Posts Tagged With: પ્રોત્સાહન

કાશ !

મીત્રો,

દર સોમવારે શ્રી અરવિંદભાઈ અડાલજા તરફથી એક ઈ-મેઈલ Mondya Montra મળે છે. તેમાં કશીક પ્રેરણાત્મક વાત હોય છે.

આજે આવેલ eMail ની વાત કરીએ :

દેડકાનો એક સમુહ પસાર થઈ રહ્યો હતો. વચ્ચે એક કાદવથી ભરેલું મોટું ખાબોચીયું આવ્યું. બે દેડકા તેમાં પડી ગયા. બંને બહાર નીકળવાની ખુબ મહેનત કરવા લાગ્યા.

બહાર રહેલા દેડકાઓ કહેવા લાગ્યા ’રહેવા દ્યો આ કાદવમાંથી તમે બહાર નીકળી નહીં શકો.’

બંને દેડકાએ વધુ જોર લગાડ્યું.

ફરી બહારથી દેડકાઓનું બુમરાણ શરુ થયું કે ’શાંતિથી મરી જાવ – તમે આમાંથી બહાર નહીં નીકળી શકો.’

એક દેડકાએ હતાશ થઈને પ્રયત્ન છોડી દીધો. અને મરી ગયો. બીજા દેડકાએ પ્રયાસ ચાલુ રાખ્યો.

ફરી થી બહારથી દેકારો કે ’અલ્યા જો પેલો તો મરી ગયો હવે તું યે છાનો માનો જંપી જા અને મરણને સ્વીકારી લે.’

પેલા દેડકાએ તો ખૂબ જોરથી પ્રયાસ કર્યો અને બહાર નીકળી આવ્યો.

બધા દેડકા તેને ઘેરીને પુછવા લાગ્યા કે અમે આટ આટલી બુમરાણ કરીને તને સમજાવતા હતા કે હવે તારું મોત નિશ્ચિત છે તેમ છતાં તું કેવી રીતે બહાર નીકળી શક્યો?

પેલા દેડકાએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું કે હું બહેરો છું મને એમ કે તમે મને બહાર આવવા માટે પ્રોત્સાહન આપો છો તેથી હું વધારે ને વધારે પ્રયાસ કરતો રહ્યો.

પ્રેરણા અને પ્રોત્સાહનના થોડાક શબ્દો બીજા માટે જીવનનું પ્રેરક બળ બની શકે છે અને નકારાત્મક કે નીરાશાત્મક વિચારો અન્યને ભીરું અને મુડદાલ બનાવી શકે છે માટે શબ્દોનો ઉપયોગ હંમેશા સભાનતાથી કરવો જોઈએ.

કાશ બીજો દેડકો યે બહેરો હોત !

Categories: કાશ | Tags: , , , , | 7 Comments

આદર – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૭)


મિત્રો,

કોઈ જ્યારે આપણી સાથે અસભ્ય વર્તન કરે, આપણાં વીશે કે આપણી પરિસ્થિતિ વિશે કશું જાણ્યા વગર મન ફાવે તેમ બોલે ત્યારે સ્વાભાવિક છે કે આપણને અણગમો થાય કે ગુસ્સો આવે.

તેવી જ રીતે જ્યારે આપણે બીજા સાથે તોછડાઈ ભર્યું વર્તન કરીએ, જેમ તેમ કહીએ કે કોઈનું અપમાન કરીએ તો સ્વાભાવિક છે કે તેમને પણ ન ગમે.

નાનપણથી આપણે આ શ્લોકો ગોખતા આવ્યા છીએ:

માતૃદેવો ભવ:
પિતૃદેવો ભવ:
આચાર્ય દેવો ભવ:

જેનો અર્થ થાય છે કે માતાને, પિતાને, ગુરુજનોને દેવતૂલ્ય આદર આપવો. સાથે સાથે તેમના પક્ષે પણ આ સૂત્રો અપનાવવા જેવા છે:

બાલ દેવો ભવ:
શિષ્ય: દેવો ભવ:
પરસ્પર દેવો ભવ:

એટલે કે બાળકો / વિદ્યાર્થીઓ અને આપણાં સંપર્કમાં આવતા સહુ કોઈને દેવ સમાન સન્માન આપવું.

કોઈ પણ વ્યક્તિ જ્યારે અણછાજતું વર્તન કરે છે તો તેના પાયામાં સામેની વ્યક્તિના વાંક કરતા પોતાની જાત પરનો ઓછો કાબુ જવાબદાર હશે. તેથી આ જગતના જીવોને સુધારવાના બુંગીયા બજાવવા કે બણગાં ફુંકવા કરતા પોતાની જાતને સુધારવાનું રણશીંગુ વગાડવા જેવું છે.

મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે તેઓ ખરેખર શું ઈચ્છે છે. તેથી તેઓ જ્યાંથી પણ લાભ મળે ત્યાં દોડે છે અને પરીણામે કશુંયે પામ્યા વગર હાથ ઘસતા રહી જાય છે. વ્યક્તિએ પોતાની પ્રત્યે અને પોતાના ધ્યેય પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.

બીજી વ્યક્તિઓ સાથે મતભેદ સર્જાય તો મતભેદ ટાળવાના છેવટ સુધીના પ્રયાસ કરી લેવા જોઈએ. પાંડવ અને કૌરવ વચ્ચેના મતભેદો જ્યારે ચરમ સીમાએ પહોંચ્યા ત્યારે યુધિષ્ઠીરે કહ્યું કે માત્ર પાંચ ગામ આપી દ્યો અને યુદ્ધ ટળી જશે. તેવે વખતે દુર્યોધન કહે છે કે પાંચ ગામ તો શું સોયની અણી જેટલી પણ ભૂમી નહીં આપું. સત્તા અને સંપતીના મદથી છકેલો માણસ દેખતો હોવા છતાં આંધળો છે. છેવટે શ્રીકૃષ્ણ સંધિ માટે જાય છે પરંતુ દુર્યોધન જેનું નામ – ન માન્યો તે ન જ માન્યો અને છેવટે કુંતિએ કહેવું પડ્યું કે:

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
પાર્થને કહો ચડાવે બાણ.

ઘણાં લોકો સમજ્યાં વગર શ્રીકૃષ્ણ પર યુદ્ધનું દોષારોપણ કરતાં હોય છે પરંતુ વગર કારણે રાજાઓને કુરુક્ષેત્રના મેદાનમાં ઘસડી જનાર દુર્યોધનના દુષ્કૃત્યો કોઈને દેખાતા નથી. વ્યસન / જુગાર અને વ્યભીચારમાં રત તે રાજવીઓ પોતાના કુકર્મોને પાછાં દુષણને બદલે ભુષણ હોય તેમ જાંઘ ઠોકી ઠોકીને ગાઈ વગાડીને કહેવામાં ગૌરવ અનુભવતા હોય છે.

કહેવાનું તાત્પર્ય તે છે કે શક્ય તેટલા પ્રયત્નો શાંતિ માટે કર્યા પછી જ્યારે તેમ લાગે કે હવે સામનો કર્યા વગર પરિસ્થિતી સુધરે તેમ જ નથી તેવે વખતે જ શસ્ત્રો હાથમાં લેવા જોઈએ. અને જો શસ્ત્ર ધારણ કરવાથી શાંતિ રહેતી હોય તો તેમ કરવામાં હિચકિચાટ ન અનુભવવો જોઈએ. દંભી અહિંસા કરતાં સામર્થ્યભરી હિંસા વધારે શાંતિપ્રદ પરીણામો આપે છે.

રોજે રોજ ત્રાસવાદીઓ છમકલા કરતાં રહે તો પ્રજાનું શું થાય? તેને બદલે મક્કમતાથી ત્રાસવાદીઓના રહેઠાણો શોધી શોધીને તેમને ઠાર કરવા તે વધારે શાંતિપ્રદ ગણાય.

જુદા જુદા લોકો જુદી જુદી પરિસ્થિતીમાંથી આવતાં હોય છે. દરેકના સંસ્કાર / ઉછેર / રહેણી કરણી / વિચારવાની ઢબ છબ બધુ અલગ અલગ હોય છે. તેથી પ્રત્યેક વ્યક્તિનો દૃષ્ટિકોણ સમજીને લોકો સાથે કામ પાર પાડવું જોઈએ. મારો જ કક્કો ખરો અને તમારી વાત ખોટી તેવી માનસિકતામાંથી બહાર આવીને સ્વીકારવું જોઈએ કે જેમ મારો કક્કો ખરો તેમ તમારી ABCD યે સાચી.

દરેક વ્યક્તિમાં કાઈ ને કાઈ સારપ છુપાયેલી હોય છે. સામેની વ્યક્તિની નબળી બાજુ જોવા કરતાં તેની અંદર રહેલા ગુણોને જોવા જોઈએ અને તે ગુણોને વધુ ને વધુ વિકસાવી શકે તે બાબતે પ્રોત્સાહિત કરવા જોઈએ.

બીજી વ્યક્તિ સાથે આપણે નમ્રતાપૂર્ણ વ્યવહાર કરતા શીખવું જોઈએ. મહેરબાની કરીને મને મદદ કરશો તેવી રીતે મદદ માંગનારને ભાગ્યેજ કોઈ ઈન્કાર કરશે. વળી બીજા લોકોએ આપણને કરેલ સહાય બદલ આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે આભારના શબ્દોનો ઉપયોગ કરતા અચકાવુ ન જોઈએ.

સામેની વ્યક્તિની ઉંમર અને ગુણો તથા પાત્રતાને માન આપીને તેમનો પુરો આદર તથા ગૌરવ જળવાય તેવી જાતનું વર્તન આપોઆપ જ સામેની વ્યક્તિના દિલમાં આપણે માટે કુણી લાગણી ઉત્પન્ન કરશે.

આ વાત યાદ રાખવી જોઈએ કે દરેકે દરેક વ્યક્તિમાં દિવ્યતા રહેલી છે તેથી કારણ વગર કોઈનું યે સ્વમાન ઘવાય તેવા શબ્દો ન બોલવા જોઈએ કે કઠોર વર્તન ન કરવું જોઈએ.

જો આ પ્રમાણે આપણે સહુ કોઈને સન્માન આપતાં શીખી જઈએ અને આદર આપતા આવડી જાય તો જરૂર જીવન વધારે જીવવા જેવું લાગશે.

તો મિત્રો, આજથી જ આપણે સહુ કોઈની સાથે વિનમ્રતાથી આદરપૂર્વક રીતે વર્તવાનું શરુ કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , , | 2 Comments

સન્મિત્ર – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૬)


મીત્રો,

શું આકાશમાં તારા હંમેશા દેખાય છે? ના અંધારી રાત્રે તારા મંડળ ઝગમગી ઉઠે છે. દિવસે કે અજવાળીયા દરમ્યાન ખાસ તારાઓ દેખાય નહીં. (હા ક્યારેક કોઈને ધોળા દિવસે તારા દેખાય જાય તે વાત અલગ છે :smile:)

આકાશમાં તારા ન દેખાતા હોય તેથી શું તેમ માની લેવાય કે આકાશમાં તારા નથી? ના તેવું ન માની લેવાય. તારાનું હોવું કે ન હોવું તે આપણી માન્યતા કે આપણને દેખાવા ન દેખાવા પર અવલંબન નથી રાખતું પરંતુ તે હોય છે. ઈશ્વર વિશે પણ ઈશ્વરવાદીઓ તેવું જ કહે છે: જો કે અત્યારે તે બાબત મુખ્ય ચર્ચાનો વિષય નથી.

તેવી રીતે સન્મિત્ર આપણી પાસે હોય કે ન હોય, તે આપણી આજુ બાજુ દેખાય કે ન દેખાય તેમ છતાં તે સદૈવ આપણી પડખે ઉભેલો હોય છે. તેને આપણી રજે રજ ગતિ વિધિની ખબર હોય છે અને જ્યારે જ્યારે કશીક આપદા આવે ત્યારે તે તરત યથાશક્તિ મદદ કરવા પહોંચી જાય છે.

હવે પ્રશ્ન તે છે કે આપણે શું કોઈના સન્મિત્ર છીએ? જો હા તો જ્યારે જ્યારે આપણાં મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે ત્યારે આપણે તરત તેની મદદે પહોંચી જવું જોઈએ. ઘણી વખત તેવું બને કે જુના મિત્રો એકા એક જીવનમાંથી ગાયબ થઈ જાય અને કોઈ અગમ્ય પ્રદેશમાં જઈને જાણે સંતાકુકડી રમતા હોય તેમ છુપાઈ જાય. તે આપણને જોઈ શકતા હોય પણ આપણને તેમના વિશે કશી માહિતિ ન હોય તેવે વખતે તેઓ ખરેખર કશી મુશ્કેલીમાં હોય તો યે આપણી ઈચ્છા હોવા છતાં આપણે તેમને મદદરુપ નથી થઈ શકતા. વળી આવા મિત્રો ખુમારીથી ભરેલા હોય તેથી પોતાના દુ:ખડા રડે પણ નહીં તેથી તેમને મદદરુપ થવાનું વધારે કઠીન થઈ પડતું હોય છે.

આપણને મળતા લોકો સાથે આપણે ચાર પ્રકારે વ્યવહાર કરવો જોઈએ. જો કોઈ આપણાથી ચડીયાતું કે સુખી હોય તો તે બાબતે પ્રસન્ન થવું જોઈએ. જો કોઈ આપણા બરોબરીયા હોય તો તેમની સાથે મૈત્રી ભાવ રાખવો જોઈએ. કોઈ આપણાથી ઉતરતું કે દુ:ખી હોય તો તેમના પ્રત્યે કરુણા રાખવી જોઈએ. કોઈ પાપી કે દુષ્ટ હોય તો તેમના પ્રત્યે ઉપેક્ષા બતાવવી જોઈએ.

શ્રીમદ ભગવદ ગીતાના ૯ મા અધ્યાયના ૧૮ મા શ્લોકમાં ભગવાન કહે છે કે હું સુહ્રદ એટલે કે સહુનો મિત્ર છું. લ્યો હવે આટલા મોટા આપણાં મિત્ર હોય અને વળી તે હંમેશા હાજરા હજુર હોય તો પછી આપણે ઘણી વખત ગભરાઈએ છીએ શા માટે? કારણ કે આપણે જાણતા નથી કે સર્વેશ્વર પ્રભુ આપણાં મિત્ર છે અને માત્ર મારા કે તમારા જ નહીં સહુના મિત્ર છે. પ્રશ્ન થાય કે તે મિત્ર છે અને સર્વ વ્યાપક છે તો પછી કેમ આપણી મુશ્કેલીમાં વહારે દોડતા નથી? ત્યાં પ્રભુ કહે છે કે હું મારા ઘડેલા નિયમો પ્રમાણે સંચાલન કરુ છું. વળી અસંખ્ય જીવોની અસંખ્ય ભાવનાઓ એકબીજા સાથે પરસ્પર ટકરાઈને અનેક શક્યતાઓ સર્જતી હોય તેવે વખતે સર્વના મિત્ર તેવા ઈશ્વર કોઈ એક મિત્રનો પક્ષ ન લઈ શકે તેથી કર્મના નિયમ પ્રમાણે સહુને ફળ આપે છે. આમ ઈશ્વર કર્માધ્યક્ષ છે.

આપણને લાગુ પડે તેવી લૌકિક મિત્રતામાં તો કહે છે કે:

શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક;
જેમાં સુખ દુ:ખ વામીએ, તે લાખનમાં એક.

શેરીમાં રમનારા તો કેટલાયે મિત્રો મળી જશે. તાળી કે હાથ તાળી દઈને છટકી જનારા તો વળી અનેક છે. પણ શું તમને કોઈ એવો મિત્ર મળ્યો છે કે જેના સુખે તમે સુખ અનુભવો અને જેના દુ:ખે તમે દુ:ખ અનુભવો. તમારી ડાયરીમાં નોંધી લ્યો કે આવો મીત્ર કોઈકને જ હશે અને તે પણ એકાદ જ. દોસ્તો, જો તમને આવો મિત્ર મળી આવે તો પ્રાણાંતે પણ તેનો ત્યાગ ન કરશો.

આ ઉપરાંત મિત્ર શોધવો તો કેવો શોધવો જોઈએ તો કહે છે કે:

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય;
સુખમાં પાછળ પડી રહે દુ:ખમાં આગળ હોય.

જ્યારે આપણે સોળે કળાએ ખીલેલા ચંદ્ર જેવા હોઈએ અને ચારે બાજુ આપણી વાહ વાહ થતી હોય તેવે વખતે તો ઘણાં લોકો આપણા મિત્ર થવા માટે આવશે. પણ જ્યારે આપણે મુરઝાઈ ગયેલા ફુલની જેમ એક ખુણામાં પડ્યા હોઈએ તેવે વખતે પણ જે આપણો સાથ ન છોડે આપણી વિપત્તિમાં પણ જે આપણો હાથ ન છોડે તે મિત્રને કદી ભુલશો નહી, છોડશો નહી.

મિત્રના દોષો અને ભુલોને રેતીમાં લખજો અને તેણે કરેલા ઉપકારોને પત્થરની લકીરોની માફક કોતરી રાખજો.

મિત્રો, બહુ ઓછા ભાગ્યશાળી લોકો છે કે જેને સાચા મિત્રો મળે છે. જો તમને મળ્યા હોય તો હંમેશા મૈત્રિ નીભાવજો અને ન મળ્યા હોય તો આજે જ એકાદા સારા મિત્રની શોધ આરંભી દેજો.

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

લવચીકતા – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૫)


મીત્રો,

એક વખત ભયંકર વાવાઝોડું આવ્યું. મોટા મોટા વૃક્ષો આમથી તેમ ડોલવા લાગ્યા. વાવાઝોડાની ગતી વધી અને લગભગ બધા વૃક્ષો ધરાશાઈ થઈ ગયાં. ત્યાં આગળ કેટલુંક ઘાસ ઉગ્યું હતુ જે દર વખતે પવનની થપાટો સાથે નમી જતું હતું પરંતુ વાવાઝોડું શમ્યા પછીએ તે તો હજુ ઉભું હતું. જ્યારે મોટા મોટા મહાકાય વૃક્ષો પોતાની અક્કડતાને લીધે જમીનદોસ્ત બની ગયા હતા.

હવે તો તમે સમજ્યાં ને કે લવચીકતા શું છે?

પરિસ્થિતિની સાથે જે બદલાતો નથી તેને પરિસ્થિતિ બદલી નાખે છે. ડગલે અને પગલે આપણે લવચીક / પરીવર્તનશીલ રહેવા તત્પર રહેવું જોઈએ. પરીવર્તનશીલ એટલે ઢીલા પોચા કે નમાલા નહીં પણ બાહ્ય પરિસ્થિતિને આધારે સમગ્ર પર્યાવરણ સાથે એક પ્રકારની સંવાદીતા.

કુટુંબમાં, મિત્રો સાથે, પત્નિ, બાળકો, માતા-પિતા સાથે, સમાજમાં, અને સર્વ સ્થળે જે જેટલો સંવાદી વલણ ધરાવતો હશે તે તેટલો ટકી રહેશે. ધારો કે ઘરમાં પત્નિએ દિવાળીનું કાર્ય આરંભ્યું હોય તો તે વખતે તેણે રસોઈ બનાવવી જ જોઈએ તેવો આગ્રહ રાખવાને બદલે એકાદ દિવસ સારા રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવીને જમી શકાય. પત્નિની તબીયત ખરાબ હોય, રસોઈ તો શું બોલી યે શકવાની સ્થિતિમાં ન હોય તો તેવે વખતે તેની સાથે વાત ચિત કરવાનો આગ્રહ રાખવાને બદલે તેને આરામ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જરૂર હોય તો તેની સારવાર કરવી જોઈએ. અને જલદીથી સ્વસ્થ થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

તેવી રીતે કુટુંબના બધા સભ્યો એક-બીજાને અનુકુળ થઈને વર્તે તો જીવન ભર્યું ભર્યું લાગે. આર્થિક બાબતોમાં લવચિકતા હોવી જોઈએ. થોડી બચત રાખવી જોઈએ, ધનાઢ્ય હોઈએ તો સમાજમાં કશુંક ઉપયોગી થાય તેવા કાર્યમાં સહયોગ આપવો જોઈએ. ઘણાં લોકો ઘણું કમાતા હોય છતા ઉડાઉ હોય છે. જે કાઈ કમાય તે બધું બેફામ રીતે ખર્ચી નાખે પછી જ્યારે મોંઘવારી વધે કે એકાએક બાળકોની ફી ભરવાનું આવે કે કોઈ અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે ધન માટે જ્યાં ત્યાં ફાંફા મારવા પડે. જે દેવાદાર નથી તે સંપત્તિવાન છે.

મોજ શોખો વગેરેમાં પણ સમજદારી પૂર્વકની લવચીકતા જરુરી છે. એક જ પ્રકારે આનંદ મળે તેવું નથી. ક્યારેક બગીચામાં ફરવા જવાય, ક્યારેક દરીયાકીનારે ઉપડી જવાય તો વળી ક્યારેક જંગલોમાં ઘુમવા નીકળી પડાય. કેટલીક વખત સાવ અજાણ્યાં સ્થળોએ નીકળી પડાય તો આવી જુદી જુદી રીતે આનંદ મેળવવાના નવા નવા રસ્તા શોધીને તાજગી સભર બની શકાય.

બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીમાં રોજે રોજ આપણાં જીવનમાં પરિવર્તન આવે છે. તેવે વખતે આપણાં સાચા મિત્રો, જીવનસંગાથી, સ્નેહસભર પરીવારજનો સાથે સુમેળભરી રીતે રહીને રોજે રોજ બદલાતી પરિસ્થિતિમાં એકબીજાને અનુકુળ થઈને રહીએ તો જીવન સતત એક ઉત્સવ બની જાય. ઘણીએ વાર મિત્રો, કુટુંબીજનો સાથે ગેરસમજણ થાય આપણે શું કહેવા માંગીએ છીએ તે યોગ્ય રીતે સમજાવી ન શકાય તો તેવે વખતે તે બાબતનો છેદ ઉડાડી દઈને કહેવું જોઈએ કે તું મને ન સમજ તો કાઈ નહીં અને હું તને ન સમજી શકું તો કાઈ નહી પરંતુ આપણે એટલું તો સમજી લેવું જોઈએ કે હું તને ચાહું છું અને તું મને ચાહે છે. આટલી સમજ આવી જાય તો જીવન સદાયે હર્યું ભર્યું અને ખુશખુશાલ રહેશે.

મિત્રો, તો આજથી જ આપણે લવચીક બનીને પ્રત્યેક પડકારને ગૌરવપૂર્ણ રીતે પહોંચી વળશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

ભલમનસાઈ – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૪)


મીત્રો,

આજે આપણે સ્વામી શિવાનંદની થોડી વાત કરીએ.



સ્વામીજીનું પૂર્વજીવનનું નામ કુપ્પુસ્વામી અય્યર હતું. તેમનો જન્મ દક્ષિણમાં તામ્રપર્ણિ નદીના કાંઠે આવેલા પટ્ટામડાઈ નામના ગામડામાં ઈ.સ.૧૮૮૭માં સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. તેમના પિતાનું નામ વેંગુ અય્યર અને માતાનું નામ પાર્વતી અમ્મલ હતું. તેમને ભક્તિ, જ્ઞાન અને સેવાનો મહાન વારસો મળ્યો હતો.

ડોક્ટર થયા પછી તેમણે પોતાનો પવિત્ર ધંધો શરૂ કર્યો. તેઓ આદર્શ ડોક્ટર થવા ઈચ્છતા હતા. ઈ.સ.૧૯૧૩માં તેઓ મલાયા જવા ઉપડી ગયા. ત્યાં જઈને તેમણે દસ વર્ષ સુધી ડોક્ટર તરીકે કામ કર્યું. જે રોગીનો રોગ અસાધ્ય ગણાતો તેને ડો.કુપ્પુસ્વામી હાથમાં લે કે તરત મટી જતો. ડોક્ટરની મીઠી વાણી, અપાર પ્રેમ, દરદીને રોગમુક્ત કરવાની તીવ્ર ઈચ્છા અને માનવસેવા કરવાની તમન્ના આ બધાંની દરદી પર જાદુઈ અસર થવા માંડી. આ નીતિથી જ ડોક્ટર કુપ્પુસ્વામી પોતાના ધંધામાં સફળ થયા.

ઈ.સ. ૧૯૨૨માં ડો.કુપ્પુસ્વામીને ભગવાન બુદ્ધની જેમ એકાએક આત્મજ્ઞાનની પ્રેરણા થઈ. દુનિયાની તમામ વસ્તુઓ તેમને ક્ષણિક લાગવા માંડી. આ સાલમાં તેઓ ભારત પરત આવ્યા. મિત્રને ઘેર પોતાનો સામાન મુકી તેઓ ઈશ્વરની શોધમાં ચાલી નીકળ્યા.

ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરી તેઓ ઠેર ઠેર ઘુમવા લાગ્યા. માઈલો સુધી પગે ચાલતાં જવું એ એમને મન એક રમત વાત હતી. ભોજન મળે તો લેવું, ન મળે તો ભગવાનનું નામ લઈ સંતોષ માનવો. એક સદગૃહસ્થે તેમને ઋષિકેશ જવાની સલાહ આપી અને રૂ. ૨૫/- રોકડા આપ્યા. તેઓ ઋષિકેશ આવી પહોંચ્યા.

ઈ.સ.૧૯૨૪માં એક દિવસ કુપ્પુસ્વામી ગંગાસ્નાન કરવા ગયા હતા. ત્યાં તેમણે એક પરમ તેજસ્વી સંન્યાસીને જોયા, સંન્યાસીએ કહ્યું: ’બેટા, આ દુનિયામાં વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરવા તારો અવતાર થયો હોય એમ લાગે છે. મારી ઈચ્છા છે કે હું તને દીક્ષા આપું. મને લોકો સ્વામી વિશ્વાનંદ નામથી ઓળખે છે.’

તેમણે સંન્યાસીનાં ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં. ગુરૂએ તેમનું નામ શ્રી સ્વામી શિવાનંદ સરસ્વતી રાખ્યું. ત્યારથી તેઓ એ નામે ઓળખાવા લાગ્યા.

દીક્ષા લીધા પછી તેમને અંતરનો અવાજ સંભળાવા લાગ્યો: ’અહીંતહીં ભટકવાથી શું વળવાનું છે? ઘોર તપશ્ચર્યા આદરો. તમારા જ્ઞાન અને અનુભવનો જગતને લાભ આપો. માર્ગ ભૂલેલાને રસ્તો બતાવો. લોકોને સાચો ધર્મ અને કર્મ સમજાવો. માનવ માત્રને સન્માર્ગે દોરો.’

તેમને એક જીર્ણ ઝુંપડી હાથ આવી, જેમાં અનેક ઝેરી જંતુઓનો વસવાટ હતો. અહીં રહી તેમણે કઠોર તપશ્ચર્યા શરૂ કરી. કેટલાય દિવસો તેમણે અન્નજળ વિના ગાળ્યા. કેટલીયે રાતના ઉજાગરા કર્યા. કડકડતી ઠંડી, અસહ્ય તાપ અને મુશળધાર વરસાદ એ બધું સહન કર્યું, તેમની તપશ્ચર્યા ફળી, પ્રભુનાં દર્શન થયાં અને તેમના આત્માએ અપાર આનંદ અને શાંતિ અનુભવ્યાં.

તેમણે ઈ.સ. ૧૯૩૬માં ’દીવ્યજીવન સંઘ’ (DIVINE LIFE SOCIETY) ની રચના કરી. આજે એ સંઘની દેશ-પરદેશમાં સેંકડો શાખાઓ સ્થપાઈ ચૂકી છે, ભારતમાં અનેક સ્થળોએ તે શાખાઓ દ્વારા જનતા આધ્યાત્મિક ક્ષેત્રમાં સુંદર માર્ગદર્શન મેળવી રહી છે.

આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સ્વાસ્થ્ય વિષયક ૩૦૦ ઉપરાંત ગ્રંથો અંગ્રેજીમાં બહાર પાડી સ્વામીજીએ વિશ્વ ઉપર એક મહાન ઉપકાર કર્યો છે. તેના અનુવાદો વિદેશી ભાષાઓમાં થઈ રહ્યાં છે. ઉપરાંત ભારતની અમુક ભાષાઓમાં પણ તેના અનુવાદો પ્રગટ થયા છે.

ઈ.સ.૧૯૩૮થી તેમણે અંગ્રેજી માસિક ડિવાઈન લાઈફ શરૂ કર્યું છે. ઈ.સ. ૧૯૪૯થી ’યોગ વેદાન્ત ફોરેસ્ટ એકેડેમી’ ની સ્થાપના કરી છે. ગંગા નદીના રમણીય તટ પર ઋષિકેશમાં શિવાનંદ નગરની સ્થાપના કરી છે. જ્યાં યોગ મ્યુઝીયમ, પ્રેસ, વિશ્વનાથ મંદિર, હોસ્પીટલ અને સાધકો માટે અનેક કુટીરો જનતાનું આકર્ષણ બની છે.

આવી વિશ્વવંદ્ય વિભૂતિ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ તા.૧૪ મી જુલાઈ ૧૯૬૩ના રોજ મહાસમાધિસ્થ થયા છે, પરંતુ તેઓશ્રીની શિવાનંદનગર, ઋષિકેશમાં આવેલી સમાધિ અનેકને પ્રેરણા આપી રહી છે. હજારો લોકો એ સમાધિનાં દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યાં છે.


ધર્મનો સર્વ સાર એક વાક્યમાં કહેવો હોય તો ઋષિકેશના દિવ્યજીવન સંઘના સ્થાપક સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતી મહારાજનો સંદેશ યાદ રાખવા જેવો છે:


ભલા બનો અને ભલું કરો.


કહેવાનું તાત્પર્ય તેટલું છે કે ભલા બનવું અને ભલું કરવું તે માત્ર હોઠોથી એક વાક્ય બોલવા જેટલું સહેલું નથી પણ તે માટે જાતને ઘસી નાખવી પડે છે, મનને કસવું પડે છે, સત્યની શોધ માટે સર્વસ્વનો ત્યાગ કરવાની હિંમત અને બહાદુરી બતાવવા પડે છે – ત્યારે સત્યની નજીક પહોંચાય અથવા તો સત્યાનુભુતિ થઈ શકે.

મીત્રો, તો ભલા બનવા અને ભલું કરવા માટે માત્ર શબ્દોથી નહીં પણ દિલથી પ્રયત્ન કરશુંને?


Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

સંગીત – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૩)


મીત્રો,

પ્રકૃતિનો ચૈતન્ય સાથેનો નીરંતર રાસ એટલે સંગીત.

વૈજ્ઞાનિકો કહે છે કે સૃષ્ટિના આરંભે મોટો ધડાકો થયો અને ત્યાર બાદ નીરંતર ઉત્ક્રાંતી પામતી સૃષ્ટિ આજે અહીં સુધી પહોંચી છે. ધડાકો મેળે મેળે થાય તો તે અસ્ત વ્યસ્ત થાય. ત્રાસવાદીઓ ધડાકા કરે છે તો તેનાથી કશું સર્જન નથી થતું પણ આસ પાસ રહેલું બધું વેર વિખેર થઈ જાય છે.

તત્વવેતાઓ કહે છે કે ૐકાર ના નાદથી સૃષ્ટિનું સર્જન થયું.

ૐકાર ફટકે તીન લોક ભયા, રસ્તા ગયા ભુલાઈ.

જે હોય તે સૃષ્ટિનું સર્જન થયું છે તે વાત પાકી છે અને સર્જન હોય તો સર્જનહાર હોય હોય અને હોય જ. તેથી કોઈક તત્વ એવું જરૂર છે કે જે આ સૃષ્ટિના સર્જન પાછળ કારણરુપે છે.

શબ્દ આકાશનો ગુણ છે. શબ્દનું વહન આકાશમાં થાય છે. મોબાઈલ ફોન પર આપણે વાત કરી શકીએ છીએ તે ધ્વનિના તરંગો આકાશ દ્વારા આપણી સુધી પહોંચે છે. રેડીઓ પર આવતા કાર્યક્રમોને આપણે આકાશવાણી કહીએ છીએ.

ધ્વની જ્યારે તાલમાં વહે ત્યારે ચોક્કસ પ્રકારના અંદોલનો થાય છે. જુદા જુદા રાગની મન પર જુદી જુદી અસર થાય છે કારણ કે ધ્વનીના આ તરંગો મનના રસાયણોને ચોક્કસ રીતે સ્ત્રવવા માટે પ્રેરણારુપ બને છે. જુદા જુદા સમયે જુદા જુદા રાગ ગાવાથી મન પર તેની જુદી જુદી અસર થાય છે. જન્મથી લઈને મૃત્યું સુધી જીવો સંગીતની અસર હેઠળ જીવવાનું પસંદ કરે છે. જે મા બાળકને હાલરડાં ગાઈને પોઢાડે છે તેને શાંતીથી ઉંઘ આવી જાય છે. તે બાળક ઓછું કજીયાળું અને તંદુરસ્ત બને છે. પ્રાણીઓ અને પક્ષીઓ પર પણ સંગીતની અસર થાય છે. સંગીતની અસરથી મંત્રમુગ્ધ બનેલ હરણનો શીકારીઓ આસાનીથી શીકાર કરી લે છે. ઘણાં બધા રોગો સંગીતથી સારા થઈ શકે છે.

સામાન્ય રીતે બે પ્રકારે નાદ ઉત્પન્ન થતાં હોય છે. ૧.તાડન કરવાથી ૨.ખેંચવાથી

ઢોલક/નગારા વગેરે વાદ્યો પર હાથ કે દાંડીથી હળવેથી પ્રહાર કરવાથી તેમાંથી સંગીત ઉત્પન્ન થાય છે. વીણા વગેરે તંતુ વાદ્યોના તારને સહેજ ખેંચવાથી સંગીત ઉત્પન્ન થાય છે. સંગીતમાં પણ ગાયન અને વાદન તેમ બે વિભાગ હોય છે. વાદન વિભાગ અને ગાયન વિભાગના કલાકારો વચ્ચે એકસૂત્રતા હોય તો કર્ણપ્રિય સંગીત સર્જાય છે. ગાયનમાં પણ શાસ્ત્રીય અને સુગમ તેમ બે પ્રકારના સંગીત હોય છે.

હવેની આધુનીક ટેકનોલોજીની મદદથી સંગીતના ઘણા નવા નવા વાજીંત્રો વિકસાવવામાં આવ્યાં છે. વળી એક વખત બજાવેલું સંગીત સંગ્રહિત કરીને જેટલી વખત સાંભળવું હોય તેટલી વખત પુન: સાંભળી શકાય છે. સ્ટિવ જોબ્સે વિકસાવેલ I-Pod દ્વારા સંગીતના કરોડો ચાહકો પોતાના મનગમતા સંગીત ખીસ્સામાં લઈને ફરતાં થયાં છે અને જ્યારે ઈચ્છે ત્યારે મનપસંદ સંગીત સાંભળી શકે છે.

ગઈ કાલે ન્યુઝીલેન્ડમાં રાત્રે પોણા બે વાગ્યા હતા ત્યારે ફેસબુક પર જોઈને મારા મામાને ખ્યાલ આવ્યો કે મારો જન્મદિવસ છે તેથી તેમણે મને ફોન કરીને જન્મદિવસના અભીનંદન આપ્યાં, મારા આરોગ્યના સુધારા અને યશસ્વી કારકીર્દી માટે શુભેચ્છાઓ આપી. મને કહ્યું કે તારે જ્યારે રાગ પર આધારિત સંગીત સાંભળવું હોય તો raaga.com પર સાંભળી શકીશ. raaga.com પર ૧૧ ભારતીય ભાષામાં સંગીત ઉપલબ્ધ છે આ ઉપરાંત વિશ્વની અન્ય શ્રેષ્ઠ સંગીત રચનાઓ પણ આપ ત્યાં માણી શકશો.

અડધી રાત્રે મને જન્મ દિવસના અભીનંદન આપનારા મામાની વાણી મને સંગીતમય લાગી.

આ માત્ર લૌકિક સંગીતની થોડી ઉપરછલ્લી વાત થઈ. શંકરાચાર્યજી મહારાજ યોગ તારાવલી સ્તોત્રમાં સદાશિવે વર્ણવેલા સવા લાખ – રીપીટ – સવાલાખ – લયયોગના માર્ગમાંથી નાદાનુસંધાન શ્રેષ્ઠ માર્ગ છે અને યોગીઓ પણ તેને આદર આપે છે તેમ જણાવે છે. નાદાનુસંધાનમાં મનુષ્યના શરીરમાં કોઈપણ આઘાત કર્યા વગર ઉઠતો સ્વયંસ્ફુરીત અનાહત નાદ છે તેનું અનુસંધાન કરવાથી યોગી સમાધી પામે છે તેમ જણાવેલ છે.

મીત્રો, તો આપણે સંગીતની જાદુઈ શક્તિથી આપણા ચિત્તતંત્રને ચેતનવંતુ બનાવશુંને?


સંગીત વિશે વિચારપ્રેરક લેખ તથા મનનીય અભીપ્રાયો આપ કુરુક્ષેત્ર બ્લોગ પર વાંચી શકશો.

સંગીત મનકા દીપ જલાયે.


Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 2 Comments

જીવન ટુંકુ છે – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૨)


મીત્રો,

આપે ઉપરનું વાક્ય વાંચ્યું?

Life is Short. Eat Dessert First! (Jacques Torres)

સાવ સાચું કહું તો મને Jacques Torres કોણ છે અને તેમનું જગતને શું પ્રદાન છે તે બાબતે કશી ખબર નથી. તેમની એક વાત સાચી છે કે Life is Short.

હવે આપણે બીજું એક વાક્ય જોઈએ:

This life is short. Vanities of the world are transient. They alone live who lives for others rest are more dead than alive. (Swami Vivekaanada)

બંને વાક્યમાં એક સત્ય રજુ કરવામાં આવ્યું છે કે Life is Short. બંનેના જીવન પ્રત્યેના અભીગમમાં કેટલો બધો તફાવત છે. બંને સાચા છે.

જો માત્ર તમે તમારે માટે જીવવા માગતા હો તો Torres સાચા છે. જીવનમાં કેટ કેટલા ભોગના અને મોજ શોખના સાધનો છે. જો તમે જીવનને મજાથી માણવા માંગતા હો તો તેમાંથી સારામાં સારા ભોગોનો આજે જ ઉપભોગ કરવાનું શરુ કરી દો – કારણ કે કાલ કોણે દીઠી છે?

સ્વામી વિવેકાનંદ આપણું ધ્યાન બીજી દિશામાં દોરે છે કે સંસારના મોજ શોખો ક્ષણ ભંગુર છે. વાત પણ સાચી નથી લાગતી? સારામાં સારું ભોજન પણ કેટલુક ખાઈ શકાય? ઈંદ્રિયોનું ભોગ ભોગવવાનું સામર્થ્ય કેટલુંક? અને ભોગ પરાયણ તો પશુઓ યે ક્યાં નથી? ભોગ ભોગવી ભોગવીને ભુંડ જગતનું શું લીલું કરી નાખે છે?

Torres તો સારામાં સારા ભોગ ભોગવી લ્યો તેમ કહીને ચુપ થઈ જાય છે પણ સ્વામી વિવેકાનંદ આગળ વધીને કહે છે કે માત્ર જાત માટે ન જીવશો – અન્ય માટે જીવતા શીખો.

ગૃહજીવન, કુટુંબજીવન, સમાજજીવન, રાષ્ટ્રપ્રેમ, પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ, સમસ્ત માનવ જાત અને જગતના જીવો પ્રત્યે પ્રેમ અને જડ ચૈતન્ય જે કાઈ છે તે સર્વ પ્રત્યે તમારા પ્રેમનો વિસ્તાર કરો. સ્વાર્થી અને શૂદ્ર હેતુથી જીવીને મરી જનારા અગણીત લોકોને આજે કોઈ યાદ પણ નથી કરતું અને બીજા કાજે જેમણે પોતાનું જીવન ન્યોચ્છાવર કરી દીધું તેમની યાદો જન માનસના સ્મરણ પટમાંથી ભુંસાતી નથી.

જીવનના ૪૩ વર્ષ આજે પુરા થયાં. ઘણું પોતાને માટે જીવ્યો છું – આજે સંકલ્પ કરું છું કે હવે શેષ જીવન બીજા માટે જીવીશ.

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

શિસ્ત – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૧)

મીત્રો,

બગીચામાં ફરતા લોકો અને ક્વાયત કરતા સૈનિકો વચ્ચે નો તફાવત સ્પષ્ટ હોય છે.

બગીચામાં ફરતા લોકોમાં બાળકો દોડાદોડી કરતા હશે, વડીલો ગંજીપો કે નવ કુકરી રમતા હશે, બહેનો ટોળ ટપ્પા કરતી હશે, પ્રેમી પંખીડા લપાઈ છુપાઈને કાનમાં ધીરેથી ઘુસ પુસ કરતાં હશે, પતિ-પત્નિ બાજુ બાજુમાં બેઠા હશે તો યે પતિ ચિંતામગ્ન હશે કે ફોન પર કોઈકની સાથે વ્યવસાયની વાતો કરતો હશે, પત્નિ બાજુમાં બેઠી બેઠી બગાસા ખાતી હશે કે છોકરાનું ધ્યાન રાખતી હશે. ટુંકમાં બગીચામાં ફરનારા લોકો અસ્ત વ્યસ્ત અને મનના તરંગો મુજબ વ્યવહાર કરતા હશે.

જ્યારે ક્વાયત કરતા સૈનિકોના હાથ, પગ, હથીયાર બધું શિસ્ત બદ્ધ અને સરખું હશે. બંને સ્થળોએ માણસો છે પરંતુ એક સ્થળે નીયમ છે, શિસ્ત છે, અનુશાસન છે જ્યારે બીજા સ્થળે સ્વતંત્રતા છે પણ સાથે સાથે અસ્તવ્યસ્તતાયે છે.

જીવનમાં ડગલે અને પગલે આપણે શિસ્તની જરુર પડે. અભ્યાસખંડમાં શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ હોય તો શિક્ષકને ભણાવવું સહેલું થઈ પડે. વેપારીએ વ્યવસ્થિત માલ સામાન ગોઠવ્યો હોય તો ગ્રાહકને ડીલીવરી કરવી સહેલી પડે. ખેતીમાં વ્યવસ્થિત ચાસ કરીને ચોક્કસ અંતરે બીજ વાવ્યા હોય તો પાકને લહેરાવું સહેલું પડે. ઋતુઓના ચક્રો નિયમિત હોય તો માણસને જીવવું સહેલું પડે. જે દેશમાં નાગરીકો અને વહિવટકર્તાઓ શિસ્તબદ્ધ હોય તે દેશને ચલાવવો સહેલો પડે તેનો વિકાસ ઝડપી થાય.

એકની એક વસ્તુ બે જુદા જુદા વેપારી પાસેથી એક જ ભાવે ખરીદવાની હશે તો જે વેપારી ઝડપી ડીલીવરી આપશે તેની પાસેથી ગ્રાહક ખરીદી કરવાનો આગ્રહ રાખશે. બસ,ટ્રેન,વિમાન અને યાતાયાતના અન્ય સાધનો જો ચોક્કસ સમયે ઉપડે અને ચોક્કસ સમયે ગંતવ્ય સ્થાને પહોંચાડે તો ઘણાં બધા વ્યવહાર સરળ થઈ જાય.

પ્રકૃતિમાં મહદ અંશે બધું વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ ચાલે છે. પૃથ્વી અને અન્ય ગ્રહો પોતાની ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગતી કરે છે તેથી અથડામણ થતી નથી. મનુષ્યો અને પ્રાણીઓમાં આવી કશી શિસ્ત જોવા મળતી નથી તેથી વારે તહેવારે અને ક્ષણે ક્ષણે અથડામણ જોવા મળે છે.

કોઈ એક નિશ્ચિત ધ્યેય હાંસલ કરવું હોય તો તેને માટેના નીયમો ઘડીને પછી શિસ્તબદ્ધ રીતે તે ધ્યેય હાંસલ કરવાના સોપાનો ગોઠવીએ અને તે પ્રમાણે કાર્ય કરીએ એટલે સફળતા નીશ્ચિત થઈ જાય છે.

વ્યવહારમાં યે શિસ્ત જોઈએ. ચોક્કસ સમયે ઉઠનારા, ચોક્કસ સમયે દૈનિક કાર્યો કરનારા વધારે સફળ થતા હોય છે. શરીરમાં લેવાતો આહાર અન્ન અને મનમાં ગ્રહણ કરાતો ઈંદ્રીયોનો વ્યાપાર પણ જો શિસ્તબદ્ધ હોય તો મગજના રાસાયણીક સ્ત્રાવો શિસ્તબદ્ધ વહેશે અને જીવન સૂર તાલમાં સુમધુરુ બની રહેશે પણ જો આહાર અને ઈંદ્રિય વ્યાપાર અવ્યવસ્થિત હશે તો મગજના રાસાયણિક સ્ત્રાવો પણ ગમે તે રીતે સ્ત્રવશે અને પરીણામે જાત જાતના મન અને શરીરના રોગોના શીકાર થઈ પડાય.

ટુંકમાં જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં શિસ્તબદ્ધ વ્યક્તિ અનીયંત્રીત રીતે વર્તનારા કરતા વધું શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરશે.

મીત્રો, આપણે પણ આજથી શિસ્ત બદ્ધ બનીને પહેલાં કરતા વધારે સુવ્યવસ્થિત બનવાનો પ્રયાસ કરશુંને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

ક્રીયાશક્તિ – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૦)


મીત્રો,

એકાએક ઠેસ આવે અને હું ગડથોલીયું ખાઈને પડી જાઉ – આજુબાજુના લોકો હસવા લાગે, કોઈક તો વળી કહે પણ ખરા કે જોઈને ચાલતો હોય તો, કેટલાક જોયું ન જોયું કરીને મુંછમાં હસતા હસતા ચાલ્યા જાય, કોઈક બુમ પાડે અને કહે કે અરે અરે કાઈ વાગ્યું તો નથીને?

તેવામાં એક વ્યક્તિ આવે મારો હાથ પકડીને મને બેઠો કરે, ધીરે ધીરે હાથનો ટેકો આપીને ઘર સુધી લઈ જાય, માટલામાંથી પાણીનો ગ્લાસ ભરીને મને પાણી પાય, દવાના કબાટમાંથી સેવલોન કે ડેટોલ કાઢીને મારા છોલાયેલા ગોઠણ પર જામેલું લોહી સાફ કરે. ધીરેથી ટીંચર બેન્જોઈન લગાવે, ફુંક મારીને બળતા ગોઠણની બળતરા સહ્ય બનાવે. ધીરેથી પુછે કે હવે કેમ છો?

અનેક લોકોના તે ટોળામાંથી મને સહુથી વધુ કોણ પસંદ હશે?

યાદ કરો પેલી બગીચાના બે માળી અને શેઠની વાર્તા. એક માળી બગીચાનું ધ્યાન રાખતો અને બીજો શેઠની વાહ વાહ કર્યા કરતો. શેઠને ક્યો માળી પસંદ હશે? સ્વાભાવિક છે કે કામ કરતો માળી પસંદ હશે.

મારા બા એટલે કહેવતોની ખાણ (આજે તેમનો જન્મ દિવસ છે). વાત વાતમાં કહેવત કહ્યાં કરે. ઘણી વખત તેઓ કહે કે – ઝાઝા હાથ રળીયામણા. કહેવત સાંભળ્યા પછી જેના અર્થ ન સમજાય તે હું તરત પુછું કે બા તે વળી શું? તો હસીને સમજાવે – દિકરા, હાથ કામ કરવા માટે છે અને જો સમુહમાં જોડાઈને હાથ કાર્ય કરતા હોય તો બધું રળીયામણું થઈ જાય.

શબ્દોની પોતાની એક તાકાત છે તે વાત સાચી પણ ક્રીયા તે તો જીવનનું ચાલક બળ છે. શું માત્ર શબ્દોથી કાર્ય થાય? કોઈ એમ કહે કે શબ્દો તો મારા શ્વાસ છે પણ પેટ ભરવા માટે શબ્દો કામ લાગે કે ક્રીયા? કોઈના વાંસે ફેરવેલો પ્રેમભર્યો હાથ હજ્જારો શબ્દોની કવિતા કરતા વધારે અસર કરશે.

સ્વામી વિવેકાનંદ કહેતા તમારા મસ્તિષ્કને ઉચ્ચ વિચારો અને સર્વોચ્ચ આદર્શોથી ભરી દો. શું કામ? લેખ લખવા માટે કામ લાગે એટલે? ના, પરંતુ તે વિચારો અને આદર્શોમાંથી મહાન કાર્યનો જન્મ થશે માટે. આજે રામકૃષ્ણ મીશન લોક કલ્યાણના આટ આટલા કાર્યો કરી શક્યું તેનું કારણ તેમની પાછળ રહેલા શુદ્ધ વિચારો અને પછી તેને વ્યવહારમાં મુકવાની પુરુષાર્થભરી ક્રીયા છે.

ખરાબીને દુર કરવા માટે નસ્તર મુકવું પડે, દુષ્કૃત્યોને અનુમોદન ન આપી શકાય જરુર પડે તેને વખોડવાયે પડે – સાથે સાથે તે પણ જોવું પડે કે પાપડી ભેગી ઈયળ ન બફાઇ જાય. દુષ્કૃત્યો, બદીઓને વખોડવામાં એવું ન બને કે સમાજ પોતાની અંદર રહેલી શક્તિઓ ભુલી જાય. મને વિચાર પ્રેરક ફીલ્મો ગમે છે. યાદ કરો – તારે ઝમી પર – બાળક મુરઝાઈ જાય છે, બાપને કશી ગતાગમ નથી કે બાળકને શું મુશ્કેલી છે, બધું બે બે દેખાય છે, બોર્ડ પર શું લખે છે તે સમજાતું નથી. મા બીચારી પીડાય છે બાળકના દુ:ખે અને બાપ બાળકને રેસના ઘોડાની જેમ દોડાવવા ઈચ્છે છે. બાપ સમજવાને બદલે છોકરાને હોસ્ટેલમાં મુકી આવે છે. આ તો ભલું થજો ચિત્ર શિક્ષકનું કે તે બાળકને સમજી શકે છે નહીં તો શું થાત બાળકનું? નકારાત્મકતા અને ટીકાથી તે બાળક જીવતે જીવ ન મરી ગયો હોત? ટીકાકારોમાં પણ ટીકા કરતી વખતે વિવેકભાન હોવું જોઈએ.

એક વ્યક્તિ ટીકા કર્યા કરે કે આ ખરાબ છે, તે ખરાબ છે, આમ ન હોવું જોઈએ અને તેમ ન હોવું જોઈએ – પણ ઉકેલ દર્શાવવા માટે કેમ વિચારણા નથી થતી? કારણ કે કોઈને કાર્ય નથી કરવું પોકળ શબ્દો બોલ્યા કરવા છે. તેના બદલે તે ઉપાયો દર્શાવશે, ખરેખર કાર્ય કરવા માટે પોતાનો હાથ લંબાવશે તો કોઈ ભાષણબાજી ની જરુર નહીં રહે.

નેટ પર આખો દિવસ ગીતડા ગાયા કરતી સ્ત્રી વધારે સમાજ સેવા કરે છે કે પોતાના સંતાનના આરોગ્ય અને અભ્યાસની ખેવના રાખતી માતા?

સાત્વિકતાનું મહોરું પહેરીને તમોગુણી ગધેડો અત્યારે ભારત વર્ષને ઘમરોળી રહ્યો છે તેવે વખતે સ્વામી વિવેકાનંદના આ શબ્દો યાદ રાખવા જેવા છે :

અત્યારે જરુર છે પ્રબળ કર્મયોગની અને સાથો સાથ હૈયામાં અખૂટ હિંમત અને અદમ્ય બળની.

મીત્રો, તો આજે વિજયાદશમીના દિવસે આસુરી શક્તિ પર દૈવિ શક્તિનો પુરુષાર્થ દ્વારા વિજય થયો હતો તેની પાવન સ્મૃતિમાં આપણે સહુ ઉત્તમ વિચારો અને ઉત્તમ કાર્યોથી આપણાં લાગણી સભર બાગને હર્યો ભર્યો અને સુગંધિત બનાવવા માટે કમર કસશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

અશક્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૯)


મીત્રો,

ઘણી વખત આપણે અશક્ય શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. જેમ કે :-

* તે માણસમાં સમજણ આવે તે વાત અશક્ય છે.
* મરેલો માણસ પુન:જીવીત થાય તે અશક્ય છે.
* માણસ સુર્ય પર જઈ શકે તે અશકય છે.
* માછલીઓ તરવાને બદલે ઝાડ પર ચડી જાય તે અશક્ય છે.
* ટુથપેસ્ટના પાઉચમાંથી નીકળી ગયેલી ટુથપેસ્ટ પાછી તેમાં ભરી દેવી તે અશક્ય છે.

એટલે કે જે વાત વ્યવહારીક રીતે સત્ય થઈ શકે તેવી ન હોય તેને આપણે અશક્ય છે તેમ કહેતા હોઈએ છીએ.

આપણે સમજવું જરુરી છે કે કોઈ પણ બાબત શક્ય છે કે અશક્ય છે તે એટલું અગત્યનું નથી પરંતુ કોઈ પણ બાબત જરુરી છે કે નહીં તે જાણવું અગત્યનું છે.

વિદ્યાર્થીને માટે વિદ્યાભ્યાસ, ગૃહસ્થને માટે ધન, કુટુંબના સભ્યોને એકબીજાની હુંફ, મીત્રને દોસ્તની સાથે હળવું મળવું અને સંવાદ દ્વારા વધુ પરિપક્વ થવું વગેરે બાબત આવશ્યક હોય છે. હા ઘણી વખત તે શક્ય નથી હોતું છતાં જે કાઈ બાબત જરુરી હોય તે જો યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો શક્ય થઈ શકે તેમ હોય છે.

એવું ક્યાંક વાચ્યું છે કે નેપોલીયન બોનાપાર્ટ (નેપોલીયન હીલ નહીં) કહેતા કે મારી ડીક્ષનેરીમાં Impossible નામનો કોઈ શબ્દ જ નથી – એટલે તેનો અર્થ તેમ નથી કે દરેક બાબત તેના માટે શક્ય હતી પણ તેનો અર્થ તેમ થતો કે તેણે કરવા ધારેલા કઠીન કાર્યો પણ તે પોતાના પુરુષાર્થ અને સામર્થ્યના જોરે કરી શકતા.

૩ ઈડીયટ્સનું દૃશ્ય યાદ કરો – અકળાઈ ગયેલો રાજુ ટુથપેસ્ટ દબાવીને બધી બહાર કાઢીને ફરહાનને કહે છે કે લે બધું શક્ય હોય તો આ પાછી આમાં ભરી દે. આ દૃશ્ય મનમાં અનેક વિચારો જન્માવે છે – કોણ સાચું?

રાજુ, ફરહાન કે રાન્ચો?

રાન્ચો કહે છે કે બધું શક્ય છે, ફરહાન તેને રાન્ચોની વાત સમજાવવાનો પ્રયાસ કરે છે અને રાજુ ક્રોધાવેશમાં વિચિત્ર વર્તન કરીને પુછે છે કે જો બધું શક્ય છે તો આમ કરી શકીશ?

જવાબ બધાનો જુદો હશે, વિશ્લેષણ કરવું પડે તેવી ઘટના છે. પહેલી વાત તો ટુથપેસ્ટ જરૂર નહોતી તો આટલી બધી બહાર શું કામ કાઢી? આ પાછી નથી જઈ શકતી તેમ બતાવવા? તેવી જ રીતે નાના છોકરા ગુસ્સે થાય ત્યારે પુસ્તકના પાને પાના ફાડી નાખે, પત્નિ ગુસે થાય તો છાપાના ટુકડે ટુકડા કરી નાખે. પીતા કે પતી તેને ફરીથી જોડી ન શકે – નવું પુસ્તક લાવી શકે, તે દિવસનું છાપું વાંચવાનું જતું કરી શકે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ શક્ય છે – પરિસ્થિતિને પહેલા જેવી કરી દેવાનું હમ્મેશા શક્ય નથી હોતું.

પ્રકૃતિ નીરંતર પરિવર્તન પામતી રહે છે. હું ગઈકાલ ના જેવો આજે ન થઈ શકું. પરંતુ આજે કેમ સારી રીતે જીવવું તેનું સમાધાન ચોક્ક્સ મેળવી શકું.

બુદ્ધ કલિંગના યુદ્ધમાં મરાઈ ગયેલા અસંખ્ય સૈનિકોને ફરી જીવીત ન કરી શકે પરંતુ અશોકની બુદ્ધિ ઠેકાણે લાવી શકે અને તેને તલવાર મ્યાન કરાવીને ઘોડા પરથી હેઠે ઉતરાવીને ધર્મના પ્રચાર પ્રસારમાં પ્રવૃત્ત કરી શકે.

કહેવાનું તાત્પર્ય તે છે કે કોઈ પણ બાબત શક્ય છે તેમ કહી ન શકાય પરંતુ જરુરી હોય તેવી કોઈ પણ બાબતનું સમાધાન શક્ય છે – તેમ કહી શકાય.

આ વિચાર પર અનેક વમળ મારા મનમાં ઉઠ્યા છે – આજે આ વિચાર પર વધુ લખવાનું મારા માટે શક્ય નથી પરંતુ તેનો અર્થ તેમ નથી કે આ વિચાર પર લખવાનું મારા માટે અશક્ય છે.

મીત્રો, તો આજથી જ કોઈ બાબત અશક્ય છે તેમ કહી દેવાને બદલે કોઈ પણ બાબતનો સમાધાનકારી ઉકેલ કેવી રીતે શક્ય છે તે શોધી કાઢવાનું અને તે પ્રમાણે જીવનને યોગ્ય દિશા આપવાનું શરુ કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.