લંડનથી પ્રગટ થતાં ગુજરાતી સામયિક અને વિચારપત્ર ઓપિનિયન (તંત્રી:વિપુલ કલ્યાણી)નો માર્ચ 2013નો અંક પ્રકાશિત થઈ ગયો છે. જે આ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે.
http://www.gujaratilexicon.com/magazine/opinion/84/download
આશરે 15000થી વધુ વાચકોને PDF ઓપિનિયન દર મહિને એમના inbox માં મળે છે.
માર્ચ 2013નો અંક એ ઓપિનિયનનો ‘આખરી’ અંક છે. 1995થી 2010 સુધીનાં 15 વરસો મુદ્રિત સ્વરૂપે અને ત્યાર બાદ 3 વરસો સુધી ડિજિટલ (PDF) સ્વરૂપે એમ 18 વરસોની સફર પછી ‘ઓપિનિયન’ દર મહિને પ્રગટ થતા અંક સ્વરૂપનો સંકેલો કરે છે. જો કે ઓપિનિયન એની વેબસાઈટ
http://us-mg6.mail.yahoo.com/neo/www.opinionmagznine.co.uk
દ્વારા જીવંત રહેશે અને સર્જકો દ્વારા મળતી કૃતિઓ આ વેબસાઈટ પર પ્રગટ થયાં કરશે.
વિલાયતના ગુજરાતી ડાયસ્પોરામાં, રોજિંદા જીવન અને વાણીવ્યવહારમાં અંગ્રેજીના વાવંટોળ વચ્ચે આ એકલવીરે ગુજરાતી ભાષાનો દીવડો પંડની આડશે આટલાં વરસો સુધી સુધી ટમટમતો રાખ્યો છે. આ માટે આપણા સૌની આ એકલવીરને સલામ. ‘પરદેશમાં ગુજરાતી ભાષા/સાહિત્ય’ની વાત નીકળે ત્યારે ઓપિનિયનનું નામ લીધા વગર ન જ ચાલે. આ બાબતે ઇતિહાસમાં પણ એનું એક આગવું સ્થાન હશે જ. ઓપિનિયનની અનેક દેણગીઓ વચ્ચે આટલી બાબતો ઊડીને આંખે વળગે એવી છે:
– એક પણ જાહેરાત લીધા વગર અઢાર-અઢાર વરસ સામયિક ચલાવવું.
– એકે હજારા શી ખમતી: તંત્રી, સંપાદક, પ્રૂફરીડર, વિતરકથી માંડી જે ગણો તે એક જ વ્યક્તિ અને એના પરિવારની નિષ્ઠા.
– અનેક નવા સર્જકો પહેલીવાર આ સામયિક દ્વારા ગુજરાતી ભાષાને મળ્યા.
– લેખકો અને પ્રતિભાવકોનો, સામયિકમાં છપાતાં ઠામ-ઠેકાણાં દ્વારા, સીધો સંપર્ક.
– ગમે તેવા આકરા પ્રતિભાવો/મંતવ્યોનો સ્વીકાર અને સામયિકમાં સ્થાન.
– તળ ગુજરાતના કોઈ પણ સામયિકમાં પણ દુર્લભ એવી ઊંચા સ્તરની જાગતિક, શિષ્ટ, પ્રકીર્ણ, સાહિત્યિક અને વૈચારિક સામગ્રીનું મૂલ્યનિષ્ઠ પીરસણ.
– ગુજરાતી ડાયસ્પોરા દ્વારા વિલાયત, અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આક્રિકા જેવા દેશોમાં રચાતા સાહિત્યનો અવિરત પ્રચાર-પ્રસાર અને એને તળ ગુજરાતના મુખ્યપ્રવાહના સાહિત્ય સાથે જોડવાનો અપૂર્વ પુરુષાર્થ.
વેબસાઈટ અને સોશિયલ મીડિયા દ્વારા ઓપિનિયન વૈશ્વિક ગુજરાતી કોમમાં કોઈ પણ જાતના વાડા/સિમાડા વગર હજી વધુ પ્રસરે અને ગુજરાતી લખતી – વાંચતી – બોલતી – જીવતી પેઢીઓને પોતીકું વાંચતી, વિચારતી અને લખતી કરે એવી શુભેચ્છાઓ.
વિપુલભાઈ અને ઓપિનિયનને તમારા સંદેશાના એક-બે વેણ આ લિન્ક પર જઈ પાઠવશો તો આભારી થઈશું.
https://www.facebook.com/groups/glauk/permalink/409971089101450/
શ્રી પંચમ શુક્લના ઈ-મેઈલ પરથી સીધું પ્રસારણ