Man, મનુષ્ય, માનવી, માણસ એ શું છે? જેમાં મન મુખ્ય છે તે Man. પ્રત્યેક મનુષ્યને મન છે, અને આ મન માન્યતાઓથી ભરેલું પડ્યું છે. જુદા જુદા મનુષ્યો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. જોવાની ખુબી એ છે કે પ્રત્યેક મનુષ્ય એમ માને છે કે મારી માન્યતા સાચી છે અને આખું જગત મારી માન્યતા પ્રમાણે જ ચાલે છે.
આપણે ભગવદ ગીતાનો જ દાખલો લઈએ. જેટલા ભાષ્યકારો એટલા ભાષ્યો. હવે તેમાં આધુનીક કહેવાતા મનોવૈજ્ઞાનીક પણ ઉમેરાયા છે અને ભવીષ્યમાં યે પ્રત્યેક મનુષ્ય જ્યારે ભગવદગીતા વાચશે ત્યારે તેના અર્થો તેની માન્યતા મુજબ કરશે. સામાન્ય મનુષ્યો પ્રત્યેક બાબતને પોતાની માન્યતા અનુરુપ જોવા ઈચ્છે છે અને પ્રત્યેક ઘટનાના અર્થઘટન તેમની માન્યતા પ્રમાણે કરશે એટલે કે સામાન્ય મનુષ્યો “જેવી દૃષ્ટી તેવી સૃષ્ટી” પ્રમાણે જીવતા હોય છે.
સત્યના શોધકો કોઈની કે પોતાની માન્યતા પ્રમાણે જીવતા નથી હોતા તે જગતના શોધાયેલા અને હવે પછી શોધાનારા સત્યો અને તથ્યોની યથાર્થતા પોતાની વિવેક બુદ્ધીની એરણ પર ચકાસે છે અને છેવટે તેની બુદ્ધી અને અનુભુતીને પ્રમાણ ગણીને જગતને મુલવે છે. તેવા માનવો વિશિષ્ટ વ્યક્તિ તરીકે પંકાય છે અને પંકાયેલા ન હોય તો યે વિશિષ્ટ હોય છે. તેવા માણસો માટેની જગતને જોવાની દૃષ્ટી “સૃષ્ટી તેવી દૃષ્ટી” જેવી હોય છે.