Posts Tagged With: ભ્રામક માન્યતાઓ

(ભાગ 22 – ધ્યાન – ભ્રામક માન્યતાઓ) – જિતેન્દ્ર પટવારી

“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી

http://www.facebook.com/Self-Tune-In-274610603329454/

(jitpatwari@rediffmail.com)

Cell:7984581614

©️આ લખાણ  લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.

કુંડલિની, નાડી, ચક્રો વિગેરે વિષે આ લેખમાળાના પ્રથમ તબક્કામાં જાણ્યું. એ જોયું કે જિંદગીના તમામ પાસા આ ચક્રોની, નાડીની સ્થિતિ પર આધારિત છે. એ ખ્યાલ આવ્યો કે ધ્યાનથી વિવિધ ચક્રોની સ્થિતિમાં સુધારો આવે. હવે ધ્યાન વિષે થોડું વધુ સમજીએ.

યોગ અને ધ્યાન વિષે સમાજમાં જે સમજણ છે તે કદાચ અપૂર્ણ અને ભ્રામક પણ હોય તેવું જણાય છે. .યોગ એટલે આસનો એવી માન્યતા મૉટે ભાગે છે. અષ્ટાંગ યોગના અત્યંત અગત્યના અંગ એવા ધ્યાન વિષે સામાન્ય ખ્યાલ એવો છે કે ધ્યાનથી આધ્યાત્મિક ઉન્નતિ થાય. એ સિવાય વધીને એવો ખ્યાલ પણ ઘણાને છે કે ધ્યાનથી માનસિક શાંતિ મળે. બંને વસ્તુ તદ્દન સાચી છે. પરંતુ સર્વશ્રેષ્ઠ પ્રકારના મોબાઈલમાંથી 2 જ કામ એટલે કે ફોન થાય અને SMS મોકલી શકાય તેટલો મર્યાદિત આ ખ્યાલ છે. અમુક ભ્રામક માન્યતાઓ અને અધકચરી માહિતીને કારણે સમાજનો એક અત્યંત બહોળો વર્ગ ધ્યાનના અગણિત ફાયદાઓથી વંચિત રહી જાય છે. લેખમાળાના હવેના તબક્કામાં આપણે આ ભ્રામક માન્યતાઓ અને તેની સામે હકીકત શું છે, ધ્યાનના શું ફાયદાઓ છે, સાંપ્રત વિજ્ઞાનની દ્રષ્ટિએ તે પ્રતિપાદિત છે કે કેમ, ધ્યાન બાળકો કે ઉંમરલાયક, સ્ત્રી કે પુરુષ દરેક માટે કેમ ઉપયોગી છે, સમાજના ક્યા વર્ગ માટે વિશેષ જરૂરી છે, ધ્યાનની વિવિધ પદ્ધતિઓ, ધ્યાન દરમ્યાન થતા અનેરા અનુભવો, નિયમિત ધ્યાન બાદ થોડી ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી મળતી આશ્ચર્યજનક ઉપલબ્ધીઓ (Psychic Powers), ધ્યાન અંગે લોકોના મનમાં ઉઠતા સામાન્ય સવાલો (FAQ) વિગેરેની ચર્ચા ક્રમાનુસાર કરીશું.

આ બધી ચર્ચા કરતાં પહેલાં ધ્યાનના ફાયદા જાણવા માટે એક જાતઅનુભવ. 1998માં મને જીભ પર ‘હર્પીસ ઝૉસ્ટર’ નામનું વાઇરલ ઇન્ફેક્શન થયું જેની વધુ અસરમાં તાત્કાલિક મારી એક અતિ અગત્યની નર્વ (7th nerve) પૂરે પૂરી નુકશાન પામી. મેડિકલ પરિભાષામાં આ સ્થિતિને ‘રેમસે હન્ટ સિન્ડ્રોમ’ કહે છે. વિસ્મય ગ્રુપના અનેક મિત્રોએ મારો એ કસોટીકાળ જોયો છે. ભારતના સર્વશ્રેષ્ઠ ગણાતા ન્યુરોલોજીસ્ટનું મંતવ્ય એવું પડ્યું કે ‘હવે કંઈ થઈ શકે તેમ નથી’. ત્યાર બાદ લંડનના એક નામાંકિત ન્યુરો સર્જન દ્વારા પણ આ જ અભિપ્રાય આવ્યો. આયુર્વેદ, હોમીઓપથી, એક્યુપ્રેસર, એક્યુપંક્ચર, મેગ્નેટ થેરાપી, કલર થેરાપી તથા જે કંઈ પદ્ધતિ જાણવા મળી તે બધી અપનાવી જોઈ. પરિણામ ખાસ કંઈ ઉત્સાહજનક હતું નહિ. મારા બોસે મને ‘રેકી’ વિષે કહ્યું. તે વિષે પ્રાથમિક માહિતી મેળવી તે કંઈ બુદ્ધિગમ્ય હતી નહિ અને એ દિવસોમાં લોજીકલ સિવાયની વાત મને ગ્રાહ્ય હતી નહિ. આમ છતાં ‘ડૂબતા માણસે તણખલું ઝાલ્યું’ અને હું રેકી શીખ્યો. જિંદગીનો યુ ટર્ન ત્યાં હતો. બુદ્ધિ બહારના અનુભવોમાંથી બહુ જલ્દી પસાર થવા લાગ્યો. વિચારમંથન શરુ થયું કે ‘આમ’ થાય છે તે હકીકત છે, પરંતુ ‘આમ’ બની કઈ રીતે શકે? બુદ્ધિ થોડી વાર બાજુએ મૂકી અને રેકી (જે ખરેખર તો એક પ્રકારે ધ્યાન જ છે) પર તૂટી પડ્યો. ચમત્કારિક અનુભવોની હારમાળા શરુ થઈ. થોડા જ સમયમાં રેકીની આગળની કક્ષાઓમાંથી પસાર થઈ અંતે રેકી ગ્રાન્ડ માસ્ટર બની ગયો, એ દરમ્યાન જ કુંડલિનીમાં રસ જાગ્યો, ધ્યાનમાં અને સંલગ્ન બાબતોમાં ઊંડો ઉતરતો ગયો, હિમાલયના એક ઋષિની પરમ કૃપા પણ વરસી અને આ બધાનું પરિણામ એ આવ્યું કે ભારતના સર્વશ્રેષ્ઠ અને લંડનના નામાંકિત ડોક્ટરોના અભિપ્રાયથી વિરુદ્ધ રોગમાંથી તો બહાર આવ્યો જ પરંતુ તે સિવાયના અગણિત ફાયદાઓ મેળવ્યા. એક સમયે રોગની અસર હેઠળ ‘પ, ફ , બ’ જેવા અક્ષરોનો ઉચ્ચાર કરવામાં પણ તકલીફ હતી તેને બદલે ત્યાર બાદ સંગીતના જાહેર કાર્યકર્મ પણ આપ્યા, હજારો માણસોની મેદનીને અનેક વાર સંબોધન પણ કર્યું અને આ સિવાય પણ ઘણું થયું. આ અનુભવ પરથી પ્રોત્સાહિત થઈ અન્ય લોકો પણ આ વિષયમાં રસ લે તે માટે મૂળ ચર્ચા પર આવતાં પહેલાં આ વાત કહી રહ્યો છું.

હવે ‘ધ્યાન’ અંગેની થોડી ભ્રામક માન્યતાઓ જોઈએ.

(1) “ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે.”

તદ્દન ખોટું. સાચું એ છે કે ધ્યાન અને ધર્મ તે બંનેમાં મોટું અંતર છે. ધ્યાન આધ્યાત્મિક છે, ધાર્મિક નહિ. કોઈ પણ ધર્મમાં આસ્થા ધરાવતી અથવા તદ્દન નાસ્તિક વ્યક્તિ પણ ધ્યાન કરી તેના લાભ મેળવી શકે. શું ફક્ત યોગાસન કરવાથી કોઈ યોગી બની જાય? જો એમ ન હોય તો ધ્યાન કરવાથી કોઈ વ્યક્તિને ધાર્મિકનો સિક્કો મારી શકાય? અનેક લોકો ફક્ત શારીરિક/માનસિક તંદુરસ્તીના ઉદ્દેશથી વિવિધ પ્રકારે ધ્યાન કરે છે.

2) “ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલોમોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઉડી જાય).”

જરા વિચારીએ કે જિમમાં જાય તેમાંથી કેટલા ટકા લોકો વેઈટ લિફ્ટિંગમાં ઇનામ મેળવવા જાય છે? દુનિયામાં કરોડો અને અબજો લોકો એવા છે કે જે સામાન્ય જિંદગી જીવે છે અને નિયમિત ધ્યાન કરે છે જયારે ગણ્યાગાંઠ્યા લોકો મોનાસ્ટ્રીમાં કે આશ્રમમાં કાયમ વસવાટ કરવા ગયા છે. આવો ભય રાખવાનું કોઈ કારણ ખરું?

3) “અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય.”

અનેક પ્રયોગો દ્વારા બહુ સારી રીતે સાબિત થયેલું છે કે 2 મહિના જેટલા ટૂંકા ગાળામાં પણ બહુ નોંધપાત્ર શારીરિક અને માનસિક ફાયદા થયેલા છે. એ ચોક્કસ છે કે ટૂંકા ગાળામાં ધ્યાન દ્વારા Enlightened થવાની અપેક્ષા ન રખાય. પરંતુ એ પણ એટલું જ ચોક્કસ છે કે થોડા જ સમયમાં પણ માનસિક શાંતિ, નવો ઉત્સાહ, વધુ કાર્યક્ષમતા વિગેરે ફાયદા તો ખુદ અનુભવી શકાય. તાજેતરનો જ દાખલો છે. 21 દિવસ માટે મેં એક મેડિટેશન ગ્રુપ ચાલુ કરેલું જેમાં વિવિધ ક્ષેત્રના અનેક લોકો જોડાયેલા અને નિયમિત ધ્યાન કરતા. તે બધા જ લોકોએ 21 દિવસમાં જ અનેક ફાયદા મળ્યા તેવું કહ્યું છે અને એ લોકોએ આ 21 દિવસનું રીવીઝન પણ ચાલુ કરી દીધું છે. માટે કહી-સુની વાતો પર વિશ્વાસ કરવાને બદલે જાતઅનુભવ કરીએ તો કંઈ ખોટું નથી!

4) “સમયનો વ્યર્થ બગાડ છે.”

અત્યંત ઊંચા વ્યાજદર, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સલામતી પણ ખરી – આવું કંઈ મળે તો રોકાણ કરશો ? એમ જ સમજી દિવસની 20 થી 30 મિનિટનું રોકાણ કરી જોઈએ. બીજા ફાયદાઓ તો બાજુ એ રાખીએ પરંતુ સૌથી પહેલાં તો કાર્યક્ષમતા એટલી વધી શકે કે જે કામ 2 કલાકમાં કરી શકતા તે કદાચ ૧ કલાકમાં અને તે પણ વધુ સારી રીતે થઈ શકશે. અત્યંત મોટી કંપનીઓ પણ આ સમજી ગઈ છે અને ગૂગલ હોય કે માઈક્રોસોફ્ટ – સિલિકોન વેલીની અનેક કંપનીઓમાં ધ્યાન માટે ખાસ સમય ફાળવવામાં આવે છે અને ધ્યાન શીખવવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આપણા દેશની અનેક કંપનીઓમાં પણ આવી વ્યવસ્થા કરવામાં આવી છે.

5) “ધ્યાન એ ભાગેડુ વૃત્તિ છે, શાહમૃગ વૃત્તિ છે, સમસ્યાઓથી ભાગવાનો પ્રયાસ છે.”

જે વ્યક્તિએ ધ્યાનમાં જવાનો કોઈ દિવસ પ્રયાસ કર્યો હશે તો તેને ખ્યાલ હશે કે આ કેટલી ખોટી વાત છે. જે સમસ્યાઓ અથવા વિચારો ન જોઈતા હોય તે તો ધ્યાન દરમ્યાન સામે જ આવે. જયારે નવું-નવું ધ્યાન કરવાનું શરુ કર્યું હોય ત્યારે તો ખાસ.

ઓક્સફર્ડ ડીક્ષનેરીમાં Escapismનો જે અર્થ બતાવ્યો છે તે જોઈએ તો ડિસ્ટ્રેક્શન અથવા ફેન્ટસીમાં જઈએ તેને ભાગેડુવૃત્તિ કહેવાય. TV, સોસીઅલ મીડિયા, આલ્કોહોલ, ડ્રગ એ બધા આ કક્ષામાં આવે. ધ્યાન તો એવી વસ્તુ છે કે જાગૃતિ લાવે, છેક અંદરથી બધું ઉખેડીને બહાર લાવે. ખુદના પડછાયાથી ભાગવાનું ધ્યાનમાં શક્ય જ નથી. એટલે તો જે લોકો ધ્યાનમાં નવા હોય ત્યારે તેમને ખૂબ અઘરું લાગે, જેનાથી છટકવા માંગતા હોય તે બધી જ વાતો સામે જ આવી જાય. જયારે ધ્યાન જીવનમાં વણાય જાય ત્યારે આ બધી સમસ્યાઓ અથવા અણગમતી વાતોનો સામનો કરવાની હિમ્મત આપોઆપ આવી જાય.

6) “ધ્યાન મોટી ઉંમરની વ્યક્તિઓએ કરવાની વસ્તુ છે.”

ધ્યાનના જે અગણિત ફાયદા છે તેમના ફક્ત અમુક જોઈએ અને નક્કી કરીએ કે કોઈ પણ ઉંમરની વ્યક્તિએ કરાય કે મોટી ઉંમરની વ્યક્તિએ જ.

(A) એકાગ્રતા વધે

(B) ક્રિયાત્મક્તા – Creativity વધે.

(C) ગુસ્સો ઓછો થાય અને જુસ્સો વધે.

(D) મગજના કોષો અત્યંત ક્રિયાશીલ થાય.

(E) વિપરીત સંજોગોમાં શાંત રહી શકાય. માનસિક તણાવ ઓછો રહે અથવા ન રહે.

(F) સ્પર્ધાત્મક સંજોગોમાં પણ શાંત રહી શકાય.

આ સિવાયના અનેક ફાયદાઓ છે કે જે આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. હાલમાં ફક્ત ઉપર દર્શાવેલા થોડા જ ફાયદાઓ જોઈ નક્કી કરવાનું વાંચકો પર છોડું છું કે ધ્યાન મોટી ઉંમરની વ્યક્તિઓએ જ કરવાની વસ્તુ છે કે નાની ઉંમરની વ્યક્તિઓને પણ ફાયદો કરે? “

લેખમાળાને આગળ વધારતા પહેલાં ધ્યાન વિશેના એક રમુજી અનુભવ સાથે આજનો લેખ પૂરો કરીશ.

અમે ચારધામ યાત્રા પર ગયેલા. અત્યંત ઠંડીમાં કેદારનાથમાં વહેલી સવારે દર્શન માટે ગયા. મને એ ખ્યાલ હતો કે મૂર્તિની પાછળના ભાગમાં વાઈબ્રેશન્સ વધારે હોય. આગળનો ભાગ ત્યાં એકઠા થતા વિવિધ લોકોના વાઈબ્રેશન્સને કારણે મૂર્તિના પ્રભાવને થોડો ઓછો કરે. ઠંડી ખૂબ હતી. વધારે સમય ત્યાં રોકાઈ શકાય તેવું ન હતું. પરંતુ ધ્યાન કરવાની લાલચ રોકી શક્યો નહિ. મૂર્તિની પાછળ ગયો અને ભીંતના ટેકે ઉભા રહીને જ ધ્યાન કરવાનું શરુ કર્યું. વાઈબ્રેશન્સ ખૂબ હતા અને મારી હથેળીમાં ભટકાતા હતા. મારો હાથ જાતે જ આગળ આવી ગયો અને હથેળી છત તરફ હતી. એકદમ ધ્યાનમાં ઉતરી ગયો. ત્યાં અચાનક હથેળીને કોઈનો સ્પર્શ થયો અને આંખ ખુલી ગઈ. જોયું તો મને રાજા (!) સમજી કોઈ દયાળુ જીવ મારા હાથમાં એક સિક્કો પધરાવી ગયો હતો. ત્યાર બાદ જાહેર સ્થળે હાથ આગળ રાખીને ધ્યાન કરવાની ખો ભૂલી ગયો.

આવતા લેખમાં ધ્યાનના ફાયદાઓ વિષે ચર્ચા કરીશું. ભ્રામક માન્યતાઓ વિષે ઘણું બાકી છે. પરંતુ એક લેખમાં એ માન્યતાઓ, બીજા લેખમાં ફાયદાઓ, એ પછીના લેખમાં ફરી માન્યતાઓ – તે પ્રમાણે આગળ વધીશું.

ક્રમશઃ

જિતેન્દ્ર પટવારી

Categories: રસપ્રદ લેખો, વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.