજે છોકરાને ફી ભરવાની છે, તો કહેતો કે હમણાં હુ પોતે જ કરજ મા ડૂબેલો છુ…

ગયા વર્ષે અમદાવાદમાં ફ્લેટ લીધો…

ફ્લેટ વિશે પૂછ્યું તો કહેતો કે લોન થી લીધો છે….!!!!

બધુ કીધા પછી હું થોડીવાર થોભ્યો….

પછી બોલ્યો. …

હવે તમારૂ કહેવુ એ છે કે તેણે લીધેલી મિલકતો ઉપર સ્ટે. લેવાનો..????

તે ભાઈ તરતજ બોલ્યો
હા.. બરાબર….

મેં એક ઉંડો શ્વાશ લઈને ધીરેથી કહેવા લાગ્યો.

સ્ટે. લેવાશે…
ભાઈ એ ખરીદ કરેલી મિલકતોમાં પણ હિસ્સો મળશે…

પણ………….

તમે દીધેલી કીડની પાછી મળવાની નથી……

તમે ભાઈ માટે
લોહી-પાણી એક કરી નાખ્યાં તે પાછા મળવાના નથી….

તમે એની માટે તમારૂ આયુષ્ય ખર્ચી નાખ્યું ઈ મળવાનું નથી

અને મને લાગેછે કે આવા મોટા બલિદાનની સામે ફ્લેટની કિંમત જીરો છે…

એની નીતિ બદલાઈ ગઈ
એ એના રસ્તા ઉપર ગયો……..

તમે શા-માટે એના રસ્તે જવાની તૈયારી કરો છો… પ્લીઝ તમે એ રસ્તે ના જાવ…… ભાઈ..

અરે ઈ ભીખારી નીકળ્યો..
તમે દિલદાર હતા.. અને દિલાવર જ રહો…..

તમને કાંઈ પણ ઓછુ પડશે નહી…..!!!!

ઉલટાનું હું તમને કહું છું કે બાપ-દાદા ની મિલકત માંથી તમારા હિસ્સા માં ખેતી કરો ..
અને એનો જે હિસ્સો છે તે એમજ પડતર રહેવા દો….

કોર્ટ-કચેરી કરવા કરતા છોકરાવને ભણાવો…..,

ભણી-ગણી ને તમારો ભાઈ બગડી ગયો…..
એનો અર્થ એ નથી કે છોકરાવ પણ બગડી જાશે…, છોકરાવ નહી બગડે…..!!!!!

એમણે ૧૦-મિનીટ વિચાર કર્યો……
અંતે બધા પેપર્સ ડોક્યુમેન્ટ પાછા થેલીમાં નાખ્યા……,

આંખમા આવેલા આંસુ લૂછતાં- લૂછતા…કહ્યું
જાવ છું સાહેબ…..!!!!

આ વાતને ૫ વર્ષ વીતી ગયા…. પરમ દીવસે એજ માણસ અચાનક મારી ઓફિસે આવ્યો..

સાથે ગોરો અને ટામેટા જેવી લાલી ધરાવતો છોકરો હતો…
હાથમા કાઈ થેલી હતી
મે આવકાર આપીને કહ્યું બેસો……

તરતજ તેમણે કહ્યું…

બેસવા નથી આવ્યો સાહેબ

પેંડા દેવા આવ્યો છું…

આ મારો છોકરો …..
ન્યુઝીલેન્ડમાં છે ..

ગઈ કાલે જ આવ્યો છે
હવે ગામમાં જ ત્રણ માળનું ઘર છે..
૮ – ૯ એકર જમીન લીધી છે

સાહેબ તમે જ કીધું હતું ને કોર્ટ- કચેરીના માર્ગ માં ન જતા.

મે છોકરાના શિક્ષણ નો માર્ગ પકડ્યો ……!!!!!

મારી બંને આંખો છલકાઇ ગઈ…
ને હાથમાનો પેંડો
હાથમા જ રહી ગયો…*

ક્રોધ ને યોગ્ય દિશા આપો તો ફરી ક્રોધિત થવાનો સમય આવતો નથી….

Categories: ગમતાંનો ગુલાલ | Tags: , | Leave a comment

યોગ્ય દિશા – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૧)

મીત્રો,

શું એવું બને કે મહેનત કરનારને જશની બદલે જુત્તા મળે? હા, એવું બની શકે – જો તમે યોગ્ય દિશામાં મહેનત ન કરી હોય તો. ધારો કે મારે અમદાવાદ જવું હોય અને હું મહુવા-રાજુલાના રુટ પર જતી બસમાં બેસી જાઉ તો શું થાય? હું ટીકીટભાડું ખર્ચું, બસમાં બેસવાનો સમય આપું અને તો યે અમદાવાદ રહેતા મારા સ્નેહીને મળવાને બદલે રાજુલાની જીનીંગ ફેક્ટરીએ પહોંચી જાઉ તો તેમાં વાંક કોનો? મેં પુરુષાર્થ કર્યો અને તો યે આવું વિપરીત પરીણામ? કારણ? ખોટી દિશા. મારે રાજધાની કે તન્ના ટ્રાવેલ્સમાં બેસવાની જરુર હતી તેને બદલે હું સ્ટેટ ટ્રાન્સપોર્ટની ખખડધજ બસમાં બેસી ગયો અને તે પણ પાછી ઉલટી દિશામાં જતી હોય તેવી.

જીવનના દરેક ક્ષેત્રમાં તેવું છે. આપણામાંથી દરેક લોકો કાઈ આળસુ નથી. ઘણાં લોકો ઘણો પુરુષાર્થ કરે છે છતાં જ્યારે તે સફળ થતાં નથી ત્યારે નિષ્ફળતાના કારણો શોધવાને બદલે ભાગ્યને દોષ દઈને માથે હાથ દઈને બેસી જાય છે. ઘણી ખરી નિષ્ફળતામાં જોવા મળશે કે યોગ્ય દિશામાં મહેનત ન કરી તે જ તેનું કારણ હતું.

ખુબ કાર્ય કરવાથી સફળતા મળે છે કે આપણે શક્તિમાન બનીએ છીએ તેવું નથી પણ યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં કાર્ય કરવાથી આપણે સુદૃઢ અને સફળ બનીએ છીએ. કેટલાયે લોકો આખી જિંદગી ગદ્ધા વૈતરું કરતાં હોય છે અને છતાં યે માંડ પંડ પુરતું રળતા હોય છે જ્યારે કેટલાક લોકો બુદ્ધિપૂર્વકના આયોજન દ્વારા કાર્ય કરતા હોય છે અને મબલખ કમાણી કરતાં હોય છે. તેથી ખુબ કામ કરવું એટલું મહત્વનું નથી જેટલું સમજણ પૂર્વક કાર્ય કરવું મહત્વનું છે.

અંગ્રેજો આપણાં દેશમાં આવ્યા, આપણાં જ માણસો પાસેથી, આપાણાં જ દેશના કાચા માલમાંથી ઉત્પાદન બનાવીને પોતાના દેશનો માર્કો લગાવીને આપણને જ મોંઘા ભાવે તેઓ વેચતાં. આમ આપણા પરસેવામાંથી તેઓ માલેતુજાર થતાં. વિકસિત દેશો અને મલ્ટીનેશનલ કંપનીઓ આજે પણ તેવું જ કરે છે ને? કાચો માલ આપણો, કારીગર આપણાં, ફેક્ટરી આપણી, ઉર્જા આપણી પણ મેનેજેમેન્ટ તેઓનું અને જે કઈ તગડો નફો મળે તેમાંથી આપણને ચાંગળુંક આપીને બાકીનું બધું પોતે જમી જાય છે.

આથી ઉલટું જે લોકોએ આયોજનપૂર્વક, યોગ્ય દિશામાં, સમજણ સાથે કાર્ય કર્યું તેઓ થોડીક મહેનતથીયે સફળતાના શિખરો આંબી શક્યાં. આપણે જે કાર્ય કરીએ તે આપણને દુ:ખી બનાવશે કે મજબૂત તેનો બધોએ આધાર આપણે યોગ્ય દિશામાં કાર્ય કરીએ છીએ કે નહીં તેના પર રહેલો છે.

તો મીત્રો, આજથી જ આપણે આપણું કાર્ય યોગ્ય દિશામાં કરવાનો પ્રયાસ શરું કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.