Posts Tagged With: પડકાર

હવે તમારો દાવ – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૪)

જીદંગી એક રમત છે – રમો
જીંદગી એક પડકાર છે – જીલો
જીંદગી એક તક છે – ઝડપી લ્યો

શું તમે ક્યારેય શતરંજ રમ્યા છો? આ રમતમાં બે ખેલાડી હોય છે. બંને પાસે કુલ ૧૬ મહોરાં હોય છે.

રાજા (૧) – એક ડગલું બધી દિશામાં ચાલી શકે.
પ્રધાન (૧) – બધી દીશામાં ગમે તેટલાં ડગલા ચાલી શકે.
હાથી (૨) – કોઈ પણ દિશામાં સીધું ગમે તેટલા ડગલાં ચાલી શકે.
ઘોડા (૨) – આજુબાજુના કુલ આઠ ખાનામાં ૨.૫ ડગલા ચાલી શકે.
ઉંટ (૨) – કોઈ પણ દિશામાં ત્રાંસુ ગમે તેટલા ડગલાં ચાલી શકે.
પાયદળ (૮) – પ્રથમ વખત એક કે બે અને ત્યાર બાદ એક ડગલું સીધું ચાલી શકે અને મારતી વખતે ત્રાંસુ ચાલે.

કોઈ પણ મહોરાને મારી શકાય પણ રાજાને મારી શકાય નહીં. રમતનો હેતુ જ સામાવાળાના રાજાને કેદ કરવાનો છે. સામે વાળા પાસે વધારે મહોરા હોય તો પણ જો તેનો રાજા કેદ થઈ જાય તો તે હારી ગયો ગણાય. દુર્યોધન મહાભારતના યુધ્ધમાં હારવા લાગેલો ત્યારે તેણે યુધિષ્ઠીરને જીવતા પકડવા તેવો વ્ય઼ુહ ઘડ્યો હતો.

આ આખીયે રમત બોર્ડ ઉપર રમાય. બે ખેલાડી કશું બોલે નહીં, માત્ર દિર્ઘ કાળ સુધી વિચારે પછી એક ચાલ ચાલે અને ફરી પાછા વિચાર કરવા લાગે. બંને ખેલાડીએ વારા ફરતી એક ચાલ ચાલવાની. જેનો રાજા કેદ થઈ જાય તે હારી જાય. USA, USSR ના ખેલાડી શતરંજમાં આગળ પડતાં હોય છે. હાલમાં ભારતના વિશ્વનાથ આનંદનો આ ખેલમાં ડંકો વાગી રહ્યો છે. આ ખેલ તમને માનસીક સંઘર્ષ કરતાં શીખવે છે. જો કોઈએ સારા પ્રોગ્રામર બનવું હોય તો તેણે શતરંજ જરૂર રમવું જોઈએ. જેનું ગણીત અને તર્ક સારા હોય તે આ રમતમાં સહેલાઈથી વિજયી નીવડી શકે છે, અનેક શક્ય ચાલોમાંથી જે કુનેહભરી ચાલ ચાલે છે તે જીતે છે અને જે મુર્ખાઈભરી રીતે વિચાર્યા વગર આડે ધડ ચાલ ચાલે છે તે હારે છે. રમતને અંતે કોઈ કશું મેળવતું નથી કે કોઈ કશું ગુમાવતું નથી (સિવાય કે સમય) પણ આ રમત ખેલાડીને માનસીક રીતે મજબુત બનાવે છે. હાર અને જીત બંને પચાવવા માટે સક્ષમ બનાવે છે. આ રમત શક્ય હોય તો દરેકે સમયનું ભાન રાખીને અઠવાડીયે બે-ત્રણ કલાક તો રમવી જ જોઈએ..

જીંદગી એક પડકાર છે તે વિશે આપણે આગળના લેખમાં થોડું જોયું હતુ. તેના વિશે ખાસ કશું લખવા જેવું નથી કારણ કે આપણે જીવનમાં ડગલે અને પગલે અનેક પડકારોને અનુભવીએ છીએ. પ્રશ્ન માત્ર તે છે કે આ પડકારોને આપણે પગથીયાં બનાવીને આગળ વધીએ છીએ કે દિવાલ સમજીને અટકી જઈએ છીએ.

જીંદગી એક તક છે – પ્રત્યેક સવાર એક નવી તક લઈને આવે છે. પરોઢીયે પંખીઓ દાણાં ચણવા નીકળી પડે છે. વૃક્ષો પર નવા ફુલો આવે છે. વાતાવરણમાં નવી તાજગી આવે છે. ત્રણે તાપમાંથી રાહત આપનારી યામિની દરમ્યાન વિશ્રામ પામ્યાં બાદ પ્રભાત આપણે માટે એક નવો દિવસ, એક નવી તક, એક નવી યાત્રા લઈને આવે છે. આપણાંમાંથી જેઓ રોજે રોજ આ તકને ઝડપતા રહે છે, જીવનને આનંદથી જીવતા રહે છે, જીંદગીની આ સફરને ઉત્સાહપૂર્વક ખેડતાં રહે છે તેઓ હંમેશા તરોતાજા રહે છે. તેમની આસપાસ આવનાર સહુ કોઈ તેના ઉત્સાહથી સંચારીત થઈને પ્રફ઼ુલ્લિત થઈ જાય છે. તેના જીવનમાં નિત્ય નવીન રીતે દામિની અજબ ગજબના ચમકારા કરે છે. તેની પ્રજ્ઞા પ્રગાઢ થતી જાય છે. તે જાણે કે પરેશ (પરમાત્મા/બ્રહ્મા/વિષ્ણુ) બની જાય છે. તેઓ પોતાના અને બીજાના જીવનનું કલ્યાણ કરનારા કલ્યાણી બની જાય છે.

બોલો તો તમે જીવનની રમત રમવા, જીવનના પડકારને ઝીલવા અને જીવનમાં આવતી તકને ઝડપવા માટે તૈયાર છો?

તમે જ નક્કી કરો કે:

હું છું સપનું કે જોનારો, હું પ્યાદું કે હું રમનારો ?
તર્કવિતર્ક બધા છોડી દૈ રમવાનું છે રામભરોસે – મધુમતી મહેતા

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , , , , , , | Leave a comment

શું જીવન એક પડકાર છે? – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૩)


સતત દબાવી દે તેવા પ્રતિકુળ સંજોગો વચ્ચે વ્યક્તિત્વનો થતો વિકાસ અને પ્રગતી એનું નામ જીવન – સ્વામી વિવેકાનંદ.

જીવન શું છે? જીવન એક પડકાર છે. પ્રત્યેક ક્ષણે જીવવા માટે સંઘર્ષ કરવો પડે છે. નબળાને દબવી દેવા માટે સબળો હંમેશા તત્પર રહે છે. નાના નાના પ્રાણીઓનો મોટાં પ્રાણીઓ શિકાર કરે છે. નાની માછલીઓને મોટી માછલીઓ ખાઈ જાય છે. નાના નાના ઉધ્યોગગૃહોને બહુ-રાષ્ટ્રીય કંપનીઓ હડપ કરી જાય છે. પ્રાણી માત્રને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સતત સંઘર્ષ કરવો પડે છે. જે વ્યક્તિ, કુટુંબ, સમાજ, જાતી, સમૂહ, પ્રજા અને દેશ સતત પડકારોને જીલતાં રહીને અવિરત સંઘર્ષ કરે છે તેઓ જ માત્ર પોતાનું અસ્તિત્વ ટ્કાવી રાખવા માટે સક્ષમ બને છે.

કોઈ કાયમને માટે ક્યારેય નીંરાત ન અનુભવી શકે. આટલાં રુપિયા કમાઈ લીધા એટલે હાશ કે આટલું જાણી લીધું એટલે હાશ તેવું થઈ શકતું નથી. પ્રકૃતિની પકડમાંથી કોઈ છટકી શકતું નથી. કોઈ આર્થિક વિકાસ સાધી લે તો પ્રકૃતિ તેને હોનારત અને મહામારીના એક જ પ્રહારથી જમીનદોસ્ત કરી શકે છે. કોઈ શારિરિક વિકાસ પ્રાપ્ત કરી લે તો પ્રકૃતિ તેને આર્થિક રીતે ભીંસમાં લેશે. કોઈ બૌદ્ધિક વિકાસ સાધી લે તો પ્રકૃતિ તેના પર જાતજાતના આરોપો અને લાંછન લગાડીને તેને સકંજામાં લેશે. અહીં કોઈને સંપૂર્ણ સુખી જોવા તે આકાશ કુસુમવત છે.

તો આ સતત પડકારોનો સામનો કઈ રીતે કરશું? તેનો જવાબ છે સતત પોતાનું આંતરિક સત્વ મજબુત કરતા જવું. સ્વામી વિવેકાનંદ કહે છે કે – બાહ્ય પરિસ્થિતિ પર આપણો ભલેને બિલકુલ કાબુ ન હોય પણ આપણી આંતરિક પરિસ્થિતિ પર કાબુ મેળવવો તે તો આપણાં હાથની વાત છે. અને જે વ્યક્તિ મજબુત મનનો, વિશાળ હ્રદયનો અને સાથે સાથે સતત પોતાની બૌધ્ધિક ક્ષમતા વિકસાવવા માટે કૃતનીશ્ચયી હોય જે દૃઢ નીતીમાન અને ચારિત્ર્યવાન હોય તેની પર લોકો ગમે તેટલો કાદવ ઉછાળે તો પણ તે સતત પોતાના હોઠો પર એક સ્મિત ફરકતું રાખે છે. લોકોની ટિકાઓનો જવાબ તે પોતાના મજબુત ઈરાદાઓ અને હૈયાની મક્કમતાથી એક નાનકડાં સ્મિત દ્વારા આપે છે.

જીવનના યુદ્ધમાં જે સમજી લે છે કે “હું તો બસ અહિં ફરવા આવ્યો છું – હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું” – તેવી વ્યક્તિ સતત કાર્યરત રહેતી હોવા છતાં કશુંયે કરતી નથી. મોટાં મોટાં મહેલોનો વૈભવ હોય કે ભોંય પથારીએ સુતો હોય તેના મુખની એક પણ રેખા વક્ર બનતી નથી. તેના હ્રદયમાંથી સ્નેહની સરવાણીઓ કદીયે ખૂટતી નથી. તેના હાથ મહેંદી મુકાયેલા હાથ જેવા લાલમલાલ હોય છે, તે એક પ્રેમના પમરાટ જેવી હોય છે. તેની પ્રજ્ઞા કદીયે ઘટતી નથી. તે મીતાહારી હોય કે અલ્પાહારી હોય કે વૃકોદરની જેવો અકરાંતીયો હોય તે જે કાઈ ખાય તે પચાવવાની તેનામાં ક્ષમતા હોય છે. તે તલવારધારીઓ કે મુક્કા ઉગામનારાઓથી ડરતી નથી અને નાના નાના બાળકોને ક્યારેય ડરાવતી નથી. તેના હ્રદયમાં હંમેશા અલખનો એક અક્ષર નાદ થયા કરે છે. તે વાંચે છે, લખે છે, હસે છે, રમે છે, રડે છે, ગીતો ગાય છે, નાચે છે, કુદે છે અને આવું બધું જ કરતી હોવા છતાં કશું જ કરતી નથી. તેના કંઠમાંથી “ટહુકા”ઓ ટહુક્યા કરે છે, તેની આંખોમાંથી પ્રેમ નીતરતો રહે છે. તેના વાત્સલ્યનો પ્રેમાળ હાથ સતત ફરતો રહે છે. તેના લાગણી ભીના શબ્દો અનેકના હ્રદયને શાતા આપ્યા કરે છે. તે સંત ન હોવા છતાં સંત છે. તે મૌન ન રાખતી હોવા છતાં મુનિ છે. તે સાધુ ન હોવા છતાં સિદ્ધ છે અને છતાંયે બધી જ સિદ્ધિઓથી પર હોય છે. આવું વ્યક્તિત્વ કેળવવું એ જીવનનું લક્ષ્ય છે.

બોલો શું તમે તમારા વ્યક્તિત્વને આવી ઉંચાઈ સુધી પહોંચાડવા અને જીવનમાં ડગલે અને પગલે આવતાં પડકારોને પડકારવા માટે અંદરથી તાકતવર છો?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.