મિત્રો,
હવે આપણે ધીરે ધીરે વેદાંતના થોડા સંસ્કારો પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. આદિ શંકરાચાર્ય કૃત શ્રી વાક્યસુધા નું વાચન તેનો અર્થ તથા શ્રી મન્નથુરામ શર્માજીની ટીકાનો ક્રમે ક્રમે અભ્યાસ કરશું. જ્ઞાન ઉતાવળે પ્રાપ્ત ન થાય. પ્રાપ્ત કરેલ જ્ઞાન મનનથી પચે અને પછી નિદિધ્યાસનથી આપણાં સ્વભાવમાં એકરુપ થાય ત્યાં સુધી ધીરજ ધરવી જરુરી હોય છે. શ્રી વાક્યસુધામાં કુલ ૪૩ શ્લોક છે.
મંગલાચરણ ને ગ્રંથની પ્રતિજ્ઞા
દોહરો
બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ-પાય;
ટીકા વાક્યસુધા તણી, ગુર્જર-ગિરા લખાય.
આ નામરુપાત્મક જગત નામનો કાદવ આત્માને લાગેલો પ્રતીત થાય છે તે મહાવાક્યરૂપ પરમ પવિત્ર જલ વડે ધોઈ નાખવા યોગ્ય છે. પદાર્થનું જ્ઞાન વાક્યાર્થના જ્ઞાનનું કારણ છે, માટે પ્રથમ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તત્વમસિ (તે બ્રહ્મ તું છે) આ મહાવાક્યમાં ત્વં (તું) એવું જે પદ છે તેના અર્થને ભગવાન ભાષ્યકાર પ્રથમ પાંચ શ્લોકો વડે જણાવે છે.
તેમાં પ્રથમ શ્લોક વડે દૃશ્યનો ને દૃષ્ટાનો વિવેક કરે છે.
રુપં દૃશ્યં લોચનં દૃક તત દૃશ્યં દૃષ્ટ માનસમ |
દૃશ્યા ધીવૃત્તય: સાક્ષી દૃગેવ ન તુ દૃશ્યતે || ૧ ||
શ્લોકાર્થ:
રુપ દૃશ્ય ને નેત્ર દૃષ્ટા,
તે દૃશ્ય ને મન દૃષ્ટા,
બુદ્ધિની વૃત્તિઓ દૃશ્યને સાક્ષી દૃષ્ટા,
તે સાક્ષી દૃશ્ય થતો નથી.
ટીકા:
લીલું, રાતું, ધોળું, પીળું, કાળું, લાંબું, ટુંકુ ને પહોળું ઈત્યાદિ રૂપોને તે રૂપોવાળી સર્વ સ્થૂળ વસ્તુઓ દૃશ્ય છે, ને તે દૃશ્યની અપેક્ષાએ નેત્રો દૃષ્ટા છે.
હમણાં મારા નેત્રો દૂરની વસ્તુઓ જોઈ શકતાં નથી, હમણાં મારાં નેત્રોનું સામર્થ્ય ઘટવા માંડ્યું છે, ને આગળ મારાં નેત્રોમાં બહુ સુક્ષ્મ વસ્તુઓ જોવાનું સામર્થ્ય હતુ, આમ નેત્રોની સ્થિતિનો વિચાર કરવામાં આવે છે ત્યારે નેત્રો દૃષ્ટા મટીને દૃશ્ય થઈ જાય છે, ને તે નેત્રોનું દૃષ્ટા મન છે એમ નક્કી થાય છે.
આ મનને વા અંત:કરણને, તેની વૃત્તિઓના ઉદયને તથા અસ્તને અને તેના શુભાશુભ વેગને જાણનારો અન્ય કોઈ છે એમ જણાય છે. આને જ વાસ્તવિક દૃષ્ટા અથવા સાક્ષી કહેવામાં આવે છે.
આ સાક્ષીની અપેક્ષાએ અંત:કરણની વૃત્તિઓ જે આગળ દૃષ્ટરૂપ ગણાતી હતી તે હવે દૃશ્યપણાને પામે છે. આ સાક્ષી અંતિમ-છેવટનો-દૃષ્ટા છે, તે કોઈનો દૃષ્ય થતો નથી. આ દૃષ્ટાનો જો બીજો દૃષ્ટા માનવામાં આવે તો અનવસ્થા દોષની પ્રાપ્રિ થાય છે.