Posts Tagged With: ફાધર વર્ગીસ પોલ

તમારું કુટુંબ સુખી છે ? – ફાધર વર્ગીસ પોલ

મારાં કેટલાંક ઓળખીતાં ભાઈબહેનોની સુખસમૃદ્ધિથી હું સુપેરે પરિચિત છું. કેટલાંકના આચારવિચારમાં જીવન જીવવાના સાચા આનંદનો અનુભવ મને દેખાય છે. એટલે મારા મનમાં કેટલાક પ્રશ્નો જાગે છે. શું એ સુખસમૃદ્ધિ તેમનું ખરું જીવન પ્રતિબિંબિત કરે છે કે પોકળ દેખાવ માત્ર છે ? તેઓ અને તેમનું કુટુંબ ખરેખર સુખી છે ? તેઓ અને તેમનાં આપ્તજનો જીવન જીવવાનો ખરો આનંદ માણે છે ? તેઓ ખરેખર પોતાના કુટુંબને કેવી રીતે સુખી બનાવી શકે છે?

મને લાગે છે કે, સૌ કુટુંબીજનો અને વિશેષ તો કુટુંબના વડીલો આ પ્રશ્નોનો વિચાર કરીને, અને યોગ્ય પગલાં ભરીને પોતાના કુટુંબને ખરેખર સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે. રશિયાના જગપ્રસિદ્ધ સાહિત્યકાર ટૉલ્સટૉય કહે છે, સુખ સૌભાગ્ય માણતાં બધાં કુટુંબોમાં સર્વસામાન્ય લક્ષણો હોય છે. જ્યારે દરેક દુ:ખી કુટુંબ પોતપોતાની રીતે જ દુ:ખ વેઠીને જીવે છે. એટલે સુખની જેમ દુ:ખનાં કોઈ સર્વસામાન્ય લક્ષણો નથી. અહીં સુખસમૃદ્ધિ માણતાં કુટુંબોનાં સામાન્ય કહી શકાય એવાં દસેક લક્ષણોની ચર્ચા કરું છું.

(1) એક, પ્રાર્થના – સુખી કુટુંબજીવનનો અનિવાર્ય ભાગ છે દૈનિક પ્રાર્થના. કુટુંબના સૌ સભ્યો ભગવાનને પોતાના કુટુંબના નાયક કે કુળદેવતા તરીકે સ્વીકારે છે. આદરભક્તિ કરે છે. કુટુંબનો દરેક સભ્ય સવારે ઊઠે ત્યારે બધા સાથે કે એકલા પોતાનો દિવસ અને પોતાના સૌ આચારવિચાર ભગવાનને ચરણે સમર્પે છે અને પોતાને માટે, કુટુંબના સભ્યો માટે તથા સમાજ ને રાષ્ટ્ર માટે ભગવાનની કૃપા ને આશિષ યાચે છે. સુખી કુટુંબના રોજના ભોજન જેટલો અગત્યનો ભાગ છે દૈનિક પ્રાર્થના. સામાન્ય રીતે રોજની પ્રાર્થના માટે ઘરની ચોક્કસ ઓરડી કે અલાયદી જગ્યા હોય છે. ત્યાં રોજના ક્રમ મુજબ નિયત સમયે ભક્તિગીતથી પ્રાર્થના શરૂ કરી શકાય. ગીતા, બાઈબલ જેવા પવિત્ર ગ્રંથોના પાઠ, ધ્યાનમનન વગેરે રોજની પ્રાર્થનાના ભાગો બની શકે છે.

બાળકોને માબાપ પ્રાર્થના શિખવાડે છે અને એમની ઉંમર પ્રમાણે રોજની પ્રાર્થનાના અમુક ભાગમાં કે સમગ્ર પ્રાર્થનામાં ભાગ લેવડાવે છે. કેટલાંક માબાપ પોતાનાં સંતાનો પાસે જ પવિત્ર ગ્રંથોમાંથી પાઠ વાંચવામાં આગેવાની લેવડાવે છે. પાંચ-સાત મિનિટની મૌન પ્રાર્થના પણ રોજની પ્રાર્થનાનો ભાગ થઈ શકે છે. આ મૌન પ્રાર્થના દરમિયાન દરેક સભ્ય પોતાના પર કે કુટુંબ પર પ્રભુએ વરસાવેલા અનુગ્રહાશિષ માટે ભગવાનનો આભાર માની શકે છે. ભગવાનની સ્તુતિ કરી શકે છે. ભૂલો માટે ભગવાન પાસે ને એકબીજા પાસે ક્ષમા-માફી પણ માગી શકે છે.

(2) બે, કૌટુંબિક સમૂહ ભોજન. કુટુંબમાં માબાપ અને બાળકોએ સાથે જમવું એ એક સુખી કુટુંબનું લક્ષણ છે. કુટુંબના સભ્યો બધા સાથે જમીને કૌટુંબિક એકતા પ્રગટ કરે છે. એટલે સુખી કુટુંબના સભ્યો સાથે ભોજન લેવાની રીતનો આગ્રહ રાખે છે. સવાર, બપોર ને સાંજ દરેક વખતે સાથે જમવાનું બધા સભ્યો માટે શક્ય ન હોય તો ઓછામાં ઓછું રોજ એકાદ ભોજન બધાં સાથે બેસીને આરામ ને ઉલ્લાસથી લઈ શકે તો સારું છે. દિવસના કામધંધાથી પરવાર્યા પછી સાંજે ઘેર આવીને બધા સભ્યો સાથે ભોજન લઈ શકે છે. આ પ્રકારનાં કૌટુંબિક ભોજન દરમિયાન આનંદ-ઉલ્લાસનું વાતાવરણ હોય એ અંગે બધા સભ્યોએ સભાન રહેવાની જરૂર છે. વાતચીત આનંદ અને કદરની હોય એ ઈચ્છનીય છે. કોઈ સભ્ય પર આરોપ મૂકવાનું કે નિંદનીય વાત કરવાનું બધા ટાળે છે. ભોજનની કે અન્ય બાબતોની ટીકાટિપ્પણીથી બધા સભ્યો દૂર રહે છે.

કૌટુંબિક ભોજન દ્વારા સૌ સભ્યોની એકતા પોષાય અને બધા એક મન અને એક દિલના થાય એ માટે કીમતી ખોરાકની જરૂર નથી, પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન ચોક્કસ મદદરૂપ થાય છે. સમય, સગવડ ને સંજોગ પ્રમાણે અવારનવાર નવી અને વૈવિધ્યપૂર્ણ વાનગીઓ પણ તૈયાર કરવામાં આવે છે. જમતી વખતે સારી વાનગીઓ બધાને સરખી રીતે પ્રમાણસર મળે એ માટે બધા સભ્યો કાળજી રાખે છે.

(3) ત્રણ, સંવાદ. સુખી કુટુંબમાં હંમેશાં એકતા અને આનંદ હોય છે. એ એકતા અને આનંદને પોષનાર બાબત છે સંવાદ. રોજબરોજના કૌટુંબિક જીવનમાં સૌ સભ્યો સાથે મળીને વાતચીત કરવા માટે સમય ફાળવવામાં આવે છે. સાંજના કૌટુંબિક ભોજન પછી બધા સાથે મળીને ભોજનસ્થળ અને વાસણની સાફસૂફી કરે. ત્યાર પછી બધા એકાદ કલાક સાથે બેસીને આરામથી કુટુંબના બધા સભ્યો સાથે વાતચીત કરી શકે છે.

આ પ્રકારના રોજના કૌટુંબિક સંવાદ દ્વારા રોજના સુખદુ:ખની વાત કરે છે અને એકબીજાને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. કુટુંબના આત્મીય વાતાવરણમાં એકબીજાના આચારવિચારનો વિનિમય કરે છે. દિવસના સુખદુ:ખના અનુભવોની બધા સાથે ચર્ચા કરે છે. કૌટુંબિક સંવાદમાં બધા સાથે કૌટુંબિક યોજનાઓ, કૌટુંબિક કાર્યક્રમો તેમજ સમાજ અને ધર્મની વાતો અંગે બધા ખુલ્લા મનથી ચર્ચાવિચારણા કરે છે.

સંવાદમાં એકબીજાની ભૂલો ને ગેરસમજ તરફ પ્રેમથી બધાનું ધ્યાન ખેંચાય છે. આદર અને કદરના વાતાવરણમાં ભૂલો સુધારવામાં આવે છે. બાળકોને સાચી-ખોટી બાબતોનો ખ્યાલ આપી એમના સ્વભાવ ઘડતરમાં માબાપ ધ્યાન આપે છે. આ પ્રકારનો સંવાદ કુટુંબના સૌ સભ્યોને કૌટુંબિક કજિયાકંકાસથી દૂર રાખે છે અને આનંદઉલ્લાસના વાતાવરણમાં વિકસવા માટે સૌ સભ્યોને મોકો મળે છે.

(4) ચાર, વિશ્વાસ. સુખી કુટુંબનું ચોથું લક્ષણ છે કુટુંબના સભ્યોનો અરસપરસનો ભરોસો કે વિશ્વાસ. પતિએ પત્ની પર અને પત્નીએ પતિ પર તેમજ માબાપે સંતાનો પર અને સંતાનોએ માબાપ પર પૂરો વિશ્વાસ રાખવાથી એક કુટુંબમાં સૌ સભ્યોને સુરક્ષાનો અનુભવ થાય છે. કુટુંબમાં દરેક સભ્ય બીજા બધા સભ્યોનો વિશ્વાસપાત્ર બને એ રીતે આચારવિચાર કરે છે અને વિશ્વાસભંગ થાય એવી પ્રવૃત્તિઓ, સોબતો અને એવા સંજોગોથી દૂર રહે છે. કોઈ કારણસર એ ભરોસામાં વિધ્ન આવ્યું હોય તો એવાં વિધ્નોને દૂર કરવા અને ભરોસાપાત્ર રીતે વર્તવા એ સભ્ય પ્રયત્ન કરે છે.

ઘણી વાર કુટુંબના સભ્યોનાં કાર્યક્ષેત્ર ભિન્નભિન્ન હોય છે અને જાતજાતના લોકો સાથે કામ કરવાનું હોય છે. એટલે કોઈક વાર કુટુંબના સભ્યો એકબીજા પર શંકાકુશંકાઓ સેવે અને એકબીજા પર મૂકેલા ભરોસાની કસોટી થાય. અગ્નિપરીક્ષા થાય. આવા વખતે શંકાકુશંકાઓ રાખી સામેની વ્યક્તિને ‘રંગેહાથ’ પકડવાની તક શોધવાને બદલે કુટુંબના કોઈ સભ્ય અંગે શંકા થાય ત્યારે કૌટુંબિક સંવાદથી કે ખાનગી રીતે શંકા અંગે વિચારોની આપલે કરી શંકાને દૂર કરે છે અને એ રીતે અરસપરસના ભરોસાને વધુ દઢ અને મજબૂત બનાવે છે.

(5) પાંચ, આદરમાન અને વ્યક્તિસ્વાતંત્ર્ય. સુખી કુટુંબમાં નાનામોટા સૌ સભ્યો એકબીજા સાથે આદરથી વર્તે છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે એનો સ્વીકાર કરે છે. એટલે સીધી કે આડકતરી રીતે એક સભ્ય બીજા સભ્ય પર વર્ચસ્વ કે આધિપત્ય જમાવવા પ્રયત્ન કરતો નથી. એકબીજા પર આધિપત્ય જમાવવાના પતિ કે પત્નીના પ્રયત્નથી ઘણાં આશાસ્પદ કુટુંબો તૂટતાં મેં જોયાં છે. કુટુંબના સૌ એકબીજાનો આદર કરે છે. એનો અર્થ એ નથી કે તેઓ એકબીજાની ભૂલોને પણ સ્વીકારે છે. કુટુંબના સભ્યો પ્રેમ ને માનથી એકબીજાથી ભૂલો તરફ આંગળી ચીંધે છે અને શક્ય હોય ત્યાં ભૂલો સુધારવા મદદ પણ કરે છે. પતિ-પત્નીનો પરસ્પરનો આદર જોઈને બાળકો પણ પોતાનાં માબાપ પ્રત્યે, એકબીજા પ્રત્યે આદરમાનથી વર્તવા પ્રેરણા અને પ્રોત્સાહન મેળવે છે.

(6) છ, અંગત અને સામૂહિક જવાબદારી. સુખી કુટુંબમાં સૌ સભ્યો પોતપોતાની અંગત અને સામૂહિક જવાબદારીનો સ્વીકાર કરીને તે અદા કરે છે. કુટુંબમાં અમુક સભ્યોના માથે બધી જ જવાબદારીઓ હોય અને બીજા સભ્યો આરામથી ખાઈ-પીને મજા કરે એવું હોય તો એ કુટુંબ સુખી નથી. તેવા કુટુંબમાં ફરિયાદ અને કજિયાકંકાસ જ શાસન કરતાં હોય છે. પણ સુખી કુટુંબમાં સૌ સભ્યો પોતાની આવડત, શક્તિ અને સમય પ્રમાણે કૌટુંબિક કામકાજમાં પૂરો સાથસહકાર આપે છે. કુટુંબનો દરેક સભ્ય પોતપોતાની અંગત જવાબદારી પૂરી નિષ્ઠાથી અદા કરીને કુટુંબનો આધાર બને છે. અને સામૂહિક જવાબદારીમાં પોતાની શક્તિ અને સમયનો પૂરો ફાળો આપે છે.

સુખી કુટુંબમાં કૌટુંબિક આવક અને ક્ષમતા પ્રમાણે દરેક સભ્યને કોઈ જ ભેદભાવ વિના બધી કૌટુંબિક સવલતો મળે છે. એવાં કુટુંબમાં અમુક સભ્યો વધારે કમાય કે ઓછું કમાય તેથી કોઈ ફેર પડતો નથી. બધાની આવક તો કૌટુંબિક આવક છે અને એ કૌટુંબિક આવકમાંથી બધાને પોતપોતાની જરૂરિયાત પ્રમાણે મળે છે. એવા કુટુંબમાં ન કમાતી અને બેકાર હોય એવી વ્યક્તિ માટે પણ કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી.

(7) સાત, ધનદોલતનો યોગ્ય ઉપયોગ. સુખી કુટુંબના સભ્યો પોતાની ધનદોલતનો યોગ્ય ઉપયોગ કરે છે. તેઓ ધનદોલતના વિનિમયમાં વધુ પડતી કંજૂસાઈ કે દુરુપયોગ કરતા નથી. કુટુંબ માટે તેમજ દરેક સભ્ય માટે જરૂર હોય એટલો ખર્ચ કરવામાં કુટુંબના સભ્યો આનાકાની કરતા નથી. તેમજ ગરીબોને મદદ કરવામાં તથા ધાર્મિક અને અન્ય સત્કાર્યો માટે ફાળો આપવામાં પોતાની શક્તિ પ્રમાણે ઉદારતાથી બધા મદદ કરે છે.

(8) આઠ, આગતાસ્વાગતા. સુખી કુટુંબમાં મહેમાનોને હંમેશાં આવકાર મળે છે. કુટુંબના સૌ સભ્યોનો પરસ્પરનો આદર અન્ય સગાંસંબંધીઓ અને બીજા મહેમાનો પ્રત્યેના આદરમાનમાં પણ પરિણમે છે. એટલે કુટુંબમાં કોઈ સગાંસંબંધી કે મહેમાન આવે ત્યારે તેમનો આદરસત્કાર સૌ સભ્યો અંતરના ઉમળકાથી કરે છે અને કુટુંબના આનંદમાં મહેમાનોને પણ ખરા દિલથી ભાગીદાર બનાવે છે. મહેમાનોની આગળ મીઠી વાતો અને એમના ગયા પછી એમની ટીકા એ સુખી કુટુંબનું લક્ષણ નથી. સુખી કુટુંબમાં માબાપ ને અન્ય વડીલોને આંગણે આવેલ મહેમાનોને ઉમળકાથી આવકારતા જોઈ બાળકો પણ પરોણાચાકરી શીખે છે. સુખી કુટુંબ પોતાની પાસે સગવડ ન હોય તોપણ પોતાનાં સગાંસંબંધીઓ અને મહેમાનોનું પૂરા ઉમળકાથી સ્વાગત કરે છે. કુટુંબમાં હોય એવી બધી સગવડો મહેમાનને ધરી પોતે અગવડ વેઠીને પણ મહેમાનગીરી બજાવે છે. એ જ રીતે સુખી કુટુંબના લોકો પોતાની મોટાઈનો વિચાર કર્યા વિના પોતાનાં સગાંસંબંધીઓ અને પડોશીઓની મુલાકાત લઈ બધા સાથે પ્રેમસંબંધ રાખે છે.

(9) નવ, પ્રશ્નનો સ્વીકાર. માણસના જીવનમાં પ્રશ્નો હોય છે જ. અને એમાં કૌટુંબિક જીવનમાં પ્રશ્નોનો તોટો નથી. કૌટુંબિક પ્રશ્નોને નકારવાને બદલે કે પ્રશ્નો સામે પલાયનવૃત્તિ અપનાવવાને બદલે સુખી કુટુંબના સભ્યો પોતાના કૌટુંબિક પ્રશ્નોનો સ્વીકાર કરે છે અને સામૂહિક રીતે પ્રશ્નોનો ઉકેલ શોધે છે. જે પ્રશ્નોનો ઉકેલ ના જ હોય એવા પ્રશ્નોની ઉપેક્ષા કરવાને બદલે કુટુંબના સૌ સભ્યો સાથે મળીને એકબીજાને ટેકો કરીને પ્રશ્નો સાથે ખુશીથી જીવે છે. સૌ સભ્યો ખુશીથી બીજા માટે ત્યાગ વેઠવા કે પોતાની સુખસગવડનો ભોગ આપવા તૈયાર હોય છે. એવા સુખી કુટુંબમાં કોઈ બેકાર હોય કે લાંબી માંદગીનો ભોગ બન્યો હોય તોપણ એવી વ્યક્તિ ઉપેક્ષા પામતી નથી. કુટુંબની બધી સગવડો ને સવલતો જેને જરૂર હોય તેવી વ્યક્તિની સેવામાં હોય છે. એમાંથી સૌ સભ્યો સુખ માણે છે.

(10) દસ, સારાનરસાનું શિક્ષણ. સુખી કુટુંબ એના બધા સભ્યો માટે અને વિશેષ તો તે કુટુંબનાં બાળકો માટે એક આદર્શ વિદ્યાકેન્દ્ર છે. જ્યાં સારાનરસા ને ખરાખોટાનું શિક્ષણ મળે છે. સુખી કુટુંબનાં માબાપ મુખ્ય બાબતોમાં એકદિલ અને એકમન હોય છે. કુટુંબ, સમાજ અને ધર્મને સ્પર્શતી અગત્યની બાબતોમાં ચોક્કસ માર્ગદર્શન આપે છે. જીવન જીવવાનાં સાચાં મૂલ્યો અને વલણો આપીને તેમજ પરંપરાગત કૌટુંબિક અને ધાર્મિક સંસ્કારોથી નવાજીને માબાપ પોતાનાં બાળકોને ખરાખોટા અને સારાનરસાનો પાઠ શિખવાડે છે. બાળકો ભૂલ કરે ત્યારે તેમને પ્રેમથી સુધારવાથી ખોટી બાબતોને સાચી માનવાની ભૂલ તેઓ કરશે નહીં. બાળકોમાં બાળપણથી જ સિંચેલા માનવીય મૂલ્યો અને ધાર્મિક સંસ્કારો એક દીવાદાંડીની જેમ જીવનભર તેમને દોરશે.

અહીં મેં સુખી કુટુંબની દસેક લાક્ષણિકતાઓની ટૂંકી ચર્ચા કરી છે. દરેક કુટુંબની જીવનશૈલીમાં પોતપોતાની આગવી રીત હોય છે, છતાં અહીં ચર્ચેલી મૂળભૂત બાબતો પોતપોતાની રીતે બધાં સુખી કુટુંબોના પાયામાં જોવા મળશે જ. એટલે ટૉલ્સટૉયે કહ્યું છે કે, ‘સુખસમૃદ્ધિ માણતાં બધાં કુટુંબોમાં કેટલાંક સર્વસામાન્ય લક્ષણો હોય છે.’ તમારું કુટુંબ સુખી છે ? કૌટુંબિક સુખસમૃદ્ધિમાં આ સામાન્ય લક્ષણો તમારા કુટુંબમાં જોવા મળે છે ?

Categories: ચિંતન | Tags: | 2 Comments

Create a free website or blog at WordPress.com.