મિત્રો,
આજે એક અરજી ક્યાં પહોંચી છે તેની માહિતિ મેળવવાના સંદર્ભે તાલુકા પંચાયતની ઓફીસે જવાનું થયું. હવે માહિતિ અધિકાર હેઠળ આપણે કોઈ પણ સરકારી કાર્યવાહીની મહિતિ મેળવી શકીએ છીએ જે એક આનંદની વાત છે. ફોર્મ ભરીને તેની ફી ભરવા ગયો તો ફી લેનારા કેશીયર સાહેબ બહાર ચાલ્યા ગયાં હતાં. એક સેવાભાવી સહકાર્યકરે વળી સેલફોનથી વાત કરીને પુછ્યું કે તમે ક્યારે આવશો? અહિં એક ભાઈ ફી ભરવા આવ્યાં છે. પેલા ભાઈએ કહ્યું મને આવતાં વાર લાગશે પણ આમેય તેમનું કામ નહિં થાય કારણ કે મોટા સાહેબની સહી જોઈશે અને તે તો ગેર-હાજર છે માટે તેમને કહો કે કાલે આવે.મારા મનમાં થોડાં પ્રશ્નો થયાં (મને પણ પ્રશ્નો થાય છે).
૧. ઓફીસના સમયે પોતાની ખુરશી પર બેસવાની કેશીયરની ફરજ નથી?
૨. વહિવટી કામ ન અટકે તે માટે ઉપરી અધિકારી ન હોય તો તેમની અવેજીમાં ઈન્ચાર્જ ઓફીસર ન હોવા જોઈએ?
ત્યાંથી બહાર નીકળ્યો તો દિવાલ પર ઠેર ઠેર સુવાક્યો લખેલા જોયા. એક સુવાક્ય વાંચીને મારું ધ્યાન ખેંચાણું અને તરત જ ખીસ્સાવગો મોબાઈલ કાઢીને તેની છબી ઉતારી લીધી.
મને થયું કે હું પેઈન્ટર નથી, મેં કદી સુવાક્યો દિવાલમાં લખ્યાં નથી તો પછી મારી જેવી ભૂલો કરનાર વળી આ ક્યો પેઈન્ટર હશે? હું તો બ્લોગમાં ઘણી વખત ’જય’ નું ’જાય’ લખી નાખું છું પણ આ તો દિવાલ પર ’ઉદારતા’ નું ’ઉદારાતા’ લખી નાખ્યું છે.