સાતમું સૂત્ર : જેવી રીતે વાવાઝોડું નબળા વૃક્ષને તોડી પાડે છે તેવી રીતે ઈંદ્રિયોમાં વિષયાસક્ત, ઈંદ્રિયો પર કાબુ વગરની, આહાર વિહાર અને આચરણમાં અંકુશરહિત વ્યક્તિ પર ’માર’ સત્તા ચલાવે છે.
આઠમું સૂત્ર : જેવી રીતે દૃઢ પર્વત સાથે અથડાઈને વાવાઝોડું હારી જાય છે તેવી રીતે જેમનો ઈંદ્રિયો પર કાબુ છે, ઈંદ્રિયોના વિષયોમાં આસક્તિરહિત છે, ધ્યાન દ્વારા જેમણે સ્વનિયંત્રણ મેળવ્યું છે, જેમના આહાર વિહાર અને આચરણ નિયંત્રીત છે તેવી વ્યક્તિ સામે ’માર’ હારી જાય છે.
લગભગ પ્રત્યેક ધર્મમાં મનુષ્યના દુશ્મન તરીકે શેતાન, અસૂર, માર, માયા વગેરે કોઈ એક અનિષ્ટકારી તત્વને રજૂ કરવામાં આવે છે. વાસ્તવમાં આ સૂત્રો જણાવે છે કે જો આપણે આપણી પ્રકૃતિ પર કાબુ મેળવીએ તો દિવ્ય બનીએ છીએ અને જો આપણી પ્રકૃતિ આપણી પર કાબુ મેળવી લે તો આપણે પાશવી બની જઈએ છીએ.
આવશ્યકતા તે છે કે આપણી ઈંદ્રિયો, મન અને બુદ્ધિ પર આપણે પ્રબળ પુરુષાર્થ દ્વારા કાબુ મેળવીએ. જો તેમ કરવામાં સફળ થઈએ તો આપણી ઉર્ધ્વગતિ થાય છે અને જો ઈંદ્રિય, મન અને બુદ્ધિના પ્રવાહમાં તણાઈ જઈએ તો અધોગતિ થાય.