ખેતડીના મહારાજાના માનપત્રના જવાબના અંશો અત્રે પ્રસ્તુત છે. સમગ્ર જવાબ વાંચવા લેખને છેડે આપેલ લિંક પર ક્લિક કરશો.
ભારતની જીવનશક્તિ ધર્મમાં રહેલી છે, અને જ્યાં સુધી હિંદુ પ્રજા પોતાના પૂર્વજોનો મહાન વારસો ભૂલશે નહીં, ત્યાં સુધી પૃથ્વીના પટ પર એવી કોઈ પણ તાકાત નથી કે જે તેનો નાશ કરી શકે.
આજના જમાનામાં જેઓ સદાય પોતાના ભૂતકાળ તરફ જ જોયા કરે છે, તેમનો સૌ વાંક કાઢે છે. એમ પણ કહેવામાં આવે છે કે ભારતનાં સર્વ દુ:ખોનું કારણ ભૂતકાળ તરફ આટલી બધી નજર નાખ્યા કરાય છે તે છે. ઊલટાનું મને તો લાગે છે કે એથી વિપરીત વાત જ સાચી છે. જ્યાં સુધી હિંદુ પ્રજા પોતાના ભૂતકાળને ભૂલી ગઈ હતી ત્યાં સુધી એ મૂર્છિત અવસ્થામાં પડેલી હતી; પરંતુ જ્યારે તેણે પોતાની ભૂતકાળમાં દૃષ્ટિ દોડાવવા માંડી, ત્યારે તરત જ જીવનમાં ચોમેર એક નવી જ જાગૃતિ દેખાવા લાગી છે. ખરું તો આ ભૂતકાળમાંથી જ ભવિષ્યનું ઘડતર થવાનું છે. આ ભૂતકાળ જ ભાવિ થઈને ઊભો રહેવાનો છે.
ભારતનું અધ:પતન થયું તેનું કારણ તેના પૂર્વજોના કાયદા અને રિવાજો ખરાબ હતા તે નથી, પરંતુ તે કાયદા અને રિવાજોને તેમનાં સ્વાભાવિક પરિણામોએ પહોંચતા સુધી પકડી રાખવામાં ન આવ્યા તે છે.
પ્રાચીન ભારત પોતાના બે આગેવાન વર્ણો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની મહત્વાકાંક્ષી યોજનાઓનું સૈકાંઓ સુધી સમરાંગણ બની રહ્યું હતું.
એક બાજુ પ્રજાને પોતાનું કાયદેસરનું ભક્ષ્ય જાહેર કરનાર રાજાઓના નિરંકુશ સામાજિક જુલમો આડે પુરોહિત વર્ગ ઊભો હતો. બીજી બાજુએ પુરોહિતવર્ગના આધ્યાત્મિક જુલમ અને લોકોને પકડમાં રાખવા માટે ઘડાતા ક્રિયાકાંડોમાં સતત થયા કરતા ફેરફારોની આડે કંઈક પણ સફળતાપૂર્વક ઝઝૂમનારું એક માત્ર બળ ક્ષત્રિયશક્તિ હતું.
જ્યારે ક્ષત્રિયશક્તિ અને જ્ઞાનના પક્ષના નેતા તરીકે શ્રીકૃષ્ણે સમાધાનનો માર્ગ બતાવ્યો ત્યારે ક્ષણિક યુદ્ધવિરામ આવેલો. પરિણામે તત્ત્વજ્ઞાન, ઉદારતા અને ધર્મના નિચોડ સમો ગીતાનો ઉપદેશ મળ્યો. છતાંય કારણો તો ઊભાં હતા જ, એટલે કાર્ય પણ પાછળ આવવું જોઈએ.
એ એક સૂચક હકીકત છે કે પ્રાચીન ભારતે પેદા કરેલા બે મહાનમાં મહાન માનવો – કૃષ્ણ અને બુદ્ધ – બંને ક્ષત્રિયો હતા; અને એથીયે વધુ સૂચક હકીકત તો એ છે કે આ બંને ઈશ્વરાવતારોએ જન્મ કે લિંગભેદ વિના સૌ કોઈને માટે જ્ઞાનના દરવાજા સાવ ખુલ્લા મૂકી દીધા.
બૌદ્ધ ધર્મમાં અદભુત નૈતિક તાકાત હોવા છતાં તે મૂર્તિપૂજાનો અત્યંત વિરોધી હતો; તેનું ઘણું બળ માત્ર નિષેધાત્મક પ્રયત્નોમાં ખેંચાઈ જવાને લીધે, એને પોતાની જન્મભૂમિમાં જ મરણને શરણ થવું પડ્યું. સૌથી વધુ તો આર્ય, મોંગોલો અને આદિવાસીઓનો શંભુમેળો તેણે ઊભો કર્યો તેમાં તેણે લોકોને કેટલાક ઘૃણાજનક વામાચારોને માર્ગે ચડાવી દીધા. એ મહાન અવતારના ઉપદેશોના આ હાસ્યજનક અવશેષોને શ્રી શંકરાચાર્ય અને તેમની સંન્યાસી મંડળીએ ભારતમાંથી તગડી મૂક્યાં તેનું કારણ ખાસ કરીને આ હતું.
આર્યાવર્તના બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું શું થયું હતું? પોતે બ્રાહ્મણો અને ક્ષત્રિય હોવાનો દાવો કરતી અહીં તહીની થોડીક વર્ણસંકર કોમો સિવાય એમનો તો સદંતર લોપ જ થઈ ગયો હતો. અને તેમના બડાઈ મારનારાં આત્મશ્લાઘાનાં વચનો, જેવા કે આખા વિશ્વે તેમની પાસેથી એટલે કે
એતદેશપ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મન:
’આ દેશમાં જન્મેલા બ્રાહ્મણો પાસેથી’ શીખવાનું છે વગેરે બધું હોવા છતાંય તેમને કપાળે તો ભભૂત ભૂંસી, અંગે અબોટીયાં પહેરી, બે હાથ જોડી દાક્ષિણાત્યોના ચરણે બેસીને ભણવાની વારી આવી. પરિણામ એ આવ્યું કે વેદો ભારતમાં પાછા આવ્યા. ભારતે કદીયે જોયું ન હતું એવું વેદાન્તનું પુનરુથાન થયું, અને ગૃહસ્થાશ્રમી લોકોએ સુદ્ધાં આરણ્યકોના અધ્યયનનો આરંભ કર્યો.
ખેતડી નરેશ ! એટલું સમજી લેજો, કે આપના પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય – વિશ્વ એક છે – એ છે. પોતાને ઈજા પહોંચાડ્યા વિના કોઈ પણ માણસ બીજાને ઈજા પહોંચાડી શકે ખરો ? બ્રાહ્મણો અને ક્ષત્રિયોની જોહુકમી તેમના પોતાના જ માથા ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પછડાઈ છે, અને કર્મનો નિયમ હજારો વર્ષ થયાં તેમના ઉપર ગુલામી અને અધ:પતન લાદી રહ્યો છે.
આપના એક પૂર્વજે જે કહ્યું હતું તે આ છે :
ઈહૈવ તૈર્હિત: સર્ગો યેષાં સામ્યે સ્થિતં મન: |
’જેમનું મન સમસ્વરૂપ પરમાત્મામાં સ્થિત થયું છે, તેઓ આ જીવનમાં જ જગ જીતી ગયા છે.’ આ પૂર્વજને ઈશ્વરના અવતાર માનવામાં આવે છે. આપણે સહુ એ માનીએ છીએ. તો શું તેમના શબ્દો વ્યર્થ અને નિરર્થક છે? જો ન હોય, અને આપણે જાણીએ છીએ કે એ નથી, તો જન્મ, જાતિ, અરે અધિકારની સુદ્ધાં ગણતરી વિના, આ આખી સૃષ્ટિના સંપૂર્ણ ઐક્યની વિરુદ્ધનો કોઈ પણ પ્રયાસ, એક ભયંકર ભૂલ છે. અને જ્યાં સુધી આ સામ્યની ભાવનાનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર થાય નહીં.
માટે ઉચ્ચવંશી રાજવી ! વેદાંતના ઉપદેશને અનુસરો. આ કે પેલા ભાષ્યકારે સમજાવ્યા છે તે મુજબ નહીં, પરંતુ તમારી અંદર રહેલ ઈશ્વર સમજે છે તે મુજબ અનુસરો. સૌથી વધારે તો સર્વ ભૂતોમાં, સર્વ વસ્તુઓમાં, સર્વ કંઈમાં એક ઈશ્વરને જોઈને સમત્વના આ મહાન સિદ્ધાંતને અનુસરો.
અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખના કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે.
અસમાનતા માનવ સ્વભાવનું હળાહળ વિષ છે, માનવજાત પરનો શાપ છે, સર્વ દુ:ખોનું મૂળ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, સર્વ બંધનોનું આ મૂળ છે.
સમં પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ |
ન હિનસ્ત્યાત્મનાત્મનં તતો યાતિ પરાં ગતિમ ||
’સર્વત્ર ઈશ્વરને સમભાવે રહેલો જોવાથી તે એક આત્માને આત્માથી હણતો નથી, અને તેથી પરા ગતિને પામે છે.’ આ એક જ વચનમાં, થોડા જ શબ્દોમાં, મુક્તિનો વિશ્વવ્યાપી માર્ગ સમાયેલો છે.
રજપૂતો ! તમે પ્રાચીન ભારતનો મહિમા હતા; તમારા અધ:પતનની સાથે જ પ્રજાનું પતન થયું. અને ભારતનો ઉદ્ધાર તો જ થાય જો ક્ષત્રિયોના વંશજો બ્રાહ્મણોના વંશજોને સહકાર આપે. આ સહકાર સત્તા અને સંપત્તિની લૂંટનો ભાગ પાડવામાં નહીં, પરંતુ નબળાને સહાય કરવામાં, અજ્ઞાનીઓને જ્ઞાન આપવામાં અને પોતાના પૂર્વજોની પવિત્ર ભૂમિની ગુમાવેલી કીર્તિ પાછી મેળવવામાં થવો જોઈએ.
અને કોણ કહે છે કે સમય સાનુકૂળ નથી? ફરી પાછું એક વાર ચક્ર ફરવા માંડ્યું છે. ફરી એક વાર ભારતમાંથી આંદોલનો ગતિમાન થયાં છે, અને બહુ નજીકના સમયમાં જ પૃથ્વીના દૂરમાં દૂરને છેડે પહોંચાડવાને એ નિર્માયેલાં છે. એક એવો અવાજ ઊઠ્યો છે કે જેના પડઘા લંબાતા લંબાતા, રોજ રોજ જોર પકડતા જાય છે; એક એવો અવાજ છે કે જે તેની પૂર્વેના બધા અવાજો કરતાં વધુ બળવાન છે, કારણ કે એ પૂર્વના બધા અવાજોની પૂર્ણાહુતિ છે. જે અવાજ સરસ્વતીના કિનારા પર ઋષિઓની સમક્ષ ઊઠ્યો હતો, જે અવાજના પડઘાઓ નગાધિરાજ હિમાલયના શિખરે શિખરે ગર્જી ઉઠ્યા હતા અને સર્વગ્રાહી મહાપૂરની પેઠે કૃષ્ણ, બુદ્ધ અને ચૈતન્ય દ્વારા ભારતનાં મેદાનો ઉપર ઊતરી આવ્યા હતા, તે અવાજ ફરી એક વાર ગર્જી ઊઠ્યો છે. ફરી એક વાર દ્વાર ખુલ્લાં થયાં છે. તમે સર્વે પ્રકાશના સામ્રાજ્યમાં પ્રવેશ કરો, કારણ કે ફરી એક વાર દરવાજા પૂરેપૂરા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.
– વિવેકાનંદ
ધર્મભૂમિ ભારત – સ્વામી વિવેકાનંદ