योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥ ભ.ગી.૬.૧૦ ||
मन और इन्द्रियों सहित शरीर को वश में रखने वाला, आशारहित और संग्रहरहित योगी अकेला ही एकांत स्थान में स्थित होकर आत्मा को निरंतर परमात्मा में लगाए॥
ભોગબુદ્ધિથી સંગ્રહ ન કરવાવાળો, કશાયની ઈચ્છા ન રાખનાર અને અંત:કરણ તથા શરીરને વશમાં રાખનાર યોગી એકલો જ એકાન્ત સ્થળે સ્થિત થઈને મનને નિરંતર પરમાત્મામાં જોડે.
જેવી રીતે બાળમંદિરમાં પ્રવેશ મેળવવો હોય તો તેની પ્રવેશ લાયકાત ૩-૪ વર્ષની હોય છે. જેવું બાળમંદિર હોય તેવી ફી ભરવી પડે પછી પ્રવેશ મળે. તેવી રીતે કોલેજના કોઈ કોર્સમાં પ્રવેશ મેળવવો હોય તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે પ્રકારનો અભ્યાસ કર્યો હોય અને જેટલા ગુણ મળ્યા હોય તે પ્રમાણે કોલેજના જે તે વિષયમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ મળે.
યોગમાર્ગમાં પ્રવેશ મેળવવા માટે આગળના શ્લોકોમાં બતાવેલ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તે લાયક છે. કેટલાક સાધકો ઉપરનો અભ્યાસક્રમ પૂર્ણ થયા વગર સીધા જ ધ્યાનમાં બેસવાનો પ્રયાસ કરે છે પરીણામે તેમને એટીકેટી આવે છે અને ફરી પાછા ઉપરોક્ત વિષય ભણવા જરુરી બને છે. કેટલાક નાપાસ કે નાસીપાસ થઈને યોગી થવાનો અભ્યાસક્રમ છોડી પણ દેતા હોય છે.
અહીં સહુ પ્રથમ તો અપરિગ્રહની વાત કરતા જણાવ્યું કે જેમનો ભોગબુદ્ધિથી સંગ્રહ કરવાનો સ્વભાવ છુટી ગયો છે તેવી વ્યક્તિ.
નિરાશી: અપરિગ્રહ તે બાહ્ય સંગ્રહમાંથી મુક્તિ છે જ્યારે નિરાશી તે આંતરીક ઈચ્છાઓ અને સંગ્રહ તથા કામના અને આશાઓમાંથી મુક્ત થયેલ હોય તેને કહે છે. વળી યતચિત્તાત્મા એટલે કે અંત:કરણમાંથી પણ જેની વિષયબુદ્ધિ સંપૂર્ણપણે ચાલી ગઈ છે અને જે સંપૂર્ણ રાગરહિત છે તેવી વ્યક્તિ.
યોગી એટલે કે જેનું ધ્યેય કેવળ પરમાત્મા છે અને પરમાત્મા સિવાયના સર્વ ધ્યેયનો જેણે ત્યાગ કર્યો છે તેવી વ્યક્તિ.
એકાકી :
પ્રેમગલી અતી સાંકડી ; તામે દો ના સમાય.
જેણે પરમાત્માને પ્રાપ્ત કરવા છે તેને વળી સંગની શું જરુર હોય? સંગ હોય તો સંગીની અનુકુળતા પ્રતિકુળતા જોવી પડે, તેના વિચારો આવે તેથી યોગી થવા ઈચ્છનારે એકાકી એટલે કે એકલા રહેતા શીખવું જરુરી છે.
યાદ છે કવિવરનું પહેલું ગીત :
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
આત્માનં સતતં યુંગ્જીત : અપરીગ્રહી, નિરાશી, યોગી, એકાકી અને યતચિત્તાત્મા વગેરે ગુણો પ્રાપ્ત કર્યા પછી એકાંતમાં સતત પરમાત્માનું ચિંતન કરે.
સઘળા બંધનો છોડી દીધા પછી હોડીને પાણીના પ્રવાહમાં વહેતી મુકવામાં આવે તો તે સડસડાટ ચાલે કે નહીં? અને જો તેના લંગર છોડ્યા ન હોય, હોડી મજબૂત ન હોય, પવનની દિશા અનુકુળ ન હોય, હલેસા કે એંજીન ન હોય, નાવીક કુશળ ન હોય તો હોડી મજધારે ડુબવાની શક્યતા રહે કે નહીં?
તો યોગી થવા ઈચ્છનારે પણ આ રીતે સાધન સંપન્ન થઈને પછી એકાંતમાં પરમાત્માનું સતત ચિંતન કરવું જોઈએ.