Posts Tagged With: બોધકથા

પાડાઓની લડાઈ

એક વખત મારે અમારા એક સ્વજનની અંતીમયાત્રામાં જવાનું થયું. શબને લઈ જવાને થોડી વાર હતી. બહાર શેરીમાં કુટુંબીજનો અને અન્ય સગા વહાલાઓ આવી રહ્યાં હતા. એકાએક બે પાડા લડતા લડતા શેરીમાં આવી પહોંચ્યાં. કેટલાક લોકો ગભરાઈ ગયાં. એક બે જુવાનીયાઓ તેમને શેરીની બહાર કાઢવા માટે લાકડીઓ લઈને પાછળ પડ્યાં. તેઓ લડતા લડતા બહાર ગયા. થોડી વાર થઈ ત્યાં ફરી પાછા લડતા લડતા શેરીમાં આવ્યાં. ફરી પાછા હિમંતવાન જુવાનીયાઓ તેમને હાંકી કાઢવા માટે પ્રયત્નશીલ થયાં. એક શાણા વડીલે સલાહ આપી કે તેમને બંનેને એક જ બાજુ તગેડશો તો તે સાથે જ રહેશે અને ફરી પાછું તેમનામાં રહેલું ખુન્નસ બહાર આવશે તેથી તે લડવા લાગશે. જુવાનીયાઓએ પુછ્યું કે તો શું કરવું? વડીલે કહ્યું કે બંનેને શેરીના જુદા જુદા છેડે હાંકી કાઢો. જેથી બંને છુટા પડી જશે. તેવી રીતે બંનેને હાંકી કાઢ્યા તેથી તેઓ શાંત થઈ ગયા અને શેરીમાં એકઠા થયેલા લોકોએ હાશકારો અનુભવ્યો.

શેરીમાં માણસો શા માટે એકઠા થયા હતા તેમની સાથે તે પાડાને કશુ લાગતું વળગતું નહોતું. તે પાડાઓને લડવું હતુ અને શેરી તો તેમને લડવાનું માત્ર માધ્યમ હતી.

પાડાઓને શક્ય હોય તો લડતા અટકાવવા અને જો શક્ય હોય તો શેરીની બહાર કાઢી મુકવા પણ શેરીને લડાઈનું માધ્ય્મ ન બનવા દેવું જોઈએ.

આ જગતમાં કેટલાયે પાડાઓ મનુષ્યરુપે ઝગડ્યા કરતાં હોય છે. આપણાં મનની શેરીમાં આવા પાડાઓની લડાઈને દાખલ ન થવા દેવી તેમાં જ શાણપણ રહેલું છે.

Categories: કેળવણી, ચિંતન, ટકોર, લઘુકથા, શિક્ષણ | Tags: , , | 9 Comments

શું સાધુ-સાધ્વિ થવું સહેલું છે?

મિત્રો,

આજે એક નાનકડી વાર્તા માણીએ.

એક વખત એક સંત પાસે એક ભાઈ આવ્યા અને કહે કે મારે સાધુ થવું છે – તમે મને દિક્ષા આપશો?

સંતે તેની સામે પ્રેમથી જોયું અને કહ્યું કે તું એક કામ કર. તારા ઘરે જા – તારા કોઈ એક મૃત્યું પામેલા દુશ્મનને યાદ કરી અને મનમાં ને મનમાં તેને ખૂબ ગાળો આપજે.

ભાઈ તો ઘરે ગયા – જેટલી ધૃણા હતી તેટલી તીવ્રતાથી તેણે પોતાના મૃત દુશ્મનને ગાળો આપી. પછી સંત પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મહારાજ ખૂબ ગાળો આપી આવ્યો. સંતે શાંતિથી તેની સામે જોયું અને પુછ્યું કે શું કહ્યું તારા દુશ્મને? પેલા ભાઈ કહે કે અરે તે તો મરી ગયો છે તે શું કહેવાનો છે? સંતે કહ્યું સારુ કે હવે પાછો તારા ઘરે જા અને મનથી તેની માફી માંગી અને ખૂબ વખાણ કરજે.

ભાઈ તો ઘરે ગયા – દુશ્મનની માફી માંગી અને તેને કાલાવાલા કર્યા (મનથી). પછી તેની તરફ ખૂબ પ્રેમના તરંગો મોકલ્યાં. પાછા આવ્યા સંત પાસે અને કહ્યું કે મેં આ પ્રમાણે કર્યું છે.

સંતે તેને પુછ્યું તારા બંને વખતના વ્યવહાર વખતે તને શું અનુભુતી થઈ અને તારા દુશ્મનને શું અનુભૂતી થઈ?

ભાઈ કહે ગુસ્સામાં હું મારા મનનો કાબુ ગુમાવી બેઠેલો – મારું શરીર પણ ધૃજવા લાગેલું જ્યારે મેં માફી માંગી ત્યારે મને એકદમ શાંતિ થઈ અને જ્યારે મેં પ્રેમના તરંગો મોકલ્યા ત્યારે મને આનંદની અનુભુતી થઈ. મારા દુશ્મને તો કશો જ પ્રતિભાવ ન આપ્યો કારણ કે તે તો મરી ગયો છે.

સંતે કહ્યું જ્યાં સુધી તું લાગણીઓના પ્રવાહમાં તણાઈ જા છો ત્યાં સુધી તું સંસારમાં જ રહે. જે સમયે લોકો તને હજ્જારો ગાળો આપે કે પેટભરીને તારા વખાણ કરે તે બંને સ્થિતિમાં તુ જો સમ રહી શકે તારી પ્રજ્ઞા સ્થીર રહી શકે – ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ જેવા બધાં લક્ષણો તારામાં આવી જાય ત્યારે તું મારી પાસે આવજે – હું તને જરૂર સંન્યસ્તની દિક્ષા આપીશ.

તા.ક. સ્મશાનવૈરાગ્યથી કે કપડાં બદલવાથી કોઈ સાધુ – સાધ્વિ થઈ નથી જતા – સાચા સંત બનવા માટે સતત મનને કેળવવું પડે છે.

Categories: ચિંતન, ટુંકી વાર્તા, લઘુ કથા/બોધ કથા | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.