“📚✒️ લેખક : જિતેન્દ્ર પટવારી
http://www.facebook.com/Self-Tune-In-274610603329454/
(jitpatwari@rediffmail.com)
Cell:7984581614
©️આ લખાણ લેખક દ્વારા કોપીરાઈટ સુરક્ષિત છે; તેમાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર માટે તેમની પૂર્વસંમતિ આવશ્યક છે.
લેખ 19 અને 20માં સહસ્રારચક્ર સંતુલિત/સશક્ત કરવા માટેના વિવિધ (15) રસ્તા જોયા. થોડા વધુ ઉપાય જોઈએ.
16) ઉપવાસ ખૂબ મદદ કરે. કુદરતી પ્રક્રિયા છે કે મોટાભાગના લોકો જયારે હતાશા, ગભરાટ અથવા મૂંઝવણની સ્થિતિમાં સરી પડે ત્યારે ભૂખ તેમની મરી જાય. કોઈ પ્રાણી બિમારીની સ્થિતિમાં હોય તો તે ખોરાક લેવાનું બંધ કરી દે, શરીરને ‘Reboot’ કે ‘Reset’ થવા દે. આ સમયે બ્રહ્માંડની ઊર્જા જરૂરી એડજસ્ટમેન્ટ ક્રાઉનચક્ર સાથે કરી લે અને ફરી એ પ્રાણી દોડવા માંડે. મનુષ્ય કદાચ એ એડજસ્ટમેન્ટ ન થવા દે, ખોરાક લેવાનું ચાલુ રાખે અને પરિણામે તકલીફ પણ ચાલુ રહે.
જયારે ક્રાઉનચક્ર સંતુલિત કરવા માટેના એક માત્ર હેતુથી ઉપવાસ કરીએ તો વ્યવસ્થિત રીતે કરવાના રહે – પહેલાં તો શરીરને તૈયાર કરવું જોઈએ. ઉપવાસની આદત ન હોય તો પહેલા છ/આઠ/બાર કલાકના ઉપવાસથી શરૂઆત કરવાની, શ્રાવણ મહિનાના ફરાળ સાથેના ઉપવાસ નહિ. મહિને અથવા ૧૫ દિવસે એક વખત નિયમિત રીતે ચાલુ રાખીએ તો વધુ ફાયદો થશે.
17) સબલીમિનલ (Subliminal) રેકોર્ડિંગ્સ: નાનપણથી જ જૂદી-જૂદી વ્યક્તિઓ પાસેથી અલગ-અલગ વાતો આપણે સાંભળી હોય જેમ કે, “પૈસાના ઝાડ ન ઉગે”, “આ તારું કામ નહિ”, “કરકસરથી રહેવું જોઈએ”, “ભાઈ, હવે તો 50 થયા, કંઈ ને કંઈ માંદગી તો આવે ને”, “સીધી રીતે પૈસા ભેગા થતા હશે કોઈ દિવસ?” આવા સંદેશને સબલીમિનલ સંદેશ કહેવાય જે અર્ધજાગૃત (Subconscious) મનમાં કાયમી રીતે અડ્ડો અને જાગૃત મન પર અધિકાર જમાવીને બેઠા હોય, અનેક રીતે વ્યક્તિની પ્રગતિ રોકે અને ચક્રોમાં અવરોધ ઉત્પન્ન કરે કારણ કે વ્યક્તિની વિચારધારા અર્ધજાગૃત મનને આધીન છે. જેવા વિચાર તેવા કર્મ અને તેવું જ પરિણામ. નબળાં વિચાર પરિણામ પણ નબળાં જ લાવે ને ! જાગૃત મન તો અર્ધજાગૃત મનનું ગુલામ છે.
જૂના ભાડુઆતને કાઢવા માટે જેમ શામ-દામ-દંડ-ભેદ બધું વાપરવું પડે તેમ આ અર્ધજાગૃત મનના રહેવાસીઓને કાઢવા ન્યુરોલિન્ગ્વીસ્ટિક પ્રોગ્રામિંગ(NLP)ની વિવિધ ટેક્નિક છે જેમાંથી વિઝ્યુઅલાઈઝેશન અને એફર્મેશન્સ આપણે જોયા છે. હવે સબલીમિનલ રેકોર્ડિંગ્સ પણ ઉપલબ્ધ થયા છે જેમાં અમુક પ્રકારના અવાજના તરંગો અથવા સંગીત સાથે જરૂરી સબલીમિનલ સંદેશ (જે મૂળભૂત રીતે એફર્મેશન્સ છે) ગૂંથી લેવામાં આવ્યા હોય. આ રેકોર્ડિંગ્સ ઊંઘ દરમ્યાન કે કોઈ પણ કાર્ય કરતી વખતે બેકગ્રાઉન્ડમાં વાગ્યા કરે, અર્ધજાગૃત મનમાં નવા વિચારો રોપે, જૂના ભાડુઆતોને બહાર ધકેલી દે. આ રેકોર્ડિંગ્સ એક હળવા હિપ્નોસીસ જેવા હોય, નવા સંદેશ મોકલે, વ્યક્તિની માન્યતાઓ, વિચારશૈલી અને વર્તણુકમાં ધીરે-ધીરે બદલાવ લાવે. એફર્મેશન કે વિઝ્યુઅલાઈઝેશન માટે તાર્કિક (Logical) મગજ ને તૈયાર કરવું પડે, સબલીમિનલ સંદેશ લોજીકલ માઈન્ડને બાયપાસ કરી દે.
સહસ્ત્રારચક્રના સંતુલન માટે જરૂરી સબલીમિનલ રેકોર્ડિંગ્સ ની લિંક અહીં મુકું છું. બાઈનોરલ બિટ્સ તેમાં સમાવેલ છે. માટે હેડફોન વાપરવો વધુ ઉપયોગી છે, ઊંઘ દરમ્યાન નહિ.
18) સ્વઅહંકારદર્શન અતિ જરૂરી. અરીસામાં મોઢું દરરોજ જોઈએ એમ આ દર્શન પણ કરવા જોઈએ. થોડું મુશ્કેલ હશે, અશક્ય તો નથી જ. જૂની આદત છૂટે તેને વાર લાગે, પહેલા તબક્કામાં ખુદનું નિરીક્ષણ જરૂરી. થોડી સભાનતા સાથે જોઈએ કે ક્યારે મારા અહંકારે મને કોઈ કાર્ય કરાવ્યું કે કોઈ કાર્ય કરતા રોક્યો/રોકી. તેની નિયમિત નોંધ કરીએ. ક્રાઉનચક્રની સ્થિતિ બધા ચક્રની સ્થિતિ ને અસર કરે પરંતુ મૂળભૂત રીતે તો આધ્યાત્મિક ઉન્નતિ માટેનું આ ચક્ર અને અહંકાર તો આ ઉન્નતિના રસ્તા વચ્ચેનો સૌથી મોટો પથ્થર નહિ પણ ખડક છે. તેને ખસેડવો તો પડે. આમ પણ હસવા કે રડવા બંને માટે કોઈની જરૂર પડે. ઈસરોના સર્વોચ્ચ વૈજ્ઞાનિકને પ્રધાનમંત્રીના ખભાની રડવા માટે જરૂર પડી ગયેલી તે હમણાં જ TV પર જોયેલું છે અને એકલા-એકલા હસતા રહીએ તો કઈ હોસ્પિટલમાં દાખલ કરે એ કહેવાની જરૂર છે ખરી? ફક્ત એટલું યાદ રાખીએ કે અંતિમ યાત્રામાં ચાલીને જવાનું નથી, કોઈની જરૂર પડશે અને એ પછી મારા અંગત લોકો પણ સ્નાન કરીને શુદ્ધ થવા માટે દોડશે કારણ કે તેઓએ મારા આત્મા વગરના શરીરનો સ્પર્શ કર્યો હશે.
19) કુદરત સાથે વધુ જીવવાની વાત પહેલાં કરી. તેમાં થોડી વધુ વાત. દરેક વ્યક્તિની ઊર્જાને કુદરતના જૂદાં-જૂદાં સ્વરૂપ સાથે ઓછો-વધતો લગાવ હોય. કોઈ ને પર્વત ગમે તો કોઈને સમુદ્ર તો કોઈને જંગલ તો કોઈને પંખીજગત. જ્યાં આપણી ઊર્જા વધુ મેચ થતી હોય ત્યાં શક્ય તેટલો સમય ગાળવો જોઈએ. આપણને જ ખ્યાલ આવશે કે એ સમયે આપણા ચેતાતંત્રમાં અને સમગ્ર અસ્તિત્વમાં કેવો સકારાત્મક બદલાવ આવે છે.
20) ગુલાબ, સુખડ઼, લવંડર, ચમેલી, લોબાન વિગેરે સુંગધ ઉપયોગી છે – કેમિકલયુક્ત નહિ પરંતુ કુદરતી. જે પણ પ્રકારે આ સુગંધ લઈ શકાય તે રીતે લેવી જોઈએ, જો એલર્જી ન હોય તો.
21) ફક્ત આ ચક્ર માટે જ નહિ પરંતુ કોઈ પણ ચક્ર માટે અને પૂરાં ઘરની ઊર્જા શુદ્ધ કરવા માટે ધૂપ અતિ ફાયદાકારક છે. ધુપિયામાં છાણાં મૂકી તેના પર અજમો, કપૂર અને ઘી નાખી અગ્નિ પ્રગટાવવાનો, અગ્નિની જ્વાળા બંધ થાય અને ધુમાડો નીકળે ત્યારે ધૂપ પૂરાં ઘરમાં અને ખાસ કરીને દરેક ખૂણાઓમાં, દીવાલ પાછળ, બારણા પાછળ ફેરવવાનો. દુષિત ઊર્જાને રહેવા માટે આ ખૂણાઓ બહુ ગમે. ત્યાં ધૂપ કરી એ ઊર્જા ભગાડવાની. 15/20 દિવસ આ પ્રયોગ કરીશું તો બહુ સ્પષ્ટ ખ્યાલ આવશે કે ઘરની ઊર્જામાં અને વાતાવરણમાં કેટલો બદલાવ આવે છે.
22) ઘણા સંકેત સ્વપ્ન દ્વારા અથવા ધ્યાન દરમયાન આવે. સાપ દેખાય, પીંછા દેખાય, કોઈ ખાસ પંખી દેખાય, કોઈ મકાન દેખાય વિગેરે. મૃત્યુના પણ સંકેત આવે. થોડા સંકેત યાદ રહે, થોડા ભુલાય જાય. થોડા સમય પછી બધા ભુલાય જાય. રોજિંદી આદત તરીકે એક ડાયરી પલંગ પાસે રાખીએ અને એક ધ્યાનખંડમાં. ઊંઘ ઉડે ત્યારે કે ધ્યાનમાંથી બહાર આવીએ ત્યારે જ જે કંઈ યાદ હોય, અધૂરું તો અધૂરું, તેની નોંધ કરી લઈએ. દરેક વ્યક્તિને આધ્યાત્મિક પથદર્શક (Spiritual Guides) હોય જે સતત કોઈ ને કોઈ રીતે મદદ કરતા હોય, સંકેત આપતા હોય – કોઈ દ્રશ્ય બતાવીને, કોઈ ખાસ સુગંધ દ્વારા, કોઈ વિશેષ અવાજ સંભળાવીને, કોઈ પુસ્તક પહોંચાડીને, કોઈ વ્યક્તિને આપણા સુધી પહોંચાડીને. આંખ-કાન-નાક સતર્ક હોય અને મન જાગૃત હોય તો એ સંકેત પકડી શકાય.
23) દરેક સમયે ધ્યાન માથાના તાળવાં પર રાખવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ દ્રષ્ટિએ અઘરું અથવા અશક્ય લાગે . તેવું છે નહિ. થોડો સમય જરૂર લાગશે, અમુક મહિનાઓ કે એકાદ વર્ષ. ત્યાર બાદની સ્થિતિ ‘આહા’ જેવી આહલાદક હશે. લોકો પૂછશે કે આટલા સ્થિતિપ્રજ્ઞ કઈ રીતે રહી શકો છો, શું તમે એ જ વ્યક્તિ છો કે જેને અમે વર્ષોથી જાણતા હતા?
લખતાં, વાંચતાં, વાતો કરતાં, TV જોતાં – ટૂંકમાં દરેક સમયે ધ્યાન સહસ્ત્રાર પર રાખીએ. ક્રાઉનચક્ર એટલી હદે સંવેદનશીલ થઈ શકશે કે કોઈ પણ ખોરાક કે પીણાંનો સ્વાદ પણ ત્યાં ખ્યાલ આવશે અને આબોહવાનો બદલાવ પણ ત્યાં અનુભવાશે. તીખું ખાઈએ તો ત્યાં ખ્યાલ આવશે, ગરમ કે ઠંડુ પીણાંનો ખ્યાલ ત્યાં આવી શકશે અને વાતાવરણમાં ઉષ્ણતામાનનો ફેરફાર પણ ત્યાં ખ્યાલ આવી શકશે. એક જૂદી જ જાતનો આ અનુભવ રહેશે. આ અનુભવની સાથે-સાથે આંતરિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે.
જયારે શ્વાસ લઈએ ત્યારે પણ સભાનપણે એવી કલ્પના કરીએ કે શ્વાસ છેક સહસ્ત્રાર સુધી પહોંચી રહ્યો છે, ત્યાં શુદ્ધ જાંબલી રંગની ઊર્જા જઈ રહી છે અને ત્યાંના બધા અવરોધો દૂર કરી રહી છે.
24) એફર્મેશન્સ: NLP ટેક્નિક્સમાંની આ એક અતિ અગત્યની ટેક્નિક જે અર્ધજાગૃત મનને અસર કરી જબરદસ્ત બદલાવ લાવે, શરત એક જ કે નિયમિત રીતે અને વિશ્વાસ સાથે અમલમાં મુકવી જોઈએ. આ ચક્ર માટે નીચેના એફર્મેશન્સ કરી શકાય.
A) મારા આધ્યાત્મિક અસ્તિત્વનો મને ખ્યાલ છે.
B) હું મારા અંતર્મન સાથે સંપૂર્ણ સંકળાયેલ છું.
C) મારુ અસ્તિત્વ બીજા તમામ લોકોનાં અસ્તિત્વ સાથે સંકળાયેલ છે, અમે સર્વે બ્રહ્માંડની એક જ ઊર્જામાંથી બનેલા છીએ.
D)દિવ્ય ઊર્જા મારી આસપાસ અને મારામાંથી વહી રહી છે.
E) મારા અનુભવો અને જે વ્યક્તિઓને હું મળું છું તેનાથી મારો સતત વિકાસ થઈ રહ્યો છે.
F) દરેક ઘટના કોઈ ખાસ કારણોસર બની રહી છે, તમામ પ્રકારના બદલાવોને હું આવકારું છું.
G) મારા અંતરાત્મા સાથે મારો ઊંડો આધ્યાત્મિક સંપર્ક છે.
H) હું તદ્દન હળવાશ અને શાંતિ અનુભવું છું.
I) બ્રહ્માંડ મને જે કઈ ભેટ આપવા ઇચ્છતું હોય તેનો સ્વીકાર કરવા માટે હું સંપૂર્ણ તૈયાર છું.
25) ગુરુકૃપા : કોઈ પણ ચક્રશુદ્ધિ, કુંડલિની જાગૃતિ કે આધ્યાત્મિક ઉન્નતિ માટેનો સૌથી સરળ અને ઝડપી માર્ગ હોય તો તે ગુરુકૃપા – કોઈ એવા મહાપુરુષની કૃપા કે જે પોતે આ દિશામાં ખૂબ જ આગળ વધી ચૂકેલ હોય. આપણો દેશ ભાગ્યશાળી છે કે આવા સંત-મહાત્માઓ ભારત દેશની ભૂમિ પર વિદ્યમાન છે. માટે જ વિશ્વરભરમાંથી અધ્યાત્મ પિપાસુઓની ઈચ્છા હંમેશા એ રહે છે કે ભારતયાત્રા કરવી. સાચા ગુરુ સુધી પહોંચવા માટેનો સૌથી સરળ ઉપાય છે ‘પ્રાર્થના”. કોઈ પણ સમાધિષ્ટ ગુરુની સમાધિ પાસે પહોંચી ખરા દિલથી પ્રાર્થના કરવાની રહે કે મારે માટે જે નિર્મિત છે તે ગુરુ સુધી મને પહોંચાડો, રસ્તો આપોઆપ મળી આવશે.
૨6) સહસ્રારચક્રનું ધ્યાન: આજ્ઞાચક્ર વિષે ચર્ચા કરતી વખતે વાત થઈ કે સમાજમાં પ્રચલિત લગભગ તમામ ધ્યાનપદ્ધતિ આજ્ઞાચક્ર પાસે અટકી જાય છે, ભાગ્યે જ ક્રાઉનચક્રનું ધ્યાન જોવા મળે છે. મારા સદ્દનસીબે અનેક ધ્યાનપદ્ધતિઓનો અનુભવ કર્યા પછી હું ક્રાઉનચક્રના ધ્યાન સુધી પહોંચી શક્યો છું અને ગુરુકૃપા પણ મારી પર વરસી છે જેના પરિણામે જ કદાચ અતિ વ્યસ્ત દિનચર્યામાં પણ આજે હું આ બધા લેખ લખી શકું છું. તે ધ્યાન માટેની લિંક પણ આ સાથે મુકું છું. જેને અનુકૂળ આવે તે આ ધ્યાનકરી શકે. આધ્યાત્મિક જગતમાં એવું કહેવાય કે દરેક વ્યક્તિના ગુરુ પહેલેથી નક્કી જ હોય. સદ્દગુરુ તો બધા મહાન જ હોય છતાં એ જરૂરી નથી કે એક વ્યક્તિને જે ગુરુ અપીલ કરી ગયા તે બીજાને પણ કરે.
અત્યારના સમયમાં જયારે લોકોને સાચા ગુરુ વિષે ઘણી દ્વિધા અનુભવાતી હોય છે ત્યારે હવે વૈજ્ઞાનિક ઉપકરણો ઉપલબ્ધ છે કે જેનાથી નક્કી થઈ શકે કે કોઈ પણ વ્યક્તિ કે મહાત્માનું આધ્યાત્મિક સ્તર શું છે. આ પછી કોઈ લેખમાં એ વિષે વિગતે ચર્ચા કરીશું.
આ લેખમાળાના પ્રથમ તબક્કામાં આપણે મેટાફિઝિક્સ, ઓરા, કિર્લિયન ફોટોગ્રાફી, તેનો ઉપયોગ, જીવંત તથા નિર્જીવ તેમ તમામનો ઓરા, કુંડલિની, આપણી ક્ષમતા મુજબ તેનો જિંદગીભરમાં આંશિક જ ઉપયોગ, તેના વધુ ઉપયોગની સંભાવના, ત્રણ મુખ્ય નાડીઓ, અને 7 મુખ્ય ચક્રો વિષે માહિતી મેળવી. હવે તહેવારોની અને સાધનાની સીઝન આવી ગઈ છે. તમામ મિત્રોને મારી શુભકામનાઓ, વડીલોને પ્રણામ. તમામની સર્વાંગી ઉન્નતિ માટે દૈવી શક્તિઓને પ્રાર્થના.
જિતેન્દ્ર પટવારી
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)
[70 ગ્રુપ, 16000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારુ Limited 10 ✉ પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]
જોડાઓ, અમારી સાથે
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ:
https://t.me/limited10post