सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥ ભ.ગી.૬.૯ ||
सुहृद् (स्वार्थ रहित सबका हित करने वाला), मित्र, वैरी, उदासीन (पक्षपातरहित), मध्यस्थ (दोनों ओर की भलाई चाहने वाला), द्वेष्य और बन्धुगणों में, धर्मात्माओं में और पापियों में भी समान भाव रखने वाला अत्यन्त श्रेष्ठ है ॥
સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય તેમજ બંધુગણોમાં અને ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર મનુષ્ય શ્રેષ્ઠ છે.
સુહ્રદ : જે માતાની જેમ જ, પરંતુ મમતા રહિત થઈને કારણ વિના પણ સહુનું હિત કરવાના સ્વભાવવાળો હોય છે, તેને ’સુહૃદ’ કહે છે.
મિત્ર: જે ઉપકારના બદલામાં ઉપકાર કરવાવાળો હોય છે, તેને ’મિત્ર’ કહે છે.
અરિ (શત્રુ) : જેનો વિના કારણ બીજાઓનું અહિત કરવાનો સ્વભાવ હોય છે, તેને ’અરિ’ કહે છે.
દ્વેષી : જે પોતાના સ્વાર્થ માટે અથવા કોઈ અન્ય કોઈ વિશેષ કારણને લીધે બીજાઓનું અહિત કે અપકાર કરે છે, તે ’દ્વેષી’ હોય છે.
ઉદાસીન : બે જણા અરસપરસ વાદવિવાદ કરી રહ્યા હોય, તેમને જોઈને પણ જે તટસ્થ રહે છે, કોઈનો કિંચિતમાત્ર પણ જે પક્ષપાત નથી કરતો અને પોતાના તરફથી કંઈ પણ કહેતો નથી, તે ’ઉદાસીન’ કહેવાય છે.
મધ્યસ્થ : વાદવિવાદ કરનારાઓની લડાઈ બંધ થાય અને બંન્નેનું હિત થઈ જાય એવી ચેષ્ટા કરવાવાળો ’મધ્યસ્થ’ કહેવાય છે.
બંધુ: સંબધીગણ
સાધુ: શ્રેષ્ઠ આચરણ કરનાર
પાપી: પાપાચરણ કરનાર
આગળના શ્લોકમાં જોયું કે સર્વ પદાર્થો પ્રત્યે સમબુદ્ધિ રાખનાર યોગી થવા માટે લાયક છે. હવે અહિં જુદા જુદા આચરણ અને વર્તન કરનાર વ્યક્તિઓ સાથે પણ સમબુદ્ધિ રાખનાર વિશેષ રીતે શ્રેષ્ઠ છે તેવું જણાવે છે.
પદાર્થ પ્રત્યે સમત્વ બુદ્ધિ કેળવાવી સહેલી છે પણ વ્યક્તિઓ પ્રત્યે સમત્વબુદ્ધિ કેળવવી ઘણું કઠીન છે. પદાર્થો કશી પ્રતિક્રીયા કરતા નથી જ્યારે વ્યક્તિઓ તો સ્વભાવ અનુસાર પ્રતિક્રિયાઓ કરતી હોય છે.
જે યોગી છે તે આવા અનેકવિધ વ્યક્તિઓ સાથે સમત્વબુદ્ધિ રાખી શકે છે કારણ કે તેણે જ્ઞાન વિજ્ઞાનમાં સ્થિત થઈને જાણી લીધું હોય છે કે અંત:કરણ અને સંસ્કારોના ભેદે સર્વ વ્યક્તિઓ જુદુ, જુદુ આચરણ કરે છે પણ તે સર્વને સત્તા અને સામર્થ્ય આપનાર તો એકમાત્ર પરમાત્માં છે. જેવી રીતે વિજળી ચાલી જતાં જુદા જુદા ગુણધર્મો ધરાવતાં ફ્રીજ, ટીવી, પંખા, બલ્બ, લાઈટ, કોમ્પ્યુટર વગેરે સાધનો એક સાથે તેમનું સામર્થ્ય ગુમાવી દે છે અને વીજળીની સત્તાથી સહુ કોઈ તેમના ગુણધર્મો પ્રમાણે કાર્ય કરવા લાગે છે. તેવી રીતે જુદા જુદા સ્વભાવ અને સંસ્કાર વાળી વ્યક્તિઓ એક જ પરમાત્માના સામર્થ્યથી પોત પોતાનો અભીનય ભજવે છે. જે શ્રેષ્ઠ યોગી છે તે સર્વ પ્રકારની વ્યક્તિઓ પરત્વે તેમની વર્તણુંક પ્રમાણે વ્યવહાર કરશે પણ અંદરથી તો તેની સર્વમાં સમબુદ્ધિ જ હશે અને સારી રીતે સમજતો હશે કે સર્વ કોઈ એક માત્ર પરમાત્માના જ અંશરુપે અભીનય ભજવે છે.